Sunday, March 12, 2023

ચાર્વાક દર્શન ભાગ– ૨. ચાર્વાક દર્શનમાં ઇશ્વરનો ખ્યાલ–


 

ચાર્વાક દર્શન ભાગ– ૨. ચાર્વાક દર્શનમાં ઇશ્વરનો ખ્યાલ–

અભ્યાસની દ્ર્ષ્ટીએ ઇશ્વરના ખ્યાલને ત્રણ ભાગમાં વહેંચી શકીએ. એક,ઇશ્વરવાદી, બીજા નાસ્તીકને ત્રીજા અનિઇશ્વરવાદી. ચાર્વક દર્શન પ્રમાણે જે લોકો વેદોને સત્યના પ્રમાણ તરીકે સ્વીકારતા નથી તે નાસ્તીક છે.દા:ત સાંખ્ય દર્શન આસ્તિક દર્શન છે. તે વેદોને પ્રમાણીતતાને સ્વાકારે છે. પણ ઇશ્વરના અસ્તીત્વનો સ્વીકાર કરતું નથી.ઇશ્વરના અસ્તીત્વ અંગેની ચર્ચા માનવીના અસ્તીત્વ સાથે પ્રારંભ થઇ છે. જે આજે પણ ચાલુ છે. ને નજીકના ભવિષ્યમાં પણ તે ચર્ચાનો અંત દેખાતો નથી.

ઇશ્વરવાદી– (અ) એક એવી શક્તિ જે બ્રહ્માંડને નિયંત્રિત કરે છે.સામાન્ય રીતે દર્શનશાસ્રમાં તેને વ્યવસ્થા પર આધારીત તર્ક તરીકે ઓળખવામાં આવે છે. જો આ વ્યવસ્થા આધારીત નિયમબધ્ધ રીતે બ્રહ્માંડનું સંચાલન થતું હોય તો તેનું સંચાલન કરનાર તો કોઇ હશે ને? સંચાલન કરનાર સિવાય કેવી રીતે સંચાલન શક્ય બને? તો સદર સંચાલન કરનાર ઇશ્વર સિવાય બીજું કોઇ કેવી રીતે હોઇ શકે?(બ) કાર્યકારણનો સિધ્ધાંત–પ્રત્યેક કાર્ય માટે કોઇને કોઇ કારણ ચોક્કસ હોય છે.કારણ સિવાય કોઇ ઘટના ઘટે જ નહી! મહાવિસ્ફોટ ' બીગ બેન્ગ' થીયેરીનું સર્જન કરનાર પણ કોઇ હશે ને? એક સ્થિતિ એવી પેદા થશે કે જ્યારે કારણની દલીલ અંત આવશે ત્યારે ઇશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવશે.(ક) દરેક સર્જનની પાછળ સર્જનહારનો હેતુ–પ્રયોજન હોય છે. ઇશ્વરે સદર પૃથ્વીપરના તમામ જીવોના કર્મોનો ફળો આપવા માટે સર્જન કરેલ છે. ' જેવા કર્મ કરશો તેવા ફળ પામશો.' માટે પુર્વજન્મના કર્મો પ્રમાણે વર્તમાન જન્મમાં ફળો મળશે! એટલે આ તર્ક પ્રમાણે, પુર્વજન્મ, વર્તમાન જન્મ, પુનર્જન્મ, આત્મા, પરમાત્મા, સ્વર્ગ– નર્ક,મોક્ષ, પાપ–પુન્ય આખી શ્રંખલા તૈયાર. આત્રણે દલીલો– તર્કથી સાબિત કરે છે કે ઇશ્વર એક સર્જનહાર, સર્વસત્તાધીશ અને દયાળુ તરીકે અસ્તીત્વ ધરાવે છે.

હવે મેદાનમાં ઇ.પુર્વ ૬ઠ્ઠી શતાબ્દીના ક્રાંતીકારી વિચારક ચાર્વાક દર્શનનો પ્રવેશ થાય છે.(અ) ઇશ્વરી સર્જનની સામે ચાર્વાક દર્શનની દલીલ છે કે પૃથ્વી સહિત બ્રહ્માંડ ચાર  જડ તત્વો પાણી, વાયુ, અગ્નિ અને પૃથ્વીના સ્વભાવ(નેચર)નું પરિણામ છે. તેમનું સર્જન છે.(બ) ઇશ્વરે જો તમામ સજીવો–જડ વિ સર્જન કર્યુ હોય તો ઇશ્વરનું સર્જન કરનાર કોણ? ઇશ્વર સ્વયંભુ હોય તો પછી પૃથ્વી–બ્રહ્માંડ અને તમામ સજીવો વિ. સ્વયંભુ કેમ નહી?તો પછી કાર્યકારણના સિધ્ધાંતની જ બૌધ્ધીક અને તર્કબધ્ધ રીતે છેદ ઉડી જાય છે. સદર સિધ્ધાંતને આધારે આપણે ઇશ્વરના અસ્તિતત્વને સાબિત કરી શકીશું નહી! (ક) ઇશ્વર વ્યવસ્થાપક હોય તો આ બધી અવ્યવસ્થાઓ કેમ? તે દયાળુ,પરમકૃપાળુ હોય તો દેશ ને દુનીયામાં ન્યાય સામે અન્યાય અને જિસકી લાઠી ઉસકી ભેંસ એવી વ્યવસ્થા કેમ? ઘરડા જીવતા રહે અને કુમળા બાળકોના મૃત્યુ કેમ?

(ડ) અવ્યવસ્થા માટે માનવી જવાબદાર હોય તો પછી જે કોઇ વ્યવસ્થા વર્તમાનમાં છે તે પણ માનવ સર્જીત જ ગણાય ને? ગયા જન્મના કર્મોના ફળ ભોગવવા પડે! ચાર્વાક કહે છે કે ભાઇ! આત્મા નથી, માટે પુર્વજન્મ નથી, પુનર્જન્મ નથી, સ્વર્ગ– નર્ક નથી, પાપ–પુન્ય નથી. વર્તમાન જન્મ પહેલાં કોઇ જન્મ હતો નહી,ને વતર્માન જન્મ પછી પુનર્જન્મ પણ નથી." भस्मी भूतस्य देहस्य पुनरागमन कृत |" જે દેહ ભસ્મીભુત થઇ ગયો તે પછી પુનર્જન્મ કેવી રીતે પામીને સજીવ થાય? પુનર્જન્મ ન હોય તો કર્મફળનો ગીતાનો સિધ્ધાંત કોના માટે?

(ઇ)  सुख मेव स्वर्ग; दुख मेव नरक | સુખ અને દુ:ખ જેને સ્વર્ગ– નર્ક તરીકે વર્ણન કરેલ છે તે પણ અહીં જ છે. એકવાર મૃત્યુ પામ્યા પછી સ્વર્ગ કે નર્કમાં ગયા તે કોણે જાણ્યું? 'વૈકુઠવાસી– ગોકુલધામ, પ્રસ્થાન આ બધા ખ્યાલો માનવમનની પેદાશો સિવાય બીજું શું હોઇ શકે?

(ફ) આમ ઇશ્વરનો ખ્યાલ જ ભ્રમ, ડર અને આસ્થાના ખ્યાલ સિવાય કશું જ નથી.બાકી ઇન્દ્રીયજન્ય અનુભવ અને તર્કને આધારે ચાર્વાક દર્શન મુજબ ઇશ્વરના અસ્તીત્વને સાબિત કરી શકાય તેમજ નથી.

માટે ચાર્વાક કહે છે કે " આ જિવનને બિલકુલ તનાવ મુક્ત બનાવી દો! पित्वा पित्वा पुन; पित्वा यावत्पतति भुतले. उत्थायच पुन: पीत्वा, पुनर्जन्म न विध्यते| "यावत्जीवेत सुखम जीवेत; रुणम कृतवा धृतम् पिवेत  જેટલું જીવો એટલું સુખથી જીવો! દેવું કરીને ઘી પીવો.

      ચાર્વાક દર્શન પ્રમાણે વર્તમાન જીવન એ માત્ર વાસ્તવિકતા છે.માટે તે જીવન સારી રીતે અન્યના સહકારથી તર્કની મદદથી જિવવું તે જ નૈતીક છે. મૃત્યુ પછીના સુખીજીવન માટે વર્તમાન જીવન જિવવું તે બિલકુલ અનૈતીક છે. અમાનવીય છે. તેમાં કોઇ માનવધર્મ સમાયેલો નથી.વેદ અને ઉપનિષદમાં જણાવ્યું છે કે પૃથ્વી પરના જીવોનું સર્જન 'પંચ મહાભુતો'  થી બનેલું છે. ચાર્વકનું તારણ છે કે ભાઇ! પાંચ નહિ પણ ચાર મહા–તત્વોનું બનેલું છે. જેવા કે વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી અથવાપદાર્થ. ચાર્વાકના તર્ક પ્રમાણે–ઇશ્વર ઇશ્વર કરીને સતત સ્મરણ કર્યા કરવું તે એક માનસિક બિમારી છે. ઇશ્વર એક ખુશ કરવાનું રમકડું છે, અને તેને ખુશ કરવાના માનવીય બુધ્ધી અને તર્કથી જેટલા પ્રયત્ન કરવામાં આવે છે તે એક Mentally disorder થી વિશેષ કાંઇ નથી. ઉપવાસ, તીર્થ– જાત્રા–યાત્રા વાસ્તવિક જિવનમાંથી ભય, ડર અને અસલામતી વિ. ની ભ્રમણામાંથી માનસિક રીતે મુક્ત થવાની છટકબારી છે. આ માનસિકતામાંથી જેટલો છુટવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેટલો જ ભય, ડર અને અસલામતી આ બધા લોકો પર હાવી થઇ જાય છે. ઇશ્વરમાં શ્રધ્ધા એક માનસીક સલામતી બક્ષે છે. માનસીક અથવા ભાવાનાત્મક સુરક્ષા પુરી પાડે છે.

 આપણા જીવનમાં નિષ્ફળતા, હતાશા વિ. ને આપણે ઇશ્વર મરજીના મગજમાં રહેલા ખાનામાં મુકી દઇએ છીએ. શનિની પનોતી, સાડા સાતની પનોતી, કાળસર્પદોષ વિ, વી બધી માનસીકતાઓ નબળા મનના આશ્રય સ્થાનો છે.

ચાર્વાકનું અંતિમ સત્ય–' પ્રત્યક્ષ જ સત્ય' છે. સત્ય હંમેશાં પુરાવા આધારીત છે.
http://bipinshroff.blogspot.com/

 

--