હૈ ! દેશના નાગરીકો ! દેશમાં ફેલાઇ રહેલ 'ગોડ વાયરસ'( GOD VIRUS)થી સાવધાન.
આપણા દેશના ન્યાયીક કાર્યક્ષેત્રમાંથી રાજ્યદ્રોહ( Sedition)અને ઇશ્વરનિંદા( Blasphemy)ની ફોજદારી દંડસંહીતા કલમોને ગેરકાયદેસર અથવા રદબાતલ કરી નાંખો!.
આ બે કાયદાકીય જોગાવઇઓને કારણે જે રાજકીય સત્તાધીશો સત્તા પર આવે છે તેને પોતાના રાજકીય વિરોધીઓ સામે બદલો લેવાનું મોકળું મેદાન મલી જાય છે. સત્તાપક્ષની નીતીઓ સામે વિરોધ કરવો, જ્ઞાન અને માહિતી આધારીત સત્તાપક્ષના નીર્ણયો અને નીતીઓ સામે બીજી બાજુ રજુ કરવી તે જાણે રાજ્યદ્રોહનો( રાષ્ટ્રદ્રોહ નહી) ગુનો બની ગયો જાય. તે રીતે રાજ્ય સત્તાધીશો પોતાના દમનનો કોરડો વાપરીને લોકશાહીમાં વિરોધી અવાજને સતત દબાવી દે છે. લોકશાહીનો સાદો અર્થ છે પ્રજાનો અવાજ, અથવા પ્રજાની અભીવ્યક્તી. તે કોઇ પક્ષ કે તેના નેતાના અવાજ( મન કી બાત) કે અભિવ્યક્તી ક્યારેય હોય શકે નહી. પ્રજાની અભિવ્યક્તી લોકશાહીમાં અબાધીત ને કુદરતી ન્યાયના સિધ્ધાંત પ્રમાણે સદીઓના સંઘર્ષ બાદ રાજાશાહી ને તાનાશાહો પાસેથી અનેક લોહીયાળ સંઘર્ષ ને માનવ બલીદાનો બાદ મળેલ છે. જે આજે આપણા દેશમાં ખુબજ જોખમમાં મુકાઇ ગઇ છે. ભારતીય સમાજ જીવનનું કોઇ અંગ બાકી નથી જેને વર્તમાન સત્તાધીશોએ પોતાની એડી નીચે કચડી નાંખીને ગુલામ બનાવી દીધું ન હોય કે બનાવવાના જાત જાતના પેંતરા રચી એડી નીચે લાવવાના પ્રયત્નો કરતા ન હોય.
તેવું જ ધાર્મીકનિંદા કે ઇશનિંદાની બાબતમાં છે. આપણા દેશમાં કોરાના–૧૯ના વાઇરસ પહેલાં સદીઓથી મોટા પાયે ફેલાયેલું કોઇ વાઇરસ હોય તો તે ' મારી ધાર્મીક લાગણી દુભાઇ છે.' નું વાઇરસ છે. કોરાનાનું વાઇરસ કહેવાય છે કે ચીનથી આવ્યું હતું ને વિશ્વભરમાં ફેલાઇને લાખો માણસોનો ભોગ લઇ શક્યું છે. પણ આ ' ધાર્મીક લાગણી દુભાઇ નું વાઇરસ ' ભગવદ્ – ગીતાએ વ્યાખ્યાતીત કરેલા આત્માના ખ્યાલની માફક, અજરામર, અમર, અવીનાશી છે. આ ધાર્મીક વાઇરસ( GOD VIRUS) દરેક ધર્મોએ પોતાના ધાર્મીક લોકોને કેવી રીતે ફરજંદ કે વારસદારને જન્મ સાથે જ ગળથુથીમાં જ વાજતે ગાજતે ગૌરવભેર એવું પીવડાવી દેવામાં આવે છે કે તેના મૃત્યુ પહેલાં આ વાઇરસથી પેદા થયેલ ચેપી રોગને મા– બાપો પોતાની નવી પેઢીને વીરાસત તરીકે વારસામાં આપી ને જ જાય! ગોડ વાઇરસના ચેપીરોગને કારણે કોઇપણ ધર્મની સ્થાપનાથી માંડીને અત્યાર સુધી કરેલા એક બીજા ધર્મોએ સામસામી કરેલા ' પવિત્ર ધાર્મીક યુધ્ધો' માં( Holy Wars) માનવસંહારની સંખ્યા બંને વિશ્વયુધ્ધના માનવીય સંહાર કરતાં અનેક ગણી છે. અને હજુ ધાર્મીક નફરત ને ધીકકારનું વાતવરણ પેદા કરીને વિશ્વભરના રાજકારણીઓ પોતાની સત્તાનો રોટલો શેકવા તે હુતાશન પર રાખ બાઝી ન જાય તેની ખાસ કાળજી આધુનીક મીડિયા તંત્રોની મદદથી રાખીને તેનો ચરૂ ઉકળતો રાખે છે.