Thursday, August 25, 2016

આંબેડકર, ગાંધી અને માનવવાદ.

આંબેડકર– ગાંધી અને માનવવાદ.

આ વર્ષ બાબાસાહેબ આંબેડકરનું ૧૨૫મી જન્મજયંતી વર્ષ છે.બાબાસાહેબ જે સર્વપ્રકારનો વારસો મુકીને ગયા છે તેનાથી તો આપણે સૌ પ્રમાણમાં પરીચીત છીએ. આપણા સૌની સહીયારી નીસ્બત છે કે તેઓએ જે રસ્તો બતાવ્યો તે રસ્તે આધુનીક ભારતના પડકારો  સાથે આગળ કેવી રીતે વધવુ? કારણકે હીંદુધર્મ જે વાસ્તવમાં બ્રાહ્મણ ધર્મ છે તેના દ્રારા રચવામાં આવેલી વર્ણવ્યવસ્થા આધારીત જ્ઞાતી પ્રથાનું માળખું, તેના લક્ષણો અને વ્યવહારોમાં કોઇ ફેરફારો થયા નથી. બલ્કે બાબાસાહેબે જે " એનીહીલેશન ઓફ કાસ્ટ"ની જ્ઞાતી પ્રથાના અંતની વાત કરી હતી તે પ્રથાતો તેના નગ્નસ્વરૂપે વર્તમાન રાજય વ્યવસ્થાના સહકારથી  વધુ બળવત્તર દીનપ્રતીદીન બનતી જાય છે.

વીશ્વમાં ચામડીના રંગ આધારીત માનવી માનવી વચ્ચે સામાજીક અલગતા(સેગ્રીગેશન) કાળા–ગોરાની છે,બીજું ધર્મ આધારીત યહુદીઓ અને ખ્રીસ્તીઓ, નાઝી અને યહુદીઓ હીટલરના જર્મનીમાં, શીયા– સુન્ની આરબ દેશામાં, કે ભારતમાં હીંદુ–મુસ્લીમમાં ધર્મના અનુયાયીઓ વચ્ચે  સામાજીક અલગતા છે. પણ એક જ ધર્મમાં જન્મ લેનાર પ્રજાને જ્ઞાતી આધારીત વર્ણવ્યવસ્થાને કારણે  ગુલામ કરતાં બદ્ત્તર સ્થીતીમાં સદીઓથી  જીવવા મજબુર કરવા અને તે પણ ધર્મની સંમતી અને ટેકાથી તેવી સ્થીતી વીશ્વમાં કોઇ પ્રજાની નથી. બાબાસાહેબે આપણા દેશની જ્ઞાતી પ્રથામાં સદીઓથી ચાલુ રહેલા  જે ચાર અગત્યના લક્ષણો જે દરેક હીંદુમાટે જન્મથી શરૂ કરીને મૃત્યુ પર્યંત ચાલુ રહે છે તેને સ્પષ્ટ રીતે ઓળખી બતાવ્યા છે.

(૧) હીંદુ ધર્મમાં જન્મ લેનારની જ્ઞાતી તેના જન્મથી જ નક્કી થઇ જાય છે. જેમાં ફેરફારને કોઇ અવકાશ હોતો જ નથી.

(૨)હીંદુ સમાજ અને તેના અનુયાયીઓ વર્ણવ્યવસ્થાના ટેકાવાળી જ્ઞાતીપ્રથાના સામાજીક વ્યવહારોમાં ઉંચનીચના અસમાન સ્તરોમાં વહેચાઇ ગયા હોય છે. જો કે બાબાસાહેબના મત મુજબ વર્ણવ્યવસ્થા અને જ્ઞાતીપ્રથામાં સામાજીક રીતે કોઇ તફાવત પહેલાં હતો નહી અને આજે પણ નથી.

(૩) જ્ઞાતીપ્રથા આધારીત હીંદુસમાજ વ્યવસ્થામાં હંમેશાં ઉપલી જ્ઞાતીઓ નીચલી જ્ઞાતીઓનું સર્વપ્રકારનું શોષણ કરતી હતી અને આજે પણ કરેછે.

(૪) હીંદુ ધર્મે જ્ઞાતીપ્રથાને વ્યાજબી ઠેરવી છે.

ટુકમાં ખરેખર જોવા જઇએ તો જ્ઞાતીપ્રથા જન્મ આધારીત નક્કી થતી હોવાથી અને તેના મુળભુત લક્ષણ શોષણખોર હોવાથી તે ગુલામીપ્રથાથી કોઇરીતે જુદી નથી જેને વીશ્વે સર્વાનુમતે વર્જ ગણેલી છે.ગુલામીપ્રથાને તો સહેલાઇથી ઓળખી શકાય જયારે જ્ઞાતી પ્રથાતો શરીરમાં પેદા થયેલ કેન્સર જેવી છે. બહારથી ભાગ્યેજ દેખાય પણ આંતરીક રીતે તેણે આખા શરીરના અસ્તીત્વને( સમાજના માળખાને) રોગગ્રસ્ત બનાવી દીધુ છે. તેથી બાબાસાહેબના મત પ્રમાણે સમાજના બધાજ રાજકીય, આર્થીક, સામાજીક,ધાર્મીક વીગેરે અંગોમાં જ્ઞાતીપ્રથાએ ફેલાવેલા કેન્સરગ્રસ્ત દુષણોને દુર કરવા( કેમોથેરેપીની માફક) મુળભુત રીતે ફેરફાર કરવો પડશે.

સૌ પ્રથમ તો હીંદુધર્મના જે ધર્મ પુસ્તકોએ જ્ઞાતીપ્રથાને દૈવી,ઇશ્વરદત્ત્, પવીત્ર વગેરે આભુષણોથી નવાજી છે તે બધા જ પુસ્તકોના સત્યોને જ્ઞાન આધારીત અને વાસ્તવીક રીતે પડકારીને નાશ કરવો પડશે. જેથી તે બધાના અસરકર્તાઓને પોતાનામાં આત્મવીશ્વાસ પેદા થાય. હીંદુધર્મમાં રહીને સુધારાવાદી પ્રવૃત્તી જેવીકે બ્રહ્મોસમાજ, આર્યસમાજ કે વીધવાપુર્નલગ્ન કે બાળ લગ્નોપર પ્રતીબંધ મુકવાથી જ્ઞાતીપ્રથાનો અંત આવવાનો નથી.વધુમાં તેઓનું ખુબજ તાર્કીક નીરીક્ષણ હતું કે જ્ઞાતીપ્રથાએ દેશના નાગરીકોને મુક્તરીતે નાગરીક બની જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મુલ્યોને આધારે સામાજીક, રાજકીય અને આર્થીક સમાજનું એકબીજા સહકારથી નવનીર્માણ કરવાને બદલે જ્ઞાતીનીર્મીત સામાજીક કોચલામાંથી બહાર નીકળતો જ અટકાવી દીધો છે. જ્ઞાતીપુરસ્કૃત જન્મ આધારીત સામાજીક વારસો મર્યાદીત લોકોને વીશીષ્ટ  હક્કો પુરા પાડે છે જયારે બાકી રહેલા સમાજના  વંચીતોને ભાગે વીશીષ્ટોની વેઠ કરવા સીવાય જીવનમાં કાંઇ બાકી રહેતું નથી. જન્મ આધારીત વીશીષ્ટ વારસો કાબેલીયાત કે કામની નીપુણતાને કારણે પ્રાપ્ત થતો નથી પરંતુ કઇ જ્ઞાતીમાં તમે જન્મ લો છો તે પ્રમાણે નક્કી થાય છે. માનવ માનવ વચ્ચે વીશીષ્ટ વારસા આધારીત પેદા થતી સમાજવ્યવસ્થા અનૈતીક,અસમાન અને માનવીય ગૌરવને હણનારી હોવાથી તેનો નાશ અનીવાર્ય રીતે થવો જ જોઇએ.

જ્ઞાતીપ્રથા અને વર્ણવ્યવસ્થા અંગે ગાંધીજીના વીચારો–

ગાંધીજી જ્ઞાતીપ્રથાના વીરોધી હતા. અસ્પૃશ્યતાને હીંદુ સમાજના ઘોર કલંક તરીકે તેઓએ જાહેર કર્યું હતું. પણ હીંદુધર્મ આધારીત વર્ણવ્યવસ્થાના ટેકેદાર હતા. વર્ણવ્યવસ્થાને તે સમાજના સામાજીક માળખાને  ટકાવનાર અગત્યના પરીબળ તરીકે ગણતા હતા. આઝાદીની ચળવળમાટે દેશના દરેક ખુણેથી અને હીંદુ સમાજના દરેક ફીરકાનો ટેકો મળી રહે તેવું તેમનું આયોજન હતું. બાબાસાહેબનો હીંદુ સમાજ આધારીત વર્ણવ્યવસ્થા અને જ્ઞાતીપ્રથા સામે આક્રોશ હતો અને તેને જડમુળથીનાશ કરવા માટેની જે પ્રતીબધ્ધ્તા હતી તે આપણને ગાંધીજીમાં દેખાતી નહતી. તેની સામે  ગાંધીજીની પ્રતીબધ્ધ્તા દેશના અબાલ વૃધ્ધ સૌ લોકોને આઝાદીની લડતમાં સામેલ અને જાગૃત કરવાની હતી.


--