Thursday, August 25, 2016

હવે ઓલવીન ટોફલર આપણી વચ્ચે નથી.(જન્મ. ૪–૮–૧૯૨૮– મૃત્યુ. ૨૭–૬– ૨૦૧૬)


        હવે ઓલવીન ટોફલર આપણી વચ્ચે નથી.(જન્મ. ૪–૮–૧૯૨૮ મૃત્યુ. ૨૭–૬– ૨૦૧૬)

આ પૃથ્વી પર લાખો નહી પણ કરોડો માનવીઓ આવીને જતા રહ્યા. પણ કેટલાક પોતાના કાર્યો અને ખાસ કરીને વીચારોની એવી અસર મુકીને જાય છે કે જે સમયાતીત હોય છે.ઓલવીન ટોફલર તેમાંના એક હતા. તેઓએ માનવ જાતને પોતાના ત્રણ પુસ્તકો, ફ્યુચર શોક(૧૯૭૦), થર્ડ વેવ(૧૯૮૦) અને પાવર શીફ્ટ (૧૯૯૦) લખી, પ્રકાશીત કરીને જબ્બરજસ્ત સમૃધ્ધ બનાવી દીધી છે. સદર પુસ્તકોની નકલો લાખો નહી પણ કરોડોમાં પ્રકાશીત થઇ છે. જે હજુ વેચાય અને વંચાય પણ છે. વીશ્વની ઘણી બધી ભાષાઓમાં તે પુસ્તકોનું ભાષાંતર થયું છે. આ ત્રણ ચોપડીઓમાં ( Trilogy of Best-seller books) ટોફલરે ખાસ કરીને વૈશ્વીક ઔધ્યોગીક સમાજ કેટલી બધી ઝડપથી બદલાઇ રહ્યો છે તેનાં પૃથ્થકરણો બતાવીને, વાંચકના મનને સતત સત્ય આધારીત અસહ્ય આઘાતો આપીને વૈચારીક રીતે ભવીષ્યમાં આવતા પરીવર્તનોને સમજવા દીશાહીન બનાવી દીધો છે.

તે ભવીષ્યવેત્તા(futurist) તો હતો જ. પણ સાથે સાથે તેઓએ ભવીષ્યના સમાજ અને માનવ જીવનના દરેક ક્ષેત્રોમાં આવી રહેલા ઘોડાપુર પરીવર્તનોની નાડીના ધબકારા,(તેણે વર્તમાન પ્રવાહો અને ઘટનાઓનું વીગતે વાસ્તવીક, પુર્વગ્રહ વીનાનો, માહીતીનો ભંડાર એકત્ર કરીને,) ઓળખી કાઢયા હતા. આ બધા પ્રવાહોની દીશા કઇ છે તે પણ તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે. ઉભરી રહેલા સુપર ઔધ્યોગીક સમાજને અનુકુળ  જુની કૌટુંબીક, સામાજીક,શૈક્ષણીક, ધાર્મીક, આર્થીક, રાષ્ટ્રીય અને રાજકીય સંસ્થાઓ પોતાના અપરીવર્તનશીલ ( Resistance to change attitude & actions) લક્ષણોને કારણે ઝડપથી મૃતપાય થઇ રહી છે તેની વીગતે નોંધ પણ તૈયાર કરી છે. નવા સમાજને અનુકુળ નવી સંસ્થાઓના માળખાઓ, મુલ્યો અને અરસપરસના વહેવારો કેવા હશે, તેના પ્રવાહોનો સ્પષ્ટરીતે ટોફલરે નીર્દેશ કરેલો છે. વધુ ચર્ચા નહી કરતાં તેના ત્રણ પુસ્તકોના અગત્યના તારણોને સમજીએ અને માણીએ.

() ફ્યુચર શોક (૧૯૭૦)– આ પુસ્તકમાં ટોફલરે ઔધ્યોગીક સમાજમાં કયા કયા પરીવર્તનો આવી રહ્યા છે અને તેમાંથી સર્જાતા આઘાતોપ્રત્યાઘાતો સાથે માનવ જાત કેવી રીતે અનુકુલન સાધી રહી છે તે વીગતે સમજાવ્યું છે. ૨૧મી સદીમાં વીશ્વમાં રાષ્ટ્રો વચ્ચેની સીમાઓ કેવી રીતે આવી રહેલા પરીવર્તનોને આધારે તુટતી જશે તે સમજાવ્યું છે. કૃષી સંસ્કૃતી અને ઔધ્યીગીક સમાજે પેદા કરેલા તમામ મુલ્યોને ફગાવી વૈશ્વીક સમાજ અને સંસ્કૃતી ની રચના કરવા કયા કયા નવા નવા પરીવર્તનોનું સર્જન  થઇ રહ્યું છે તેની વીગતે માહીતી આપી છે. આ બધા તારણોની અધીકૃતતા અને સત્ય સાબીત કરવા ટોફલરે વાંચનાર પાસે માહીતીઓનો વીશાળ ગંજ ખડકી દીધો છે.

      તેની દલીલ છે કે માનવજાતને શીકાર યુગે પેદા કરેલ સંસ્કૃતીમાંથી કૃષીસંસ્કૃતી તરફ આવતાં હજારો વર્ષ નીકળી ગયાં. ત્યારબાદ માનવજાતને કૃષીસંસ્કૃતીના પ્રથમ મોજામાંથી બહાર નીકળતાં દસ હજાર વર્ષ લાગ્યા. પણ તેનું બીજું મોજું જેને ટોફલર 'ઔધ્યોગીક મોજા' તરીકે ઓળખાવે છે તે તો ફ્કત ત્રણસો વર્ષ સત્તરમી સદીથી શરૂ કરીને વીસમી સદીની ૧૯૫૦ની સાલ સુધી જ ચાલ્યું હતું. હવે ત્યાર પછી શરૂ થયેલું ત્રીજુ મોજુ (થર્ડ વેવ) જે માહીતી. કમ્પ્યુટર, અને ડીજીટલ યુગ તરીકે ઓળખાય છે તેણે તો પોતાના પરીવર્તનોની ઝડપ એટલી બધી વધારી દીધી છે કે તેનો સમગ્ર અંદાજ કાઢવો જ માનવીય સ્તરપર અસંભવ બની ગયું છે. ટોફલરે તેને ' ખુબજ ટુંકા સમયમાં અમાપ પરીવર્તનો' ના મોજા( Too much change in too short time ) તરીકે ઓળખાવ્યું છે.

તેનું બીજું તારણ છે કે આ પરીવર્તનોમાંથી પેદા થયેલ સમાજ કોઇ કાળે પાછો કૃષી કે ઓધ્યોગીક સમાજની સંસ્કૃતી તરફ જઇ શકે તેમ નથી. એટલે કે આ પરીવર્તનોની અસરો કાયમી છે. જે લોકો પરીવર્તનના આઘાતોને( ફ્યુચર શોકસ) સમજીને અનુકુળ થશે તે જ પોતાનું અસ્તીત્વ ટકાવી શકશે. સમાજ પરીવર્તનનું એન્જીન, ટેકનોલોજી બની ગઇ છે. જ્યારે તેનું બળતણ કે ઇંધન( ફ્યઅલ) જ્ઞાન બની ગયું છે.( The Engine is technology and knowledge is not power but fuel of it) ફયુચર શોક પુસ્તકના તારણો આપણને ડરામણા લાગે તેવા છે પણ સાથે સાથે આપણને તેનો અભ્યાસ આવી રહેલા પડકારો સામે સભાન અને સજ્જ પણ બનાવે છે.

() થર્ડ વેવ (૧૯૮૦) ત્રીજુ મોજુંમાનવ સંસ્કૃતીના વીકાસને ટોફલરે સરળ રીતે સમજાવવા માટે ત્રણ સમય કાળમાં વહેંચી નાંખ્યો છે. કૃષી મોજું, ઔધ્યોગીક મોજું અને માહીતી  મોજું. દરેક મોજાનો સમય ગાળો, તેમાં પેદા થયેલી તમામ પ્રકારની સંસ્થાઓ, તેમાં વીકસેલા માનવ મુલ્યો અને સંબંધો વગેરે સરળતાથી સમજાવ્યું છે.. દરેકના સમય ગાળાને સમજાવવા માટે વાપરવામાં આવતા, બળદ કે ઘોડાકે માનવ શ્રમની મદદથી શોધાયેલા ઓજારો, બળતણના સ્રોત્રો દા.ત કૃષી સમયમાં લાકડું અને કોલસો, ઓધ્યોગીક યુગમાં બળતણનું સાધન કોલસો, ખનીજ તેલ,વીજળી અને માહીતી યુગમાં સુર્ય પ્રકાશ, પવનની ઝડપ, દરીયાઇ મોજા અને અણુશક્તી. વાહનની ઝડપમાં વધુમાં વધુ ઘોડાના ઉપયોગ દ્રારા કલાકના ૨૦ માઇલ અને હવે હવાઇ જહાજ, રોકેટ વી.. ની ઝડપ સેંકડમાં મપાય છે. ત્રીજા મોજામાં માનવ સંસ્કૃતી વધારે શાણી, અન્ય માનવો પ્રત્યે વધુ સંવેદનશીલ અને સહીષ્ણુતો ખરીજ, વધુ સુઘડ,અને માનવ મુલ્યોને જીવનના દરેક ક્ષેત્રમાં ઉજાગર કરતો માનવ સમુદાય  (Emerging characters of third wave civilization- more sane, sensible, sustainable, descent and democratic) હશે. ત્રીજા મોજામાં પરીવર્તનના પરીબળો એટલા બધા શક્તીશાળી હશે કે સમાજના બધા અંગોમાં ઉપરછલ્લા નહી(not cosmetic changes but revolutionary changes) પણ મુળભુત ફેરફારોનું સર્જન કરશે. ત્રીજા મોજાની સુચીત સંસ્થાઓમાં ટોફલરે આધુનીક સર્વસાધનોથી સંપન્ન 'ગ્લોબલ વીલેજ અને ઇલક્ટ્રોનીક કોટેજ 'ના ખ્યાલને વીકસાવ્યો છે. ત્રીજા મોજાના પરીવર્તનના વાહક તરીકે  ટોફલરે વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત યાંત્રીક ક્રાંતી( સાયન્ટીફીક ટેકનોલીજીકલ રેવોલ્યુશન)ને ગણયુ છે. લેખકના મત મુજબ આ ત્રીજુ મોજું આધુનીક સમાજમાં થોડાક જ દાયકામાં પુરુ થઇ જવાનું છે.આજે આપણે બધા મૃતપ્રાય થતી સામાજીક સંસ્કૃતીની છેલ્લા પેઢી છીએ. સાથે સાથે થર્ડવેવે પેદા કરેલી નવી પેઢીના મશાલચીઓ પણ છીએ.

()પાવર શીફ્ટ (૧૯૯૦)– ટોફલરે પોતાના આ પુસ્તકમાં સત્તાના ખ્યાલની નવી વીભાવનાનું( He defined the new revolutionary concept of power) સર્જન કર્યુ છે. સામાન્ય રીતે સત્તા કે પાવર એટલે નાણાંકીય સત્તા, રાજકીય સત્તા, સામાજીક કે ધાર્મીક વડા તરીકેની સત્તા. આ માહીતી, કમ્પ્યુટર અને ઇન્ટરનેટના યુગે સત્તાને જ્ઞાનની સત્તા તરીકે મુકી દીધી છે. જે વ્યક્તી કે સમાજની પાસે આધુનીક જ્ઞાન મોટાપાયે સરળતાથી ઉપલબ્ધ હશે તેની પાસે ૨૧મી સદીનું સુકાન હશે. સમાજના દરેક અંગોનો વ્યવહાર આધુનીક જ્ઞાન આધારીત બની ગયો છે.

ટોફલરની ' ફ્યુચર શોક'થી શરૂ થયેલી આ ત્રીવેણી પુસ્તક શ્રેણી થર્ડવેવ પછી પાવર શીફ્ટ નામના પુસ્તકે આવીને પોરો ખાધો છે. તે લગભગ છેલ્લા પચ્ચીસ વર્ષના અથાગ પ્રયત્નોનું પરીણામ છે.આ ત્રણેય પુસ્તકોને કોઇ સતત જોડતી સાંકળ હોય તો તે લેખકે વીકસાવેલો 'પરીવર્તન કે ચેંજ' નો ખ્યાલ છે. તેની પાછળ કામ કરતા પરીબળોની આખી સાંકળના એકે એક અંકોડામાં જ્ઞાનવીજ્ઞાન અને માહીતીના ઢગલાબંધ પુરાવા આપણી સમક્ષ ખડકી દીધા છે. મારૂ તારણ છે કે કદાચ આટલી સરળ રીતે આધુનીક પરીબળોએ પેદા કરેલ પરીવર્તનોને હકારાત્મક અને સંપુર્ણ આશાવાદ સાથે સમજાવવાનું કામ તો ઓલવીન ટોફલર જ કરી શકે.

ઓલવીન ટોફલરના વીચારોની અસરો

 વીશ્વભરમાં ટોફલરના વીચારોથી ખુબજ પ્રભાવીત થયેલા લોકોની સંખ્યા હજારોમાં નહી પણ કરોડોમાં છે. સને ૨૦૦૦ની સાલમાં વીશ્વ મેનેજમેંટ કનસ્લટન્ટ સંસ્થાએ ટોફલરને વીશ્વના બીઝનેસ જગતને વૈચારીક રીતે અસર કરેલ ૫૦ મહાન વ્યક્તીઓમાંથી તેનું સ્થાન ૮મું મુક્યું હતુ. ટોફલરનું ભવ્ય સન્માન જપાન. દક્ષીણ કોરીયા, ચીન અને સીંગાપુરમાં થયુ હતું. સામ્યવાદી ચીન જેણે એક સમયે ટોફલરના પુસ્તકો પર પ્રતીબંધ મુક્યો હતો તે ચીનમાં માઓત્સે તુંગના પુસ્તકો પછી ટોફલરના પુસ્તકો વંચાય છે. અને કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ચાઇના એ જાહેરે કર્યુ છે , પોતાના દેશના વીકાસ માટે કાર્લ માર્કસના 'દાસ કેપીટલ ' સાથે ઓલવીન ટોફલરના આ ત્રીવેણી પુસ્તક સમુહની અસરો લેશ માત્ર ઓછી નથી. રાજકીય રીતે વીશ્વના અસરકારક નેતાઓમાં જેમની ગણના થાય છે તેવા રશીયાના મીખાઇલ ગોર્બેચોવ, ભારતના શ્રીમતી ઇંદીરા ગાંધી, હ્યુગો ચેવાઝ, એઓલ કું ના સ્ટીવ કેસ અને મેક્સીકન અબજોપતી કાર્લોસ સ્લીમ ટોફલરના વ્યક્તીત્વ અને વીચારોના ચાહકો (ફેન) હતા. તેણે ઘણીવાર જણાવ્યું હતું કે તે આ સદીનો પયગંબર કે ભવીષ્યવેત્તા નથી. પણ તેણે આ ક્ષેત્રમાં સંશો!ધન કરીને એટલી માહીતી એકત્ર કરી હતી કે જેને કારણે તે આવતીકાલના પ્રવાહો અને તેની દીશાઓને સમજવામાં સફળ થયો છે.

ઓલવીન ટોફલરના કેટલાક સદાબહાર અવતરણો

() ૨૧મી સદીમાં અભણ (ઇલલીટેરેટ) એને કહેવાશે જે જુનું ભણેલું ભુલતો નથી અને નવું શીખતો નથી.

() ટેકનોલોજીનો હેતુ ફક્ત પૈસા પેદા કરવાનો નથી પણ તેનાથી વીશ્વને બદલવાનો છે. આવી માન્યતા કેલીફોર્નીયા રાજ્યની સીલીકોન વેલીના સંચાલકો જેવાકે બીલ ગેટસ અને માર્ક ઝુકરબર્ગમાં પેદા કરી શક્યો.

અગત્યની નોંધ– ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોશીયેશનના ઉપક્રમે તારીખ ૨૨મી નવેંબરના ૨૦૧૪ રોજ આશરે ૨૦ માસ પહેલાં 'ઓલવીન ટોફલરના ત્રણ પુસ્તકો ફ્યુચર શોક, ધી થર્ડ વેવ અને પાવર શીફ્ટ' પર એક પરીસંવાદનું આયોજન અમદાવાદમાં ગુજરાત વીધ્યાપીઠના અહીંસા શોધ ભવનમાં કરવામાં આવેલું હતું. મુખ્ય વક્તાઓ હતા (૧) ડૉ અનીલ પટેલ આર્કવાહીની માંગરોલ, (૨) પ્રો. હેમંત શાહ અમદાવાદ, (૩) પ્રો. ધવલ મહેતા, અમદાવાદ, (૪) રજની દવે, તંત્રી, ભુમીપુત્ર, વડોદરા. સમગ્ર પરીસંવાદનું સંકલન બીપીન શ્રોફે કરલું હતું.

 


 

 

 

 

--