Friday, June 2, 2023

માનવવાદનું પાયાનું બીજુંમુલ્ય– શ્રધ્ધા નહી પણ રેશનાલીટી. (NO FAITH BUT REASON)

માનવવાદનું પાયાનું બીજું મુલ્ય– શ્રધ્ધા નહી પણ રેશનાલીટી.

                     (NO FAITH BUT REASON)

 ઉત્ક્રાંતિવાદે,વૈજ્ઞાનીક માનવવાદને( The Radical Humanism) બક્ષેલું બીજું માનવ મુલ્ય 'તર્કવિવેક શક્તિ' (Rationality)છે. તર્કવિવેકશક્તિ એટલે સારું કે ખોટું શું તે નક્કી કરવાની પધ્ધતિ.ખરેખર તે સત્ય શોધવાની પધ્ધતિ છે.દરેક સજીવોએ પોતાની જીજીવિષા ટકાવવા કુદરતી પરોબળો કે નિયમો (Laws of nature)ને સમજીને પોતાના જૈવીક અંગો વિકસાવવા પડે છે. જૈવીક અંગોમાં ફેરફારો થતાં હજારો નહી પણ લાખો વરસ નીકળી જાય છે. જે સજીવો કુદરત પરિબળોની વિઘાતક અસરોમાંથી મુક્ત થવા પોતાના અંગોમાં ફેરફાર કરી શકે તે અસ્તીત્વના સંર્ઘષમાં ટકી શકે!

માનવીય સ્તર પર તર્કવિવેકશક્તિ બે રીતે માનવીને પોતાની જીજીવિષા ટકાવી રાખવા મદદ કરે છે. એક કુદરતના નિયમોને સમજવા અને બીજુ સામાજીક પરિબળોને સમજવા. ગુજરાતી ભાષામાં રેશનાલીટી શબ્દ તર્કવિવેકશક્તિનો પર્યાય બની ગયો છે. તેથી હવે પછી ચર્ચામાં રેશનાલીટી શબ્દ જ વાપર્યો છે.

માનવીને સત્ય શોધવામાં રેશનાલીટી બે રીતે મદદરૂપ થાય છે. એક ઇન્દ્રીયજન્ય અનુભવ અને બે, બૌધ્ધીક સમજશક્તિ(Cognition). ઇન્દ્રીયજન્ય અનુભવ(Sense perception)એટલે આપણને પાંચ ઇન્દ્રીયો, આંખ, નાક, કાન, જીભ અને ચામડી ની મદદથી થતો અનુભવ. આ તમામ ઇન્દ્રીયોનો સ્પર્શ વ્યક્તિગત કે સામુહિક ધોરણે મન(વિચાર કેન્દ્ર)ને સંદેશો પહોંચાડે છે.મન, કારણ અને તેની અસર( Cause and Effect)ને સમજીને નિર્ણય કરવાનો હુકમ જે તે ઇન્દ્રીયને આપે છે. માનવ સહિત દરેક સજીવ અનુભવને આધારે જે નિર્ણય કરે છે તે તેની ઉપર જણાવેલ રેશનલ પ્રક્રિયાનું પરિણામ હોવાથી તે ક્રિયા ભૌતીક હોય છે. તેમાં કશું દૈવી કે આધ્યાત્મિક બિલકુલ નથી.

હવે, ઇન્દ્રીયાતીત અનુભવના(Spiritual) ખ્યાલને સમજીએ. સદર અનુભવ એટલે તમામ ઇન્દ્રીયોની મદદ સિવાય થતો અનુભવ! જે અનુભવ પ્રાપ્ત કરવામાં ઇન્દ્રીયો કોઇપણ રીતે સંકળાયેલી ન હોય તેને કારણે તે સર્વે ઇન્દ્રીયો આપણા મનને કે તેના વિચાર કેન્દ્રને કોઇ સંદેશો મોકલી શકતી નથી.માટે આવા ઇન્દ્રીયાતીત અનુભવનો કોઇ પુરાવો માનવી મેળવી શકતો નથી. જો કોઇપણ માનવી જ્યારે એવો દાવો કરે કે તેને ઇન્દ્રીયાતીત અનુભવ થયો છે, કોઇને પ્રાપ્ત નથાય તેવો અસાધારણ અનુભવ( Extra ordinary experience) થયો છે. તો તે દાવો કરનારે અસાધારણ પુરાવો(Extra ordinary Evidence) કોઇપણ જાતની છેતરપીંડી કે લુચ્ચાઇ કર્યા સિવાયનો આપવો પડે! તમામ ધર્મોના સ્થાપકોએ પોતાને ઇશ્વરી સંદેશા મળેલા છે, તે બધાજ સંદેશાઓ ઇન્દ્રીયાતીત હતા. માટે તે બધા દૈવી અનુભવો માનવ ઇન્દ્રીયો તથા તેની સાથે કામ કરતા વિચાર કેન્દ્રથી થતી તપાસને વર્જય છે. હા! મઝાની હકીકત એ છે કે તે બધા ઇશ્વરી સંદેશાઓના ઇશ્વરી સંદેશાવાહકો જે પાછા છે, તો મારા તમારા જેવા માનવી ઓ જ. જે ઉંમર થતાં ઘરડા થઇને મૃત્યુને હવાલે થયા હતા. સંદેશાઓ ઇશ્વરી, ઇશ્વરી સંદેશાવાહકોમાંથી કોઇની ભાષા હીબ્રુ, ઉર્દુ, સંસ્કૃત,મરાઠી,પાલી વિ. વિ. તો શું દેશકાળ અને ભુમિપ્રમાણે તેમના ઇશ્વરી દરબારો(કદાચ) જ્યાં હોય ત્યાં જુદા જુદા હશે!

 હવે, આપણે રેશનાલીટી કઇ રીતે માનવીય સ્વતંત્રતાને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે તે સમજીએ. માનવીને રેશનાલીટી પ્રમાણે વિચાર કરવાની શક્તિ જ તેને સ્વતંત્ર્ય માટેની લડતનો માર્ગ સરળ કરી આપે છે. જીવન ટકાવી રાખવાની ઝંખના, જીજીવિષા એટલે સત્ય શોધવાનો સંઘર્ષ. તે માટે રેશનલ માર્ગ કે એપ્રોચ. જીવન ટકાવવા,તેને સમૃધ્ધ બનાવવાનો પ્રાથમિક સંઘર્ષ એટલે કુદરતના નિયમોને સમજીને પોતાનું જીવન ગોઠવવું. કોઇપણ માનવ સહિત તમામ સજીવ, કુદરતી પરિબળોના નિયોમોમાં ફેરફાર કરી શકતા નથી. તેના નિયમોને સમજીને પોતાનું જીવન કેવી રીતે ટકી રહે તે શીખે છે. માનવવાદી મુલ્ય રેશનાલીટી દરેક માનવીને જીવન ટકાવી રાખવામાં કુદરતને સમજવામાં મદદરૂપ થાય છે. કુદરત એ માનવી માટે એક જ્ઞાનનો સ્રોત છે.પણ જ્ઞાનનો આધાર તો તર્કબુધ્ધી કે રેશનાલીટી છે. માટે જ રેશનાલીટી માનવપ્રગતિનું મુખ્ય સાધન છે. કુદરતએ ભજવા પુજવાનું સાધન નથી. પ્રકૃતિ,સંબંધી ઉત્તરોત્તર વધતું જ્ઞાન, માનવીને કુદરતી ઘટનાઓ તેમજ ભૌતીક અને સામાજીક વાતાવરણના જકડી રાખતા સકંજામાંથી ક્રમશ; મુક્ત બનાવે છે.

આમ માનવવાદી વિચારસરણીનું બીજું મુલ્ય રેશનાલીટી માનવમુક્તિ માટેનો માર્ગ છે. રેશનલ માનવી એટલે માનસિક રીતે સ્વતંત્ર.તેનામાં લેશમાત્ર અંધશ્રધ્ધા ન હોય. તેના નિર્ણયનો આધાર વૈજ્ઞાનિક અભિગમ હોય છે અથવા રેશનલ અભિગમ હોય છે. તે માનવીને સત્ય શોધવાના માર્ગમાં સ્વાવલંબી બનાવે છે. પરાવલંબી નહી. તે કોઇ ગુરૂ, દૈવી સત્તાના એજંટોનો ગુલામ ક્યારેય હોઇ શકે નહી.

માનવીય રેશનાલીટી એ જૈવીક ઉત્કાંતીનું મુળભુત લક્ષણ છે. કેવી રીતે? ઇન્દ્રીયોનો ઉપયોગ કરીને પ્રાણીઓ પણ વિચાર–સમજ પ્રમાણે નિર્ણય કરતા જ હોય છે. માટે જ જીવે છે. માનવ મગજ પણ કુદરત સાથે અનુકુલન સાધતાં જીવશાસ્રીય ઉત્ક્રાંતિ દરમ્યાન જ વિકસ્યું છે. તેથી માનવ રેશનાલીટી એક જીવશાસ્રીય ગુણધર્મ છે. માનવવાદના ત્રીજા મુલ્ય ધર્મનીરપેક્ષ નીતી(Secular Morality) ની ચર્ચા હવે પછી ના ભાગ– ૩ માં.

 

 

 


--