Thursday, August 25, 2016

સને ૧૯૭૫ની કટોકટીમાં લાદવામાં આવેલી પ્રેસ પ્રી– સેન્સરશીપને એડવોકેટ શ્રી ચંદ્રકાંત દરૂએ પડકારી હતી..

 સને ૧૯૭૫ની કટોકટીમાં લાદવામાં આવેલી પ્રેસ પ્રી– સેન્સરશીપને એડવોકેટ શ્રી ચંદ્રકાંત દરૂએ પડકારી હતી..

પુર્વભુમીકા–

દેશમાં સને ૧૯૭૫માં ૧૨ મી જુનના રોજ બે ઐતીહાસીક બનાવ બન્યા હતા.

  (૧)  ઉત્તરપ્રદેશની અલ્હાબાદ હાઇકોર્ટે દેશના વડાપ્રધાન શ્રીમતી ઇંદીરા ગાંધીની રાયબરેલીની સંસદસભ્ય તરીકેની ચુંટણીને આ દીવસે અમાન્ય જાહેર કરી હતી.          (૨)બીજુ, આજ દીવસે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને હરાવીને ' જનતા મોરચો' બાબુભાઇ જશુભાઇ પટેલ'ના નેતૃત્વમાં વીજયી થઇને સત્તાપર આવ્યો હતો.    

            શ્રીમતી ગાંધીએ હાઇકોર્ટના ચુકાદાને સ્વીકારીને રાજીનામું આપવાને બદલે ૨૫મી જુનની કાળીરાત્રીએ દેશમાં આંતરીક કટોકટી દાખલ કરી દીધી. જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઇ અને બીજા ઘણા બધા નેતાઓ સાથે કુલ મળીને આશરે ૧,૫૦,૦૦૦ લોકોને ગુજરાત અને તામીલનાડુ સીવાયના દેશના બાકીના બીજા રાજયોમાંથી 'મીસા' હેઠળ જેલમાં પુરી દીધા. કારણ એવું બતાવવામાં આવ્યું કે આ બધા માણસો જે.પી. ના નેતૃત્વ હેઠળ દેશની કાયદેસરની સરકારને ઉથલાવવાનું ષડયંત્ર ગોઠવી રહ્યા હતા. દેશમાં આંતરીક રીતે અંધાધુધી ફેલાવવાનું કાવતરૂ કરી રહ્યા હતા. લશ્કર અને પોલીસને સરકારનો હુકમનો અનાદર કરવા ઉશ્કેરી રહ્યા હતા. ૨૬મી જુન સને ૧૯૭૫ના દીવસે શ્રીમતી ગાંધીની સરકારે ખાસ વટહુકમ બહાર પાડયો કે સમગ્ર દેશના કોઇપણ વર્તમાન પત્રોએ સરકારે નીમેલા સેન્સર અધીકારીની પુર્વમંજરી સીવાય( પ્રી– સેન્સરશીપ) કોઇપણ સમાચાર પ્રસીધ્ધ કરવા નહી. જો કોઇ પ્રેસ આવા પુર્વમંજુરી સીવાયના સમાચારો પ્રકાશીત કરશે તો તેની બધી નકલો અને આવા સમાચાર પ્રસીધ્ધ કરનાર પ્રેસને પણ જપ્ત કરી લેવામાં આવશે.દીલ્હીના અખબારો પોતાની દૈનીક આવૃત્તી બહાર ન પાડી શકે માટે, કેટલીક પ્રેસનો વીજળીનો પુરવઠો કાપી નાંખવામાં આવ્યો હતો. રાતોરાત દેશના નાગરીકોના પાયાના બધાજ સ્વતંત્ર અધીકારોને સરકારની એડી નીચે કચડી નાંખવામાં આવ્યા.શ્રીમતી ઇંદીરા ગાંધી એ પોતાની સત્તા ટકાવવા  દેશને  અંધારપેટમાં ફેરવી નાંખ્યો હતો.

સારાય દેશમાં તે દીવસોમાં ગુજરાતએ મુખ્યમંત્રી બાબુભાઇ પટેલની જનતા સરકારને કારણે 'સ્વતંત્રતાનો ટાપુ' બની ગયો હતો. આવા સંજોગોમાં ગુજરાતમાં માનવ અધીકારો અને મજુરોના હક્કો માટેના આ જીવન લડવૈયા, ક્રાંતીકારી વીચારક માનવેન્દ્રનાથ રોયની રેડીકલ હ્યુમેનીસ્ટ ચળવળના અગ્રણી અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ શ્રી ચંદ્રકાંત દરૂએ એક રાષ્ટ્રીય પરીષદ(કોન્ફરન્સ)નું તા. ૧૨–૧૦–૧૯૭૫ના રોજ અમદાવાદ મુકામે આયોજન કર્યું.રાષ્ટ્રીય કક્ષાની જયપ્રકાશજીના ચેરમેન અને સેક્ર્ટરી જસ્ટીસ વી. એમ. તારકુંડેની સક્રીય પ્રયત્નોથી સ્થાપાયેલી સંસ્થા 'નેશનલ સીવીલ લીબર્ટીઝ યુનીયન'  'નાગરીક સ્વાતંત્ર્ય સંગઠન'ની પરીષદ( કોન્ફરન્સ)નું આ ખાસ અધીવેશન જયપ્રકાશજી જેલમાં હતા ત્યારે ભરાયું હતું. આ પરીષદમાં હાજર રહેનારા મુખ્ય મહેમાનો હતા, નીવૃત, ચીફ જસ્ટીસ,સુપ્રીમ કોર્ટ ઓફ ઇંડીયા, શ્રી જે.સી. શાહ, મુંબઇ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી, એમ સી. ચાગલા, જસ્ટીસ વી.એમ તારકુડે, યંગ ટર્ક અને સંસદ સભ્ય, મોહન ધારીઆ, વગેરે. શ્રી.એમ. સી. ચાગલા આ પરીષદના મુખ્ય વક્તા હતા. શ્રી ચાગલા સાહેબનું વ્યાખ્યાન ગાંધી– વીનાબા વીચારસરણીને સંપુર્ણ વરેલા અને સત્તાકીય રાજકારણથી જોજન દુર એવા 'ભુમીપુત્ર' નામના માસીકના તંત્રીશ્રી,ચુનીભાઇ વૈદ્યે વડોદરાથી સેન્સરરની પુર્વ મંજુરી સીવાય પ્રકાશીત કર્યું. સેન્સરરે તે માસીકના બધા અંકો જપ્ત કરી દીધા અને પ્રેસને સીલ મારી દીધુ.

આ કારણસર પ્રી– સેન્સરશીપના હુકમને 'ભુમીપત્ર'ની તરફેણમાં ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ શ્રી ચંદ્રકાંત દરૂએ પડકાર્યો હતો. અને સાબીત કર્યું હતું કે લોકશાહી દેશમાં આવી પ્રેસની સ્વતંત્રતાને ખુંચવી ન લેવાય. ગુજરાત હાઇકોર્ટની બે ન્યાયાધીશોની બનેલી ડીવીઝન બેન્ચે આ ચુકાદો સર્વાનુમતે આપ્યો હતો. આ સીમાવર્તી ઐતીહાસીક ચુકાદો આપનાર સન્માનીય ન્યાયીધીશો હતા શ્રી જસ્ટીસ જે.બી. મહેતા અને શ્રી એસ. એચ. શેઠ. જેમની બદલી સદર ચુકાદાબાદ દેશના જુદા જુદા ખુણાના બેરાજયોમાં સરકારની સુચનાથી ન્યાયતંત્રે કરી હતી.                                                                                                    શ્રીમતી ગાંધી સરકારની એક વધુ તુમાખી જુઓ– ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો અક્ષરસહ અંગ્રેજીમાં પ્રકાશીત (ગાંધીજી દ્રારા સ્થાપવામાં આવેલી) નવજીવન પ્રેસ, અમદાવાદે કર્યો હતો. જેની બધી નકલો અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશના વડાએ જપ્ત કરી  દીધી હતી. કટોકટી પાછી ખેંચાયા પછી તે નકલો પરત મળતાં નવજીવન પ્રેસના તે સમયના નીયામક શ્રી જીતેન્દ્રભાઇ દેસાઇ પાસે મેં એક કોપી માગતાં તેઓએ મને સપ્રેમ ભેટ આપેલી હતી. આ ન્યાયી ચુકાદાના કુલ ૧૧૯ પાનાં છે.આ કેસના ચુકાદાવાળી સંપુર્ણ મેટર આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આર આર એસ સુપ્રીમો મોહનભાગવતની જુગલબંધી જે દીશામાં દેશને લઇ જઇ રહી છે, તેના બધા ખુલ્લા અને છુપા પ્રવાહોને સમજવા અત્યંત અનીવાર્ય છે. તે માટે આ ઐતીહાસીક ચુકાદામાંથી ખાસ અગત્યના ફકરાઓ ઓગસ્ટ મહીનાની પહેલી તારીખથી 'ફેસબુક'માં આપવાના શરૂ કરીશું. દરરોજ અમે ફક્ત એક અગત્યના ફકરાનો ભાવાનુવાદ કરીને મુકવાના છીએ. જયાં સુધી ચાલે ત્યાં સુધી ખરૂ. (લખ્યા તા. ૩૧–૭– ૨૦૧૬).

તંત્રી નોંધ–શ્રી દરૂ સાહેબનું આ જન્મ શતાબ્દી વર્ષ છે. (જન્મ ૧૯૧૬–મૃત્યુ ૧૯૭૯) શ્રીદરૂ સાહેબની સ્મૃતીમાં બનાવેલા ટ્રસ્ટના આર્થીક સહકારથી વૈશ્વીક માનવવાદ માસીકનો જન્મ આશરે ૨૫ વર્ષ પહેલાં થયો હતો. જે આજે માનવવાદ માસીકના નામે ચાલે છે.આ પ્રસંગે અમો માનવવાદ માસીકના તંત્રી શ્રી દરૂ સાહેબ અને તેમની સ્મૃતીમાં બનાવેલ ટ્રસ્ટનો ખુબજ આભાર માનીએ છીએ.શ્રી દરૂ સાહેબની શ્રધ્ધાંજલીના ભાગ રૂપે ગુજરાતની પ્રજા સમક્ષ આ ઐતીહાસીક ચુકાદાના અગત્યના મુદ્દ્ઓ રજુ કરી એ છીએ..

(૧) જસ્ટીસ એમ સી ચાગલાના પ્રવચનની નોંધ–

' When the night is darkest, the dawn is not far. Darkness shall go and light shall come'.I may not probably be alive to see the glow of that dawn but I am confident that all of you will enjoy it.

( જયારે રાત્રીનો અંધકાર ચોતરફ ગાઢા પ્રમાણમાં ફેલાઇ ગયો હોય છે ત્યારે સવાર થવાની બહુવાર હોતી નથી. અંધારૂ ચોક્કસ જશે અને પ્રકાશ ફેલાશે. પરંતુ તે વહેલી સવારના પ્રકાશનું કીરણ જોવા હું કદાચ જીવીત નહી હોંઉ. પણ મને પુરો આત્મવીશ્વાસ છે કે તે પ્રકાશના પરીણામો તમે બધા સરસ રીતે માણી શકશો.)

શ્રી ચાગલા સાહેબના પ્રવચનનો મુખ્ય હાર્દ હતો કે ' સરકાર કે સત્તાધીશ, પ્રજાનો લોકશાહી ઢબે વીરોધ કરવાનો અધીકાર છીનવી લઇ શકે નહી.' તેથી તેઓએ પોતાની પુર્વતૈયારી વીનાના (ઇક્સટેમ્પરી) પ્રવચનમાં જણાવ્યું કે ' હું દીલ્હી સરકારના ત્રણ પગલાંનો સખ્ત વીરોધ કરૂ છું એક કટોકટીની જાહેરાત (પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી).બે કોઇપણ કારણ વીના હજારો લોકોની અટકાયત કરી જેલમાં પુરી દેવાના અને ત્રણ,પ્રી–સેન્સરશીપ, પ્રેસ–મીડીયા વી. એ પ્રકાશન કરતાં પહેલાં જે તે પ્રકાશન કરવાની મંજુરી લેવાની. તેઓનું વ્યક્તવ્ય ભલે તત્કાલીન હતું પરંતુ તેમાં ભારોભાર ઉચ્ચકક્ષાના સંસ્કારો અને ખુબજ લાગણીસભર અને બીલકુલ નીષ્પક્ષપાતી (જયુડીશલ માઇન્ડ) હતું. છેલ્લા ત્રણ દાયકાથી દેશના નાગરીકો જે  નાગરીક અધીકારો ભોગવતા હતા તેના ઉપરનું એકાએક નીયંત્રણ અક્ષમ્ય છે.તેઓ પોતાના પ્રવચનમાં વારંવાર ગાંધીવાદી મુલ્યોને ઉજાગર કરતા હતા.ગાંધી મુલ્યો પ્રમાણે ધ્યેય ગમે તેટલો સારો હોય પણ તે પ્રાપ્ત કરવાના સાધનો પણ પ્રામાણીક જ હોવા જોઇએ તેવું શ્રી ચાગલા સાહેબનું કહેવાનું હતું. આજના રાજકારણીઓ ગાંધીના નામના સોંગદ લે છે અને દરરોજના રાજકારણમાં તેમના ધ્યેય પ્રાપ્ત કરવાના સાધનો બીલકુલ શુધ્ધ હોતા જ નથી. ધ્યેય તમારો ગમે તેટલો સારો હોય પણ તે પ્રાપ્ત કરવાના સાધનો જો ખરાબ હોય તે મને બીલકુલ માન્ય નથી.માટે હું દીલ્હી સરકરના ઉપરના ત્રણ પગલાં ને કારણે સખ્ત વીરોધ કરૂ છું. જે દીવસે સત્તાધીશો શાંત પ્રતીકાર કરવાના અધીકારને રાજદ્રોહ તરીકે મુલવશે તે દીવસે લોકશાહી રાજયવ્યવસ્થાનો મૃત્યુઘંટ વાગશે. કારણકે આપખુદ કે જુલ્મી સરકાર પોતાની ઉપરની ટીકા કે મુલ્યાંકનને હંમેશાં રાજદ્રોહ તરીકે મુલવીને વીરોધીઓને સખ્ત સજા ફટકારે છે. 

મારા મત મુજબ આપખુદશાહી કે સરમુખત્યારશાહીના બધાજ રાજકીય સ્વરૂપોમાં જો સૌથી વધારે ખરાબ હોય તો તે બંધારણીય સરમુખત્યારશાહી હોય છે. કારણકે તેમાં સૌથી વધારે છેતરપીંડી ભ્રામકરીતે છુપાયેલી (મોસ્ટ ડીસેપ્ટીવ) હોય છે. આવી બંધારણીય સરમુખત્યારશાહી એવું સાબીત કરે છે કે દેશમાં બધું બંધારણ મુજબ જ ચાલે છે.તેથી તેની સામે પ્રતીકાર કરીને પરીવર્તન લાવવું સહેલું નથી....... વ્યક્તી ગમે તેટલો મોટો કેમ ન હોય પણ તે પોતાની સરખામણી રાષ્ટ્ર સાથે કરીને એમ ન કહી શકે કે હું જ રાષ્ટ્ર છું. (ઇંદીરા ઇઝ ઇંડીયા, એન્ડ ઇંડીયા ઇઝ ઇંદીરા.) આપણું રાષ્ટ્ર અમાપ મુશ્કેલીઓમાંથી પસાર થઇને બહાર આવ્યું છે.અને પોતાનું અસ્તીત્વ ટકાવી રાખ્યું છે. આજની શ્રીમતી ગાંધીએ નાંખેલી કટોકટીના પડકારમાંથી પણ તે બહાર આવશે જ તેવો મને વીશ્વાસ છે.

શ્રી ચાગલા સાહેબનું પ્રવચન પ્રેસ માટે તૈયાર કરનાર રીપોર્ટર પ્રો દીનેશ શુક્લનું તારણ હતું કે ' સભાગૃહમાં હાજર રહેલ દરેક પ્રેક્ષકને એમ મહેસુસ થતું હતું કે સાહેબના પ્રવચનમાં તેની લાગણીઓનો  સતત પડઘો સંભળાય છે. 'સાંભળનારા અને બોલનાર વચ્ચે અદભુત એકરૂપતાનું બંધન જોડાઇ ગયું હતું.

આ નાગરીક સ્વાતંત્રય સંગઠનની પરીષદમાં ગુજરાત હાઇકોર્ટની આજ ડીવીઝન બેન્ચનામાનનીય ન્યાયાધીશ શ્રી એસ. એચ. શેઠ સભાગૃહમાં પ્રેક્ષક તરીકે હાજર રહ્યા હતા. તેની સામે સરકારી વકીલે કૃષ્ણકાંત વખારીયાએ એવી દલીલ કરી હતી કે ' તે એક સાંભળનાર હોવાથી આ બેન્ચમાં કેસ ચલાવવા સક્ષમ નથી.'

વધુ તારીખ ૨જી ઓગસ્ટે ૨૦૧૬ના દીવસે..

(2) જે ન્યાયાધીશ ' સીવીલ લીબર્ટીઝ કોન્ફરન્સ' માં શ્રોતા તરીકે હોય તે આ કેસ સાંભળી શકે ખરા?

શ્રી એસ. એચ. શેઠ સાહેબ તે પરીષદમાં શ્રોતા તરીકે ગયા હતા. સરકારી વકીલે એવો આક્ષેપ નથી મુક્યો કે તેઓને મારી ન્યાયીક પ્રતીબધ્ધતામાં(જયુડીસીઅલ ઇન્ટીગ્રીટી) વીશ્વાસ નથી. શ્રી શેઠ સાહેબનો મત હતો કે તે નીચેના કારણોસર ચોક્કસ આ પીટીશન સાંભળી શકે.

(1)    કોઇપણ કોન્ફરન્સમાં શ્રોતા તરીકે સાંભળવા જવાથી એવું કેવી રીતે માની લેવાય કે તેમાં રજુ થયેલા વીચારોને મારો ટેકો છે.  તેમાં મેં બોલીને મારો વીચારો રજુ કર્યા હોય તો જુદી વાત છે.

(2)    નાગરીક સ્વતંત્રતા તો લોકશાહી જગતની દેન છે. તેને કોઇ આ પક્ષ કે બીજા પક્ષ સાથે કોઇ સંબંધ હોતો નથી.

(3)     ન્યાયાધીશ, કોર્ટની બહાર, સર્વે બાજુથી અને જુદા જુદા અભીપ્રાયો સાંભળી શકે છે. તેનો અર્થ એ નથી કે તેણે જે સાંભળ્યું હોય તેનાથી તેનો પુર્વગ્રહ બંધાઇ જાય છે. તે રેડીયો સાંભળે છે. ટી વી, જુએ છે. દૈનીક પેપરો, ચોપડીઓ વાંચે છે. તેનાથી કયારેય એવું તારણ કાઢી શકાય નહી કે તે બધું જાણી, વાંચી વી.થી પોતાનો અભીપ્રાય બાંધે છે. ન્યાયાધીશો પાસે ફોતરામાંથી દાણા છુટા પાડવાની, એટલે કે સાચું શું છે અને ખોટું શું છે તે નક્કી કરવાની ક્ષમતા પુરેપુરી હોય છે.  જે ન્યાયાધીશોમાં આવી ક્ષમતા ન હોય તે, તે પોસ્ટમાટે  લાયક નથી એમ જ કહેવાય. તે બધાને છેતરીશકાય તેવા ભોળા કે સાલસ હોતા નથી. ફક્ત કોર્ટની બહાર કશુંપણ સાંભળવાથી જોઇ કોઇ ન્યાયાધીશ  ગેરલાયક ઠરતો હોય તો મારા મત મુજબ ઘણા બધા મારા 'જજીસબ્રધર્સ'  ગેરલાયક ઠરે.

(4)    ન્યાયાધીશ પાસે પોતાની આગવી વીવેક સુઝ હોય છે. તેને આધારે તેની પાસે આવતા કેસોને ન્યાયથી તોલે છે. તે બધું કોઇની સ્પીચ સાંભળવાથી કે કોઇ કોન્ફરન્સમાં હાજરી આપવાથી બદલાઇ જતું નથી.

(5)     એ હકીકત છે કે આ કોન્ફ્રરન્સમાં ખ્યાતનામ ન્યાયાધીશોએ પોતાના વીચારો રજુ કર્યા હતા. અને ઘણા બધા ન્યાયાધીશોએ ત્યાં સારા સાંભળનારા તરીકે હાજરી પણ આપી હતી. આ દેશમાં ઘણી બધી જાત જાતની અને ભાત ભાતની વીચારસરણીઓ, તત્વજ્ઞાનો અને વીચારો અસ્તીત્વ ધરાવે છે. કોઇ ન્યાયાધીશને પક્ષકારો તરફથી એમ ક્યારેય પુછવામાં આવતું નથી કે તમે કઇ વીચારસણીને આધારે અમારા કેસનો ચુકાદો આપશો?

(6)    સાચી હકીકત આટલી જ છે કે પોતાની કોર્ટ–રૂમની ચાર દીવાલો વચ્ચે તેઓએ પોતાની નીષ્પક્ષતા, તટસ્થતા અને  નીષ્પૃહ રીતે પોતાની ફરજ કોઇપણ જાતના દ્રેવ્સ કે તરફેણ સીવાય બજાવી છે કેમ?

(7)     ન્યાયાધીશ પોતાના ખુલ્લા મકાનમાં રહે છે જેની બધી બારીઓ ખુલ્લી છે . જેમાં ચારેય બાજુએથી પવનની લહેરો આવે છે. ફક્ત  તેઓએ એટલું જાણવાની જરૂર છે કે તે આવા પવનની લહેરોની ઝડપથી  તે પગની સમતુલા ન ગુમાવી દે અને પવનની ઘુમરીઓ કે વંટોળોમાં તે ફસાઇ ન જાય. મારાપર તે વીદ્વાન વકીલનો આવો કોઇ આક્ષેપ નથી.

(8)    અમારે તો ન્યાય આપીને એવું નક્કી કરવાનું છે કે ' ભુમીપત્ર' સામાયીકને વગર પરવાનગીએ કે પુર્વ મંજુરી સીવાય પોતાનું માસીક પ્રકાશીત કરવાનો અધીકાર છે કે કેમ?

(9)    ન્યાયાધીશ શ્રી શેઠ સાથે ન્યાયાધીશ શ્રી મહેતા સાહેબ સંમત થતાં કેસ ન સાંભળવાની અરજી કાઢી નાંખવામાં આવી  અને વકીલોને કેસના સંદર્ભની દલીલો રજુ કરવા વીનંતી કરવામાં આવી હતી. જેથી ગુણવત્તાને આધારે કેસ નક્કી કરી શકાય. (2nd Aug-16.)

તારીખ ૩ ઓગસ્ટ ૨૦૧૬.

ભુમીપુત્રનો કેસ ભારતના બંધારણે બક્ષેલા માનવ અધીકોરોના ઉલ્લંઘનનો ન હતો.

ઇંદીરા ગાંધીની સરકારે ૨૫મી જુને ૧૯૭૫ના રોજ દેશમાં કટોકટી દાખલ કરીને  એટલે કે આગલે દીવસે બંધારણની કલમ ૧૯ મુજબના બધાજ અધીકારોની મોકુફી કે સ્થગીત કરવાનો હુકમ પ્રેસીડેન્ટ ઓફ ઇંડીયાની સહીથી જાહેર કરી દીધો હતો. તેના  દ્રારા બચાવ થઇ શકે તેમ ન હતો.  જે બંધારણીય નીષ્ણાત એડવોકેટ શ્રી દરૂ સાહેબ સારી રીતે સમજતા હતા. કાયદા મુજબ અસ્તીત્વમાં આવેલી કેન્દ્ર સરકારે પોતાના હુકમથી તારીખ ૨૬મી જુને ૧૯૭૫ના રોજ પ્રી– સેન્સરશીપ નામનો વટહકમ બહાર પાડયો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ' દરેક સમાચારો, લેખોનું મુલ્યાંકન, અફવાઓ કે બીજા સમાચારો સેન્સર અધીકારીની પુર્વમંજુરી સીવાય છાપી શકાશે નહી.'

ગાંધીવાદી–સર્વોદયવાદી ભુમીપુત્રે ૧૨મી ઓકટોબર ૧૯૭૫ના રોજ ભરાયેલ ' નાગરીક સ્વાતંત્રય સંગઠન' માં શ્રી ચાગલા સાહેબ જે વીચારો રુજુ કર્યા હતા અને પ્રો. દીનેશ શુક્લે રીપોર્ટીંગ કર્યા હતા તે કેન્દ્ર સરકારની સેન્સર બોર્ડની પુર્વમંજુરી સીવાય પ્રકાશીત કર્યા. તેથી આ કહેવાતા ગેરકાયદેસર કામ માટે સેન્સર અધીકારીએ ભુમીપુત્રના બધા અંકો જપ્ત કર્યા અને પ્રેસ પર સીલ મારી દીધું.શ્રી ચાગલા સાહેબના પ્રવચનના કેટલાક અંશો ફેસબુક પર પ્રકાશીત કર્યા છે માટે અહીંયાં પ્રકાશીત કર્યા નથી.

એડવોકેટ શ્રી દરૂ સાહેબની 'ભુમીપુત્ર' માટેની દાવા અરજીમાં મુખ્ય દાદ હતી કે 'અમે સેન્સર અધીકારીને બધું તેઓની પુર્વમંજુરી સીવાય અને ત્યારબાદ જે મંજુર કરે તે જ પ્રકાશીત કરવું તે સીવાય કશું પ્રકાશીત ન કરવું તે હુકમ અસ્વીકાર્ય હોવાથી, અમે અમારો અંક પ્રકાશીત કર્યો છે.અને સેન્સર અધીકારીની સત્તાને પડકારી છે.

જુઓ, હવે મઝાની વાત એમ બની કે જે મુદ્દો શ્રી દરૂ સાહેબે પોતાની દાદમાં લીધો જ ન હતો       (મુળભુત અધીકારો અને તેના માટેની કલમ ૧૯નો) તેનાપર સામાવાળાના એડવોકેટ શ્રી વખારીઆએ પોતાની દલીલ શરૂ કરી. નામદાર કોર્ટે તરતજ જણાવ્યું કે ' અરજદારે વાણી સ્વાતંત્રય અને અભીવ્યક્તીના સ્વાતંત્રયના બચાવ માટેની દાદ માંગીજ નથી.'અરજદારની દલીલ તો એટલી જ છે કે વટહુકમ જે નીયમ (રૂલ ૪૮)ના ટેકાથી બહાર પાડયો છે તે તેનાકાર્યક્ષેત્રની બહાર છે. અને બીજું કે આ વટહુકમથી અંગત ધંધાકીય જીવનમાં ખુબજ મોટી દખલગીરી ઉભી થઇ છે. અરજદારનું તો માત્ર એટલું જ કહેવું છે કે કોઇપણ સરકારી નીયમ કાયદાથી પર નથી. જો આવો નીયીમ હોય તો તે રદ થવાને પાત્ર છે. મુળભુત અધીકારોના મુલવતીપણાથી સરકારને સામાન્ય કાયદા વીરૂધ્ધના નીયમો ઘડીને દેશને જંગલ રાજ( નોટ રુલ ઓફ લો, બટ રૂલ ઓફ જંગલ) બનાવવા માટે લોકોએ ચુંટીને સત્તા આપી નથી.દેશના રાષ્ટ્રપ્રમુખનું જાહેરનામું જે અંગે  બહાર પાડયુ હોય તેના ક્ષેત્રની બહાર પણ તેનું મારી મચેડીને જુદુ અર્થઘટન કરીને તેનો અમલ ન થઇ શકે. કોર્ટનું નીરીક્ષણ તો એ છે કે  સરકાર અને તેના વકીલ એવું માની બેઠા છે કે ચીફ સેન્સર અધીકારીને જે હુકમ પાડવા હોય તે બહાર પાડે અને નાગરીકોને તેની સામે બચાવ માટે કોઇ ઉપાય જ બાકી રહ્યો નથી. આ દલીલ જ અમાન્યછે. ટકી શકે તેમ નથી તેમજ પહેલે તબક્કે જ ખારીજ થવાને પાત્ર છે.( This argument is thoroughly misconceived and totally unsustainable. It deserves to be ex- facie rejected.)

 

 

વધુ આવતી કાલે ૪–૮– ૨૦૧૬.

અરૂણ જેટલી , નાણાંમત્રી ભારત સરકાર.એ કહ્યું હતું કે––ખાસ કરીને સુપ્રીમ કોર્ટ ઓફ ઇંડીયા, અમોને બંધારણીય રીતે મળેલા અમારા રાજ્ય કરવાના અધીકારમાં અમારા નીર્ણયો વીરૂધ્ધ ચુકાદા આપીને દખલગીરી કરે છે.––

 વડાપ્રધાન મોદીએ સત્તા ગ્રહણ કરતાંની સાથે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોની નીમણકમાં જે ' કોલિજીયમ કમીટી' અંગે વટહુકમ બહાર પાડીને ન્યાયતંત્રને પોતાની એડી નીચે લાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તેને સુપ્રીમ કોર્ટે રદ બાતલ કર્યો હતો.

હમણાં જ સમાચાર મળે છે કે ગુજરાત સરકારે અનામતની ટકાવારી ૪૯ ટકા થઇ ગઇ હતી તે બરાબર જાણતી હોવા છતાં બંધારણના નીયમ વીરૂધ્ધ ટકાવારી વધારી. જેને નામદાર ગુજરાત હાઇકોર્ટે આજે જ ખારીજ કરી નાંખી છે. તેવીજ સ્થીતી હરીયાણાની ભાજપની સરકારની અનામતના મુદ્દે થઇ. ત્યાંપણ હરીયાણાની હોઇકોર્ટે અનામતનો વધારેલો ક્વોટા રદ બાતલ કરેલ છે.

ઉપરની હકીકતો ઇંદીરા ગાંધીએ કટોકટી દરમ્યાન જે એકહથ્થુ, અબાધીત અને કાયદાની પરવા રાખ્યા વગરની સત્તા ભોગવવાની ખ્વાઇશો રાખી હતી, તેવી દાનત દરેક રાજ્ય કરનારાઓની એક સરખી જ હોય છે તે જણાવવા અમે ઉપરનાં બે અવતરણો સામેલ કર્યા છે.

આની સામે શ્રી દરૂ સાહેબે તે જમાનામાં જે રજુઆત કરી હતી તે આ મુજબ છે.'( The exercise of government authority directly affecting individual interests must rest on legitimate foundations. ....... The supreme court has observed that all executive actions ' સરકારના તમામનીર્ણયો' which operates to the prejudice of any individual must have the authority of law.)  ટુંકમાં સરકારના નીર્ણયો કાયદાકીય મુલ્યાંકન ઉપર નથી.આ મુદ્દા પર શ્રી દરૂ સાહેબે ગુજરાત હાઇકોર્ટને ઇગ્લેંડના કોમન લો થી શરૂ કરીને દેશની સર્વૌચ્ચ અદાલતના ઘણા બધા ચુકાદાઓની નોંધ લેવા લેખીત પુરાવા રજુ કર્યા હતા. તેવા અગત્યના પુરાવાઓ ટુંકમાં જોઇએ.

દેશની સરકાર ચલાવનાર તંત્ર લોકશાહી સ્વરૂપનું હોય કે બીનલોકશાહી પણ એ યાદ રાખવું જરૂરી છે કે કુદરતી રીતે જ દરેક નાગરીકને જન્મની સાથે જ બોલવાનો, સાંભળવાનો, અને પોતાની જાતને એકબીજા સાથે અભીવ્યકત કરવાનો અધીકાર મળેલ છે. તમે કોઇ સમાજ બહેરો–મુગો હોઇ શકે તેની કલ્પના કરી શકો ખરા! બંધારણ કે મુળભુત કાયદો આ કુદરતી અધીકારોનું સંરક્ષણ, બાહેધરી અને તેની કાયદાકીય ઓળખ આપી શકે. 

તા. ૫મી ઓગસ્ટ ૨૦૧૬.

" સેન્સેરશીપ નીયંત્રણના હુકમ નીચે સેન્સરઅધીકારીની નીમણુક હોસ્પીટલમાં દર્દીની સેવા કરનાર નર્સ જેવી હોવી જોઇએ. સેન્સર અધીકારીએ તેના કાર્યોથી લોકશાહી વ્યવસ્થાની માવજત અને સંવર્ધન કરવાનું છે. લોકશાહીની કબર ખોદવા સેન્સર અધીકારીની નીમણુક કરવામાં આવતી નથી." શ્રી સી. ટી. દરૂ.

નામાંકીત ન્યાયવીદ્ લોર્ડ એ. સી. ડાયસી (૧૮૩૫–૧૯૨૨)એ કાયદાના શાસન ( રૂલ ઓફ લો)ના બે લક્ષણો જણાવ્યા છે. એક સરકારના સ્વેચ્છાચારી(આર્બિટ્રરિનેસ) સત્તા સામે સામાન્ય કાયદાની સર્વોપરીતા. બીજુ,સરકારના સ્વેચ્છાચાર કે વીશીષ્ટ(પ્રીરૉગેટીવ) અધીકારની જ બાદબાકી કે બહીષ્કૃતતા. નીશ્ચીતતા

(ઇન્ફેલીબીલીટી)અને લોકશાહી ક્યારે સાથે જતા નથી. નીશ્ચીતતા અને સરમુખત્યારશાહી જ સાથે જાય છે. તે લોકોને સત્તા ટકાવી રાખવા પ્રેસ સેન્સરશીપ અને માનવ અધીકારો પર નીયંત્રણ જોઇએ છીએ.

જ્હોન સ્ટુઅર્ટ મીલ (૧૮૦૬–૧૮૭૩) ' ઓન લીબર્ટી' નામના નીબંધમાં' સત્તા અને સ્વતંત્રતા' વચ્ચેના સંઘર્ષમાં લખે છે કે,સરકારની આપખુદશાહી પ્રજાના સ્વતંત્ર અધીકારોથી નીયંત્રણમાં રહેવી જોઇએ. તથા રાજ્યના ત્રણ અંગોની સત્તાઓ, કારોબારી (સરકાર),સંસદના બંને ગૃહો અને ન્યાયતંત્ર, તે બધા એકબીજાના પરસ્પર નીયંત્રણ(ચેક્સ એન્ડ બેલેંસીસ) માં રહેવા જોઇએ. કારણકે આ પ્રજાસત્તાક રાજ્ય છે. કોઇ એક વ્યક્તી કે પક્ષનું પણ રાજ્ય નથી.પ્રજાસત્તાક રાજ્યમાં પ્રજાની પોતાના ઉપરની આપખુદશાહી કેવી રીતે હોઇ શકે! લોકશાહીમાં સત્તાની ધુરા સંભાળનારા કાયમ માટે એક જ લોકો કે પક્ષ હોતો નથી. બીજું કે બહુમતીની આપખુદશાહી (ટીરેની ઓફ મેજોરીટી)થી લઘુમતીઓ પર દમન ન થાય. લઘુમતીઓને પોતાના હક્કો પ્રમાણે જીવન જીવવાનો પુરો અધીકાર સુરક્ષીત રહેવો જોઇએ.

In Mill's view, tyranny of the majority is worse than tyranny of government because it is not limited to a political function. જે . એસ. મીલના મત પ્રમાણે બહુમતીનો લઘુમતીઓ પરનો જુલ્મ સરકારી જુલ્મ કરતાં વધારે ખતરનાક હોય છે.( દા;ત ગુજરાતના ૨૦૦૨ના મુસ્લીમ વીરોધી કોમી તોફાનો, થાનગઢ અને તાજેતરનો ઉનાનો દલીતોપરનો અત્યાચાર). દેશની જુલ્મી સરકાર સામે કાયદાકીય સંરક્ષણ મેળવવું શક્ય છે.પણ સમાજમાં પ્રવર્તમાન પુર્વગ્રહો, રીવાજો,માન્યતાઓ અને લાગણીઓના જુલ્મોથી બચવું ઘણું મુશ્કેલ છે. કારણકે સમાજમાં પ્રવર્તમાન અભીપ્રાયોથી સમાજમાં નાગરીક તરીકે જીવન જીવતા લોકોની અરસપરસના વ્યવહારો નક્કી થાય છે. તે સામાજીક સંબંધોનો પાયો છે. કાયદાની એ મજબુરી છે કે તે સમાજમાં પ્રવર્તમાન બહુમતીના જુલ્મ સામે પોતાનું કાયદાકીય કવચ પુરુ પાડી શકતો નથી.મીલનું મંતવ્ય છે કે રાજ્યમાં બહુમતી મત હંમેશા સાચો હોય એવું નથી હોતું. સમગ્ર સમાજના મત સામે, એક માણસને પોતાના મત પ્રમાણે જીવવાનો અને જાહેર કરવાનો પણ અધીકાર છે. શરત એટલી જ હોઇ શકે તેના મત કે કાર્યથી બીજાને હાની થવી ન જોઇએ.પરંતુ વ્યક્તી પોતે પોતાના શરીર અને મનનો સાર્વભૌમ–પુર્ણ સત્તાધીશ છે.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

તા. ૬ ઓગસ્ટ–૨૦૧૬.

 કોઇપણ સમાજમાં પ્રસારણના માધ્યમો ફક્ત માહીતી પહોંચાડનાર સાધનો નથી. સાથે સાથે તે પ્રજામત કેળવનાર સૌથી અસરકારક માધ્યમો છે. સાચી લોકશાહી ત્યારેજ ધબકતી રહે જ્યારે  એક બીજાની સામે વૈચારીક રીતે હરીફાઇમાં હોય તેવી આર્થીક,રાજકીય અને સામાજીક વીચારસરણીઓની મુક્તરીતે રજુઆત થતી રહે અને પ્રસાર માધ્યમો તેની બૌધ્ધીક રીતે સાફસુફી(ક્લીયરીંગ હાઉસ) કરતા રહે. જે દીવસે આવી મુક્ત રીતે બૌધ્ધીક સાફસફાઇ, રાજ્ય કર્તાઓના નીર્ણયથી બંધ થઇ જશે તે દીવસે લોકશાહીનો પણ મૃત્યુ ઘંટ વાગી જશે. ....રાજ્યકર્તાના કદાચ ભયથી માહીતી–પ્રસારણના માધ્યમો પર નીયંત્રણ લાવી શકે પણ  સમાજમા પ્રવર્તમાન લોકશાહીના ચારીત્ર્યને તો બંધીયાર બનાવી શકે નહી.

મુક્ત પ્રેસ અને વીચારભેદ કે મતભેદ રજુકરવાનો અધીકાર ( રાઇટઓફ ડીસેંટ), આ બંને તો જીવંત સમાજની ધબકતી નસો છે. જેની અંદરથી લોકશાહીના લોહીનો પ્રવાહ સતત વહેતો રહે છે. તે પ્રવાહને ગુંગળાવી દેવો એટલે લોકશાહી જીવનપધ્ધતીનું ગળુ દબાવી દેવું! જ્યારે રાજ્ય સરકાર આવા નીયંત્રણો નાંખવાનું નક્કી કરે ત્યારે લોકશાહી જીવન વ્યવસ્થાની મુળભુત, પાયાની જરૂરીયાતો અને રાજ્ય સંચાલન માટે અનીવાર્ય પણ શાંતીમય નીયમન કરવાની સત્તા, બંને વચ્ચે સ્પષ્ટ મર્યાદા રેખા દોરી લેવાની જરૂર છે. લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં આવી મર્યાદા રેખા દોરવાનું કામ ન્યાયતંત્રનું છે. જે સરકારી તંત્ર અને કાયદા ઘડનારી લોકસભા કે વીધાનસભાને કહી શકે કે ' તમારા માટે આ નીયંત્રણ રેખા છે જેનાથી તમે આગળ નહી વધી શકો ( ધસ ફાર એન્ડ નો મોર).

જે. એસ. મીલ વીચારભેદ કે મતભેદ રજુકરવાના અધીકારને આ પ્રમાણેનું મહત્વ આપે છે. " એક બાજુ સમગ્ર માનવજાતનો અભીપ્રાય હોય અને તેની સામે ફક્ત એક માણસનો જુદો અભીપ્રાય હોય તો પણ સમગ્ર માનવજાતને પેલા જુદામતવાળાને દબાવી દેવાનો કોઇ અધીકાર ન હોઇ શકે."

( A free & enlightened thought never dies even though its  author may be crucified.) સ્વતંત્ર અને પ્રબુધ્ધ વીચાર કયારે મૃત્યુ પામતો નથી ભલે તેના લેખકને  રીબાવી રીબાવીને કે તેના શરીર પર જુલ્મ કરીને મારી નાંખવામાં આવે. સોક્રેટીસને ઝેર આપીને મારી નાંખવામાં આવ્યો હતો. પણ તેનું તત્વજ્ઞાન આકાશના સુર્યની માફક પ્રકાશીત થઇને સમગ્ર વીશ્વના બૌધ્ધીક જગતને માર્ગદર્શન આપતું રહ્યું છે.

સામાજીક અસહીષ્તા કોઇને  મારી શકતી નથી. કોઇના મત કે અભીપ્રાયનાં મુળીયાં ઉખાડી શકતી નથી. પણ આવા માણસોને ભુગર્ભમાં જીવવા મજબુર કરે છે. જેથી તે બધા મુક્ત વીચાર કરવાના ગુનામાંથી પોતાની જાતને સુરક્ષીત રાખી શકે.

પ્રો. હેરોલ્ડ લાસ્કીએ પોતાની ચોપડી " લીબર્ટી ઇન ધી મોર્ડન સ્ટેટ " માં અભીવ્યક્તીના સ્વાતંત્ર પર લખ્યું છે કે ' માણસ રાજ્ય સામે સ્વતંત્ર રીતે પોતાનો અભીપ્રાય આપવાને સક્ષમ હોવો જોઇએ. અભીવ્યક્તીનું હાર્દ છે બોલવાનો, તેને પ્રકાશન કરવાનો અને બીજાઓને સહકારથી તે અભીવ્યક્તીને કાર્યમાં રૂપાંતર કરવાનો અધીકાર છે. જો તેને બહેરો, મુંગો અને નીષ્ક્રીય બનાવી દેવામાં આવશે તો તે આખરે માનવ જ મટી જશે..... કોઇપણ નવું સત્ય હંમેશા ખુબજ ઓછી લઘુમતી પાસે જ હોય છે. તે સત્ય આખા સમાજની સમજ બને તે પહેલાં એ એકલદોકલ વ્યક્તી કે લઘુજુથની જ સમજ હોય છે.

તા.૭મી ઓગસ્ટ ૨૦૧૬.

રાષ્ટ્રપીતા મહાત્મા ગાધીજીના 'નાગરીક સ્વાતંત્ર્ય' ( સીવીલ લીબર્ટીઝ) ઉપરના વીચારો નીચે મુજબ હતા.

કોઇપણ ચળવળની સફળતા માટેની પુર્વ કે અનીવાર્ય શરત એ છે કે ' આપણે અભીવ્યક્તીના સ્વાતંત્ર્ય માટે મહત્તમ સ્વતંત્રતા આપવી.' વાણી સ્વાતંત્ર્યના અધીકાર નો અર્થ જ છે તે બીનવીવાદસ્પદ કે અવીવાધ્ય છે. ભલે તે અધીકારના ઉપયોગથી કોઇની લાગણી કે માન્યતાઓને ઠેસ કેમ લાગતી ન  હોય?અખબારી આઝાદીનો અર્થ એ કે રાજ્યસત્તાના નીર્ણયોની બને તેટલી તીવ્રતાથી, સહેજ પણ સેહશરમ રાખ્યા વીના ટીકા કરવી.વૈચારીક મંડળી કે જુથને  ક્રાંતીકારી યોજનોની ચર્ચા કરવાનો અબાધીત અધીકાર છે. રાજ્યને યોગ્ય લાગેતો તેની સામે પોલીસ કે નાગરીક તંત્ર દ્રારા કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. તેમાં લશ્કરનો ઉપયોગ કરવાની જરૂરત નથી.

લોકશાહી જીવન પધ્ધતીની ઉત્ક્રાંતી શક્ય જ નથી જો આપણે સામા પક્ષની વાત સાંભળવા તૈયાર જ ન હોયતો! જો આપણે બીજાની વાત સાંભળવા બીલકુલ નાજ પાડીએ તો તેનો અર્થ એ થાય જ કે આપણે આપણી તર્કબધ્ધ રીતે વીચાર કરવાના મુળભુત વૃત્તીના બારણા જ બંધ કરી દઇએ છીએ. આ ટેવ આપણને અન્યના આપણાથી જુદા અભીપ્રાયો સાંભળવા અસહીષ્ણુ બનાવી દે છે. તેમાં આપણે સત્યને જ ગુમાવી દઇએ છીએ. આપણી પાસે રહેલા સત્યને ખુલ્લા મનથી શક્તી મળે છે. કારણકે આપણે સાચુ શું છે અને ખોટું શું છે તે જાણવા માટેનો આપણા મનનો માર્ગ ખુલ્લો રાખેલો છે. કદાચ આપણા મનના કોઇ ખુણામાં કોઇ અશુધ્ધ કચરો ભરાઇ ગયો હોય તો તે બહાર નીકળી જાય છે.

બહુમતીના નીર્ણયોને શરણે જવું તે તો એક જાતની ગુલામી છે. લોકશાહીમાં લોકોએ ઘેટાની માફક વર્તવાનું નથી. લોકશાહીમાં વ્યક્તીગત અભીવ્યક્તીની સ્વતંત્રતા એટલી મહામુલ્ય ચીજ છે કે તેને કીંમતી રત્નની માફક સતત જાળવવાની જરૂર છે. તેથી મારો સ્પષ્ટ અભીપ્રાય છે કે લઘુમતીએ ચોક્કસ રીતે બહુમતીની વીરૂધ્ધમાં જ વર્તવું જોઇએ.

હીંસા અને લોકશાહી ક્યારેય સાથે જઇ શકે નહી. જયારે સ્વાધીનતા અને લોકશાહીના હાથ નીર્દોષ માણસોના લોહીથી ખરડાયેલા હોય છે ત્યારે તે અપવીત્ર બને છે. રાજ્ય પોતે ઇચ્છે છે કે લોકો પાસે મુક્ત રીતે પ્રકાશીત થયેલ સમાચાર પહોંચે તો પછી આવા સમાચારોના પ્રકાશનથી જાહેર શાંતી અને જાહેર વ્યવસ્થા કેવી રીતે ખોરવાવાની છે?

તા ૮મી ઓગસ્ટ ૨૦૧૬.

એડવોકેટ શ્રી દરૂ સાહેબે પોતાની દલીલો ચાલુ રાખીને વધુમાં જણાવ્યું કે–

શું લોકોને એક પ્રજાસત્તાક દેશના નાગરીક તરીકે સરકરની નીતીઓ અને તેણે લીધેલ નીર્ણયો જાણવાનો અધીકાર છે કે નહી? શું લોકોને આવતી બીજી સામાન્ય ચુંટણીમાં વર્તમાન સરકારે લીધેલા નીર્ણયો અંગે તરફેણમાં કે વીરોધમાં પોતાના વીચારો રજુ કરવાનો અને તે પ્રમાણે મત આપવાનો અધીકાર છે કે નહીં? જો તે અધીકાર હોયતો  સરકારે મીસા હેઠળ શું કર્યુ છે, તે તટસ્થ રીતે પ્રેસસેન્સરશીપ નીચે લોકો કેવી રીતે જાણવાના હતા? જો સરકારના નીર્ણયો અન્યાયી, કઠોર અને કડક હોય તો લોકશાહીમાં તે નીર્ણયોનું મુલ્યાંકન કરીને આવા બીનલોકશાહી નીર્ણયો લેનાર રાજકીય પક્ષને આગામી ચુંટણીમાં ફગાવી દેવાનો અધીકાર પણ લોકોને છે. અમારા મત પ્રમાણે પ્રી– સેન્સરશીપ કાયદો બીનઆવકારદાયક, લોકશાહીના વીકસતા પોત માટે બીનતંદુરસ્ત અને લોકશાહીનું ગળુ રૂંધનાર અને ડબાવનાર છે. તે લોકશાહીને ગળે ટુંપો દેનાર છે.

તેવીજ રીતે, સુધારણાલક્ષી, કેળવણીઆપનાર કે કદરદાન મુલ્યાંકનોને કેવી રીતે સાબીત કરીશું કે તેનાથી હીંસા ફાટી નીકળશે અને રાજયની જાહેરશાંતીમાં જોખમાશે? ઉપર જણાવેલા ગુણોથી તો પ્રજામત કેળવાશે. સરકારને પણ તેમાંથી માર્ગદર્શન મળે તેમ છે. લોકશાહીમાં આવી સરકારની ટીકાઓ સારા પરીણામ ઉપજાવી શકે તેમ છે. આવા સરકારના રચનાત્મક આલોચનો તો લોકશાહીની પાઇપ લાઇન છે. જેમાંથી તેનો પ્રવાહ સતત વહેતો રહે છે.  આવા સમાજના તંદુરસ્ત પ્રવાહોને ગુંગળાવાય જ નહી.

તે એક વૈશ્વીક સત્ય છે કે " અહર્નીશ જાગરૂકતા એજ લોકશાહીની ખરી કીંમત છે." આ સત્ય સત્તા પક્ષ તેમજ વીરોધ પક્ષને સપ્રમાણ લાગુ પડે છે. સત્તાપક્ષની ફરજ છે કે વીરોધીદળોની રાષ્ટ્રવીરોધી કે જાહેર શાંતીને જોખમમાં મુકાય તેવી પ્રવૃતીઓ બીલકુલ ચાલવા ન દેવી. સાથે સાથે વીરોધ પક્ષે પણ એ જાગરૂકતા રાખવાની જરૂર છે કે  સત્તાપક્ષ આંતરીક અંધાધુધી કે બાહ્ય આક્રમણનો ખોટો ભય બતાવીને ગેરકાયદેસર સત્તા છીનવી લઇને સરમુખત્યાર ન બની જાય. ઉપર મુજબનાં ખોટા બાનાં બતાવીને સ્વતંત્રતા અને લોકશાહીને ભસ્મીભુત ન કરી દે!

દેશની સુપ્રીમ કોર્ટનું આ મુદ્દે તારણ હતું કે ' લોકશાહીપ્રથા એ તો વીચાર કરવાની પ્રક્રીયાનું મુક્ત બજાર છે જેમાં સ્પષ્ટ અને અસ્પષ્ટ વીચારોને મુક્તપણે સહેલાઇથી રજુ કરી શકાય છે.' (ધી ડેમોક્રેસી ઇઝ એ ફ્રી માર્કેટ ઓફ થોટ્સ એન્ડ હેઝ એ ફ્રી ટ્રેડ ઓફ આઇડીયાસ) આ રાજયવ્યવસ્થામાં તેના દરેક નાગરીકને પોતાની સક્ષમતા પ્રમાણેના વ્યક્તીત્વ માટે સંપુર્ણ વીકાસની તકો પુરી પાડવામાં આવે છે. જો તેને આવી વીકાસની તકો પુરી પાડવામાં ન આવે તો તે સમાજના વીકાસ માટેનો પોતાનો મહત્તમ ફાળો આપી ન શકે. તે આ રીતે સમાજ પ્રત્યેનું તેનું રૂણ અદા ન કરી શકે.

સરકાર, પ્રજાના હીતને જોખમમાં મુકે તેવા રીપોર્ટ કે સમાચારો માટે પ્રી સેન્સરશીપ કાયદો કરે, પણ શૈક્ષણીક,રચનાત્મક કે હકારાત્મક માહીતીઓ પર તેના પ્રકાશન પહેલાં પુર્વનીયમન મુકે તે કેટલું ન્યાયી ગણાય? લોકશાહીમાં કોઇપણ વીચારોનું 'મુલ્યાંકન સીવાય' મનમાં ઠસાવી દેવું ખુબજ અભીશાપ છે.( ધેર ઇઝ નો ગ્રેટર કર્સ ફોર એ ડેમોક્રેસી ધેન ઇનડોક્ટ્રીનેશન). લોકશાહીમાં લોકોને કટોકટીની જાહેરાત, મીસા હેઠળ લેવામાં આવેલાં પગલાં( એક્શન) અને રાષ્ટ્રપ્રમખના હુકમથી મુલતવી રાખવામાં આવેલ મુળભુત અધીકારોની ન્યાયીકતા અંગે જાણવાનો પુરો અધીકાર છે.પ્રજાને એક બીજાના હરીફ, વીરોધી કે સામાસામા વીચારોની ગુણવત્તા કે ખરાખરી જાણવાની તકો સરકાર ઝુંટવી લઇ શકે નહી.... આ પ્રક્રીયાને નાશ કરવો એટલે લોકશાહી ખુદનો નાશ કરવો. તેનો સાદો અર્થ એટલો જ થાય કે હવે આપણું રાજય લોકશાહી સત્તા પ્રથાને બદલે સરમુખત્ય્રારશાહી કે એકહથ્થુ સત્તાપ્રથામાં પ્રવેશ કરે છે.

તા.૯મી ઓગસ્ટનો લેખ.

"Revolution is not a dinner party, nor an essay, nor a painting, nor a piece of embroidery; it cannot be so refined, so leisurely and gentle, so temperate, kind, courteous, restrained and magnanimous.

A revolution is an insurrection, an act of violence by which one class overthrows another."

— Mao, February 1927.

રાજકીય ક્રાંતી એ કોઇ ડીનર પાર્ટી નથી, નથી તે કોઇ નીબંધ કે મનને ગમે તેવું ચીત્ર કે આભુષણ. તે કોઇ સાંસ્કૃતીક પ્રવૃતી પણ નથી, જેમાં આનંદપ્રમોદ હોય, ભલમનસાઇ હોય કે પછી વીનય–વીવેક આધારીત પ્રવૃત્તી હોય, તે કોઇ નીયંત્રીત, ઉદાર કે પરમાર્થ માટેની પ્રવૃતી નથી. ક્રાંતી એ એક સશસ્ર બળવો છે, તે એક હીંસક ક્રીયા છે જેમાં એક વર્ગ બીજા વર્ગના આધીપત્યને ફગાવી દેછે.–– ચેરમેન માઓત્સે તુંગ સને ૧૯૨૭.

"When the enemy advances, we retreat. When the enemy rests, we harass him,
When
 the enemy avoids a battle, we attack. When the enemy retreats, we advance."

Mao's advice in combating the Kuomintang, 1928

 

જયારે ક્રાંતીનો દુશ્મન આગેકુચ કરે છે ત્યારે ક્રાંતીનાવાહકો ગણતરીપુર્વકની પીછે હઠ કરે છે. જયારે દુશ્મનો આરામ કરે છે ત્યારે ક્રાંતીકારોઓ હુમલો કરે છે. જયારે દુશ્મન યુધ્ધથી બચવા શાંતી ઇચ્છે છે ત્યારે આપણે તેમના પર હુમલો કરવાનો છે. જયારે દુશ્મન પીછેહઠ કરે છે ત્યારે આપણે તેમના પર હુમલો કરવાનો છે.––

 માઓએ પોતાના ક્રાંતીકારીઓને સને ૧૯૨૮માં ચીનના સત્તાધીન રાષ્ટ્રવાદી લોકપક્ષની સામે યુધ્ધ કરવા પોતાની વ્યુહરચના સમજાવી હતી.

શ્રી દરૂ સાહેબે પોતાની દલીલો આગળ કરતાં નામદાર કોર્ટને જણાવ્યું હતું કે આપણી જ હાઇકોર્ટનો, એક ગુજરાત લો રીપોર્ટરમાં નોંધાએલ ચુકાદો સને ૧૯૬૮નો અત્રે રજુ કરૂ છું. કોર્ટની ફુલબેંચમાં તે સમયના ચીફ જસ્ટીસ ભગવતી સાહેબે માઓત્સે તુંગના બે ઉપરના જેવા ફકરાઓ ( જે અમે ગગલ સર્ચમાંથી લીધા છે.)નો આધાર લઇને ચુકાદો આપ્યો હતો કે, આ બે ફકરાઓ માઓત્સે તુંગની ફીલોસોફીને બૌધ્ધીક અભ્યાસની દ્રષ્ટીએ સવીસ્તાર સમજાવવા પુસ્તકમાં લેવામાં આવ્યા હતા. આ ફકરાઓનો મારી મચેડીને એવો અર્થ ન કઢાય કે તેનો હેતુ રાજય સામે બળવો કરવાનો કે રાજદ્રોહ કરવાનો હતો. રાજદ્રોહ કરીને તે ફકરાઓની નીંદા કરવામાં આવે તો તેનો અર્થ એ થાય  રાજદ્રોહ એટલે જ્ઞાનના બારણા બંધ કરવા. અથવા તે ફીલોસોફીનો દેશનીકાલ (ઓસ્ટ્રેસાઇઝ) કરવો.

 કારણકે તે આપણી પ્રવર્તમાન પણ પ્રીય જીવન પધ્ધતી વીરૂધ્ધની ફીલોસોફી છે. જેનાથી દેશના લોકો ટેવાઇ ગયેલા નથી. દેશની વર્તમાન સત્તાધીન સરકારે કે ન્યાયધીશો જે કોર્ટમાં બીરાજમાન છે, તેઓએ નક્કી નથી કરવાનું કે લોકોએ પોતાનું જીવન જીવવા કઇ ફીલોસોફી  કે તત્વજ્ઞાન પસંદ કરવાનું છે. લોકોએ પોતે નક્કી કરવાનું છે કે પોતાના માટે સારુ શું છે? અને તે લોકો પ્રજા તરીકે શ્રેષ્ઠ નીર્ણય કરી શકે માટે વીચારોના પ્રવાહ બધીબાજુએથી લોકોને મળે, તે આ બધાની અનીવાર્ય પુર્વશરત છે. હા, એ હકીકત છે કે માઓત્સે તુંગની વીચારસરણી આપણા રૂઢીચુસ્ત સમાજના રીતીરીવાજો અને ધાર્મીક ખ્યાલોથી જુદી છે. તે વીચારસરણી દેશની આત્મસંતોષી(કમ્પ્લેસન્સી) મુઠ્ઠીભર લઘુમતીના હીતોને કદાચ ખલેલ પણ પહોંચાડે. હા, તે વીચારસરણીમાં આપણી ઉંડી જડ ઘાલીબેઠેલી માન્યતાઓ, પુર્વગ્રહો, પવીત્ર માન્યતાઓ અને પ્રસ્થાપીત સામાજીક, આર્થીક અને રાજકીય વીચારસરણીઓના મુળભુત સીધ્ધાતોને પાયામાંથી પડકારે છે. તેથી કરીને આ માઓવાદી વીચારસરણીથી આપણા જેવા દેશના લોકોએ ચીંતા કરવાની જરૂર નથી. કારણકે આપણો પૌરાણીક વારસો તો સત્યશોધકોનો છે. અને અવીરત સત્યની શોધ આપણને કયારેય નવા સત્યોને આવકારવા માટે આનાકાની કરે કરાવે નહી. જો આ સત્યો સ્વીકાર્ય હશે તો તે આપણા જીવનનો એક ભાગ બની જશે. દેશમાં વીચારોને મુક્ત રીતે અભીવ્યકત કરવાની સ્વતંત્રતા હોવી જોઇએ. માઓવાદી વીચારોને સાચા ગણી જેઓ સ્વીકારે છે, તે બધાનેપણ તેમની રીતે વીચારવાની સ્વતંત્રતા હોવી જોઇએ. ફક્ત જે આવા વીચારોને ધીક્કકારે છે, તેમના માટે આવા વીચારોનો પ્રચાર–પ્રસાર કરવાની સ્વતંત્રતા હોય, તેને કેવી રીતે ન્યાયી ગણી ચલાવી લેવાય? ખરેખર જુદા જુદા વીચારોના સંઘર્ષમાંથી જ સત્યો શોધાય છે. જેની ગવાહી ઇતીહાસ આપે છે. વીચારોના હરીફાઇવાળા બજારમાં જે વીચારોમાં સત્યનો આધાર હશે તે ટકી રહશે અને બાકીના વીચારો ઇતીહાસની કચરા પેટીમાં ગરકાવ થઇ જશે.

તા. ૧૩મી ઓગસ્ટ ૨૦૧૬.

સેન્સરશીપના સંભવીત પરીણામો–

સૌથી પ્રથમ તો તે બધાજ પ્રકારની માહીતીની ચેનલો બંધ કરી દે છે. માહીતી એ તો પ્રજાશીક્ષણનું સહેલાઇથી પ્રાપ્ત થતું સાધન છે. બીજુ જે વધારે જોખમકારક છે તે એ છે કે સરકાર જે માહીતી લોકોને પહોંચાડવા માંગતી હોય તેના સીવાયની બીજી કોઇ માહીતી પ્રજાને મળે જ નહી, તેવું માળખું સરકારી મશીનરી દ્રારા ગોઠવવામાં આવે છે. જે પક્ષ પાસે સરકારી સત્તા હોય તે પોતાની તરફેણ સીવાયના બધા ન્યુઝમાં કાપા કાપી કરી દે છે. સરકાર પોતાના દ્રારા પ્રજાને સત્ય જાણવાના બધા બારણાઓ સેન્સરશીપના હુકમની મદદથી બંધ કરી દે છે. તેનાથી સમાજમાં પેદા થતા રચનાત્મક અને શૈક્ષણીક વીચારોને પણ સેન્સરશીપના તંત્રની મદદથી દબાવી દેવામાં આવે છે. સત્તાપક્ષે અમલમાં મુકેલા કાર્યો અને નીતીઓનું મુલ્યાંકન કરવાની કીંમતી તકો જ પ્રજા પાસે થી સરકાર ઝુંટવી લે છે,જે સમાજમાં લોકશાહીપ્રથા ચાલુ રાખવા ખુબજ જરૂરી છે. લોકશાહી રાજ્યપ્રથામાં વીચારો અને કાર્યોની અવરજવર બે તરફી હોય છે. લોકો શું વીચારે છે તેની સત્તા પક્ષ દ્રારા ચાલતી સરકારને ખબર પડવી જોઇએ અને સરકાર કયા પગલાં શા માટે અને કોના હીતમાં અમલમાં મુકે છે તેની પણ લોકોને ખબર પડવી જોઇએ. સેન્સરશીપ દ્રારા આ માહીતીના આપ–લે ના સોત્રોને બંધ કરીને એક તરફી( વન વે, ફ્રોમ ગવર્નમેંટ ટુ પીપલ ઓનલી) બનાવી દેવામાં આવે છે. જો તમે જાહેર શીક્ષણ અને માહીતીના સરકારી સાધનો સીવાય બધાજ સાધનો પર પ્રી–સેન્સરશીપ મુકી દેશો તો તેનો અર્થ થશે કે સરકાર એક તરફી માહીતી આપીને પ્રજાનું  'બ્રેઇન વોશ' કરવા માંગે છે. સરકારને પોતાના વીચારો અને તે આધારીત કાર્યોનું કઠોર,અને સંગઠીત નીયંત્રણ કરીને લશ્કરી ઢબનો પ્રજા પાસે અમલ કરાવવો છે. પ્રજાલક્ષી કોઇપણ કાર્યક્રમની દેશ વ્યાપી જાહેર ચર્ચા (નેશનલ ડાયલોગ) થઇ જ ન શકે તેવું ભયજનક વાતાવરણ સેન્સરશીપના કાયદાની મદદથી ઉભું કરવું છે. જે લોકોએ આવી રીતે ઇતીહાસમાં રાજ્ય કરવાની કોશીશો કરી છે તે બધાએ પોતાના દેશમાં લોકશાહીનો ખાત્મો બોલાવીને  સરમુખત્યારશાહી દાખલ કરેલી હતી. કટોકટી, પ્રી–સેન્સરશીપ જેવા નુસખાનો અમલ કરવાથી સત્તાધીશોને એકહથ્થુસત્તા પ્રાપ્ત કરવાનો સરળ મોકો મળી જાય છે.

પુર્વગ્રહવાળો (પ્રેજ્યુડીસીઆલ રીપોર્ટ) રીપોર્ટ તેને કહેવાય કે જેનાથી સમાજની શાંતી જોખમાય! પણ જે રીપોર્ટમાં જાહેર સભામાં બે કટોકટી વીશે તથા નાગરીકોના મુળભુત અધીકારો ની મોકુફીની વાત કરી હોય તે રીપોર્ટને કેવીરીતે પુર્વગ્રહવાળો રીપોર્ટ ગણીને તેનાપર પ્રતીબંધ મુકાય? જ્યારે હજારો માણસોને કોઇપણ જાતના કારણો બતાવ્યા સીવાય જેલમાં મીસા હેઠળ પુરી દેવામાં આવે, તેના કારણો પણ બતાવવામાં ન આવે, તેવી સરકારની ટીકા કરવામાં આવે અને તે પણ દેશના ન્યાયયીક જગતના બેસ્ટ બ્રેઇનની હાજરીમાં, તો આવા રીપોર્ટને કેવી રીતે પુર્વગ્રહવાળો રીપોર્ટ ગણીને જપ્ત કરવામાં આવે? ખરેખર આવો શાંતીમય વીરોધ દેશના એક ભાગમાં થાય તેની ચીનગારી દેશના જુદા જુદા ભાગોમાં થાય તેને ક્યારેય અશાંતી ઉભી કરનારા રીપોર્ટ તરીકે ગણાય જ નહી. તાત્કાલીક પ્રજામતને કેળવવા માટે જે જાહેર સભાઓ ભરવામાં આવે અને લાંબેગાળે સત્તાધારી પક્ષને પોતાના પ્રજા વીરૂધ્ધના કૃત્યો માટે આગામી ચુંટણીમાં હરાવવા માટેની વાત થાય તેમાં દેશની શાંતીભંગ થાય છે તેમ કેવી રીતે કહેવાય? આવા પ્રકારનું લોકશીક્ષણ એ તો દરેક લોકશાહી રાજ્યપ્રથાની મુળભુત જરૂરીયાત છે. જે લોકશાહીમાં શાંતીમય વીરોધ ન થતો હોય અને સરકારની નીતીઓની ટીકા ન થતી હોય તે લોકશાહીને તો કબ્રસ્તાનની લોકશાહી કહેવાય.

આપણા રાષ્ટ્રનું શાસન કાયદા પ્રમાણે ચાલે છે. સત્તામાં બેસેલી વ્યક્તીઓની ઇચ્છા પ્રમાણે ચાલતું નથી. તે તો આપણા બંધારણનું મુળભુત તત્વજ્ઞાન છે. તેથી તો તે બંધારણનો મુળભુત પાયો ( એ પીલર ઓફ ધી બેઝીક સ્ટ્રક્ચર ઓફ અવર્ કોન્સ્ટીટયુશન) છે. આ તફાવત લોકશાહીમાં ખુબજ અગત્યનો છે. સરકાર ચલાવવા લોકો અને પક્ષો આવે અને જાય. તેથી સરકાર જતી નથી. તેથી જે લોકો વર્તમાન સરકારી શાસન ચલાવે છે તેની ટીકા, મુલ્યાકન અને તે માટે લોકશીક્ષણ કરી અને આ કાયદાનું શાસન છે તે ટકાવી રાખવાની વીરોધ પક્ષથી માંડીને મીડીયા વગેરેની પણ ફરજ છે. કાયદાથી અસ્તીત્વમાં આવેલી સરકાર અને તેને બહુમતીથી સંચાલન કરવા આવેલું વહીવટી માળખું બે વચ્ચે આ પાયાનો તફાવત છે તે સમજી લેવાની જરૂર છે. સત્તાપક્ષતો લોકોનો ચુંટાયેલો ફક્ત પ્રતીનીધી છે. જે પ્રજાવતી તેના નીયત કરેલા સમયકાળ દરમ્યાન રાજ્ય કરવા આવેલો છે. જો તેણે પ્રજાનો રાજ્ય કરવાનો વીશ્વાસ ગુમાવ્યો હોયતો તેનો શાંતીમય વીરોધ કરીને બંધારણીય માર્ગે સત્તા પરથી દુર કરવાનો ફક્ત પ્રજાનો અધીકાર નથી પણ તે આપણા સૌ ની બંધારણીય ફરજ થઇ પડે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


--