Tuesday, March 24, 2020

થાળીઓ, મંજીરા વગાડવાથી અને શંખ ફુંકવાથી

થાળીઓ, મંજીરા વગાડવાથી અને શંખ ફુંકવાથી કોરાનાના વાયરસને દુર કરી શકાશે નહી. હા, તેનાથી કોઇ વ્યક્તિ, નેતા પ્રત્યેની પુજા, ભક્તી વધી શકે છે.કોઇ નેતાની રાજકીય કારર્કિદીને લંબાવવા માટે થોડો વધારે પ્રાણવાયુ મળી શકે છે. તારિખ ૨૨મી માર્ચે આશરે સાંજે પાંચ વાગ્યા પછી જનતા સ્વૈચ્છીક કરફ્યુ પછી જે દેશનો માહોલ ટીવી ચેનલો પર જોવા મળ્યો તેનાથી ઘણા બધાને વિચાર કરતા મુકી દીધા છે. કેમ? શું આપણે હજી પણ સર આઇઝેક ન્યુટન (૧૬૪૨–૧૭૨૬) એટલે કે ૧૭મીસદી પહેલાંના અવૈજ્ઞાનિક વીશ્વમાં જીવીએ છીએ(Pre-Newtonian age)? વિશ્વ કક્ષાએ દુનિયાને બે ભાગમાં વહેંચી નાંખવામાં આવી છે. સર આઇઝેક ન્યુટન પહેલાંનું વિશ્વ એટલે અવૈજ્ઞાનિક અને ધાર્મિકસત્યોને આખરી માનનારૂ વિશ્વ. ન્યુટન પછીના વિશ્વને વૈજ્ઞાનિક અભિગમ આધારિત ધર્મનિરપેક્ષ (સેક્યુલર) વિશ્વ.

કેમ? ભાઇ! તમે આવી વાત કરો છો ? આ તારિખે દેશના વડાપ્રધાનના બે દિવસ પહેલાંના વાયુજોગ પ્રવચનને આધારે દેશના તમામ નાગિરીકોએ સ્વૈચ્છીક તમામ રોજીંદા કામો મુલતવી રાખીને ' જનતા કરફ્યુ' પાળીને પોતાના ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. કોરોના–૧૯ વાયરસ એકબીજાના માનવીય સંપર્કથી જ ફેલાતું હોવાથી તમામ નાગરિકોએ કોઇપણ હિસાબે જાહેર સમુહ સંપર્કને તે સમય પુરતી તિલાંજલી આપી દીધી. પણ પછી જે નજારો જોવા મળ્યો તેનું શું?

કદાચ દેશના વડાપ્રધાનના મનમાં એવું (!) હશે કે કોરાના જેવા વૈશ્વિક મહામારી ફેલાવાને રોકવામાં આપણા દેશમાં રોકવામાં રાતદિવસ મેડીકલ અને અન્ય વહિવટી સેવા કરનારાઓનો આભાર માનવો. હોદ્દાની રૂએ અને ફરજના ભાગ તરિકે તેઓશ્રી આવો આભાર વ્યક્ત કરે તેમાં બિલકુલ કશુંજ ખોટુ નથી. ખરેખર તેઓશ્રીએ આવો આભાર વ્યક્ત કર્યો જ તે યોગ્ય જ છે.

પણ હકિકતમાં શું થયું? આતો સમગ્ર દેશમાં અગાઉથી આયોજન પુર્વક માહિતી મોકલાવીને ઠેર ઠેર નાગરિકો ખુબજ મોટી સંખ્યામાં પોતાના ઘરોમાં, ફેલ્ટોમાં, મંદિરોમાં અન્ય રાજ્યોના ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો થાળીઓ, ઘંટડીઓ અને શંખો વગાડતા બહાર આવી ગયા. સ્વામીનારાયણ મંદિરોના સંતો– મહંતોના ફોટા અને વિડીયો ટીવી પર સતત બતાવવામાં આવ્યા. કેન્દ્રના પ્રધાન મંડળના સીનીયર પ્રધાનોને થાળીઓ વગાડતા આપણે બધાએ ટીવી પર જોયા. શું ખરેખર કોણ પ્રમાણિક રીતે આ બધામાંથી કહેશે કે " અમે સૌ થાળી, ઘંટડીઓ અને શંખ વગાડનારાઓએ વડાપ્રધાનશ્રીના પેલા કર્મચારીઓની સેવાની કદરરૂપે આવું કામ કર્યુ હતું.

તો પછી આની પાછળનું ગર્ભીત સત્ય શું હતું ? લગભગ બધાજ ધર્મોમાં અને ખાસ કરીને હિંદુ ધર્મ અને તેના અનેક સંપ્રદાયોમાં એવી જબ્બરજસ્ત માન્યતા ( ખરેખર અવૈજ્ઞાનિક, પ્રી–ન્યુટોનીયન અંધશ્રધ્ધા) છે કે શંખ, થાળી, ઢોલ વિગેરે વગાડવાથી, યજ્ઞો તથા અમુક મંત્રોચાર કરવાથી માનવીને હેરાન કરતાં અનિષ્ટોને ભગાડી શકાય છે. આવી એક અંધશ્રધ્ધા જનતા કરફ્યુ સાથે ઘણા બધાના મનમાં પણ આયોજન પુર્વક રોપવામાં આવી હતી. તેના પરિણામ રૂપે  તા–૨૨મીને રવીવારે સાંજે પાંચવાગે પ્રમાણમાં દેશવ્યાપી આ બધું થયું અને જેને ટીવીના પડદે બતાવવામાં આવ્યું હતું.

પરંતુ સદર કોરાના વાયરસની મહામારી વૈશ્વીક છે, આપણો દેશ રોગના ફેલાવાના ત્રીજા તબક્કામાં હવે આવી ચુક્યો છે. આજને તબક્કે એવા સંખ્યાબંધ તેના શિકાર બનવા માંડયા છે કે જે ક્યારેય વિદેશથી આવ્યા જ નથી. દેશના સામાન્ય નાગરિકો હવે તેનો ભોગ બનવા માંડયા છે.  અમે ખાસ કરીને ગુજરાતમાં જોયું કે અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં લોકો સાંજના પાંચ વાગ્યા પછી ટોળે મળીને ગરબા ગાવા માંડયા. ઘણા બધા જુવાનો મોટરબાઇક બેસીને સાથીઓનું ગ્રુપ બનાવી મઝા કરવા માંડયા. શેરીઓમાં લોકો ટોળે મળીને 'ગોસેપીંગ' કરવા માંડયા. રોગ પ્રતિકાર સામે ' જનતા કરફ્યુ'થી જે કાંઇ પ્રાપ્ત કરવાનું હતું તે બધું જ આવા કાર્યોથી, નાગરિકોના બેજવાબદારીભર્યા વર્તનથી ધોઇ નાંખવામાં આવ્યું છે. ગુજરાતમાં લગભગ બધાજ શહેરો તેમજ નાના નગરોમાં માનનીય કલેકટર સાહેબની સુચનાઓથી ૧૪૪મી કલમ લાગુ કરી દેવામાં આવી છે. લોકો કોરાના વાયરસની ગંભીરતા સમજી ઘરની બહાર ન નીકળે તે માટે પોલિસતંત્રનો કમનસીબે સરકારશ્રીએ ઉપયોગ કરવા માંડયો છે.

રાષ્ટ્રીય કક્ષાએ કોરાના વાયરસની ગંભીરતા સમજીને કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારે પોતાની હકુમતોના તમામ ભૌગોલિક વિસ્તારો તારિખ ૩૧મી માર્ચ સુધી સંપુર્ણ લોકડાઉન કરી દીધા છે. વિશ્વ કક્ષાએ તેના ગંભીર પરિણામો કેવા નજીકના જ ભવિષ્યમાં આવવાના છે તે વાંચો!

(૧) શનિવારનું તારિખ ૨૧મી માર્ચના પાન નં ૧૧ ટાઇમ્સ ઓફ ઇંડીયાનો  વિશ્વ આરોગ્ય સંસ્થાનો રિપોર્ટ–  કોરોના વાયરસની બિમારીથી છેલ્લા ત્રણ માસમાં વિશ્વ સ્તર પર આશરે ૧૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. આવતા ફક્ત ૧૨ દિવસોમાં તે આંક વધીને ૧, ૦૦, ૦૦૦ (એક લાખ) થઇ જશે. આશરે દરરોજના ૧૦,૦૦૦ લોકો. " The world health organization  noted the  dramatic speed of virus spread. It took over three months to reach the first 10000 confirmed cases of death and only 12 days to reach 100000. The UN health agency said."

કોઇપણ દેશના નાગરિકો માટે ફરજીયાત કે મરજીયાત રીતે ઘરબહારની તમામ પ્રવૃત્તીઓ બંધ કરીને રાજ્યના ' લોકડાઉન' તમામ પગલાંને સહકાર આપવો સરળ નથી. દરેક દેશોની રાજ્ય સરકારોને માટે પોતાના નાગરિકોની ફરજના ભાગરૂપે જ્યારે આ મહામારીની કોઇ વેક્સીન હોય જ નહી અને નજીકના ભવિષ્યમાં મોટા પાયે સરળતાથી ઉપલબ્ધ થાય તેમ હોય જ નહી ત્યારે સહકાર આપવો– અપાવવો તે સૌના હિતમાં છે.


--