Friday, October 16, 2020

ભારતીય સમાજમાં બળાત્કાર અને સ્રીઓ પર જાતીય હુમલાના મુળને તપાસીએ.

ભારતીય સમાજમાં બળાત્કાર અને સ્રીઓ પરના જાતીયહુમલાના મુળને તપાસીએ!

 દેશમાં પ્રતિ ૧૬મિનીટે એક સ્રી પર પર જાતીય બળાત્કાર થાય છે. પ્રતિ આઠ મિનીટે,એક દલીત સ્રી પર જાતીય બળાત્કાર થાય છે. આપણા દેશમાં આવા સામાજીક અનીષ્ટ માટે આપણો રૂઢીચુસ્ત ધર્મપરસ્ત વર્ણ અને જ્ઞાતીપ્રથામાં તથા ઉંચનીચના સામાજીક સ્તરોમાં વહેંચાયેલા સમાજની માનસીકતા અને અરસપરસના વાસ્તવીક વર્તનો જવાબદાર છે. આ નગ્ન હકીકતને આધારે  આપણે  ચર્ચા કરીશું.

વર્ણ અને જ્ઞાતી આધારીત ભારતીય સમાજવ્યવસ્થાની જન્મદાતા આપણી બ્રાહ્મણવાદી સમાજ રચના છે. સદર બ્રાહ્મણવાદી વ્યવસ્થાએ આપણા સમાજને સામાજીક રીતે જન્મ આધારીત ચારવર્ણ અને તેના આધારીત જ્ઞાતીઓ અને પેટાજ્ઞાતીઓ વાળી અસમાન સામાજીક પ્રથામાં વહેંચી નાંખ્યો છે. તેને ઉભો અને આડો વહેંરી પણ નાખ્યો છે. તેમાં દરેક વર્ણમાં જન્મેલા માણસોના કાર્યો (કર્મ) પણ વહેંચી નાંખવામાં આવ્યા છે. આવા કર્મોને ન્યાયી ઠેરવવા માટે સદર બ્રાહ્મણવાદી વ્યવસ્થાએ માનવીના જન્મને  ' પુર્વજન્મ, વર્તમાન જન્મ અને મૃત્યુ પછીનો પુનર્જન્મ' ના અંતવીહીન પાપ–પુન્યના વર્તુળમાં ગોઠવી દીધો છે. માનવીનો જે તે વર્ણ– જ્ઞાતીમાં વર્તમાન જન્મ તેના પુર્વજન્મોના કર્મોનું પરીણામ હોવાથી તેની સામે વિદ્રોહ કર્યા સિવાય બિનશરતી સ્વીકારમાં જ તેનું આ જન્મનું અને હવે પછીના જન્મનું પણ હિત સમાયેલું છે. આવું ધાર્મીક સત્ય જડબેસલાક સદીઓથી સમાજ વ્યવસ્થા પર ઠોકી બેસાડવામાં આવ્યું છે.  તે સત્યને અમલમાં મુકવા રાજ્ય,ન્યાયતંત્ર, પોલીસતંત્ર અને સમાજનો નૈતીક વ્યવહાર પોતાની બધીજ તાકાતથી  સદીઓથી પેલી અસમાન અને અમાનવીય શોષણખોર ચારવર્ણમાં વહેંચાયેલી સમાજ વ્યવસ્થાના ટેકામાં રાત– દિવસ કામ કરી રહ્યો જ છે.

 બ્રાહ્મણવાદી વ્યવસ્થામાં સ્રીનુંસ્થાન વર્ણવ્યવસ્થાના ચોથા અને છેલ્લા ક્રમ શુદ્રની સમકક્ષ સામાજીક રીતે મુકવામાં આવેલ છે. આ સમાજ વ્યવસ્થા જે રીતે શુદ્રો સાથે વ્યવહાર રાખે છે. તેવો જ વ્યવહાર ગમે તે વર્ણની સ્રી હોય તેની સાથે કુટુંબમાં અને  કુટુંબ બહાર પણ કરવામાં આવે છે. ટુંકમાં બ્રાહ્મણવાદી વ્યવસ્થામાં  શુદ્ર અને સ્રીના સામાજીક સ્થાનમાં કોઇ તફાવત નથી. તેઓ બંને આ સમાજના સ્થાપીત હિતોને ટકાવી રાખવાના સીધા સાદા સાધનો જ છે. માટે જ બંને પરના જાતીય હુમલા પણ સમાન કે સરખા જ હોય છે.

રોગ છે, તેના કારણો  છે તો તેના ઉપાયો પણ  હોઇ શકે ને?

ઉપર જણાવેલ બ્રાહ્મણવાદી સમાજ વ્યવસ્થાએ જે તે સમયની  કૃષી અર્થવ્યવસ્થાને ટકાવી રાખવાની ઐતીહાસીક ફરજ પુરી કરી દીધી છે. તેથી તેની જરૂરીયાતમાંથી અસ્તીત્વમાં આવેલ સંસ્થાઓની ઉપયોગીતા પણ પુરી થઇ ગઇ છે. તેણે પેદા કરેલ વર્ણવ્યવસ્થા,જ્ઞાતી પ્રથાઓ, તેના વ્યવહારો અને તેના નૈતીકતાના ખ્યાલો હવે એક બોજારૂપ બની ગયા છે. છેલ્લા હજારો વર્ષોથી આ વિશાળ મૃતપાય થઇ ગયેલો આપણો ઐતીહાસીક પુરાતન વારસો એક એવો મોટો બોજ બની ગયો છે. તેને માનવજાતના વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત સાધનોની મદદથી તેને ટેબલ પુરી મુકીને શબછેદન ( Dissection) વાઢકાપ કરવાની  જરૂર છે. આ વારસામાં ઘુસી ગયેલ કપોળકલ્પનાઓ, દંતકથાઓની પુજા કરવાને બદલે ફગાવી દેવાની જરૂર છે. તેમાં કોઇ નક્કર હકીકતો હોય તો શોધીને તે પ્રમાણે અમલ કરવો જોઇએ.

આપણા પેલા મૃત્યપાય બોજરૂપ બની ચુકેલા અંધારા (ભવ્ય!) ભુતકાળમાં  વિજ્ઞાનની સર્ચલાઇટનો પ્રકાશ ફેંકીશું તો તે ઢગલામાંથી સાચા હીરા હશે તો આપણે  તેમને બહાર કાઢી શકીશું. જે હવે પછીના આપણા ભવીષ્યને માર્ગદર્શન આપશે. જેમ આપણે  ફોતરા નાંખી દઇને દાણા જ ભેગા કરીઅ છીએ તેમ આપણને  આવા વૈજ્ઞાનીક પ્રયત્નથી  ખબર પડશે કે  અત્યાર સુધી જેને પકડી રાખી ભારતના ભવ્ય ભુતકાળના ગુણગાન હતા, જેની પુજા કરતા હતા તે તો ફક્ત ફોતરા જ હતા.

 ભારતનો ઇતીહાસ જેનો વૈજ્ઞાનીક આધાર છે તેવો ભુતકાળ માત્ર ૨૫૦૦ વર્ષ જુનો છે. તેના પહેલાંનો ઇતીહાસ બૌધ્ધ ધર્મે નાશ કરી દીધો છે. તેના કોઇ પુરાવા રહ્યા નથી . ત્યારપછી આવેલા શંકરાચાર્ય બૌધ્ધ ધર્મના તમામ સાહીત્યનો નાશ કરેલ છે. હાલમાં આવું જ કામ વર્તમાન શાસન કરી રહ્યું છે.

ભારતના રાષ્ટવાદનો એક શ્રધ્ધા મંત્ર બની ગયો છે. " અમે ભારતવાસીઓ આધ્યત્મવાદીઓ અને પેલા પશ્ચીમવાદીઓ ભૌતીકવાદીઓ. અમે વીશ્વગુરૂ છે અને વીશ્વે અમારી પાસેથી શીખવાનું છે."

હવે આપણા  મુળ વિષયને લગતી વૈજ્ઞાનીક માહીતીઓની વાત કરીએ.  

(૧) જન્મ –કર્મના સીધ્ધાંત આધારીત વર્ણવ્યવસ્થાને વિજ્ઞાનનો કોઇ આધાર નથી. વર્તમાન જન્મ પહેલાં કોઇ જન્મ મનુષ્યનો હતો નહી અને મૃત્યુ પછી પણ કોઇ જન્મ હોવાનો નથી.                

(૨) દરેક સજીવની માફક માનવીનો જન્મ  જૈવીક ઉત્ક્રાંતીનું પરીણામ છે. તે ઇશ્વરી કે દૈવી સર્જન નથી. માનવી અને તેની સમાજ વ્યવસ્થાનું સંચાલન કોઇ દૈવી કે ઇશ્વરી ઇચ્છાથી ચાલતું નથી. માનવ સર્જીત તમામ સામાજીક, રાજકીય, આર્થીક વી વ્યવસ્થાઓ માનવની વ્યકતિગત સુખાકારી માટે માનવ સર્જીત છે. માનવીના વ્યક્તીગત કે સામુહીક હીતની વિરૂધ્ધની આ બધી સંસ્થાઓમાં પરીવર્તન લાવવાનો અબાધિત અધિકાર માનવીને છે.

(૩) માનવ માત્ર  સામાજીક રીતે સમાન છે. કોઇ સંપત્તી,જન્મ કે સામાજીક સ્થાન આધારીત ઉંચનીચ નથી. આવી દેખાતી અસમાનતા ભ્રામક છે, માનવ સર્જીત છે. તેમાં પરીવર્તનને પુરેપુરો અવકાશ છે.  

(૪) કાયદાનું શાસન, સામાજીક ન્યાય અને માનવીય ગૌરવના પાયાપર ભારતના બંધારણની ઇમારત ઉભી થયેલી છે. તેમાં કોઇપણ પ્રકારના સમાધાનને સ્થાન જ ન હોવું જોઇએ.

(૫) પશ્ચીમી દેશોની સરખામણીમાં ભારતે એક રાષ્ટ્ર અને પ્રજા તરીકે આપણે  માનવ વિરોધી અનીષ્ટોને  બૌધ્ધીક જ્ઞાન આધારીત ક્રાંતીકારી રીતે મુળભુત રીતે પડકારીને  તેમાં ફેરફાર લાવવામાં સંપુર્ણ નીષ્ફળ ગયા છીએ..સમયે સમયે દેશમાં માનવ પ્રગતીના ઘડીયાળના કાંટાને પાછા ફેરવવા પેલા ' જેસેથે વાદી' ઓ સફળ થયા  છે. હાલમાં દેશનું સુકાન આવા પ્રત્યાઘાતીઓના હાથમાં આવી ગયું છે.

સ્રી બળાત્કાર અને સ્રીઓ પર થતા જાતીય હુમલાનો પોષક, સંવર્ધક અને ટેકેદાર વર્ણવ્યવસ્થા આધારીત આપણી જ્ઞાતી પ્રથા છે. વર્તમાન રાજકીય સત્તાના સંચાલકોનું સ્થાપિતહીત તેમાં રહેલું છે જે આપણને યુપીના 'હથરસ'  કાંડ માં પુરેપુરી ખબર પડી ગઇ છે. આવા લોકોને તેમના સાચા રંગે અને સ્વરૂપે ઓળખી લઇને તેમને પડકારવાનો સમય પાક ગયો છે. " સારા માનવકેન્દ્રી કામ માટે ક્યારેય મોડા નથી." શુભેચ્છા સાથે.                           



--