Friday, October 2, 2020

બિહાર વિધાનસભાની ચુંટણી કોણ જીતશે?


બિહારની વિધાનસભાની ચુંટણીમાં કોણ જીતશે?

મતદારો કે નાગરિકો તો નહી જ. કેવી રીતે?

બીહારની કુલ વસ્તી આશરે ૧૨ કરોડ અને મતદારો આશરે ૬ કરોડ ૬૨ લાખ.   

વિધાનસભાની કુલ બેઠકો ૨૪૩ તેમાંથી  ૪૦ બેઠકો અનામત.

હવે આપણા દેશની લોકશાહી સંસ્કૃતીના પ્રથમ પગરવ શરૂ થયા હતા બીહારમાં આવેલી વૈશાલી નગરી માંથી. જે બૌધ્ધ સમયનું પ્રથમ નગરરાજ્ય ( City Republic State)હતું. તે જ  રીતે નાલંદા વિશ્વવીધ્યાપીઠ દેશની તે જમાનામાં વીશ્વવીખ્યાત ઉચ્ચશીક્ષણની સંસ્થા હતી. તાજેતરમાં સને ૧૯૭૪માં લોકનાયક જયપ્રકાશ નારાયણના નેતૃત્વ નીચે બીહારની રાજધાની પટનાના ગાંધી મેદાનમાંથી 'નવનીર્માણ' નું આંદોલન શરૂ થયું હતું.અંતે તે શ્રીમતી ઇંદીરા ગાંધી હટાવોમાં રૂપાંતર થઇ ગયું હતું. આ બીહારનો વારસો હતો.

 જેપીની ચળવળમાંથી લલ્લુપ્રસાદ યાદવ ,મુલાયમસીંહ યાદવ, નીતીશ કુમારનું નેતૃત્વ બીહારને મળ્યું છે. જે તે બધા ઉપરાંત બીજા પણ ઘણા બધાએ ભેગા થઇને બીહારને કેવું બનાવ્યું છે તે જોઇએ.

દેશમાં સને ૨૦૨૧ની વસ્તીગણતરી થઇ નથી. તેથી સને ૨૦૧૧ના  બીહારના જે વસ્તીને સંબંધીત આંકડાઓ છે તેને આધારે કેટલાક અગત્યના તારણો કાઢયા છે. આ રાજ્યમાં મનરેગા માટે સરકારી રેકર્ડ પ્રમાણે ખેતવીહોણા અને અન્ય ની સંખ્યા બે કરોડ ઉપર છે. પણ મનરેગામાં કામ મેળવવા માટેનું જોબ કાર્ડ ૫૦ટકાથી ઓછા લોકો પાસે છે.

હમણાં જ કોવીડ–૧૯ના લોકડાઉનને કારણે  દેશવ્યાપી જે  શહેરી ભારતમાંથી મજુરોનું સ્થળાંતર થયું તેના આંકડા આ પ્રમાણે છે.  થોડા સમય પહેલાં પુરી થયેલ સંસદમાં જાહેર કરવામાં આવ્યું હતું કે  શહેરી ભારતમાંથી પોતાના વતનના રાજ્ય તરફ પગે ચાલીને ચાલતા જનાર મજુરોની સંખ્યા એક કરોડની હતી. બીહારમાં જુદા જુદા દેશના શહેરોમાંથી આવેલા સ્થળાંતરીત મજુરોની સંખ્યા ૪૦ લાખ હતી. આપણા દેશમાં આઝાદી પછી કોઇ રાજ્યની પ્રજા, શીક્ષીત–અશીક્ષીત અને બેકાર યુવાનોએ રોજગાર માટે પોતાનું વતન, રાજ્ય ને દેશ છોડયો હોય તો તેમાં બીહાર રાજ્ય પ્રથમ નંબરે આવે છે.

૫૫લાખ બેરોજગાર ગ્રેજયુએટ યુવાનો છે તેવું આ રાજ્યની રોજગર કચેરીમાં નોંધાયેલું છે.તેનું અર્થતંત્ર અન્ય દેશના રાજ્યોની સરખામણીમાં ઘણું પછાત છે. તેનું જીએસટી તથા ઇનકમ ટેક્ષનો ફાળો  નહીવત છે. વીશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ પ્રમાણે દર ૧૦૦૦ની વસ્તીએ એક ડૉકટર જોઇએ. ભારતમાં પ્રતી ૧૧૦૦૦ની વસ્તીએ એક ડૉકટર છે. જ્યારે બીહારની ૨૯૦૦૦ની વસ્તીએ એક ડૉકટર છે. જમીનવીહોણા ખેડુતને પ્રતીદીન વેતન ફક્ત ૧૨૧ રૂપીયા મલે છે.

એસોસીયેશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ ( એડીઆર) જેનું બીજુ નામ ' ઇલેક્શન વોચ' છે. તેના ચુંટણી લડતા ઉમેદવારોના આંકડા સંપુર્ણ આધારભુત એટલા માટે હોય છે; કારણકે દરેક ઉમેદવારે પોતાના ચુંટણી ફોર્મમાં જે વીગતો ભરી હોય છે તેમાંથી 'એડીઆર'એ પોતાની માહિતી એકત્ર કરેલી હોય છે.

સને ૨૦૧૫ની બીહાર વિધાનસભાના ચુંટાયેલા સભ્યોના આંકડા ઘણા ચોંકાવનારા છે. કુલ ૨૪૦ સભ્યોમાંથી  ૧૧ ધારાસભ્યો પર આઇપીસીની ૩૦૨ની કલમ લાગેલી છે, ૩૦ એમએલએ ખુનમાં મદદ કરવા માટે, એક રેપમાંસંડોવાયેલો છે, અન્ય ૯૪ રેપ, ડેકોયટી વી. કુલ આ સેવકોની સંખ્યા ૧૩૬ થાય છે. એટલે દર બીજો વિધાનસભા સભ્ય ક્રીમીનલ કેસમાં સંડોવાયેલો છે.

શૈક્ષણીક લાયકાતો–  ૧૦ ધારાસભ્યો એવા હતા કે જે ક્યારે સ્કુલે ગયા જ નહતા. લખીવાંચી શકતા જ નહતા. ૧૧ સભ્યો ધોરણ ૫થી ૮ સુધીનો અભ્યાસ, ૩૦ સભ્યો  ધો. ૧૦ સુધી સ્કુલમાં ગયા હતા, ૫૩ ધો ૧૨ પણ પાસ નથી. આ બધા જ ધારાસભ્યોએ પાંચ વર્ષ સુધી બીહારની વીધાનસભામાં કાયદા પસાર કર્યા હતા!

સૌથી સવાઇ લાયકાત– આ બધા જ ચુંટાયેલા, ચુંટણીમાં હારી ગયેલા પક્ષીય અને અપક્ષ તમામ ઉમેદવારે પોતાની આવક એક કરોડથી વધારે બતાવી હતી.

તારીખ ૨૧મી સપ્ટેમ્બરના રોજ અંગ્રેજી દૈનીક ટાઇમ્સ ઓફ ઇંડીયાએ પોતાના તંત્રી લેખમાં બીહાર રાજ્યની શીક્ષણની સ્થીતી વીષે લખ્યું છે.–  " Where is the teacher? 40%  Govt Schools have no Teachers. Posts are totally vacant."જે બાળકો સ્કુલે જાય છે તે બધાને છેલ્લા છ માસ કરતાં વધુ સમયથી મધ્યાન ભોજન આપવાનું જ બંધ છે. આઝાદી આવી. પણ ફક્ત માલીકો બદલાયા છે. માલીકો બદલવાથી ગુલામી અને તેનાથી પેદા થયેલો પેલો શોષણનો  ચરખો  તો બદલાતો જ નથી. માટે જ બીહારની ચુંટણીમાં ફરી નાગરીકો માલીકો બદલનારા જ હારશે!.                              

સૌ. You Tube Punya Prasan Bajpai.


--