Monday, March 13, 2023

ભારતમાં ચાર્વાકનાભૌતીકવાદી દર્શનની સંપુર્ણ પીછે હઠ કેવી રીતે થઇ? ભાગ–૩.(અંતિમ)

ભારતમાં ચાર્વાકના ભૌતીકવાદી દર્શનની સંપુર્ણ પીછે હઠ કેવી રીતે થઇ? ભાગ–૩.(અંતિમ)

ચાર્વાક દર્શન મુળભુત રીતે ભૌતીકવાદી, પ્રત્યક્ષવાદી, સુખવાદી દર્શન હતું. છેલ્લા બે લેખોમાં આપણે એ સમજવાની કોશીષ કરી હતી કે ચાર્વાક દર્શન કેવી રીતે ભૌતીકવાદી, પ્રત્યક્ષવાદી અને સુખવાદી દર્શન છે.એક, માનવ સહિત પૃથ્વી અને બ્રહ્માંડ વિ. ભૌતીક તત્વોના બનેલા છે. બે,જ્ઞાન ફક્ત ઇન્દ્રીયજન્ય છે. ત્રણ, માનવીય સ્તર પર જીવવું એટલે સુખેથી જિવવું. ક્રમશ: જ્ઞાન આધારીત સાધનો દ્રારા કુદરતી પરિબળોની વિઘાતક અસરોમાંથી મુક્તિ મેળવી જીવવું.

ચાર્વાકનું સમગ્ર ચિંતન વ્યક્તિલક્ષી, વ્યક્તિના કલ્યાણ અથવા સશક્તિકરણ માટે તમામ સામાજીક, રાજકીય ને ધાર્મીક સંસ્થાઓનો ઉપયોગ કરવો. તમામ સામુહિક સંસ્થાઓ માનવી માટે છે. માનવી તે બધી સંસ્થાઓના હિતો સિધ્ધ કરવા પૃથ્વી પર જન્મયો નથી.માનવી સાધ્ય છે જ્યારે તમામ માનવસર્જીત સદર સંસ્થાઓ તે સિધ્ધ કરવાના સાધનો છે. સામુહિક સત્તાનું સુકાન કે સંચાલન માનવ કેન્દ્રીત હોવું જોઇએ. તમામ સામુહિક સત્તાઓ માનવ સર્જીત હોવાથી તે લૌકીક, ઐહીક છે. અલૌકીક, ઇશ્વરી નથી. માનવ હિતની વીરૂધ્ધ તેનું સંચાલન થતું હોય તો તેમાં માનવીય પ્રયત્નોથી ફેરફાર ફક્ત શક્ય છે એટલું જ નહી પણ અનિવાર્ય અને આવકાર્ય છે.

(1)    તમામ વેદ અને ઉપનિષદો ઇશ્વર સર્જીત છે. રાજાશાહી અને પુરોહિતશાહી( બ્રાહ્મણવાદી)ના તમામ દુન્યવી હિતો તેમાં સમાયેલા હોવાથી ચાર્વાક દર્શનના તમામ તારણો તેમના સ્થાપિત હિતો વિરૂધ્ધ હતા.

(2)    તે સમયમાં કુદરતી પરિબળોની વિઘાતક અસરોમાંથી મોટાભાગના લોકોની જીજીવીષા ટકાવી રાખવી સરળ નહતી. માટે પ્રજા નસીબવાદનો ભોગ બની હતી અને આજે પણ છે.

(3)    શરીર ને આત્માના દ્વંદનો કોયડો તે સમયના પ્રાપ્ય જ્ઞાન– વિજ્ઞાનથી ઉકેલવો સરળ ન હતો.માટે ચાર–વર્ણવ્યવસ્થા, તેના ટેકામાં કર્મનો સિધ્ધાંત અને પુર્વજન્મ– વર્તમાન જન્મ– પુનર્જન્મ, તેના આધારીત પાપ–પુન્ય, સ્વર્ગ– નર્ક,મોક્ષ વિ. કાલ્પનીક દુકાનોના માલથી પ્રજાનું તમામ પ્રકારનું શોષણ કરવું સરળ હતું. જે હજુ સુધી બંધ થયું નથી.

(4)    છઠ્ઠી સદીમાં શંકરાચાર્યની મદદથી અસ્તિત્વમાં આવેલ 'જગત મિથ્યા બ્રહ્મ સત્ય ' ના ઉપદેશવાળી બ્રાહ્મણવાદી વર્ણવ્યવસ્થાએ ભૌતીક જ્ઞાન આધારીત ચાર્વાકના તત્વજ્ઞાનને મરણતોલ ફટકો માર્યો છે. તેમાંથી આજે પણ તે પ્રારબધ્ધવાળી માનસિકતાએ પેદા કરેલ મનુસ્મૃતિના ટેકાવાળી ગુલામી માનસીકતામાંથી દેશની પ્રજા માલિકો બદલવામાં સફળ થઇ છે. સ્વતંત્ર થઇ નથી.

(5)    ચાર્વાકની ક્રાંતિની કસુવાડ કરતાં બ્રાહ્મણવાદી જીવન પધ્ધતિને આશરે ૧૦૦૦ વર્ષ લાગ્યા હતા. સને ૧૯૪૭ની આઝાદી અને ૧૯૫૦ની બંધારણીય ક્રાંતિની કસુવાડ કરવા સને ૨૦૧૪થી ઢોલનગારા સાથે વાજતે ગાજતે મેદાને પડેલા ' મનુવાદીઓ, ગોડસેવાદીઓ અને બંધારણ વિરોધીઓને કેટલો સમય લાગશે? ૨૧મી સદીમાં આ બધા આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ અને સંપન્ન હિંદુત્વવાદી નેતૃત્વ દેશને હિંદુધર્મસત્તાક બનાવી દેશે? ત્યારે હું ક્યાં હોઇશ? ઐતીહાસીક સત્ય તો ફક્ત એટલો બોધપાઠ આપે છે કે " જે લોકો ઇતિહાસની ભુલોમાંથી કશું શીખતા નથી તે બધા ભુલોનું વર્તમાનમાં પુનરાવર્તન કરે છે."


--