Friday, April 8, 2022

આવો વલી સાહેબના વ્યક્તિત્વને ઓળખીએ.


 

આવો ! માનવવાદી વ્યક્તિત્વને નજીકથી ઓળખીએ.

 ગુજરાતના ગોધરા સ્થિત, ડૉ સુજાત વલીભાઇને તાજેતરમાં સુરત સત્યશોધક સભાએ ' રમણભ્રમણ સુવર્ણચંદ્રક' થી નવાજીત કર્યા છે. ગુજરાતમાં માનવવાદી તથા રેશનાલીઝમની પ્રવૃત્તી સાથે સંકળાયેલા સૌ કોઇ સાથીદારો માટે વલીભાઇના વ્યક્તિત્વનો પરિચય કેળવવો તે એક પ્રેરણાદાયીક મનોયત્ન ગણાશે. હું તેમના પરિચયમાં ઘણા સમયથી આવેલો છું. હું એવોર્ડ એનાયત પ્રસંગે અમેરીકામાં હોવાથી વલીસાહેબના બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તીત્વ અંગે મારા વિચારો રજુ કરી શક્યો ન હતો. માટે અત્રે રજુ કરૂ છું. વિલંબ માટે ક્ષમા.

કદાચ આપ સૌ ને અતિશયોક્તી ભરેલું લાગે પણ વલીભાઇનું ડીએનએ  જ માનવવાદી– રેશનાલીસ્ટ છે. તેમના નાના(માતાના પિતા) યાહ્યાભાઇ લોખંડવાલા એક સમયે ગુજરાત રેશનલીસ્ટ સંસ્થાના ફાઉન્ડર પ્રમુખ હતા. વડોદરાના તે જમાનાના જાણીતા રેશનાલીસ્ટ કમળાશંકર પંડ્યાના સક્રીય ને સમકક્ષ સાથીદાર હતા. યાહ્યાભાઇ લોખંડવાલાએ એક સમયના પોતાના દાઉદી વહોરા સમાજના વડાધર્મગુરૂ સૈઇદાના સાહેબની સત્તાને પડકારીને ખુબજ ખોફ વહોરી લીધેલો હતો. પોતાના સમાજમાંથી તેમનો સંપુર્ણ જડબેસલાક સામાજીક બહિષ્કાર( Social Boycott) કરવામાં આવેલો હતો. યાહ્યાભાઇના લોહીની સગાઇવાળા ભાઇઓ, બહેનો, સાસરીપક્ષવાળા, નજીકના કાકા–કાકી, મામા–માસી વિ.ને પેલા ધર્મગુરૂએ( વડા મુલ્લાજીએ) ખાસ ફરમાન બહાર પાડીને સામાજીક, આર્થીક, નૈતીક વ્યવહાર ન કરવા ફરમાન બહાર પાડેલું હતું.પોતાના સમાજના વ્યવહારોમાંથી તમામ રીતે તેઓને કાયમ માટે અલાયદા ( Socially Isolate) કરી નાંખવામાં આવેલા હતા. આ પંથના વડા મુલ્લાજી ભારતમાં ચુંટાયેલી સરકારના રાજ્યની સામે સમાંતર પોતાની સર્વસત્તાધીશ સરકાર દેશમાં રહીને ચલાવતા હતા. જેની હકુમતને વલી સાહેબના નાનાએ પડકારી હતી.તે પ્રમાણે પોતાના અનુયાઇઓ પર રીતસરની હકુમત ચલાવતા હતા. તેને વલીસાહેબના નાના યાહ્યાભાઇએ પડકારી હતી.

સને ૧૯૭૪ની આસપાસ લોકનાયક જયપ્રકાશ નારાયણએ નિવૃત જસ્ટીસ નથવાણી સાહેબના ચેરમેન પદે અને મંત્રી એડવોકેટ ચંદ્રકાંત દરૂ સાહેબની નિગરાણી નીચે ' દાઉદીવોરા તપાસ પંચ' ની રચના કરી હતી. વિશ્વભરના જુદા જુદા દેશોમાં દાઉદી ધર્મગુરૂ સઇદાના દ્રારા પોતાના ધાર્મીક એકમોમાં થતા અનુયાઇઓના અંગત– નીજી દખલગીરીના સામાજીક ત્રાસનો અહેવાલ એકત્ર કરીને બહાર પાડવામાં આવેલો હતો. આ કાર્યમાં યાહ્યાભાઇનો સહકાર અજોડ કે અપ્રિતમ ( Unparalleled ) હતો. વડાધર્મગુરૂનો ખોફ યાહ્યાભાઇ પર એટલો બધો હતો કે યાહ્યાભાઇના અવસાન બાદ તેમના મૃતશરીરને ગોધરામાં દાઉદી વોરા સમાજના કબ્રસ્તાનમાંથી બહાર કાઢીને  રસ્તા પર નાંખી દેવામાં આવ્યો હતો.

આપણા સાથીદાર વલીસાહેબ તેમના નાના યાહ્યાભાઇના જાગૃત– અજાગૃત તમામ સંસ્કારો સાથે અને તેમની દિકરીનું ધાવણ પીને મોટા થયા છે. વલીસાહેબનું વ્યક્તીત્વ છલોછલ માનવીય અનુકંપાઓથી ભરેલું છે. તે ક્યારેય ખુરશી– બેઠા રેશનાલીસ્ટ– માનવવાદી(Arm Chair Rationalist) નથી. તેમના વર્તન અને વિચારમાં લેશ માત્ર તફાવત નથી એટલું જ નહી પણ તેમનું મન, હ્રદય ને શ્વાસ પણ માનવ માત્રની સર્વાંગી સેવાને સંપુર્ણ સમર્પિત કાયમ માટે છે. Dr. S Vail's heart is full of the milk of Human Kindness.)

વલી સાહેબ, આપણને બધાને વારંવાર ગરીબ વિધ્યાર્થી ભાઇ– બહેનોને ચોપડીઓ, સ્કુલ ડ્રેસ વહેંચતા દેખાય, તો કોઇવાર આશ્રમશાળાઓના વિધ્યાર્થીમાટે શિયાળાની કડકડતી ઠંડીમાં કાયમી ગરમપાણીનો પુરવઠો પાડતા બંબાઓની સગવડો પુરી પાડતા દેખાય! કોઇવાર કોલેજ અને માધ્યમીક સ્કુલના વિધ્યાર્થીઓ સમક્ષ વૈજ્ઞાનીક અભિગમ કોને કહેવાય તેના સાદા સીધા પદાર્થપાઠ ભણાવતા જોવા મળે.એક સમયના સાથીદાર મુકુંદભાઇ સિંધવ સાથે  આકાશમાં ખગોળવિધ્યાની માહિતીની ચર્ચા કરતા દેખાય!

ચોમાસામાં, વળી પાછા વલી સાહેબ વહેલી સવારે પંચમહાલના જંગલો વચ્ચે પર્વતોમાંથી ખળખળ વહેતા ઝરણા પાસે જીન્સનું પેન્ટ અને ટી શર્ટમાં દેખાય. કાંતો પછી પાનમ ડેમના શિયાળાના ધુમ્મસોનો આસ્વાદ માણતા નજરે પડે. સારા પ્લેબેક સિંગર તરીકે ડયુયેટમાં તેમની મસ્તીને માણવાનો આનંદ કોઇ ઓર જ હોય છે.

ગોધરાના સુપ્રસિધ્ધ સ્રી–રોગ ચિકિત્સક ડૉકટર તરીકે અપરંપાર જવાબદારીનો બોજ નિયમિત ચાલુ રાખે છે. દિવસના ૨૪ કલાક દરમ્યાન ભોજન,આરામ અને નિંદ્રા માટે કેટલો સમય અને કેવી રીતનો સમય કાઢતા હશે તે તેમના સાથીદારો અને હોસ્પીટલના સ્ટાફને પુછો તો જ માહિતી મલે.

 અમારી રેશનાલીસ્ટ પ્રવૃત્તીમાં કોલેજના યુવા વિધ્યાર્થોઓ અને અન્ય વ્યવસાયોના યુવાનો જોડાય તે વલીસાહેબનો એજન્ડા નંબર એક છે.

(1) થોડા વર્ષો પહેલાં ગુજરાત ભરના પસંદ કરેલા આશરે પચાસ જેટલા યુવાનોને ભેગા કરીને સમાજમાં પ્રવર્તમાન અંધશ્રધ્ધા દુર કરવા અને ચમત્કારોના પર્દાફાશ કરવા એક ખાસ અભ્યાસ શિબિરનું આયોજન કરેલું. તેમાં સુરત સત્યશોધક સભાના વર્તમાન પ્રમખ ભાઇ સિધ્ધાર્થ દેગામીને આમંત્ર્યા હતા. સિધ્ધાર્થભાઇએ તે બધા યુવાનોને વૈજ્ઞાનીક પ્રયોગો કેવી રીતે કરી શકાય તેની ઘનિષ્ઠ તાલીમ આપી હતી. ત્યારબાદ વલી સાહેબે તે તમામ તાલીમઅર્થીઓને તે પ્રયોગો કરવાની કીટ ભેટ તરીકે એટલા માટે આપી હતી કે જેથી તે બધા યુવાનો પોતાના વિસ્તારોમાં ચમત્કાર ચકાસણી કેન્દ્રોની સ્થાપના કરી સમાજમાં અંધશ્રધ્ધા– વહેમો દુર કરવાની પ્રવૃત્તીઓ વિકસાવે.

(2)  સમાજમાંથી અંધશ્રધ્ધા દુર કરવા વલી સાહેબે પોતાના અન્ય સાથીદારો તથા સુરત સત્ય શોધક સભા અને બનાસકાંઠા અંધશ્રધ્ધા નિર્મુલન સમિતિના સહકારથી  કેટલીક યુ ટયુબ વીડીયો પણ બનાવી છે. દા.ત.(અ) શિતળા સાતમ પર કેમ ગરમ રસોઇ ન થાય? (બ્) એક દરગાહ પરનો નાળિયેરનો ચમત્કાર, (ક) ધુણવું એક માનસીક રોગ છે,(ડ)  તમારા ઘર કે મકાન માં વહેમ છે માટે કોઇ ખરીદશે નહી! (ઇ) અનિદ્રાના રોગ ને કારણે અભાન અવસ્થામાં રાત્રિના ઘરમાંથી એક સ્રી બહાર નીકળી જતી હતી. (ફ) પાખંડ ટીવી સિરિયલ વિગેરે.

(3) વૈજ્ઞાનિક અભિગમ કેળવવા તથા સાંપ્રત સમસ્યાઓનું

 માનવવાદી મુલ્યો અને રેશનાલીઝમ આધારીત જુદા જુદા વિષય નિષ્ણાતો દ્રારા પૃથ્થકરણ, ઉપાયો વિ માટે પ્રતિ બુધવારે રાત્રિના નવ વાગે નિયમિત ઓન લાઇન વેબીનારનું આયોજન ઘણા સમયથી કરે છે.

(4) વલી સાહેબ ગુજરાત રેશનાલીસ્ટ મુંબઇ એસો ના રાજ્ય પ્રમુખ છે. તેમના નેતૃત્વ નીચે ગુજરાતની જુદી જુદી કોલેજના વિધ્યાર્થી ભાઇ– બહેનો માટે ' હ્યુમેનીસ્ટ એકેડેમી' અને ' હ્યુમેનીસ્ટ યુથ ફોરમ' ની રચના કરી . ત્રણ માસના શનિ–રવિ આશરે ૨૪ વિષયો પર  ઘનિષ્ટ માનવવાદી અભ્યાસક્રમ સફળતાપુર્વક માનદ વિષય નિષ્ણાતોની મદદથી ઓન લાઇન ( વેબીનાર સ્વરૂપે) સંપન્ન કર્યો.પાલનપુર અને અમદાવાદની જુદી જદી કોલેજોના આશરે૧૧૦ વિધ્યાર્થી ભાઇબહેનોએ તેમાં સક્રીય ભાગ લઇને સફળ બનાવી હતી.

(5) 

 માનવવાદી– રેશનાલીસ્ટ ચળવળના પ્રચાર– પ્રસાર માટે તો  વલી સાહેબ અમારો ધબકતો પ્રાણ છે. અનેક શિબિરો, સેમીનારો, પુસ્તક પ્રકાશનો, લોકવિજ્ઞાન કેન્દ્ર ગોધરા વિ. તે બધાનું આયોજન માટેની તેઓની દ્ર્ઢસંકલ્પ શક્તિ અને પ્રતિબધ્ધતા બેમિસાલ છે. અમારી ગુજરાત વ્યાપી ચળવળના તે મિત્ર, માર્ગદર્શક અને ભામાશા છે.

(6)  ઉપરની તટસ્થ ચર્ચાને આધારે વલી સાહેબ સી–ચિકિત્સક નિષ્ણાત ડોકટર છે, સુંદર ગાયક છે, સંગીત પ્રેમી છે, બગીચાના સંવર્ધનના શોખીન છે, કુદરતના સાનિધ્યમાં જિવનારો એક અનોખો જીવ છે, તે એક રાજ્યકક્ષાનો તર્કવિવેક બુધ્ધીનીષ્ઠ પબ્લીક ઇન્ટેલેક્ચયુઅલ છે. આ જીવનને ખુલ્લા મનથી કોઇપણ જાતના પુર્વગ્રહ સિવાય નવું નવું શીખવા, સમજવા અને અમલમાં મુકનારો ગુજરાતની બૌધ્ધીક પણ ધર્મનિરપેક્ષ નવજાગૃતી માટેનો ખુબજ સહજથી જીવનારો મરજીવો છે. સમાજના વંચિતોના બાળકો, યુવાનો અને સર્વહારોનો કાયમી સાથીદાર અને ચિતીંત હમસફર છે.

(7) દેશ ને ગુજરાતના વર્તમાન રાજકીય–ધાર્મીક– સામાજીક એક તરફી ધ્રુવિકરણવાળા વાતાવરણમાં અમારી ચળવળને ગુજરાત વ્યાપી અને વિકેન્દ્રીત બનાવવા અનેક વલી સાહેબ જેવા સાથીદારોની તાતી જરૂર છે.

શુભેચ્છા સહ.. બીપીન શ્રોફ.   

--