Thursday, August 25, 2016

Mohan Bhagvatjee



-- દેશ અને કુટુંબ માટે વધુ બાળકો એ શાપ કે વરદાન !

બાવા બનો અને બીજાને બનાવો!

મોહન ભાગવતજી,

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને તેની ભગીની સંસ્થાઓનો વૈચારીક આધાર દેશના બીજા ધર્મો ખાસ કરીને મુસ્લીમ અને ખ્રીસ્તી ધર્મો અને તેના અનુયાયોના ધીક્કાર પર જ આધારીત છે.પરધર્મીઓના ધીક્કાર પર તેણે પોતાની ઇમારત ઉભી કરેલી છે. આર એસ એસને પોતાનું સામાજીક, રાજકીય અને બૌધ્ધીક અસ્તીત્વ ટકાવી રાખવા મોહન ભાગવત જેવાઓ દ્રારા સતત સંદેશા આપવો પડે છે કે 'સામાવાળાના પચ્ચીસ અને આપણા પાંચ' હશે તો પછી લાંબાગાળે આપણા અસ્તીત્વનું શું? માટે દરેક હીંદુએ દસ બાળકો પેદા કરવા જોઇએ.

આર એસ એસ પાસે એક જ અસ્તીત્વનું ગણીત છે. " હીંદુ ખતરેમેં હૈ, લોકોને બહેકાવો, ઉશ્કેરો, મત મેળવો અને રાજ કરો." આની સામે વસ્તીના આંકડાઓની હકીકત જુઓ.  દેશમાં વસ્તી ગણતરી પ્રતી દસ વર્ષે થાય છે. સને ૨૦૦૧માં દેશની કુલ વસ્તી ૧૦૨ કરોડ. તેમાં ૮૨.૭૫ કરોડ(૮૦.૪૫ ટકા) હીંદુ અને મુસ્લીમ ૧૩.૮ કરોડ(૧૩.૪ ટકા). ૨૦૧૧માં દેશની વસ્તી ૧૨૧ કરોડ, તેમાં ૯૬.૬૩ કરોડ (૭૯.૮ ટકા) હીંદુ અને ૧૭.૨૨કરોડ( ૧૪.૨ ટકા) મુસ્લીમ. તેમાં આશરે ૧૪ કરોડ હીંદુ વસ્તી વધી અને ૩.૫ કરોડ મુસ્લીમ વધી. પ્રતી દસવર્ષે હીંદુ વસ્તીનો મુસ્લીમ વસ્તીની સરખામણીમાં નેટ સંખ્યામાં વધારો ચાર ગણો છે. બીજીરીતે સરખામણી કરીએ તો દર દસ વર્ષે હીંદુ વસ્તીનો નેટ સંખ્યામાં વધારો( ૧૪ કરોડ) લગભગ તે જ સમયની કુલ મુસ્લીમ વસ્તી( સને ૨૦૧૧ની કુલ મુસ્લીમ વસ્તી ૧૭ કરોડ) જેટલો હોય છે.આશરે દેશની કુલ હીંદુ વસ્તી પ્રતી દસ વર્ષે મુસ્લીમ વસ્તી કરતાં ચાર ગણી ઝડપથી વધતી હોય તો કોને કોનો ડર હોવો જોઇએ?

 ખરેખર મુદ્દો જુદો છે. જો હીંદુ મધ્યમ વર્ગીય કુટુંબો એક જ બાળક કે બે જ બાળક ઉછેરે તો પછી દેશમાં બાવા, સાધુ,સાધવી, સંન્યાસી જેવા પરોપજીવીઓની ફોજ અને આર એસ એસની પેલી શાખાઓની સંખ્યાનું શું થાય!. અમારે તો છાશ જોઇએ છીએ પણ 'મટુકી' સંતાડેલી રાખવી એ તો અમારી 'સદીઓ સે ચલીઆઇ પરંપરા હૈ.'

 કુટુંબ અને તેથી રાષ્ટ્ર જો પોતાના હયાત બાળકોને પાયાની જરૂરીયાતો જેવી કે આરોગ્ય, શીક્ષણ, પોષ્ટીક આહાર, સરળ રોજગારીની તકો પુરી પાડી શકતું ન હોય તો પછી વધુ બાળકો જે કોઇ કુટુંબ( હિંદુઅથવા મુસ્લીમ) કે રાષ્ટ્ર વધુ વસ્તી પેદા કરીને ફક્ત ગરીબાઇ જ વહેંચશે.

બીજી આપણી એક ખોટી ભ્રામાક માન્યતા છે. જે દેશની વસ્તી વધુ તે રાષ્ટ્ર મહાન. વીશ્વના ઇતીહાસ પર નજર કરશો તો ખબર પડશે કે જે દેશો ગુલામ બન્યા અને જે દેશોએ પરદેશથી આવીને બીજાને ગુલામ બનાવ્યા તે બે માંથી કયા કયા દેશોની વસ્તી વધારે હતી અને કોની વસ્તી ઓછી હતી? જે દેશના રાજ્યકર્તાઓએ પોતાની પ્રજાના હાથમાં " ટેલીસ્કોપ, સુક્ષ્મદર્શક યંત્ર, કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને ડીજીટલ ટેકનોલોજી આપી તે દેશ સર્વપ્રકારે મહાન બન્યો કે પછી જે દેશના રાજ્યકર્તાઓએ પ્રજાના હાથમાં મંજીરા અને કરતાલ આપી? પ્રજાએ નક્કી કરવાનું છે કે આપણે આપણા હાથમાં શું જોઇએ છીએ? મંજીરા, કરતાલ કે સ્માર્ટ ફોન? આપણે કેવા રાજ્યકર્તાઓ જોઇએ છીએ જે બીલ ગેટસ અને ઝુકરબર્ગ પેદા કરે પછી દેશમાં મંદીરોની વસ્તી વધારીને ગૌરવ અનુભવે અને તેવા મહાનુભાવો(?)ની પગચંપી કરે તેવા નેતાઓ?