Thursday, August 25, 2016

મારા શીરચ્છેદના સમયે–– તસ્લીમા નસરીન.


 

 

મારા શીરચ્છેદના સમયે–– તસ્લીમા નસરીન.

 

 

તાજેતરમાં બંગલાદેશના પાટનગર ઢાકા મુકામે ' હોલી આર્ટીઝન બેકરી'માં આઇ એસના ત્રાસવાદીઓએ ફક્ત ૨૦ મીનીટમાં ૨૦ બંધકોનો શીરચ્છેદ કરી નાંખ્યો હતો. ત્યારબાદ ભારતમાં નીર્વાસીત તરીકે સ્થાયી –અસ્થાયી જીવન પસાર કરતી ઇસ્લામ સામે વર્ષોથી બગાવત કરતી બંગલાદેશી ક્રાંતીકારી લેખીકા તસલીમા નસરીનને  આ અમાનવીય ઘટના પછી મોતની ધમકીઓ મળવા માંડી છે. ભારતના કેરાલા રાજ્ય સ્થીત ISIS પુરસ્કૃત ' અન્સાર ખીલાફત' સંસ્થા તરફથી મોતની ધમકી મળી છે. જો આ ત્રાસવાદી સંગઠનના ત્રાસવાદીઓને ISIS દ્રારા તાલીમ આપવમાં આવી હશે તો ' મારૂ તારણ છે કે  તેઓને બંધકોનું શીરચ્છેદ કરવાની ઉત્તમમાં ઉત્તમ તાલીમ આપવામાં આવી હશે.'

 હું ખુબજ નાજુકાઇથી વારંવાર મારા ગળા પર હાથ ફેરવું છું. હું વારંવાર મારા માથા પાછળ પણ હાથ ફેરવું છું. પછી હું એ વીચાર કરૂ છું કે જ્યારે તે લોકો મારો શીરચ્છેદ કરતા હશે ત્યારે મારા મનની સ્થીતી કેવી હશે! મારી ઇચ્છા તો એવી છે કે તે લોકો મને બંધક બનાવે પછી બંદુકની ગોળી મારા માથામાં મારી ને જ મને મારી નાંખે. મેં મારા વીચારોને કારણે 'જીવતે જીવ' અસહ્ય સહન કર્યુ છે અને હજુ પણ સહન કરૂ જ છું.  મારે મારા મૃત્યુ સમયે બીલકુલ રીબાવું નથી. મારે મૃત્યુ બીલકુલ ક્ષણીક કે ત્વરીત જ જોઇએ છીએ. પણ જેના તાબામાં હું બંધક બનીશ તે લોકો મારી અંતીમ ઇચ્છા સાંભળશે ખરા?  હું જીંદગીભર માનવમુલ્યોના સંવર્ધન માટે ઝઝુમી છે. તો પછી મને તેઓ કેવી રીતે મારી નાંખે તે માટે  ભીખ શા માટે હું માગું? તે માટે આજીજી શા માટે કરૂ ? મારો જીવ બચાવવા  દયાની માંગણીતો હું બીલકુલ નહીં જ કરું! હું વીચારું છું કે મારા શીરચ્છેદના સમયે હું મારી આંખો બંધ કરીને રવીન્દ્ર સંગીતમાંની મારી પ્રીય ધુનો મનમાં ગણગણીશ. મારી પાસે તે સમયના દુ;ખ ને નીવરવા માટેનો બીજો વીકલ્પ મને સુઝતો જ નથી.

............ ફરાઝ હુસેને કુરાન આયાતો  પઢી.... તેને બંધક તરીકે મુક્ત કરવામાં આવ્યો ..... પણ તે ગયો નહી..... . ફરાઝ હુસેન સદીમાં ( ૧૦૦ વર્ષમાં) કદાચ એક જ જન્મે છે...... તસલીમા નસરીન..

આ માનવ સંહાર સમયે  બધા બંધકોમાંથી ફરાઝ હુસેનને બંધક તરીકે મુક્ત કરવામાં આવ્યો. પણ તે તેના બંધક બનેલા મીત્રોને આતંકવાદીઓ મુક્ત ન કરે તો તે મુક્ત થવા માંગતો ન હતો. આંતકવાદીઓ પાસેથી મળેલી સ્વતંત્રતા તેણે સ્વીકારી નહી.

તસલીમા નસરીન કહે છે કે ' હું તો  ખુબજ લાગણીશીલ માનવી છું. હું તો હરહંમેશ લોકકલ્યાણની જ વાતો કરૂ છું. ચીંતા કરૂ છું. મેં મારી જીંદગી તે માટે ન્યોચ્છાવર કે સમર્પણ કરી દીધી છે. પણ મને જો માનવ શીરચ્છેદ કરનારાઓની ટોળકીમાંથી સહીસલામત માર્ગ આપવમાં આવે તો હું માનું છું કે હું ચોક્ક્સ પાછું જોયા વીના, અરે કોઇની પણ રાહ જોયા વીના નાસી જઉ! મારા મત પ્રમાણે કોઇપણ જાતની સ્વસ્થા મેળવ્યા સીવાય આપણે બધા જ આવી સ્થીતીમાં ' આમ જ કરીએ!!' ફક્ત ફરાઝે તેવું ન કર્યુ! ફરાઝ જેવાઓ કદાચ સદીમાં એકાદ જ જન્મતા હશે. (Only Faraaz didn't. Faraazs are perhaps born only once in a century.)

: આપણે આંતકવાદના મુળનો અંત લાવ્યા સીવાય, આતંકવાદીઓને ગોળીઓથી મારી નાંખવાથી આતંકવાદનો ખાત્મો બોલાવી શકવાનાનથી. તસલીમા નસરીન. ("You cannot uproot terrorism by killing terrorists. You need to uproot terrorism at source to end terrorism.")

મારા શીરચ્છેદના સમયે– તસ્લીમા નસરીન ભાગ–૨    

 

આતંકીઓ જે ઇચ્છતા હતા તે મળી ગયું. તેઓના પોતાના ઘાતકી કૃત્યથી વીશ્વને એક આંચકો આપવો હતો તે આપી શક્યા. તેઓને ગેરમુસ્લીમની હત્યા કરીને ધાર્મીક પુન્ય કમાવવું હતું  જે કદાચ તે બધાને મળ્યુ હશે. તેઓએ આટલા બધા જુવાન સ્રી– પુરૂષોનો એકી સાથે શીરચ્છેદ પહેલી જ વારે કરી શક્યા. આ પહેલાં આવું કૃત્ય તે બધાએ ક્યારેય કર્યુ ન હતું. કેવી રીતે  તેઓએ એક, કે બે નહી પણ ૨૦ બંધકોનો શીરચ્છેદ કરી શક્યા? મારૂ તારણ છે કે માન્યતાઓ અને ખાસ કરીને ધાર્મીક માન્યતાઓ તે બધાને અશક્ય લાગતા કૃત્યો કરવા કટીબધ્ધ બનાવે છે. મને ખબર પડતી નથી કે આવા આતંકવાદીઓની નીષ્ઠુર, બેરહમ, અમાનવીય માનસીકતા કોણ અને કેવી રીતે તૈયાર કરતું હશે?

        પણ આતંકીઓના મગજમાં વૈચારીક રીતે જે ભાથુ ભરવામાં આવતું હશે તેને આ બધા પોતાના મનમાં સંશય કર્યા સીવાય કે પ્રશ્નો પુછયા સીવાય કેવી રીતે સ્વીકારી લેવામાં આવતું હશે? આ બધા ભણેલા સ્માર્ટ યુવાનો હતા. પણ તે બધાની પાસે  જે વૈચારીક રીતે મુકવામાં આવતું હતું તેને બૌધ્ધીક અને તાર્કીક કે રેશનલી મુલ્યાંકન કરવાની ક્ષમતા  તેમનામાં દેખાતી નહતી. તેઓએ સ્વીકારી લીધેલું હતું કે ' ધર્મ સત્ય છે; પોતાના ધર્મનું ધાર્મીક પુસ્તક સત્ય છે'. ધાર્મીક પુસ્તકની રચના તો ધર્મના સ્થાપક પોતે જ કરેલી હતી. તેથી તેમાં જે લખેલું છે તેને તો વગર દલીલે સ્વીકાર્યા સીવાય બીજો માર્ગ કેવી રીતે હોઇ શકે?( હીંદુ ધર્મના પુસ્તક ગીતામાં તેના રચયતા કૃષ્ણે આ જ વાત કરી છે તંત્રી.) ટુંકમાં ધાર્મીક સત્યોને જ્ઞાન આધારીતે માહીતી કે મુલ્યાંકનોને આધારે ચકાસાય કે પડકારાય નહી. તે ઉપદેશોને તો અમલમાં જ મુકવા પડે. તો જ ઉપદેશોનું પાલન કરનારાને મોક્ષ મળે.

            આ બધા ધર્મના ઠેકેદારો અને તેમના અનુયાયીઓ પુરાણા ધાર્મીક ગ્રંથોને આધુનીક માહીતી,જ્ઞાન અને વૈજ્ઞાનીક તારણોને આધારે તપાસવા કે મુલ્યાંકન કરવા બીલકુલ તૈયાર નથી. તર્કવીવેક શક્તીના પરીણામોને તેમને 'બાપ માર્યાનું વેર છે.' જો ધાર્મીક પુસ્તકોમાં લખવામાં આવ્યું હોય કે નાસ્તીકો, કાફર, કે નીરીઇશ્વરવાદીઓને ( નોન–બીલીવર્સ)અને વીધર્મીઓને મારી નાંખવા, તો બૌધ્ધીક રીતે મગજ વીહોણા આ ઉગ્રવાદીઓ ધાર્મીક ફરજ સમજીને આવા લોકોને મારી નાંખવામાં સહેજ પણ રંજ નહી પણ દૈવી અનુભતીનો આનંદ અનુભવે છે અને મોતને ભેટે છે. ધાર્મીક પુસ્તકોના લખાણોનો તેઓ બીજો કોઇ અર્થ જ કાઢતા નથી. 

          જયાં આખો સમાજ ધર્મના ઘેનમાં જીવતો હોય ત્યાં બાળકોના મનને ધાર્મીક ઘેલછામાં જોડવાનું કામ તેમના જન્મની સાથે જ શરૂ થઇ જાય છે. આ મગજ બંધ થઇ ગયેલા ધાર્મીક ઉન્માદોમાં રાચતા યુવાનો જન્મથી જ ઘર, નીશાળો, કોલેજો, રમતના મેદાન, શેરીઓ, ટ્રેઇન અને બસ ટ્રાન્સપોર્ટ, ટેલીવીઝન, રેડીયો, ચલચીત્રો કે સીનેમાઓમાં વગેરેમાં, તે બધાનું ધાર્મીક માનસીકતાની તરફેણમાં બ્રેઇન વોશીગ સતત ચાલુ થઇ જાય છે.

           તે બધાને ઢોલ પીટીને કહેવામાં આવે છે કે ધર્મના ઉપદેશો પ્રમાણે જીવનારાને મોક્ષ મળશે. પણ જો તમે ધર્મની આજ્ઞાઓ અને ઉપદેશોનું ઉલ્લંઘન કરશો તો નર્કમાં જશો. તે બધાને ધાર્મીક ઉપદેશ દ્રારા બોધ આપવામાં આવે છે કે ' આપણા ધર્મ પુસ્તકોમાં માનવી અને જગતના બધા પ્રશ્નોના ઉકેલો આપ્યા હોવાથી ધાર્મીકોએ પોતાના પ્રશ્નો માટે ધાર્મીક પુસ્તકો બહાર ઉકેલ શોધવાના પ્રયત્નો જ ન કરવા જોઇએ. ધર્મ પોતે જ જ્ઞાન છે. ધર્મ જ વીજ્ઞાન છે. અને ધર્મનું બીજું નામ જ શાંતી છે.' સતત આવા વીચારો અને ઉપદેશોનો ધોધ બાળપણથી તમારા મન પર ઠોકી બેસાડવામાં આવતો હોય તો તે તમારા અર્ધજાગૃત મનનો એક ભાગ બની જાય છે. તે આપણા બધાનો એક  મજબુત પણ વૈચારીક ધાર્મીક પાયો બની જાય છે જેના ઉપર સહેલાઇથી આત્યંતીક ધાર્મીકતાનો મહેલ બનાવી તેના પરથી કુદકો મારી આપઘાત કરવા યુવાનોને તૈયાર કરી શકાય છે.  

          માનવીને પોતાની સમસ્યાઓના ઉકેલ માટે ધર્મના ઉપાયો વૈજ્ઞાનીક સંશોધનોના માટેના કોયડાઓ અને ગણીત ભુમીતીના કુટપ્રશ્નો વગેરેના ઉકેલો કરતાં સરળ અને સહેલા લાગ્યા છે. માટે જ ધર્મ અભણ, શ્રમજીવી અને વીશ્વવીધ્યાલયોના વીધ્યાર્થીઓને સંમોહી શકે છે. કારણકે વીજ્ઞાનને સમજવું ધર્મ જેટલું સહેલું નથી. ( સદર મુળ લેખ બંગાળી ભાષામાં લખાયો હતો . જેનું અંગ્રેજી ભાવાનુવાદ સંઘમીત્રા  મજમુદારે ઇન્ડીયન એક્સપ્રેસ માટે કરેલું. અમે  તે બધાના આભારી છીએ.)

 

 

 

--