Saturday, October 17, 2020

કાશ્મીરના નેતા ફારુક અબ્દુલા બોલે છે...

કાશ્મીરના નેતા ફારૂક અબ્દુલા બોલે છે કે " અમે કાશ્મીરની સ્વાયત્તા માટે ચીનની મદદ માંગીશું !" દુશ્મનનો દુશ્મન એ અમારો મીત્ર.

 આ વાક્ય પાછળના તર્ક અને ઐતીહાસીક સત્યને તપાસવા આપણે ચાલો થોડી બૌધ્ધીક કસરત કરીએ.

સને ૧૯૩૯થી ૧૯૪૫ના બીજા વીશ્વયુધ્ધના સમયમાં એકબાજુ ગાંધીજીના નેતૃત્વ નીચેની કોંગ્રેસના સ્થાનીક કાર્યકરથી માંડીને દેશના ટોચના કાર્યકરો જર્મનીના નાઝી સરમુખત્યાર હીટલરની બ્રીટીશરો સામેની આગેકુચને ખુશમિજાજથી બિરદાવતા હતા. ( કારણકે જર્મની બ્રીટનનું દુશ્મન હતું.) હીટલરની સેના એક પછી એક યુરોપના દેશોને  પોતાની એડી નીચે પ્રથમ કચડીને પછી ગુલામ બનાવતી હતી. આવા સમયમાં આપણા દેશનો રાષ્ટ્રવાદી જુવાળ બ્રીટશરો સામે વધુ સશસ્ર બળવાની જાણે તૈયારી કરતો હોય તેવું વાતાવરણ દેશમાં પેદા થતું હોય તેવો અહેસાસ થવા માંડયો હતો. સને ૧૯૪૨માં ગાંધીજીએ  'હિંદ છોડો' Quit India ચળચળ શરૂ કરી હતી.

બીજી બાજુએ લગભગ તેજ સમય ગાળામાં પુર્વભારતમાં સુભાષચંદ્ર બોઝે ' આઝાદ હિંદ ફોજ' ની રચના કરીને  હીટલરના યુધ્ધમાં સાથીદાર દેશ જપાન સાથે કરાર કર્યો હતો. આપણા દેશમાં જપાનનું લશ્કર સુભાષબાબુના ' આઝાદ હિંદના ફોજ' સાથે મદદમાં રહીને  હીંસક યુધ્ધ લડીને બ્રીટીશરો પાસેથી આઝાદી ઝુંટવી લે. સને ૧૯૪૩માં ' આઝાદ હિંદ' ની સ્થાપના દેશ તરીકે તેઓએ કરી.અને તે પણ તેના ખાસ રાષ્ટ્રધ્વજ સાથે  કરવામાં આવી. બર્મામાં આઝાદ હિંદ ફોજે પોતાને જપાન સરકારના સંપુર્ણ ટેકાની સાથે જાહેર કરી હતી. જપાન આ યુધ્ધ બ્રીટને પુર્વ એશીયામાં ઉભા કરેલા સંસ્થાનોને મુક્ત કરવા લડતું હતું.પણ તે સંસ્થાનો જીતી લઇને પોતાની સત્તા નીચે લાવવાના હતા.  જપાન બ્રીટનનું દુશ્મન હતું, ભારત પણ પોતાની બ્રીટીશ ગુલામીમાંથી મુક્ત થવા સ્વતંત્રતાનો સંઘર્ષ કરતું હતું. જપાને પોતાના સહ દુશ્મન સામે સુભાષબાબુની આઝાદ હિંદ ફોજને મદદ કરતું હતું.

આ હકીકત સને ૧૯૪૫ની આસપાસ બની હતી. બરાબર આશરે ત્રીસ વર્ષ પહેલાં સને ૧૯૧૫માં પહેલા વીશ્વયુધ્ધમાં પણ જર્મની અને બ્રિટન આમને સામને યુધ્ધમાં હતા. દુશ્મનનો દુશ્મન એ મીત્ર એ થીયરી પ્રમાણે દેશના ક્રાંતીકારીઓ જર્મન કોનસ્યુલેટનો સંપર્ક કરવા માંડયા. બંગાલના ક્રાંતીકારીઓએ બ્રીટીશ હકુમત સામે સશસ્ર બળવો જરૂરી શસ્રો ખરીદવા કેટલાક સ્થળો જેવાકે 'ગાર્ડન રીચ'માં આ ભુગર્ભ ક્રાંતીકારીઓએ લુંટ ને ડેકોટી કરી હતી.

અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ જર્મન સરકાર પાસે  શસ્રો ખરીદવા એક અગત્યના બંગાળી ક્રાંતીકારી એમ. એન. રોય ને બટાવીઆ (જાવા–ઇન્ડોનેશીઆ) ડચ ઇસ્ટ ઇન્ડીઝ કોલોનીમાં મોકલવામાં આવ્યા. શસ્રોની સંખ્યા અને નાણાંકીય લેવદેવડ બધુ બંને પક્ષોને અનુકુળ ગોઠવાઇ ગયું. તે સમયે જર્મનીનું પણ હિત હતું કે બને તેટલા સ્થળો પર બ્રીટનને યુધ્ધમાં જોડાયેલું રાખવું.

ઉપરાંત જર્મન કોન્સયુલેટે એમ એન રોયને એક ખુબજ અગત્યનો વેધક પ્રશ્ન પુછયો. ધારો કે તમારી ઇચ્છા મુજબ અમે જર્મનીએ તમારા દેશમાંથી બ્રીટશરોને કાઢી મુક્યા તો ભારતની અમારી હકુમત નીચે પ્રતીવર્શે અમને કેટલા નાણાં અને અન્ય વિશેષ સગવડો આપશો?

એમ એન રોયની ક્રાંતીકારી પ્રતીબધ્ધતાને સખત માનસીક આઘાત લાગ્યો. રોય સાહેબનો ૨૮ વર્ષની ઉંમરે જવાબ હતો "  જો મારા દેશે તમારી મદદ માટે સોદો કરવાનો હોય તો તમારી દરખાસ્તનો સાદો સીધો અર્થ થાય છે કે અમારી પ્રજાએ એક માલીકને છોડીને બીજા માલીકને પોતાના માથે ગુલામ તરીકે બેસાડવા! પણ અમારે ગુલામી તો ચાલુ જ રાખવાની. "  Your proposal only amounts to a substitution of one master for another." આ તો ઘણીજ  શરમજનક વાત છે. અમે તો ક્યારેય તમારી આવી દરખાસ્ત સાથે સંમત જ ન થઇએ. અમે તેને ફક્ત ના મંજુર કરતા નથી પણ અમે તો અમારી માતૃભુમીને પરદેશી શોષણખોરને વેચનારા સામે પણ પુરી તાકાતથી શસ્રો સાથે લડી લઇશું.

 "  We shall never agree to that. Not only do we reject it but shall be up-in- arms  against any body showing readiness to sell our mother –land to foreign exploiters. We thought, Germany would help us against a common enemy. But it had proved to be a myth. Indians shall no more be slaves to any foreign power. The Germans are no exception."

" To-day Roy continued, now I am fully convinced that the Indian people  shall have to  organize themselves  and shall have to depend  solely on their strength and have to be revolutionaries themselves to fight for the liberty from foreign yoke."( સૌ. પુસ્તકનું નામ–M.N. Roy;  The Man Who Looked Ahead. P 32 to 35.)

રોય તો પોતાની વાત પુરી કરીને બારણુ ખોલી ને જતા હતા. પેલા કોન્સયુલેટે તેમને બેસાડીને વાત કરી– " મી. રોય મેં ઘણા ભારતીય ક્રાંતીકારીઓ સાથે આજ વાત કરી હતી. તે બધા મારી દરખાસ્ત સાથે સંમત થયા હતા. પણ તમે તેમાં એક અપવાદ નીકળયા.

રોયે તેઓને જવાબ આપ્યો "  બ્રીટીશરોને કાઢવા માટે ઉત્સાહમાં આવી જઇને તે લોકોએ તમારી દરખાસ્તના ઘાતકી પરીણામોનો નજર અંદાજ કર્યો હશે. બાકી તો તે બધા જ મારા જેવા જ દેશ પ્રેમીઓ  જ છે.

મને લાગે છે કે સુભાષચંદ્ર બોઝ, પેલા સને ૧૯૪૨ના 'ક્વીટ ઇંડીયા મુવમેંટના નામે હીટલરના વીજયમાં ખુશ થઇને પેંડા વહેચનારા અને કાશ્મીરી નેતા ફારૂક અબ્દુલાના વિચારોને આપણે મહાન ક્રાંતીકારી વિચારક એમ. એન. રોયના તારણોને આધારે તટસ્થ રીતે મુલ્યાંકન કરવું જોઇએ.



--