Friday, July 15, 2022

ગાંધીજીના સામ્યવાદ અને સામ્યવાદીઓ અંગેના વિચારો–

ગાંધીજીના સામ્યવાદ અને સામ્યવાદીઓ અંગેના વિચારો–

ભાઇ સચીન સોનીબેન તરફથી મને  મારા વોટ્ટસઅપ લીંક પર  ઉપર જણાવેલ પુસ્તકની પીડીએફ મળવા બદલ હું તેમનો ખુબજ રૂણી છું.  સૌ પ્રથમ મેં સદર પુસ્તકમાં ગાંધીજી દ્રારા પોતાના સક્રીય જીવન ( ૧૯૨૦– ૧૯૪૭) દરમ્યાન જુદા જુદા તબક્કે સામ્યવાદ અને સામ્યવાદીઓ અંગે જે વિચારો રજુ કરવામાં આવ્યા છે તે ટુંકમાં પણ તે બધા વિચારોનો હાર્દ શબ્દશ; જળવાઇ રહે તે રીતે રજુ કરૂ છું.પુસ્તકમાં કુલ ૨૬ પાના ગુજરાતીમાં છે. ગાંધીજીએ ખાસ કરીને કાર્લ માર્કસ કરતાં રશીયાના સામ્યવાદી પ્રયોગના સંદર્ભમાં પોતાના પ્રત્યાઘાત આપેલા છે.

(1)    બોલ્શેવીઝમ શું છે તેની મને ચોક્ક્સ ખબર નથી. હું તેનો અભ્યાસ કરી શક્યો નથી. ભાવીમાં રશીયામાં તેનાથી કલ્યાણ થવાનું છે કે નહી તેની મને ખબર નથી. મને એટલી ખબર છે કે બોલ્શેવીઝમનો પાયો હીંસા અને નાસ્તીક્તા પર પાયો રચાયેલો છે. એટલે મને  તેના પ્રત્યે વિશેષ અણગમો છે.  પાન– નં ૪.કેમ અણગમો છે?

(2)    શુધ્ધ હેતુ માટે મને ગમે તેટલું માન હોય પણ ઉત્મોત્મ ધ્યેય સીધ્ધ કરવા હું હીંસાનો સાધન તરીકે ઉપયોગ કરવાનો કટ્ટર વિરોધી છું. હીંસાવાદીઓ ને મારી વચ્ચે ક્યારેય કશો મેળ બેસે તેમ નથી. ..... કારણકે મેં અનુભવે સિધ્ધ કર્યું છે કે શાશ્વત કલ્યાણ હીંસા અને અસત્યથી કદી નીપજી શકે નહી. કોઇને લાગે કે તે મારી ભ્રમણા છે તો પણ કોઇ મનમોહક ( રોમેન્ટીક) ભ્રમણા તો નથી જ. ( નવજીવન– ૨૧–૧૨– ૨૪.) પાનુ–૫.

(3)     મારા જાણવા પ્રમાણે બોલ્શેવીઝમનો અર્થ ખાનગી મિલકતની નાબુદીમાં રહેલો છે.પ્રાચીન ભાષામાં જણાવેલ વ્યક્તીગત અપરિગ્રહના ખ્યાલની હું તરફેણ કરૂ છું. તેને એક રૂડો ખ્યાલ ગણું છું. પણ હીંસા દ્રારા મીલકતના ખ્યાલની નાબુદીને હું સખત વિરોધ કરૂ છું. જે પ્રમાણે બોલ્શેવીઝમને મેં જાણ્યું છે તે રીતે તે પ્રયોગ લાંબો નહી ચાલે....નવજીવન ૨૧–૧૦– ૨૮.

(4)    પશ્ચીમના સમાજવાદ અને સામ્યવાદનું મંડાણ જે વિચારો પર થયું છે, તે વિચારો અને આપણા વિચારો પાયામાંથી જુદા પડે છે. તેમનો એક વિચાર એવો છે કે માણસ મુળભુત રીતે સ્વાર્થી છે.તેમની આ માન્યતા સાથે હું મળતો થઇ શકતો નથી. મનુષ્ય ને પશુ  વચ્ચે તફાવત છે. મનુષ્ય તેના આત્માના અવાજનો ઉત્તર આપી શકે તેમ છે..... સ્વાર્થ ને હીંસા તે પશુ સ્વભાવના ગુણો છે. માનવીના નહી.....મનુષ્યનો આત્મા અમર છે. આ તો હીંદુધર્મની પાયાની કલ્પના છે. આ  સત્યની શોધ પાછળ વરસોના તપ અને સાધના રહ્યાં છે....આથી આપણે ત્યાં આત્માના રહસ્યોની ખોજ કરવામાં પોતાના શરીર ઘસી નાંખનારા અને પોતાના પ્રાણના બલીદાનો આપનારા સંતપુરૂષો થઇ ગયા છે.... આપણા સમાજવાદ કે સામ્યવાદની રચના અહીંસાના પાયા પર ને મજુરો અને માલીકો તથા જમીનદાર અને ગણોતીયાના મીઠા સંબંધો પર જ થવી જોઇએ...અમૃત બજાર પત્રીકા ૦૨– ૦૮–૧૯૩૪.

(5)    રશીયાનો સામ્યવાદ એટલે લોકો પર જબરજસ્તીથી લાદવામાં આવેલો સામ્યવાદ. તે હીંદને માફક નહી આવે....પણ જો સામ્યવાદ કશી હીંસા વગર આવતો હોય તો તે આવકારપાત્ર થશે... હરીજન ૧૩–૦૩– ૧૯૩૭.

(6)    સામ્યવાદ એટલે વર્ગવીહીન સમાજ( The Classless Society). મારા મત મુજબ તે મથવા જેવો આદર્શ છે. પણ તેના અમલ માટે બળજબરી અને રાજ્યહીંસાની વાત આવે છે ત્યારે હું જુદો પડું છું. આપણે સૌ સરખા જન્મ્યા છીએ. પણ સેંકડો વર્ષોથી પ્રભુઇચ્છાથી વિરૂધ્ધ જીવન જીવી રહ્યા છે.અસમાનતા અને ઉંચનીંચનો વિચાર ભુંડી વસ્તુ છે. પણ  સમાનતા બંદુકની અણીથી લાદી શકાય નહી, લાવી શકાય નહી. એ ઇલાજ મનુષ્યના હ્રદયને રૂચે તેવો નથી. પાનું–૭.

(7)     અહીંયાં જે સામ્યવાદી યુવાનો મારી સાથે ચર્ચા કરવા આવ્યા છે તેમને હું બે બોલ કહેવા માંગું છું. તમારામાંથી ભાગ્યેજ કોઇ જન્મ્યા હશે તે પહેલાં હું મજુરો સાથે કામ કરતો આવ્યો છું. માટે મને મજુરો માટે બોલવાનો હક્ક્ છે. દક્ષીણઆફ્રીકામાં મારા કામનો ઘણો બધો સમય તેમની સાથે ગાળ્યો છે..... હું સામ્યવાદના આદર્શ પ્રમાણે જીવન ગાળવાનો બનતો બધો પ્રયત્ન કરૂ છં....આજે તો તમે મુઠ્ઠીભર છો....હું કહું છું કે તમે કોંગ્રેસને તમારા મતની બનાવી શકતા હોય તો જાવ બનાવી દો... તમે તેનો કબજો લઇ લો. તમારા વિચારો રજુ કરવાની પુરેપુરી છુટ છે. જે લોકો પોતાની વાત મેળબંધ રીતે રજુ કરે તેને સાંભળવા માટે દેશના લોકોમાં પુરી ધીરજ છે...

(8)    હું મુડીવાદીઓનું બુરૂ ઇચ્છતો નથી. તેમને નુકશાન પહોંચાડવાનું કલ્પી શકતો નથી. પરંતુ હું જાતે સહન કરીને તેમની ફરજ પ્રત્યે તેમને જાગૃત કરવા ઇચ્છું છું. મારે તેમનાં હ્રદય પીગળાવવાં છે. ને તેમના ઓછા ભાગ્યશાળી લોકો ને ન્યાય અપાવવો છે. તેઓ પણ મનુષ્ય છે માટે મારી અપીલ વ્યર્થ નહીં જાય....ઇશ્વરે તેમને સદ્દ્બુધ્ધી આપી છે. તેનો સદ્રઉપયોગ કરવા દો... ઇશ્વર તેમને સહાય કરે!. યંગ ઇડીંયા ૨૬–૦૩– ૧૯૩૧.

(9)    બાપુ ! તમે શું વર્ગવિગ્રહને ટાળી શકશો?...હા, હું અહીંસાના માર્ગે ચોક્કસ તેને ટાળી શકું. લોકો જ્યારે અહીંસાને એક ધર્મતત્વ તરીકે સ્વીકારે ત્યારે વર્ગવિગ્રહ અશક્ય થઇ જાય છે. અમદાવાદના મજુર મહાજને તે દીશામાં સારું કામ કર્યું છે....નવજીવન ૨૯–૦૩–૧૯૩૧.

(10) મજુરોનું ગણરાજ્ય– ખરું કામ તો મુડીદારોને મજુરોની એકતાનો કે બળનો પરિચય કરાવવાની જરૂરત છે. પછી તેઓના માટે જે મજુરી કરે છે– તેના ટ્રસ્ટી બનવાનું પસંદ કરશે... મારે મજુરો અને ખેડુતો માટે બે ટંકનું પુરતુ ખાવાનું, કપડાં, રહેવાનું ઘર અને સામાન્ય સુખસગવડ ઉપરાંત કાંઇ જોઇતું નથી.

(11) તમે જાણો છો ખરા કે  મેં દક્ષીણા આફ્રીકામાં ટોલ્સ્ટોય આશ્રમની સ્થાપના કરી હતી ત્યારે મારી તમામ મિલકત આપી દીધી હતી. રસ્કીનના પુસ્તક ' અન ટુ ધીસ લાસ્ટ' મને પ્રેરણા આપી તે પ્રમાણે ત્યાં આશ્રમની રચના કરી હતી.... બોલો! હવે તમે સ્વીકારશો ખરા કે ' હું ખેડુતો અને મજુરોના ગણરાજ્યનો આધ્યસ્થાપક છું.' .. યંગ ઇડીયા. ૦૨–૦૪– ૧૯૩૧.

(12) ગાંધીજીને યુવાન સામ્યવાદીઓએ પુછેલા પ્રશ્નો ને તેના આપેલા જવાબો.

(13) સ. હીંદી રાજાઓ મુડીદારો, જમીનદારો,.મીલમાલીકો, ને શાહુકારો ધનવાન કેવી રીતે થાય છે?.. જ. અત્યારે તો આમવર્ગને લુંટીને.

(14) સ. હીંદી મજુરો ને ગણોતીયાને લુંટયા સિવાય આ લોકો ધનવાન થઇ શકે? જ. હા. કેટલેક અંશે.

(15) સ.સામાન્ય મજુર અને ખેત– ગણોતીયો આ વર્ગ માટે સખત શ્રમ કરે છે તો પછી તેમની આવક પર પરોપજીવીઓને વધારે એશઆરામથી જીવવાનો કોઇ હક્ક ખરો? જ. કશો જ હક્ક નથી. તેવો ચોખ્ખો જવાબ ગાંધીજીનો હતો.      

(16) સ. આપ નથી માનતા કે સામાજીક– આથીક મુક્તી માટે સમાજના પરોપજીવી વર્ગોને ટકાવવાના બોજામાંથી કાયમી મુક્તી મેળવે માટે ખેડુતો અને મજુરો વર્ગયુધ્ધ ચલાવે તે યોગ્ય છે? જ. ના હું તેમના વતી એક ક્રાંતી ચલાવી રહ્યો છે. પણ તે અહીંસક ક્રાંતી છે.

(17) સ. બાપુ! ગોરા મુડીદાર અને કાલા(દેશી) મુડીદારના શોષણ વચ્ચે કયો તફાવત છે? બીજો પ્રશ્ન– આપને કોઇ તંત્ર પર હુમલો કરવો હોય તો અંગ્રેજ મુડીદાર અને હીંદી મુડીદાર તેવો તફાવત કેવી રીતે પાડી શકાય? જ. દેશી મુડીદારો ને જમીનદારો એક તંત્ર ના સાધન માત્ર છે. જ્યારે આપણે ગોરા મુડીદારી તંત્ર સામે લડતા હોય ત્યારે દેશી શોષણખોરો સામે ચળવળ કરવાની જરૂર નથી. બંને વચ્ચે ભેદ પાડી શકાય તેમ છે.....નવજીવન ૨૯– ૧૧– ૧૯૩૧.

(18) ટોળા અંગે ગાંધીજીનો ખ્યાલ–  ટોળાને કેળવવા જેટલી સહેલી બીજી એકેય વસ્તુ નથી..કારણકે ટોળાના લોકો લાંબી નજર પહોંચાડીને, ગણતરી કરીને, ઠંડે કલેજે અગાઉથી નક્કી કરેલ મુજબ અમલ કરનારા નથી હોતા. એક ઘા અને બે ટુકડા કરનારા હોય છે. પોતાની મરજી કોઇ પર ઠોકી બેસાડવા માટે બળના ઉપયોગની વાતને મારી લોકશાહી સાથે ક્યારેય મેળ ખાય નહી. આપણે લોકોમાં સાચી લોકશાહીની ભાવના કેળવવી હોય તો ક્યારેય અસહિષ્ણુ થવાનું આપણને પાલવે નહી.નવજીવન ૧૨– ૦૯– ૧૯૨૦.

(19) લોકશાહી અને હીંસાને કોઇકાળે મેળ ખાય જ નહી. જે રાજ્યો આજે નામના લોકશાહી છે તે બધાએ ઉઘાડેછોક એકહથ્થુસત્તાવાદી બનવું રહ્યું. અથવા તો પછી જો પછી સાચી લોકસત્તા તેમનામાં વ્યાપી હોય તો હીંમતપુર્વક તેઓએ અહીંસક બનવું રહ્યુ. હરીજન ૧૩–૧૧–૧૯૩૮. પાનું ૧૮.

હવે આ મુદ્દાઓ પર તાત્વીક ચર્ચા આવકાર્ય છે. હું પણ મારા વીચારો જણાવીશ.


--