Tuesday, June 6, 2023

ધર્મનીરપેક્ષ નૈતિકતા( Secular Morality)–

ધર્મનીરપેક્ષ નૈતિકતા( Secular Morality)

ઉત્ક્રાંતિવાદના ભૌતિક જૈવીક સંઘર્ષમાં જીજીવિષા ટકાવી રાખવા માનવીએ જે મુલ્યો વિકસાવ્યા તેમાં સ્વતંત્રતા અને રેશનાલીટી(તર્કવિવેકબુધ્ધિ)અંગે અગાઉના બે લેખોમાં વિગતે ચર્ચા કરી છે. આજે આ લેખમાં ધર્મ કે ઇશ્વર પર આધાર રાખ્યા સિવાય ,માનવ માનવ વચ્ચે સહકાર,સુમેળભર્યુ, શાંતિમય, નૈતિક જીવન જીવતાં માનવી કેવી રીતે શીખ્યો તેની ચર્ચા કરીશું.

 પહેલી પાયાની વાત માનવી વિષે તત્વચિંતક એરિસ્ટોટલે માનવ વર્તણુકને વ્યાખ્યાયિત કરતાં જણાવ્યું હતું કે માનવી એક સમુહમાં જીવનારૂ પ્રાણી છે.(The man is a gregarious animal.) માનવસર્જીત સમુહમાં જીવવાનો ખ્યાલ તેને પોતાની જીજીવિષા ટકાવી રાખવાની મુળભૂત ઝંખનામાંથી( Urge to exist)વિકસ્યો છે.તે તેની સહજવૃત્તિ(Instinct) છે. તે વિકસવા માટે બે કારણો જવાબદાર છે. એક કુદરતી પરિબળોની આફતો તથા બે,જંગલી–હિંસક પ્રાણીઓ સામે રક્ષણ મેળવવા એકબીજા માનવોનો સહકાર અનિવાર્ય બન્યો હતો. સહકારભર્યા જીવનના વિકાસ(જેનું બીજુ નામ નૈતિક જીવન છે.)માટે એકબીજાને સંદેશા વ્યવહારની આપલે કરવા ભાષા વિકસી હતી. સમય જતાં ભાષાના વિકાસ સાથે વિકસેલી બુધ્ધિ અને નિર્ણયશક્તિએ તેના કરતાં શારિરીક રીતે વધુ શક્તિશાળી તમામ સજીવો સામે જૈવિક સંઘર્ષમાં માનવી પ્રભુત્વ મેળવી શકયો હતો. આમ ભાષા દ્રારા એકત્ર થયેલું જ્ઞાન એક પેઢીથી બીજી પેઢીમાં હસ્તાંતર થયું. તેમાંથી માનવસંસ્કૃતિનો ઉદય થયો છે. એકબીજા માનવો સાથેના નૈતિક માનવ વ્યવહારમાં ક્યાંય કોઇ ઇશ્વર, દેવ, ધર્મ કે ધર્મ પુસ્તક વચ્ચે આવતું  નથી.

  માનવ સહકાર માટે એકબીજા પ્રત્યે લાગણી, અનુકંપા, સહાનુભુતિ, સામાજીક સંપ વિ. લાક્ષણિકતાઓ માનવીય નૈતીક જીવનનો સ્રોત બની.માનવીય નૈતીક ભાવના આમ કુદરતી જીવશાસ્રીય લાક્ષણિકતા છે. નૈતીકતા ભાવના એક પ્રબુધ્ધ સ્વાર્થ છે. સ્વાર્થ સાથે પરમાર્થ(બીજા માનવીનો સ્વાર્થ) છે. માટે જ બીજા એક ગ્રીક તત્વચિંતક એપીક્યુરસે નૈતિક આચરણથી જે સંતોષ મળે છે તેને સમજાવતાં જણાવ્યું છે કે " હું નૈતીક થવા ઇચ્છું છું પણ તે દેવોને પ્રસન્ન કરવા નહી પણ પણ મારી પોતાની પ્રસન્ન્તા માટે."

 નૈતિક વર્તન કોને કહીશું? કોઇપણ માનવ વર્તન જ્યારે રાજ્યના દંડની કે પછી ધર્મ, ઇશ્વરનો પારલૌકીક ભય, સજાને કારણે કરવામાં આવે તેને આપણે નૈતિક વર્તન કહી શકીશું ખરા? જે માનવીય વર્તનમાં પોતાની સ્વૈચ્છીક ઇચ્છાશક્તિનો અભાવ હોય તેને આપણે નૈતિકવર્તન ગણાવી શકીશું ખરા? નૈતિક વર્તન માટે બે ક્રિયાઓ એકી સાથે થવી જોઇએ. નૈતિક વર્તન કરવાની સૌ પ્રથમ ઇચ્છા જોઇએ અને તે ઇચ્છાને અમલમાં મુકવા વર્તન જોઇએ. કોઇ ભિક્ષુકને તમે એક રૂપિયો આપવાની ઇચ્છા રાખો પણ તમે આપો નહી તો તેને નૈતિક વર્તન કહેવાશે ખરૂ? તે રીતે તમારા હાથમાં એક રૂપિયા પડી જાય છે અને તે રસ્તા પરથી પસાર થતા ભિક્ષુકને મલી જાય છે! તો આ વર્તનને પણ આપણે નૈતિક વર્તનની વ્યાખ્યામાં મુકી શકીશું નહી?નૈતીક વર્તન એટલે ઇચ્છા અને વર્તનનો સમન્વય.

માનવી તરીકે તેનો સૌ પ્રથમ પરિચય કુટુંબ સાથે થાય છે. તેનો બીજા સાથેનો નૈતીક વ્યવહાર વડીલોની સુચનાઓ અને આગ્રહ પ્રમાણે નક્કી થાય છે. વડીલોની મંજુરી અને નામંજુરીથી બાળકનું નૈતિક વર્તન ઘડાય છે. સમાજમાં જ્ઞાતિ વિષયક અને સ્રી સાથેના વ્યવહારો પેલી વડીલશાહીની જ દૈન છે.  જે તે સામાજીક રૂઢીઓ અને ધાર્મીક ઉપદેશોની નિપજ હોવાથી મોટેભાગે હાનિકારક તેમજ દમનકારક હોય છે. તમામ ધર્મોએ નૈતીકતાની વ્યાખ્યા અને વર્તનમાં સ્વદમન, સ્વપીડન, કોઇપણ સમુહ માટે શહીદી, સ્વનાશ, બલિ જેવા ગુણોને!(દુર્ગુણોને)આમેજ કરવામાં આવેલા છે.

માનવીય રેશનાલીટી,માનવીના સ્વાતંત્રય માટે વ્યક્તિગત ધોરણે અનિવાર્ય છે. તેવીજ રીતે માનવીય રેશનાલીટી સામાજીક, આર્થિક અને રાજકીય રીતે અનૈતીક રૂઢી રિવાજો અને અબૌધ્ધીક સ્થાપિત પરંપરાઓ, અન્યાયો સામે સંઘર્ષ કરવા ઉદ્દિપક તરીકે કામ કરે છે. તમામ ધાર્મિક વ્યવહારો,ધાર્મિક નૈતીક ઉપદેશો, માનવીય નૈતીકતાથી ઉલટી દિશના વર્તનો શીખવાડે છે. ભલે ભુતકાળમાં માનવ વિકાસના પ્રાથામિક તબક્કામાં ધર્મે હકારાત્મક ફાળો ભજવ્યો હશે પણ તમામ ધર્મોની ભુમિકાઓ નકારાત્મક ને સમાજના સ્થાપિતહિતો સાથે મીલીભગતની જ રહી છે. જે હજુ પણ ચાલુ છે.

   વૈજ્ઞાનીક સમાજવાદના પ્રણેતા કાર્લ માર્કસના તારણ મુજબ તમામ ધર્મો પોતાના કંઠીબંધ ભગતોને ધર્મનું અફીણપાઇને મદહોશ બનાવી, વાસ્તવિક જીંદગીમાંથી ભાન ભુલાવીને તેમના ખીસ્સાં કાતરવાનું કામ કરે છે.મોટાભાગના ધાર્મિક કંઠીબંધોની અફીણી મદહોશતા જન્મની સાથે આપવામાં આવેલી ગળથુથી શરૂ થઇને મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહે છે. એટલું જ નહી પણ પોતાના વારસદારોને મિલકતની માફક જ વારસમાં આપતા જ જાય છે. ' मंदिर वहीं बनायेगें- अयोध्या झांखी है- काशी मथुरा बाकी है|  આ ધાર્મીક અફીણીઓને કોણ સમજાવશે કે વીશ્વના તમામ ધર્મોએ માનવોને અંદર અંદર લડાવીને સતત વિનાશને માર્ગે લઇ ગયા છે. જ્યારે વિજ્ઞાને જ માનવી માટે સુખાકરી,પ્રગતિઅને શાંતિ માટેનો રસ્તો ધાર્મીક સત્યોને પડકારીને બનાવ્યો છે. "The science is the basic source of development while the religion is the only source of destruction of the mankind."

 માનવજાતની મર્યાદા એવી સાબિત થઇ છે કે તેણે જે ઝડપથી ટેકનોલોજીનો વિકાસ કર્યો તેટલી ઝડપથી માનવીય નૈતીકતાનો વિકાસ સાધી શક્યો નહી. વર્તમાન સમયમાં જે ભરપેટ સામુહિક નૈતીકતાનો હ્રાસ થતો ને નૈતીક મુલ્યોનું સતત ધોવાણ થતું ઠેરઠેર જોવા મલે છે તેનો ઉપાય કે માર્ગ ધાર્મિકતા તરફ પલાયન કે છટકબારીમાં નથી. માનવ કેન્દ્રી નૈતીકતા એ યોગ્ય અને એકમાત્ર સાધન છે. જેને માનવીએ આત્મસાત કરીને, તેનો ઉપયોગ કરીને લાખો વર્ષનો જૈવીક સંઘર્ષ કરીને આપણી પૃથ્વીને સુજલામસુફલામ બનાવી છે. માનવીય નૈતીકતાના માર્ગદર્શકો.

·         એક તમામ માનવીઓ જૈવીક ઉત્કાંતિની નીપજ હોવાથી મુળભુત રીતે એક જ છે. કોઇ માનવીનું સર્જન કોઇપણ ધર્મગ્રંથોમાં લખ્યા મુજબનું બિલકુલ નથી ને નથી જ. માટે કોઇ માનવી જન્મથી ખ્રીસ્તી નથી, મુસ્લીમ નથી, હિંદુ પણ નથી જ.

·         માનવીય રેશનાલીટી સિવાય જ્ઞાન પ્રાપ્ત કરવાનો કોઇ માર્ગ નથી. તમામ ધર્મોના ઇશ્વરી સાક્ષાત્કારના પુરાવાને કોઇ ભૌતીક–વૈજ્ઞાનીક આધાર નથી. તેવા તમામ દાવા છેતરપીંડી, બદમાશી અને ખીસ્સા કાતરવાના અનૈતીક અને ગેરકાનુની જ ધંધાઓ છે.

·          કોઇપણ નાગરિક અને સમગ્ર માનવજાતના કલ્યાણનો માર્ગ ' ધર્મનિરપેક્ષ માનવવાદ' સિવાય બીજો કોઇ નથી. તે માનવકેન્દ્રીત છે. માનવીના વૈયક્તિક ભૌતીક સર્વાંગી વિકાસ સિવાયના કોઇપણ માપદંડથી તેને મપાય જ નહી. કોઇપણ માનવસર્જીત સમુહમાં મારી અને તમારી શરણાગતી, વફાદારી એ લલચાવનારો ગુલામીનો માર્ગ છે ભલે પછી તેને  હીરે– સોનીથી મઢેલો હોય!

·         ડાર્વીનના ઉત્ક્રાંતિવાદનું એક જ સત્ય– દરેકે સજીવે જિવન ટકાવી રાખવા સંઘર્ષ વ્યક્તિગત ધોરણે કર્યો છે. હા! તેણે સમુહનો સહકાર સ્વતંત્ર બનવા લીધો છે. જે સમુહ તમને ઉપદેશ ગુલામ બનાવવાનો કરે તો તમારે તમારી રેશનાલીટીનો ઉપયોગ કરીને તેને બધાને ઇતિહાસની કચરા પેટીમાં સત્વરે ફગાવી દો! અને માનવકેન્દ્રીત સશક્ત સમાજ વ્યવસ્થાના સર્જન તરફ આગળ પ્રયાણ ચાલુ રાખવું જોઇએ. માનવકેન્દ્રીત સુખાકારીનો માર્ગ અનંત ને સીમાહીન છે.    

 

 

 

 

 


--