Thursday, August 25, 2016

“ દલીતો સામેના અત્યાચારના પ્રેરક બળો કયા કયા છે “ ?


ઓગસ્ટ ૨૦૧૬ માસનો તંત્રી લેખ.–

" દલીતો સામેના અત્યાચારના પ્રેરક બળો કયા કયા છે " ?

સોરાષ્ટ્રમાં મોટા સમઢીયાળા– ઉનામાં જે ઘટના ઘટી છે તેણે ઘણા બધા પ્રશ્નો પેદા કર્યા છે. પોલીસ, કાયદો અને રાજકીય પક્ષો દ્રારા જે રીતે પ્રશ્ન ઉકેલવાના પ્રયત્નો થઇ રહ્યા છે તેને આપણે ઉપરછલ્લી પ્રતીક્રીયા કહીશું( Cosmetic Surgery). સરળ ભાષામાં હીંદુસમાજના બની ગયેલા કદરૂપા દેખાવ કે ચહેરાને બદલવાની શસ્રક્રીયા તરીકે ઓળખીશું. તેની સામે સૌરાષ્ટ્ર– ગુજરાત વ્યાપી દલીત વીદ્રોહનું જે સ્વરૂપ છે તેમાં ત્રણ લક્ષણો આંખે ઉડીને દેખાય તેવાં છે.(૧) ઝેરી દવા પીને સ્વયં આત્મહત્યાના પ્રયત્નો અને (૨)હવે થી અમે 'આ કામ  કરીશું નહી.' (૩) સદીઓથી હીંદુ વર્ણ– વ્યવસ્થાએ સર્જન કરેલી અમાનવીય સ્થીતી સામેનો  સ્વંયભુ ગુજરાત વ્યાપી દલીત સમુહોનો ઠેર ઠેર વીદ્રોહ.

આ આખી ઘટનામાં મુળભુત પ્રશ્નો બે છે. એક આ વ્યવસાય ' મરેલા ઢોરનું ચામડું ઉતારવાનું અને તે મૃત પશુનું  માંસ પણ ખાવાનું જો બીજુ કોઇ આર્થીક ઉપાર્જનનું સાધન ન હોય તો!' આ વ્યવસાય કોણ કરે છે? શું તે વ્યવસાય આધુનીક છે? એટલે કે બજાર લક્ષી, મુડીરોકાણ– નફા પ્રેરીત,(માર્કેટ ઓરીએન્ટેડ) આધુનીક યંત્ર સામગ્રી અને વૈજ્ઞાનીક પધ્ધતીથી આ ધંધો કરવામાં આવે છે? ના. આ વ્યવસાય આધુનીક શહેરોમાં થાય છે? ના. તે દેશના ગામડાઓમાં થાય છે. કારણકે પશુઓ તેમના માલીકો સાથે શહેરોમાં રહેતા નથી. ગામડામાં આ વ્યવસાય કોણ કરે છે?

બીજુ, આ પ્રશ્ન દેશના શહેરો કરતાં ગામડાના આર્થીક– સામાજીક જીવન સાથે જોડાયેલો છે.  ભારતના ગામડાનું સામાજીક સ્વરૂપ કેવું છે? આપણને સૌને માહીતી છે કે ગામડાની સમાજવ્યવસ્થા હીંદુધર્મે બનાવેલી વર્ણવ્યવસ્થાનું સર્જન છે. જે જન્મ આધારીત છે. ગ્રામ્ય જીવનની બધીજ  આર્થીક, સામાજીક અને રાજકીય, શૈક્ષણીક, આરોગ્ય વી. ને લગતી તમામ પ્રવૃત્તીઓ, વર્ણવ્યવસ્થાએ પેદા કરેલા સામાજીક ઉંચનીચના ચોકઠામાં અપરીવર્તનશીલ રીતે ગુંથાઇ ગયેલ છે. ભારતમાં વર્ણ અને જ્ઞાતી વચ્ચે કોઇ ફેરફાર વ્યવસાયના વીભાજનની દ્રષ્ટીએ બીલકુલ નથી. ભલે ચારેય વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્ર ની ગણાતી હોય પણ તે બધા વર્ણોનું પેટા રૂપાંતર દરેક વર્ણની નીર્ધારીત જ્ઞાતી અને પેટા જ્ઞાતીઓમાં એવું હોય છે કે તેમાંય સામાજીક ઉંચનીચનો ભેદભાવ અને છુત– અછુત જન્મગત થઇ ગયા છે.

હવે જે દલીતો ઉપર મોટા સમઢીયાળા– ઉના ગામમાં અમાનુષી અત્યાચાર ગુજારાવામાં આવ્યો તે બધાની સામાજીક અને આર્થીક સ્થીતી કેવી હતી? તે બધા ગામમાં ક્યાં રહેતા હતા? ગામની બહાર છેવાડે! તેમના ઘરો ઇંટેરી, સીમેંટ ક્રોકીટ,ધાબા વાળા હતા? ના. પીવાના પાણી, બાથ–રૂમ, સંડાસની વી.ની સગવડો લેશ માત્ર નહી. માલીકીની જમીન નહી, ખેતી લાયક પ્રવૃત્તી નહી. તે બધાની શૈક્ષણીક લાયકાત શુન્ય. ઘરમાં સંગ્રહ કરેલ અનાજ કે જીવન જીવવા માટેની અન્ય જરૂરીયાતોની સવલતોની સંપુર્ણ ગેરહાજરી. અરે! જે ઘરોમાં અજવાળા માટે બારીઓ ન હોય અને બંધ કરવા બારણું પણ ન હોય તેને શું કહીશું આપણે? ટીવી, મોબાઇલ, લેપટોપ, ઇન્ટરનેટ આ  બધી કઇ બલાઓ છે. જો આમાંથી કશું પણ હોય તો ક્યાં મુકવાનુ? તેમની પાસે મીલકતમાં મરેલા ઢોર ચીરવાના માટેના એક કે બે લોંખડના ઓજારો જેની માલીકી  વ્યક્તીગત નહી પણ સામુહીક!  આવા ઓજારોની મદદથી જન્મદત્ત આ શરીર ટકાવી રાખવા કરવામાં આવતો પોતાનો શારીરીક શ્રમ. આવો વ્યવસાય જે વારસામાં પેઢી દર પેઢી મળ્યો તેણે ઉપર મુજબનું કેવું સામ્રાજય પેદા કર્યું?

આ લોકોએ કયો ગુનો કર્યો? ગુનો કરવા હથીયારો કયા વાપર્યા? ગામના કે બહારના કે પછી બંનેએ સંયુક્ત રીતે ભેગા થયેલા, ગૌભક્તોએ આક્ષેપ મુક્યો કે ' તમારા સમૃધ્ધ હથીયારોથી તમે અમારી ' ગો માતાને મારી નાંખી છે'. તેના માટેની સજા અમે નક્કી કરી દીધી છે. કઇ સજા આ ગૌ ભક્તોએ કરી તેનો વીડીઓ કોણે નથી જોયો?

હવે આપણા માટે સવાલ એ પેદા થાય છે કે બોલો કેવી રીતે આ પ્રશ્નને ઉકેલી શકાય તેમ છે? જે હીંદુ વર્ણવ્યવસ્થાએ દલીતો( સદીઓથી બનાવવામાં આવેલા વંચીત વેઠીયા) અને બીજા  આદીવાસી, બહેનો, શીક્ષીત અને અશીક્ષીતો બેરોજગારો અને શહેરોના વંચીતોની જે દશા કરી છે તેનો ઉપાય શું હોઇ શકે? હીંદુવર્ણવ્યવસ્થા અને દેશની કૃષી આધારીત સમાજ અને અર્થવ્યવસ્થાને કદાપી તુટી ન શકે તેવો સંબંધ છે.

(૧) આ વ્યવસ્થા સામે ઝેરી દવા પીને આપઘાત કરવાથી કયો પ્રશ્ન ઉકેલાશે? સાથે એ પણ પ્રશ્ન છે, કે ગુજરાતમાં આટલા બધા દલીત યુવાનો કેમ ઝેરી દવા પીને આપઘાત કરવા તૈયાર થયા છે? આપણે જોયું કે મોટા સમઢીયાળા– ઉના ગામમાં દલીતોની વસ્તી ફક્ત ૨૫ઘરોમાં સમાઇ જતી હતી. આવા ની:સહાય અને વંચીત લોકો કેવી રીતે પેલા સાધન સંપન્ન લોકો સામે ગામમાં રહીને બળવો કરી શકે? ગુજરાતમાં દલીત વસ્તી કુલવસ્તીના ૯ ટકા જેટલી છે. તેમાં પણ મોટાભાગની ગામડાની દલીત વસ્તી ખુબ જ છુટી છવાઇ અને અલ્પ સંખ્યામાં સંપુર્ણ અસંગઠીત. આ સ્થીતીમાં પેલા દલીત યુવાનોને (જે ઝેરી દવા પીને પોતાના જીવનનો અંત એટલા માટે લાવવા માંગતા હશે,) તેમને સારા જીવનની વર્તમાનમાં કે બળવો કર્યા પછી પણ કોઇ આશા નહી દેખાતી હોય. વીદ્રોહ કર્યા પછી જીવવાનું પોતાના ગામડામાં ક્યારેય શક્ય બનવાનું છે ખરૂ? પોતાના વીદ્રોહને શહેરી દલીતોનો સર્વપ્રકારનો સંગઠીત ટેકો મળવાનો છે ખરો? આ ચળવળમાં આવા કોઇ વીદ્રોહ માટેનું ક્રાંતીકારી માળખું  થોડુંક પણ આશાજનક દેખાય છે ખરૂ? તો પછી આ સંપુર્ણ નીરાશાજનક જીવન ચાલુ રાખવાનો શો અર્થ છે?

(૨) હવે અમે આ કામ કરીશું નહી? આ જવાબમાં વધારે લાગણી છે કે પ્રતીબધ્ધતા તે સમય જ નક્કી કરશે. કારણકે તેમાં સંઘર્ષ છે અને સાથે સાથે વૈકલ્પીક આવકના સાધનો આટલા મોટા સમુહ માટે શોધવાના છે.

(૩)કૃષી અર્થવ્યવસ્થા અને હીંદુ ધર્મ અધીકૃત વર્ણવ્યવસ્થા બંને એક બીજાના પર્યાયો થઇ ગયા છે. એક સીવાય બીજાનું અસ્તીત્વ જ અશક્ય છે. દલીત અને સાથે કોઇપણ પ્રકારની જ્ઞાતી આધારીત સામાજીક ભેદભાવવાળી વ્યવસ્થાનું ઉન્મુલન ઔધ્યોગીકરણ અને ડીજીટલ–ઇન્ફર્મેશન ટેકનોલોજીના ઝડપી અમલ સીવાય શક્ય નથી.કારણકે તેના માટે શહેરીકરણ અનીવાર્ય છે, બધાજ ધર્મો આધારીત કૃષી સંસ્કૃતીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવાના પરીબળો ઔધ્યોગીક અને માહીતી યુગવાળી સંસ્કૃતીઓમાં છે.ગામડામાંથી મોટાપાયે વસ્તીનું સ્થળાંતર બીજી કોઇ રીતે શક્ય નથી. વીજ્ઞાન–ટેકનોલોજી સીવાયની કોઇપણ વીકેન્દ્રીત  આર્થીક અને સામાજીક વ્યવસ્થાથી હીંદુધર્મે પુરસ્કૃત કરેલી વર્ણ– જ્ઞાતી વ્યવસ્થા બીજા કોઇ પરીબળોથી તુટે તેમ છે જ નહી. તેમાં નાના મોટાસુધારાના થીગડા મારવાથી જેવાકે સવર્ણો કે ઉચ્ચજ્ઞાતીઓનું હ્રદયપરીવર્તન (ગાંધીયન ખ્યાલ)થી કોઇ ફેરફાર થઇ શકે તેમ નથી.

દરેક  જીવન સંસ્કૃતી  પોતાના સભ્યોને ટકાવવા માટે સામાજીક,ધાર્મીક, નૈતીક, આર્થીક અને રાજકીય સંસ્થાકીય માળખાઓની રચના કરે છે. તેની સામે નવી સંસ્કૃતી તેને અનુરૂપ નવા માળખાનું સર્જન કરવાની મથામણ  કરે છે. માનવ સમાજ એક સંસ્કૃતી તરફથી બીજી સંસ્કૃતી તરફ પ્રયાણ સરળ રીતે કરતો જ નથી. જુની સ્થાપીત સંસ્કૃતીનું હીત નવી સંસ્કૃતીએ પેદા કરી રહેલ નવા સામાજીક, આર્થીક, ધાર્મીક, રાજકીય, કૌટુંબીક માળખામાં સલામતજ નહી બલ્કે સંપુર્ણ વીરોધી હોવાથી તે નવા ફેરફારોને સ્વીકારવાની નથી. બંને વચ્ચેનો સંઘર્ષ અનીવાર્ય છે. જુની સંસ્કૃતીના ટેકેદારો નહી પણ ઠેકેદારો, નવી સંસ્કૃતીના ધસમસતા પરીવર્તનના પ્રવાહો સામે ક્યાંસુધી  પોતાના હીતો ટકાવી રાખવાની જીવાદોરી લંબાવી શકે તેમ છે તે પર તે બધાનું ભાવી નક્કી થશે.

      આપણો, માનવવાદી, રેશનાલીસ્ટ અને નાગરીક સમાજના ( હીંદુ સમાજનાનહી) ધર્મનીરપેક્ષ ટેકેદારો તરીકે ફક્ત નૈતીક જ નહી પણ સર્વપ્રકારનો સક્રીય અભીગમ નવા પરીવર્તનના પ્રવાહોને સંપુર્ણ રીતે મદદકર્તા જ હોય. એટલું જ નહી પણ દલીત સંઘર્ષની માફક જુની કોઇપણ ધર્મઆધારીત વ્યવસ્થાની સામે જે કોઇ આધુનીક પરીબળો સંગઠીત થતા હોય તેમાં આપણી ભાગીદારી જ હોય. યુરોપને, જુની ખ્રીસ્તી–પોપ– પાદરી– બાયબલવાળી સંસ્કૃતીમાંથી (અમાપ માનવ લોહીયાળ બલીદાનો પછી) બહાર નીકળતાં ત્રણસો વર્ષ ઉપરનો સમય લાગેલો છે. હીંદુધર્મની વર્ણવ્યસ્થાના માળખાવાળી ગીતા–રામાયણ, મહાભારત અને ખાસકરીને મનુસ્મૃતીવાળી આશરે પાંચહજાર વર્ષ જુની સંસ્કૃતીમાંથી અને ઇસ્લામની શીયા –સુન્ની વચ્ચે સંઘર્ષ કરાવી કુરાન–શરીયતને આધારે અસ્તીવમાં આવેલી મુસ્લીમ સંસ્કૃતીને જે એકહજાર ચારસો વર્ષ જુની છે, બંને સંસ્કૃતીઓને માનવ સંસ્કૃતી બનતાં કેટલો સમય લાગશે તેનો આધાર આ બધા દેશોમાં ઉભરી રહેલા આધુનીકતાના પરીબળોની ઝડપ અને સફળતા પર આધારીત છે.આ બધી ધર્મઆધારીત સંસ્કૃતીઓ સામે સમાજમાં માનવ તરફી પરીવર્તનો લાવવા તે સરળ કામ નથી. આવા પરીવર્તનોની ઝડપ ધીમી હોય છે. પણ પરીવર્તનના જુના–નવા મશાલચીઓ પોતાની લડતમાં કયારેય પાછા પડતા નથી. કારણકે જ્ઞાન આધારીત સત્ય કે ' માણસ માત્ર જૈવીક ઉત્ક્રાંતીનું સર્જન છે. દૈવી કે ઇશ્વરી સર્જન  નથી. માટે દરેક માનવી જન્મથી જ સમાન છે તેવો આ બધાને અખુટ વીશ્વાસ છે. તેમાંથી જ ધાર્મીક સંસ્કૃતીઓ સામે વીદ્રોહ કરવાની પ્રેરણા અને પ્રતીબધ્ધતા પ્રાપ્ત થાય છે. આવી ક્રાંતીના પ્રવાહોને સર્વ પ્રકારે ટેકો આપવો તે દરેક માનવોની ફરજ છે. કારણકે તેમની લડત કોઇ વર્ગીય કે જાતીય લડત નથી પણ માનવીય છે.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––The End------------------------------------------

+

--