Sunday, April 17, 2022

Article -2 on Totalitarianism

ગતાંક લેખથી ચાલુ– (ભાગ–૨)

 

વિશ્વના જુદા જુદા દેશોમાં જે નેતાઓએ પોતાના દેશમાં સર્વસત્તાવાદ (tOTALITARIANISM) આધારીત રાજ્યવ્યવસ્થાનો કબજો કરી પ્રજાપર અમાનુષી અત્યાચાર ગુજારી સત્તા ભોગવી હતી તેના નામો નીચે મુજબ છે. ખરેખરતો એકહથ્થુ સત્તા ભોગવનારા નેતાઓની યાદીના નામો ૧૦૦ કરતાં પણ વધારે છે. પણ આપણે વિશ્વ વિખ્યાત અને નામીચા નામો આ પ્રમાણે લખી શકીએ. ફ્રાંસનો લુઇ૧૪માં થી ( Louis xiv)  શરૂ કરીને ઇટાલીનો બેનીટો મુસોલીની, જર્મનીનો એડોલ્ફ હિટલર, રશીયાનો જોસેફ સ્ટાલીન, ચીનનો માઓત્સે તંગ, સને ૧૯૪૮થી ઉત્તર કોરીયા પર એકહથ્થુ સત્તા ભોગવતો ત્રણ પેઢીનો કૌટુંબીક કીમ વંશવાદ, અફઘાનીસ્તાનના તાલીબાન અને કંબોડીયાની ખેમ રૌગની જાતીય નિકંદન કે નરસંહાર કરનારી સત્તા.

 

 સર્વસત્તાવાદના પાયાના લક્ષણો–

(૧) એકવ્યક્તીની, એકહથ્થુ અને વ્યક્તીપુજાથી લદબદ સત્તા.

(૨) એક જ પક્ષની સત્તા,

(૩) પોતાના રાજ્ય શાસનમાં યેન કેન પ્રકારે ભય ફેલાવી સત્તાની ધુરા પ્રાપ્ત કરવી ને ટકાવી રાખવી.

(૪) તમામ પ્રકારના પ્રચાર– પ્રસારના સાધનો પર સીધો અને જડબેસલાક કાબુ અથવા નિયંત્રણ,

(૫) સરકારી તમામ સાધનો, સંપત્તી અને કર્મચારી લશ્કરનો વ્યક્તીપુજાના પ્રચાર– પ્રસાર માટે એક તરફી બેફામ અને બેરોકટોક ઉપયોગ.

(૬) રાજ્યની ટીકા કે સત્તા સામે વિરોધના અવાજને તમામ ઉપલબ્ધ સાધનોથી રીતસર કચડી નાંખવા કાયમ માટે જાગૃત રહેવું.

(૭) લશ્કરી તંત્રનો વ્યક્તિપુજા આધારીત નેતૃત્વને સંગઠિત કરવામાં ઉપયોગ.

(૮)  ખાનગી જાસુસી તંત્રનો ( પેગાસસ સ્પાયવેર) પોતાની આંતરિક વફાદાર ટોળકી અને રાજકીય અન્ય હરીફો સામે ઉપયોગ.

(૯) કોઇ એક ખાસ ધર્મની વસ્તી કે વિશેષ સામાજીક સમુહ ( જર્મની અને યુરોપમાં યહુદી કોમ, રશિયામાં ખાનગી મિલકતના માલિકો, ચીનમાં જમીનદારો) મોટા પાયે નરસંહારના( Genocide) પુર્વઆયોજીત કાવતરા પ્રમાણે.

(૧૦) પોતાની વિચારધારા પ્રમાણે સમાજના નવઘડતર માટે દેશના નાગરીકોના તમામ ક્ષેત્રોને આવરી લેતી પોતાના પક્ષની સત્તાને એકકેન્દ્રી (Centralize) રાષ્ટ્રીય સર્વસત્તાધીશ પક્ષમાં રૂપાંતર કરવું. (Decision ordering from top to bottom.)

(૧૧) એક હથ્થુ સરમુખત્યારશાહીમાં રાજકીય સત્તા એક વ્યક્તીમાં કેન્દ્રીત થયેલી હોય છે. જ્યારે સર્વસત્તાવાદી રાજ્યસત્તામાં નેતૃત્વની સત્તા એકહથ્થુ તો હોય જ ઉપરાંત તે પોતાના દેશના નાગરીકોના તમામ ખાનગી જીવન પર અબાધિત નિયંત્રણ ધરાવે છે. તમામ ફાસીવાદી રાજ્યસત્તાઓ ખરેખરતો સર્વસત્તાવાદી જ રાજ્યસત્તા હોય છે.

સર્વસત્તાવાદી રાજ્યના સંચાલનની એક તાસીર વિગતે–

 સત્તા પ્રાપ્ત કરવા હિંસા એક સાધન છે તે પુરતું નથી તે સત્તાને ટકાવવી રાખવા પણ સતત હિંસા કરવી અનિવાર્ય છે. પ્રજા રાજ્યકર્તાના જુલ્મી શાસનને છેવટે હારીથાકીને નિ;સહાય બનીને સંમતિ આપી દે, ત્યાંસુધી પ્રજાપર જુદા જુદા નુસ્કા પેદા કરીને પણ જુલ્મ ચાલુ રાખવો પડે. વર્તમાન વ્યક્તિપુજા આધારીત નેતૃત્વને એવો દંભ અને આભા સતત પેદા કરવી પડે ( Illusion of popular support) છે કે પ્રજાને તેનો સહકાર છે. યેનકેન પ્રકારે પ્રજા માનસમાં છવાઇ જવા ફક્ત આ નેતા પોતાના ફોટાવાળા દિવાલો પર હોર્ડીંગ, ન્યુઝપેપર, ટીવી જેવા અનેક મીડીયા સાધનોનો ઉપયોગ પ્રજાના કરવેરામાંથી એકત્ર કરેલા કિંમતી નાણાંનો બેફામ વ્યય સત્તા પ્રાપ્ત કર્યાના પહેલા દિવસથી જ શરૂ કરી દે છે.( All of them used the full resources of the state to promote themselves as if they were the state.)

આવા નેતાઓને પોતાના સમકક્ષ સાથીદારોને અને/ અથવા ભુતકાળના કે વર્તમાન પ્રતિપક્ષી વિરોધીઓને હલકા દેખાડવા ઘૃણાજનક ચાપલુસી (Loathsome Adulation) ખુબજ ગમે છે. યુધિષ્ઠીરની માફક રાજ્યધર્મ બજાવવા કરતાં દુર્યોધનની માફક અન્યની રાજ્યસત્તા છીનવી લેવામાં વધુ સંતોષ થાય છે. આવા નેતાઓની સત્તાનો પંજો સતત પોતાના એક સમયના સંઘર્ષના સાથીઓને અને વિરોધીઓનું નામશેષ નિકંદન કાઢવાની યુક્તી–પ્રયુક્તિમાં મોટેભાગે રોકાયેલું રહે છે. સામ્યવાદી રશીયાના આધ્યસ્થાપક લેનીન સને ૧૯૨૪માં ગંભીર બિમાર હતા ત્યારે સ્ટાલિન માટે વિચારાતું હતું કે તેના માટે જીવંત લેનીન પોતાની સત્તાને આડે આવતો પડકાર છે. પણ મૃત્યુ પામેલ લેનીન પોતાની એક હથ્થુ સત્તા પ્રાપ્ત કરવાની મોટી અસ્કાયમત છે.( Alive Lenin was a threat, but dead an asset.) સ્ટાલીને પોતાના સમકક્ષ સાથીદાર ટ્રોટસ્કીને તેના સાથીદારો સાથે પક્ષ અને દેશમાંથી દેશનીકાલ કરી દીધા હતા. ચીનમાં માઓ ત્સે તુંગે પોતાના ઘનીષ્ઠ સાથીદાર અને ચીનના વડાપ્રધાન ચાઉ એન લાઇને કેન્સર છે તેમ જાહેર થતાં તબીબી સારવાર આપાવાની બંધ કરી દીધી હતી અને કુદરતી મોતે રીબાઇ ને મરવા દીધા હતા. જર્મનીના હિટલરે સત્તા મેળવ્યા પછીના એક જ વર્ષમાં પોતાના એક લાખ કરતાં વધુ વિરોધી લોકોને આખા દેશમાંથી શોધી કાઢીને યાતના શિબિરોમાં (Concentration camps) ધકેલી દીધા હતા.

     જે તે દેશના લોકો પણ હિટલર– મુસોલીની જેવા નેતોઓને ખુશ કેમ રાખવા તે બધુ શીખી જાય છે. તે બધા સંમતિપુર્વકના દંભનો દેખાડો કેવી રીતે જાહેર કરવો  તે સમજી ગયા હોય છે. પાંજરાના પાળેલા પોપટ જેવી વફાદારી જાહેર કરતાં આવડી ગઇ હોય છે. સરમુખત્યારનું રાજકારણ સરમુખત્યારના વ્યક્તિત્વમાં જ આમેજ થયેલુ છે. ( Politics in a dictatorship begins in the  personality of the dictator.) આવા નેતાઓમાં જાણે દિવ્યશક્તિનું નિરૂપણ થયેલું હોય, વ્યક્તિત્વ ગુઢ કે રહસ્યવાદી હોય તથા ખાસ હેતુ માટે સત્તાનું ગ્રહણ કરવા નિમિત્ત માત્ર બનેલા હોય ( Quasi-religious bond),(યદા યદા હિ ધર્મસ્ય) તે રીતે દેશની પ્રજા પર હાવી જવાની ગોઠવણ કરવામાં આવે છે. સર્વસત્તાવાદી રાજ્યસત્તામાં વિચારસરણીના પ્રભુત્વ કરતાં નેતાની વ્યક્તિપુજા શિરોમણી બની જાય છે.

રશિયામાં સામ્યવાદી ક્રાંતિ ઔધ્યોગીક કામદારોના ટેકાને બદલે લેનીનના કુશળ કેળવાયેલા ક્રાંતિકારી જુથને આભારી હતી. ચીનમાં માઓએ ઔધ્યોગીક કામદારોને બદલે ખેડુતોનો ઉપયોગ કરીને ક્રાંતી કરી હતી.

સરમુખત્યારી નેતાગીરી લોકોમાં જુઠ્ઠાણા ફેલાવામાં માહેર હોય છે. અને પોતે જુઠ્ઠુ બોલવામાં સહેજ પણ રંજ કરતા નથી. તેઓ હંમેશાં પોતાની આસપાસ હજુરીઆ રાખતા હોય છે. તે બધા સ્વકેન્દ્રી, આત્મશ્લાઘામાં રાચતા માનસીક રોગી ( Paranoia) હોય છે. આમ નેતૃત્વની વ્યક્તિપુજામાંથી આવા નેતાઓને જુલ્મી શાસન કરવાનો માર્ગ મોકળો બને છે. (Thus the personality cult is the heart of tyranny.)   ખાસ નોંધ– આ બધાનો ઉકેલ હવે પછીના આખરી લેખમાં. લેખના લંબાણ માટે ક્ષમા કરજો.


--