Convocation Address by B. Parekh
ભાઇ તમારી ઓળખ કઇ છે? – પ્ર. ભીખુભાઇ પારેખ.
(તંત્રી નોંધ–પ્રો. ભીખુભાઇ પારેખે, સરદાર પટેલ યુનીવર્સીટીમાં વીધ્યાનગર મુકામે જે દીક્ષાંત પ્રવચન 'કોનવોકેશન એડ્રેસ' ૧૫મી ડીસેમ્બર ૨૦૧૫ના રોજના આપેલ, તેમાંના અગત્યના મુદ્દાઓને વીકસાવીને અત્રે રજુ કરેલા છે.)
મેં મારા વીચારો, વીધ્યાર્થી મીત્રો, તમને સૌને કેન્દ્રમાં રાખીને રજુ કર્યા છે. કારણકે આજનો દીવસ તમારી શૈક્ષણીક અભ્યાસની કારકીર્દીના વીકાસની પરાકાષ્ઠાનો અંત છે. જે તમે બધાએ સખત મહેનત કરીને પ્રાપ્ત કર્યો છે. સાથે સાથે આ યુનીવર્સીટી સાથે જોડાયેલો તમારો વીધીપુર્વકનો સંબંધ (ફોરમલ એસોસીયેશન) આજરોજ અહીંયા પુરો થાય છે.આજના દીવસ સુધી તો તમે બધા યુનીવર્સીટીના વાતાવરણમાં આરક્ષીત હતા. હવે તમારે બધાએ આવતી કાલથી આ અમાપ દુનીયાની અચોક્ક્સ,બરછટ અને લાગણીવીહીન વાસ્તવીકતાઓનો સામનો કરવાનો શરૂ થઇ જવાનો છે. હું તમને તે દુનીયાના કેટલાક પડકારો અને તે બધાનો સામનો કરવા માટેના જરૂરી ગુંજાશ અને સક્ષમતાની વાત કરવા માંગું છું.
તમે જે વીશ્વમાં ઝડપથી પ્રવેશ કરવાના છો તે વીશ્વ અત્રે ખુબજ જોખમી અને અસ્થીર બની ગયું છે.આ વીશ્વમાં એવો કોઇ, એક પણ દીવસ પસાર થતો નથી, જયાં કોઇ સંગઠીત જુથે બીજા કોઇ પર હુમલો કરીને ગમે તે કારણસર માણસોને મારી નાંખ્યા ન હોય. પોતાના કૃત્યને વ્યાજબી ઠેરવવા તે બધા પોતાની નૈતીકતાના સદગુણનો અથવા અંતરઆત્માના અવાજની પુષ્ઠી આપે છે. ઇરાક, અફઘાનીસ્તાન, સીરીયા, યેમેન, લીબીયા, પાકીસ્તાન, બંગ્લાદેશ, સાઉદી એરેબીયા, ઇજીપ્ત વગેરે દેશોમાં જુઓ, આ બધા દેશોમાં સેંકડો નહી હજારો લોકોની કત્લેઆમ( બુચર્ડ) કરવામાં આવે છે. જેટલાને મારી નાંખવામાં આવે છે તેનાથી અનેકગણાઓને નીર્વાસીત બનાવવામાં આવે છે. તેના પડઘાઓ અને ધ્રુજારીઓ યુરોપ અને અમેરીકામાં પડે છે. આપણે જોયું છે કે કેવી રીતે ન્યુયોર્કના ટ્વીન ટાવર્સને જમીનદોસ્ત કરી નાંખવામાં આવ્યા હતા.
આ વર્ષે આપણે મેડડ્રીડ, લંડન અને ફ્રાંસમાં બે વાર જાણે કાળો કેર વર્તવ્યો હોય તેવા હીંસક હુમલા જોયા. બેલ્જીયમ (જે યુરોપીયન યુનીયન નો અગત્યનો દેશ છે તથા જયાં તેની મુખ્ય ઓફીસ આવેલી છે) તે દેશમાં આતંકી હુમલાને કારણે ઇતીહાસમાં પ્રથમ વાર સમગ્ર દેશમાં સ્કુલો, કોલેજો,અને મેટ્રો ટ્રેઇન બંધ કરી દેવામાં આવી. આફ્રીકાના જુદા જુદા દેશોમાં હજારો બાળકોને અપહ્યત ( કીડનેપ્ડ) કરીને પછી ફરજીયાત (કન્સીક્રપ્ટેડ) લશ્કરી તાલીમ માટે જે તે દેશમાં ભરતી કરી દેવામાં આવે છે. બીલકુલ નીર્દોષ નાગરીકોને સીરીયા અને તેના જેવા બીજા દેશોમાં ખોટા, ભ્રામક, નકલી આક્ષેપો લગાવીને હજારો લોકોનો જાહેરમાં શીરચ્છેદ કરી દેવામાં આવે છે.અમેરીકા અને યુરોપના જુદા જુદા દેશોમાંથી દયાહીનરીતે આ બધા આરબ દેશોના ગેરકાયદેસર પ્રવેશ ઇચ્છુક નીર્વાસીતોને ખદેડી મુકવામાં આવે છે અને મજબુર, અમાનવીય અને અત્યંત કરૂણાજનક સ્થીતીમાં તે બધા હજારો લોકોને મોતના મુખમાં ધકેલી દેવામાં આવે છે. આપણા પોતાના દેશમાં જ દલીતો, સ્રીઓ, લઘુમતોને નીશાન બનાવીને ધાર્મીક, રાજકીય અને બીજા કારણોસર તે બધા પર હીંસક હુમલા કરવામાં આવે છે .આ બધી ઘટનાઓતો જાણે રોજ સવારના ન્યુઝપેપર અને સાંજના ટીવી ન્યુઝમાં જાણે પીરસવાની વાનગી બની ગઇ છે. ખુબ જ દુ:ખ સાથે આપણને વીચાર કરતા મુકી દે છે કે આ જગત ક્યારે જીવવા માટે વધારે સારુ બનશે?
દરરોજ આ નાની મોટી હીંસાની બનતી સેંકડો શાંત કાં અશાંત ઘટનાઓ પાછળ ઘણા કારણો જવાબદાર છે. કેટલાક સામાવાળા ઉપર આધીપત્ય જમાવવા માટે, કેટલાક તો વળી ભુતકાળની માનહાનીઓનો (હ્યુમીલીએશન) ઉત્કટ મનોવીકારથી આવેગમય( પેંશન) બની બદલો લેવા, જ્યારે બીજા કેટલાક તો ખાસ આધુનીકતાના પરીબળોને દુર રાખવા કે નીયંત્રણમાં રાખવા, હીંસાનો આશરો લે છે. આ બધા અસંતોષના કારણોમાં થતી હીંસામાં ઇંધન પુરનારું કોઇ પરીબળ હોય તો તે ' પોતાની ઓળખની શોધ અને તે જાણ્યાપછી તેને ટકાવી રાખવાની મથામણ છે.' હું મારા વીચારો આ 'ઓળખ' શું છે અને કેમ તે હીંસા ફેલાવવા માટેનું સરળ માધ્યમ બને છે તેના પર કેન્દ્રીત કરવા માંગું છું.
આપણા બધાને પોતાની જાતની ઓળખ તો જોઇએ છીએ. આપણે કોણ છીએ અને શા માટે છીએ? આ ઓળખનો ખ્યાલ આપણા જીવનમાં બૌધ્ધીક અને નૈતીક કાર્યો કરવા માટેનો માર્ગદર્શક ( કોમ્પાસ, હોકાયંત્ર) બની જાય છે. આપણે શું પસંદ કરવું અને શું ન કરવું, કયા નીર્ણયો કોઇપણ હીસાબે ન જ કરવા તે બધું ' ઓળખની સમજ' વીના ન કરી શકીએ. સામાન્ય સંજોગોમાં આપણને ' ઓળખની સમજ'ની કેળવણી આપણા સમાજ અને તેની નૈતીક આચારસંહીતામાંથી મળે છે. જે સમાજમાં આપણે જન્મયા અને મોટા થયા તે સમાજ આપણને શીખવે છે કે આપણે આપણા ભાઇઓ, મા–બાપ વગેરે સાથે કેવી રીતે વર્તવું, સારા હીંદુ કે મુસલમાન કે ખ્રીસ્તી તરીકે કેવી રીતે વર્તવું, સારા ભારતીય કે નાગરીક તરીકે કેવી રીતે અરસપરસનો વ્યવહાર કરવો ? તે સમાજ આપણને એ શીખવે છે કે કઇ પ્રવૃત્તીઓ કોઇપણ ભોગે ન કરવી.
સમાજ સાથે જોડાયેલ બધી જ ઓળખની સમજો અને તેના નૈતીક માર્ગદર્શકો હંમેશાં સ્વીકારવા યોગ્ય હોતા નથી. આપણે તે બધાનું તાર્કીક મુલ્યાંકન કરવાની જરૂર છે. આ મુલ્યાંકનમાં જે યોગ્ય સમજાય તેનો સ્વીકાર કરવો જોઇએ અને બાકીનાનો અસ્વીકાર વીના સંકોચે કરવો જોઇએ. સમાજની ઓળખોનું તાર્કીક મુલ્યાંકન કરવાથી આપણી 'ઓળખની સમજ' પરીપક્વ બને છે. તેથી સમાજ અને આપણે પોતે બદલાઇએ છીએ. પરીવર્તન પામીએ છીએ.
આપણો સમાજ જ્યારે જુદી જુદી ' ઓળખની સમજ ' અને તેના માર્ગદર્શકો ને સ્પષ્ટ રીતે રજુ કરવામાં ઉણો ઉતરે છે, ત્યારે ગંભીર મુશ્કેલીઓ પેદા થાય છે. તેની પાછળ ઘણા બધા જુદા જુદા કારણો જવાબદાર છે. આ એવો સમય હોય છે કે જ્યારે સમાજની મોટાભાગની સંસ્થાઓ પોતાને ફાળે આવેલી જવાબદારીઓ નીભાવવામાં અસમર્થ બની ચુકી હોય છે, તે બધાની સંસ્થાઓ તરીકે આબરૂ અને નૈતીક સત્તાઓનો હ્રાસ થયેલો હોય છે. કદાચ આવે સમયે સમાજ માટે સામ સામી વીરોધાભાસી દબાણો ( કોફ્લીટીંગ પ્રેસર્સ )નું સંચાલન કેવી રીતે કરવું તથા આવા વીરોધાભાસી દબાણો વચ્ચે સમતોલન કેવી રીતે જાળવવું તે એક મોટી સમસ્યા બની જાય છે. આ દબાણોની ઝડપ અને અસરોનો વ્યાપ ખુબજ ઝડપથી વધતો જતો હોય છે. ગમે તે કારણોસર સમાજ તેના સભ્યો માટેના બૌધ્ધીક અને નૈતીક માર્ગદર્શનની હકુમત ગુમાવતો જાય છે. સમાજમાં નૈતીક અધ:પતનની સ્થીતી પેદા થાય છે. આવી સ્થીતીમાં લોકોને ધર્મ અને તેના સેક્યુલર સાધનોમાં વીશ્વાસ અનુભવાય છે. આ ભયભીત સ્થીતીમાં મળેલી( પેનીક– સ્ટ્રીકન) ' ઓળખની સમજ ' પેલા જુના રૂઢીચુસ્ત સમાજની સ્થીર અને સ્પષ્ટ ઓળખ જેવી બીલકુલ હોતી નથી. તેમાં પરીવર્તનની ક્ષમતા કે ફેરફારની શક્યતા બીલકુલ હોતી નથી. સમાજની ઐતીહાસીક અને રૂઢીગત જે માન્ય માનવીય પ્રણાલીઓ છે તેની સાથે તે ઓળખ સંવાદીતા ધરાવતી નથી. આવી અસહીષ્ણુ ઓળખની રચના કૃત્રીમ રીતે પેદા કરવામાં આવેલી છે. સમાજમાં વ્યાપક બનેલી સામાજીક અસ્વસ્થાતામાંથી તેને કુશળતાપુર્વક (Crafted,લુચ્ચાઇપુર્વક) સમાજના જુદા જુદા અંગોમાં ઇરાદાપુર્વક બહારના પરીબળોની મદદથી થોપવામાં આવે છે. આવી નવી 'ઓળખની સમજ' આજે જુદી જુદી જગ્યાએ કરવામાં આવતી હીંસાની જનેતા છે. હું ટુંકમા તેનું પૃથ્થકરણ કરવા માગું છું.
આ નવાપ્રકારની 'ઓળખની સમજ 'ના ઘણા બધા વીશીષ્ટ પ્રકારના લક્ષણો છે. તેમાંના અગત્યના ચાર વીશે હું ખાસ વીગતે જણાવીશ.
એક, આ 'ઓળખની સમજ'ને નકારાત્મક કે વીરોધાભાસી રીતે અર્થબધ્ધ કે વ્યાખ્યાયીત કરવામાં આવી છે. તેના પ્રમાણે પોતાને ઓળખવા માટે તે પોતે કોની વીરૂધ્ધ છે, કોણ તેનો દુશ્મન છે અને શા માટે છે, તે ઓળખી લેવાની પ્રાથમીક જરૂરીયાત છે. જ્યાંસુધી પોતાની ઓળખને સામાવાળાની ઓળખ સાથે સરખાવવામાં ન આવે ત્યાં સુધી તેની પોતાની ઓળખ અસ્પષ્ટ, ધુંધળી અને વીકેન્દ્રીત( લેક ઓફ ક્લીયર ફોકસ) રહે છે. મારી ઓળખની સમજ, અથવા હું કોણ છું તે મારો દુશ્મન એટલા માટે નક્કી કરે છે, કે તેની સાથેના સંઘર્ષમાં હું કોણ શું અને શા માટે છું તેની મને સમજણ પડે છે'. મારે જે સત્ય છે અને સારૂ છે તેના વીરોધ કરનારનો પ્રતીનીધી બનાવનું છે ( શક્ય હોય તો તેનો પ્રચારક બનવાનું છે). સામાવાળાને રાક્ષસ કે પીશાચગ્રસ્ત ચીતરીને તે બધાને અમારા માટે ' સામાજીક દુષણ'નું પ્રતીક તરીકે ઓળખાવાનો છે. મારી ઓળખની સમજ એવી નથી કે જેને હું પ્રેમપુર્વક શાંતીથી માણી શકું; મારે તો તેને(ઓળખની સમજને) મારા દુશ્મનની જે સતત હુમલો કરવાની જે યુક્તી–પ્રયુક્તીઓ છે તેનાથી સંરક્ષીત કરવાની છે. તે મારી પાસેથી સતત જાગરૂકતા અને સંઘર્ષની માનસીકતા પુર્વશરત તરીકે માંગી લે છે.
બે, ઉપર મુજબનું જાણે ઓળખની સમજનું ફક્ત એક જ અર્થઘટન હોય તેમ ઘણાનું માનવું છે. જે લોકો આવી ઓળખની સમજમાં માને છે તે બીજા પાસે પણ તેવી અપેક્ષા રાખે છે. સારા હીંદુ, મુસલમાન કે ખ્રીસ્તી કે ભારતીય બનવાનો ઉપર જણાવેલ એક જ માર્ગ છે. તેમાં જુદો ચીલો,ચાતરનારાઓનું કોઇ સ્થાન નથી. આવા લોકોને ઠેકાણે લાવવાનું 'પેલા લોકોનું' કામ જ નહી પણ ફરજ થઇ પડે છે. ઓળખની સમજતો આપણા દુશ્મનો સામે આપણને એકજુટ બનાવે છે, સંગઠીત રાખે છે. જો બધાને પોતાની મરજી મુજબની પોતાની ઓળખની સમજને આધારે વર્તન કરવા દેવામાં આવે તે અસ્વીકાર્ય છે. જયારે આપણી ઓળખની સમજ પર સતત દુશ્મનોના હુમલા થતા હોય ત્યારે આંતરીક એકતા અને શીસ્ત સંસ્થા માટે ખુબજ અનીવાર્ય છે.
ત્રીજુ, ઓળખની સમજ તે ફક્ત એકલ દોકલ કોઇ મુદ્દે વર્તન કરવા પુરતી નથી. પણ તે આપણા સમગ્ર જીવનનો ભાગ બનવી જોઇએ. દા;ત એક મુસ્લીમ તરીકે હું બંદગી,પ્રાર્થના, ખોરાક, પહેરવેશ, ધંધો અને મારી રોજબરોજની સામાન્ય વર્તણુક, અધીકૃત રીતે કુરાનમાં મુકરર કર્યા મુજબની હોવી જ જોઇએ. મારા જીવનનું કોઇપણ ક્ષેત્ર કે ભાગ મુસ્લીમ ઓળખથી જુદો હોવો ન જોઇએ; જો હોય તો તે અસ્વીકાર્ય છે. તે પાક મુસ્લીમની ઓળખ કદાપી નથી. ઓળખમાં કોઇ સમાધાનને અવકાશ નથી.ફરજીયાત રીતે, દરેક મુસ્લીમની ફરજ થઇ પડે છે કે તેણે કુરાનમાં જે લખ્યું છે, તેનું અક્ષર;સહ પાલન કરવું. તેને માટે બે માંથી એક જ પસંદ કરવાનું છે કાં તો પાક મુસ્લીમ બનવું અથવા ગેરમુસ્લીમ બનવું. જો તમે પોતાને મુસ્લીમ તરીકે ઓળખાવતા હોય તો તમારે માટે કુરાનના દરેક ઉપદેશો પાળવા ફરજીયાત છે. જો તમે તેમાંથી કશું લઇને પસંદ કરો અને બાકીનું છોડી દો તો તે કુરાનની પવીત્રતાના ભંગ સમાન છે. તેને અંગે ' ઇશ્વરી નીંદા (બ્લેસ્ફમી) માટે જે સજા કુરાનમાં નક્કી કરી છે તેથી કશી ઓછી સજા મળે નહી. તેવું જ બધા ધર્મો અને તેના અનુયાઇઓ માટે છે.
ચોથું, આપણા દરેક જણ પાસે એકી સાથે બહવીધ(મલ્ટીપલ) ઓળખો છે. જે જુદીજુદી દીશઓમાં સ્થીર થયેલી છે. તે બધાને બાજુપર મુકીને એક જ ઓળખનું પ્રભુત્વ સ્વીકારી બાકીની ઓળખોને ગૌણ બનાવી દેવાની છે. એક માણસ પ્રોફેસર, બ્રાહ્મણ, હીંદુ, ભારતીય અને બીજી અનેક ઓળખોવાળો એકી સાથે હોઇ શકે. પણ તેની આ બહુવીધ ઓળખોનો મુખ્ય આધાર અને સંચાલન તેની મુળભુત ઓળખ જે ધાર્મીક અથવા સાંસ્કૃતીક ઓળખની આસપાસ બંધાયેલી(સ્ટ્રક્ચર) હોવી જોઇએ.
જ્યારે ઓળખની સમજને આવી વીરોધાભાસી,અસામાન્ય અને અસાધારણ, કે વીલીક્ષણ સ્વરૂપે અમલમાં મુકવામાં આવે છે ત્યારે તે હીંસા અને ધીક્કારનું સ્વરૂપ ધારણ કરે છે. તે માનવજાતને એકબીજાની સામસામી આવીને દુશ્મન બની ગયેલા સામાજીક જુથોમાં વહેંચી નાંખે છે. તે બધા વચ્ચે માનવતાભર્યુ કોઇ સમાન બંધન કે વ્યવહાર દેખાતો નથી. દરેક એકબીજાને પોતાની ઓળખ માટેના અસ્તીત્વનો નૈતીક દુશ્મન ગણે છે. દરેક જુથના બધાજ સભ્યોની ઓળખ એકજ બીબાના ઢાંચા કે આકારમાં ગોઠવી કે મુકી દેવામાં આવે છે. તે બધાના આંતરીક મતભેદો અને અન્ય અસંમતીઓને યેનકેન પ્રકારે દબાવી દેવામાં આવે છે. જે કોઇ સભ્ય આવી એકરૂપ ઓળખ સાથે સંમત થતો નથી તે ગદ્દાર અને છુપો વીશ્વાસઘાતી છે. જેને પુરો કરી નાંખવામાં કોઇ ને વાંધો ન હોવો જોઇએ. સદીઓથી માનવ સંસ્કૃતીએ વ્યક્તીગત જીવનની જે ભવ્યતા અને વીવીધતાઓ મેળવેલી છે તે બધા માનવીય મુલ્યોને એક જ સપાટે ચોપટ (ફ્લેટન્ડ) કરી નાંખવામાં આવે છે. તેના પર હીંસક હુમલા કરવામાં આવે છે. જ્યારે ઓળખની સમજને જીવન અને વીચાર પ્રક્રીયાનો એક ભાગ બનાવી દેવામાં આવે છે, ત્યારે આવી ઓળખની માંગણીઓમાં પહેલી શહીદી માનવીની વીવેકશક્તી અને ન્યાયીક વલણની લેવામાં આવે છે. ટુંકમાં ઓળખની સમજનો આધાર અને બીજા પ્રત્યે સ્વપ્રયત્નથી કરવામાં આવતી નામચીન હીંસા તેનું સાધન બની જાય છે. જે નૈતીક માર્ગદર્શન માટેનું પ્રેરણાસ્રૌત્ર હતું, જે આપણને ખોટું કરવા રોકતું કે અટકાવતું હતું તેને જ ચુપ કરી દેવામાં આવ્યું છે.માનવ જીવન માટે જે ઇચ્છવા યોગ્ય હતું તેનો જ ભોગ લેવાયો છે.
ઓળખની સમજનો ખ્યાલ ખુબજ ગંભીર રીતે અને વ્યાપક પ્રમાણમાં ખોટા અર્થઘટનનો ભોગ બનેલ છે. તેના મુખ્ય સીધ્ધાંતો બીલકુલ ખોટા છે કે અતીશયોક્તીવાળા છે. મારે સારા હીંદુ કે મુસલમાન બનવા માટે તે ધર્મોના માર્ગદર્શક સીધ્ધાતો ઉપર મારા માનવીય વ્યવહારનો પાયો બનાવવો જોઇએ., નહી કે મારે બીન– હીંદુ કે બીન– મુસલમાનને મારા દુશ્મન ગણવા જોઇએ. ભલે સામાજીક રીતે આ બધા જુથો જુદા હોય તેનો અર્થ એ નથી કે તે બધા સામ સામે છે અને દુશ્મનો છે. ખરેખર તે બધાને એકબીજાના દુશ્મન બનાવવા બીજા પરીબળો કામ કરતા હોય છે. વધારામાં, ગુજરાતી, બંગાળી, ભારતીય કે માનવી તરીકે તે બધા સારા પડોશીઓ હોય છે. મહંમદીઅલી ઝીણાએ જયારે દેશના ભાગલા માટે ચળવળ ચલાવી ત્યારે એમ કહેતા હતા કે હીંદુ –મુસ્લીમ સંસ્કૃતીઓમાં કશું સમાન નથી. બંને સાંસ્કૃતીક રીતે ભીન્ન છે. પણ જ્યારે તે પાકીસ્તાન દેશના વડા બન્યા ત્યારે તેઓએ અનુભવ્યું કે તે બીલકુલ ખોટા હતા. ખરેખર બંને કોમોમાં ઘણી બધી સામ્યતાઓ કે સમાનતાઓ માનવતાને ધોરણ પ્રવર્તમાન છે. આપણે આપણી જાતને ફક્ત એકજ ઓળખને આધારે મુલ્યાંકન ન કરીએ અને બીજી બધી ઓળખો જે આપણને એકબીજા સાથે જોડે છે તેને ભુલી જઇએ છીએ. એક જ ઓળખને આધારે જીવવું એટલે તો આપણે માનવી તરીકે દરીદ્ર બનવું એમ જ ગણાય. તે ઓળખ આપણને આપણી ઇન્સાનીયત જ ભુલાવી દે છે.
બધી વ્યક્તીઓની ઓળખની સમજ એકસરખી અને સામાન્ય હોવા છતાં તે બધાની દ્રષ્ટી કે નીર્ણયો સરખા ન હોઇ શકે. કેટલાક ને મન હીંદુ, એ કે જે જ્ઞાતીપ્રથાના રીતીરીવાજો પ્રમાણે જીવન જીવતો હોય. બીજાઓ માટે હીંદુ સંસ્કૃતીના નૈતીક મુલ્યોનો અમલ કરવો પણ જ્ઞાતીપ્રથાનો ત્યાગ કરવો તેવી ઓળખ પણ હોય! કેટલાકની ઓળખ એવી હોય કે જે હીંદુપ્રથાની કોઇએક ખાસ પુરાપર્વથી ચાલુ રહેલી પ્રણાલી (ટ્રેડીશન)સાથે પોતાનું જોડાણ કરે છે. પરંતુ તેના કોઇ ધાર્મીક બોધ કે ઉપદેશો( ડૉક્ટ્રીનસ) પ્રમાણે આચરણ કે વ્યવહાર ન કરે. એક માણસ ધર્મ, સંસ્કૃતી, સામાજીક કે ઐતીહાસીક સમજ પ્રમાણે હીંદુ હોઇ શકે. પણ આ બધામાંથી ગમેતે એક જ લક્ષણને તેની ઓળખનું મુખ્ય લક્ષણ બનાવવું તે યોગ્ય નથી. વધુમાં હીંદુ વીચાર પધ્ધતી અને જીવન પધ્ધતીનો જીવનક્રમ ઘણો લાંબો અને સેંકડો વર્ષ જુનો છે. જેમાં આંતરીક રીતે ઘણી અનેકતા કે બહુલક્ષી વીવીધીતા(પ્લુરૅલીટી) સમાયેલી છે. કોઇને હીંદુ તરીકે તે સમયના પ્રચલીત પ્રસ્થાપીત પ્રણાલીકાઓ પ્રમાણેના આદર્શ 'મર્યાદાપુરૂષ રામ' કે પછી કૃષ્ણ જેવું જટીલ અને બહુમુખી, પ્રતીભાસંપન્ન વ્યક્તી બનવું હોય. આ બંનેમાંથી કોણ સાચો હીંદુ તે પ્રશ્ન પુછવો મુર્ખામીભરેલું છે.
વીવેકબુધ્ધીની ઉપર ઓળખની સમજ મુકવી તે ખોટું છે.એટલું જ નહી પણ અમારી ઓળખ વીવેક બુધ્ધીના મુલ્યાંકનથી પર છે તેવો દાવો કરવો તે તો બીલકુલ અયોગ્ય છે. મારી ઓળખની સમજમાં એવો બોધપાઠ શીખવવામાં આવે છે કે ' નાસ્તીક, કાફર, યહુદી, કાળા લોકો અથવા જે ગૌ માંસ ખાય છે તે બધાને મારી નાંખવા,'. આવી દલીલ કરનારના શાણપણ પર આપણને પ્રશ્ન કરવાનું મન ચોક્ક્સ થાય. અને તેની આવી ઓળખની સમજને ક્યારેય માન આપીએ નહી. બધીજ ઓળખો માનવીય સંબંધોથી પર નથી. ઓળખોનું નીયમન માનવીય સંબંધો પર સંપુર્ણ આધારીત છે. તમે માનવી તરીકે તમારી ઓળખના વ્યાજબી પણા માટે તમારાથી ભીન્ન ઓળખ ધરાવનારાને ઇજા પહોંચાડી શકો નહી કે તે માટે બીજાને મારી નાંખી શકો નહી. ઓળખ માટેનું માન કે ગૌરવ શરતીઆધીન(કન્ડીશનલ) જ હોય છે ક્યારેય તે અમર્યાદીત ન હોઇ શકે.
માનવી તરીકે એકી સાથે આપણી ઘણી બધી ઓળખો હોય છે. જે આપણી જાતી, લીંગ,ધર્મ,રાષ્ટ્રીયતા, વર્ગ, રાજકારણ, વ્યવસાય અને આપણા હીતો સાથે જોડાયેલી હોય છે. એક ઓળખની જરૂરીયાત આપણી બીજી ઓળખને મર્યાદામાં રાખે છે. દા.ત આપણે એક ધાર્મીક ક્રીકેટરનો દાખલો ઉદાહરણ તરીકે લઇએ. એક ધાર્મીક માણસ તરીકે એવું વીચારે છે કે તેણે બીજાના કલ્યાણ માટે વીચાર કરવો જોઇએ. શક્ય બને તેટલી રીતે બીજાને મદદ કરવી જોઇએ. ક્રીકેટ મેચમાં બોલર તરીકે વીચારે છે કે તે એવો લુઝ બોલ નાંખે જેથી બેટ્સમેન પોતાની સદી પુરી કરી શકે. અથવા તો એ બેટ્સમેન તરીકે બોલરને હેટટ્રીક લેવા માટે આઉટ થઇને મદદ કરવાનું વીચારે છે. આપણે આવા ધાર્મીક લાગણીવાળા ક્રીકેટર માટે કેવી રીતે સારૂ વીચારી શકીએ. કોઇપણ રમતમાં તેના નીયમો પ્રમાણે જ રમવું પડે. તમે ધાર્મીક હોઇ શકો અને ક્રીકેટર હોઇ શકો. પણ તમે ક્યારે ધાર્મીક ક્રીકેટર ન હોઇ શકો. માનવીની દરેક પ્રવૃતીઓ તર્કબધ્ધ નીયમોથી સંચાલીત છે. તે બધાને એકજ બીબામાં નીયમબધ્ધ કરી શકાય નહી.
આપણી ઓળખ ક્યારેય એકાકી, બંધીયાર અને અપરીવર્તનશીલ ન હોઇ શકે. તેનું મુલ્યાંકન કે પૃથ્થકરણ વીવેકઆધીન જ હોઇ શકે. ઓળખનું મુળભુત લક્ષણ જ વીવીધતામાં સમાયેલું છે. તેના જુદાજુદા અર્થઘટન શક્ય છે. તેમાં સુધારા વધારાકે ફેરફારો અને તેને સંપુર્ણ પણ ફગાવી દેવાનો પણ અબાધીત અધીકાર છે.