Wednesday, October 21, 2020

પુસ્તક પરિચય

પુસ્તક પરીચય–" વિવેકબુધ્ધિવાદ  ( Rationalism) શું અને શા માટે?–

 લે .અશ્વીન કારીઆ અને બીપીન શ્રોફ.

મુળ લેખક– રવિપુડી વેંકટાદ્રિ, ( જન્મ સને ૧૯૨૨) વર્તમાન ઉંમર ૯૯ વર્ષ પુરા.ભુતપુર્વ પ્રમુખ, રેશનાલીસ્ટ એસોસીએશન ઓફ ઇંડીયા.સને ૧૯૪૦ થી વિવેકબુધ્ધ્વાદી પ્રવૃતી સાથે જોડાયાલા છે અને સને ૧૯૪૫થી માનવવાદી ચળવળ સાથે  જોડાયેલા છે. તેઓએ વિવેકબુધ્ધિવાદી અને માનવવાદી વિચારોની કેળવણી અર્થે અનેક અભ્યાસ શિબિરનું આયોજન કરેલ છે. માર્કસવાદ, વિજ્ઞાન, ધર્મ, નાસ્તિકતા, માનવવાદ વિગેરે વિષયો પર અનેક પુસ્તકો લખેલા છે. તેઓના લખેલા ૮૦ પુસ્તકોમાંથી કેટલાક પુસ્તકોનું દેશની અન્યભાષાઓમાં ભાષાંતર થયેલ છે. તેઓ ધર્મના સખત ટીકાકાર અને વિવેકબુધ્ધિવાદ અને માનવવાદી વિચારસરણીના  મજબુત સમર્થક છે. આટલી મોટી જૈફ વયે પણ તેઓ વૈચારીક ક્રાંતી માટે મથી રહ્યા છે.

સદર પુસ્તકમાં  રવિપુડીના કેટલા ચુંટાયેલા લેખોનો ભાવાનુવાદ કરેલ છે. તેઓનો મુખ્ય હેતુ ગુજરાતના રેશનાલીસ્ટો સમક્ષ  માનવવાદ અને રેશનાલીઝમ સંબંધિત કેટલા પાયાના ખ્યાલોની સ્પષ્ટતા કરવા એક પુસ્તીકા તૈયાર કરવી. તેમાં રવિપુડીની આટલી લાંબી રેશનાલીસ્ટ તથા માનવવાદી જીંદગીના અનુભવોનો નિચોડ મદદરૂપે મલી ગયો.

આ ઉપરાંત વિવેકબુધ્ધીવાદ અંગે કેટલીક ગેરમાન્યતાઓ જે પ્રચલીત છે તેનો ભ્રમનિરસન કરવાનો પ્રયત્ન પણ આ પુસ્તકમાં કરેલ છે. દા.ત. સમાજમાં ચોફેર ફેલાયેલી અંધશ્રધ્ધાઓનો પ્રતીકાર એટલે વિવેકબુધ્ધિવાદ, ચમત્કારોનો પર્દાફાશ એટલે વીવેકબુધ્ધિવાદ, વિજ્ઞાન અને વાસ્તવીક પુરાવાના આધાર વિનાની ધાર્મીક પરંપરાઓનો વિરોધ એટલે વિવેકબુધ્ધિવાદ.

માનવવાદી વિચારસરણીના ત્રણ અગત્યના  મુલ્યો અનુક્રમે સ્વતંત્રતા, વિવેકબુધ્ધિવાદ અને ધર્મનીરપેક્ષ નીતિ કોને કહેવાય તેની વિગતે પણ ખુબજ સરળ ભાષામાં વાત રજુ કરી છે.પૃધ્વી પરના તમામ સજીવોની માફક માનવી પણ ઇશ્વરી કે દૈવી સર્જન નથી તેને ચાર્લસ ડાર્વીનના ઉત્ક્રાંતીવાદના સિધ્ધાંતોને આધારે સમજાવી છે.

હવે પુસ્તકમાંથી સદર વિવેકબુધ્ધિવાદના સિધ્ધાંતોને સમજવવા પસંદ કરેલા કેટલાક અગત્યના વાક્યો.

(1)     જે વિચાર પધ્ધ્તીથી જ્ઞાન, સત્ય,  સ્વાતંત્રય, નીતિમત્તા અને માનવવાદને સમજવાની તક મળે છે તે વિવેકબુધ્ધિવાદ.

(2)     વાસ્તવમાં નાસ્તિકતા ભૌતીકવાદમાં પરિણમવી જોઇએ અને ભૌતીકવાદ માનવવાદમાં પરિણમવો જોઇએ. તબક્કાવાર આ ઉત્ક્રાંતીની પ્રક્રીયા વિવેકબુધ્ધિવાદી રીત છે.

(3)     બુધ્ધિ સાધન છે. તેમાંથી વિચારધારાનું સર્જન થાય છે. તેથી વિવેકબુધ્ધિવાદ વિચારધારામાં સુધારા સુચવે છે અથવા જે બુધ્ધીની કસોટીએ પાર ન પડે તેને નકારે છે.

(4)      જે લોકો  જુના વિચારો અને પ્રણાલીઓને  વળગી રહે છે તેમનામાં મુક્ત વિચાર પ્રવેશી શકે નહી.

(5)     દરેક ધાર્મીક કુટુંબો પોતાના બાળકોને પ્રણાલિકાગત ધાર્મીક બનાવવામાં પોતાની ફરજ સમજે છે. પણ ધાર્મીક વ્યક્તીઓ સ્વતંત્ર માનસથી વિચારી શકતા નથી. ધાર્મીક વ્યક્તીએ પોતે વિચારપુર્વક ધર્મ સ્વીકારેલ હોતો નથી. તેમને આ ધાર્મીકતા વારસામાં મળેલી હોય છે.

(6)     માનવને  માનવીય દ્ર્ષ્ટીકોણથી નિહાળવામાં વર્ણભેદ મોટો અવરોધ છે. જ્યાં સુધી આ અવરોધ દુર નહી થાય, ત્યાંસુધી વૈચારીક ગુલામી જળવાઇ રહેવાની છે. આ અવરોધ દુર થશે ત્યારે જ વૈચારીક ક્રાંતી શક્ય બનશે.

(7)      માનવ તમામ બાબતનો માપદંડ છે.– પ્રોટોગોરસ.

 માનવ પોતેજ પોતાનો ઇતિહાસ બનાવે છે.– કાર્લ માર્કસ.

 માનવ પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે.– એમ એન રોય.

 હું દેવોને ખુશ કરવા નીતિમાન બનવા માંગતો નથી. પરંતુ મારી પોતાની પ્રસન્નતા માટે નીતિમાન બનવા માંગુછું. –એપિકયુરસ.

(8)      આપણે આકાર વિનાના સમાજમાં રહીએ છીએ. જ્યાં રાજકીય તકવાદ તેની ટોચ પર છે. દેશના વિભાજન બાદ ૭૦ વર્ષ પછી પણ  આપણે હિંદુ–મુસ્લીમ સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી. રામ જન્મભુમીના વિવાદ પછી હવે કૃષ્ણ જન્મભુમી વિવાદે માથું ઉચક્યું છે..... આ બનાવો એમ પુરવાર કરે છે કે  સ્વાતંત્રય જંગ દરમ્યાન હિંદુ રાષ્ટ્રવાદને  ભારતીય રાષ્ટ્રવાદ તરીકે સમજવામાં મોટી ભુલ થઇ હતી.

(9)     આપણો જન્મ માનવ તરીકે થયો છે. તે પુરતું નથી. પરંતુ માનવ તરીકે  ગૌરવપુર્વક જીવન જીવવાની કળા પણ આપણે સાધ્ય કરવી જોઇએ.  માનવ તરીકેની વિચારણામાં રાષ્ટ્ર, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ વગેરે પરિબળો આવવા ન જોઇએ. આ બધા પરિબળો માનવ પ્રગતીમાં અવરોધક છે. સમાજમાં માત્ર વ્યક્તીનું જ મહત્વ રહેવું જોઇએ. સમાજ જીવનનો અર્થ સહકારી ભાવના અને ભ્રાતૃભાવની વૃધ્ધી કરવાનો છે.

આ પુસ્તકના કુલ પાના  ૬૬ છે. તેને  બનાસકાંઠા જીલ્લા અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિ દ્રારા પ્રકાશીત કરવામાં આવ્યું છે.

 પુસ્તકનું પ્રાપ્તી સ્થાન– ગિરીશભાઇ સુંઢીયા, મંત્રી, બ કાંઠા જી અં નિ સમિતિ,

૬૯, ચાણક્યપુરી સોસાયટી, હનુમાન ટેકરી, મું પાલનપુર (૩૮૫૦૦૧)

મો. ૯૪૨૬૬ ૬૩૮૨૧.

 

 


--