Tuesday, May 19, 2020

રેશનાલીસ્ટ અન્યની લાગણી દુભાઇને રેશનાલીસ્ટ પ્રવૃત્તી કરી શકે?

રેશનાલીસ્ટ અન્યની લાગણી દુભાઇને રેશનાલીસ્ટ પ્રવૃત્તી કરી શકે? રેશનાલીસ્ટના બે કાર્યક્ષેત્રો હોય છે.એક જુઠ્ઠાણાનો પર્દાફાશ (Lie Hunting) અને બીજું સત્યની ખોજ કે શોધ (Truth Seeking). બંને મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કરીએ.

(૧) જુઠ્ઠાણાનો પર્દાફાશ એટલે શું? રેશનાલીસ્ટ પાસે જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવા માટે કેટલાક સાધનો હોય છે. (અ) ઇન્દ્રીયજન્ય અનુભવ( Sense perception) (બ) બાહ્ય નીરીક્ષણ,(ક) તર્કવીવેકબુધ્ધી ( Supremacy of reason) (ડ) કોઇપણ ગુરૂ. ગ્રંથ અને વ્યક્તી વીશેષની હકુમત આધારીત જ્ઞાનનો અસ્વીકાર.

 (અ) ઇન્દ્રીયજન્ય અનુભવ– આંખ, નાક, કાન, જીભ અને ચામડી દ્રારા જે અનુભવ થાય તે જ રેશનલ અનુભવ. ઇન્દ્રીયાતીત કોઇ અનુભવ હોઇ શકે નહી. કારણકે તેને માનવીય ઇન્દ્રીયોથી કોઇકાળે અનુભવી શકાય નહી. તેથી તેની સચ્ચાઇને માનવીય તર્કવીવેકબુધ્ધીથી તપાસી શકાઇ નહી.

(બ) બાહ્યનીરીક્ષણ એટલે શું? ઇન્દ્રીયોની મદદથી જે બાહ્યજગતનો અનુભવ થાય તેને આપણે બાહ્ય નીરીક્ષણ કહીશું. ઘરના એક રૂમમાં કે કૃત્રીમ કે કુદરતી ખડકમાંથી બનેલી ગુફામાં આંખો બંધ કરી બેસવાથી કે કહેવાતું ધ્યાન ધરવાથી જ્યાં કશું દેખાતું જ ન હોય, તેવી માનસીક સ્થીતી અથવા અનુભવને રેશનલ અનુભવ એટલા માટે ન કહેવાય, કારણકે તેને બીજા લોકો પોતાની ઇન્દ્રીયોની મદદથી સમજાવી શકે નહી, તે દાવાઓને તપાસી શકાય નહી, લાંબે ગાળે આવા લોકો ચીત્તભ્રમની સ્થીતીનો ભોગ બને છે.

(ક) તર્કવીવેકબુધ્ધી– માનવીને પોતાની ઇન્દ્રીયોની મદદથી જે બાહ્યનીરીક્ષણનો અનુભવ થાય છે તેને માનવ મન તર્કવીવેકબુધ્ધીથી વાસ્તવીક રીતે તપાસે છે કે સાચું શું છે ? અને ખોટું શું છે? રેશનલ સત્ય હંમેશાં સાપેક્ષ( રીલેટીવ, સંબંધીત) હોય છે. નીરપેક્ષ નહી. (એબસોલ્યુટ,સ્વતંત્ર, અનીયંત્રીત, નીરકુંશ, આપખુદ.) રાજાકે વડાપ્રધાન કદાપી ખોટો ન હોય! તેના નીર્ણયનું પાલન કરવાનું હોય! તેના નીર્ણયોને તમારી તર્કવીવેકબુધ્ધી કે રેશનાલીટીના પાયાપર તટસ્થ ચકાસણી તો કરાય જ નહી. તેની લાગણી દુભાવવાને બદલે સત્યનો બલી લેવાય તેમાં પેલા રાજ્યકર્તાએ તો શું ગુમાવવાનું છે? રાજ્યકર્તાની બીનશરતી શરણાગતી, ભક્તી, વ્યક્તીપુજા અને તેણે પ્રાપ્તકરેલી અમર્યાદીત સત્તા તે રાજ્યકર્તાને અને તેમાં આંધળો વીશ્વાસ રાખનાર પ્રજાને લાંબેગાળે અકલ્પનાતીત અમાનવીય દુ;ખના દરીયામાં ગરકાવ કરી નાંખે છે તેનો સાક્ષી માનવ જાતનો ઇતીહાસ છે. ઇતીહાસના પરીબળો બહુ ઘાતકી હોય છે. જે તેમાંથી બોધપાઠ લેતા નથી તેનું ઇતીહાસ પુનરાર્વતન પણ કરે છે.રેશનલ જ્ઞાન હંમેશાં સાપેક્ષ હોય છે. નવી માહીતી મળતાં રેશનાલીસ્ટ પોતાનો અભીપ્રાય બદલતો હોય છે. તેનું મન કાયમ માટે નવી માહીતી, શોધ અને જ્ઞાનને આવકારે છે. તેનું મન  હંમેશાં ખુલ્લુ હોય છે.

માનવીની તર્કવીવેકબુધ્ધી સજીવ ઉત્ક્રાંતીની દેન છે. અન્યપ્રાણીઓમાં પણ તે બધાના બૌધ્ધીક વીકાસના સ્તર પર વીકસેલી છે. તે બધા સજીવો પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા સાચું શું છે અને ખોટું શું છે તેવો નીર્ણય કરવાની ક્ષમતા ધરાવે છે. કુદરતી વાતવારણ કે તેના નીયમો સમજીને પોતાનું અસ્તીત્વ કેવી રીતે ટકાવવું તેવા સંઘર્ષમાંથી દરેક સજીવની તર્કવીવેકબુધ્ધી વીક્સેલી છે. કુદરતી નીયમબધ્ધતાએ માનવીને નીયમબધ્ધ બનાવ્યો છે. ( The nature is law governed; and the man is the part of nature, so the man is also law governed.)  આ કુદરતી નીયમબધ્ધતાનું સંચાલન તેના નીયમોને આધીન છે.કોઇપણ દૈવી, ઇશ્વરી કે ઇન્દ્રીયાતીત પરીબળો તેમાં ચંચુપાત કરી શકે છે તે માન્યતા કે હકીકત ૧૦૦ % અસત્ય છે. તેને વીજ્ઞાનનો કોઇ આધાર નથી.

(ડ) કોઇપણ ગુરૂ. ગ્રંથ અને વ્યક્તી વીશેષની હકુમત આધારીત જ્ઞાનનો અસ્વીકાર. આ વાક્ય તો મારા ગુરૂએ કહ્યું છે, જુઓ આ તો મારા ધર્મ પુસ્તકમાં લખ્યુ છે. આ બધા ઉપદેશો તો મને સંસ્કાર તરીકે મારા માબાપો, વડીલો અને વર્ગ શીક્ષકે મને ભણાવ્યા છે. તે કેવી રીતે ખોટા હોઇ શકે? તમે રેશનાલીસ્ટો અમારી આ બધી રોજબરોજના જીવનમાં માર્ગદર્શન આપતી ગુરૂ, ગ્રંથ કે પછી વડીલશાહી દ્રારા સંચાલીત નૈતીક પ્રવૃત્તીઓને સીધી જ તમારા રેશનલ માપદંડોથી નકામી બનાવી દો છો, તેના પર અસહ્ય કઠુરાઘાત કરો. તો પછી તે ઉભા થયેલા શુન્યાવકાશ કે ખાલીપણામાંથી બહાર નીકળવા શું કરવું? અમારે સામાન્ય માણસ તરીકે દરેક સમસ્યા કે મુઝવતા પ્રશ્નોના ઉકેલ માટે અમારી પોતાની તર્કવીવેકબુધ્ધીનો જ ઉપયોગ કરીને જીવન જીવવાની વાત કરો છો તે કેવી રીતે અમે કબુલ મંજુર રાખીએ? સાલુ, સવારના પોરમાં ઉઠીને કોઇ દેવ– દેવી, ગુરૂ, ધાર્મીક પુસ્તક ગ્રંથ, ગીતા, બાયબલ કુરાન, વી ને કે પછી પેલા દીવાંગત મા–બાપોના ફોટા વી. નમસ્કાર, પગે બગે લાગવાનુંજ નહી. તેના બે ચાર શ્લોકો કે આયાતો વી મોઢેંથી સુંદર અવાજે પઠન કરવાનું નહી કે ગાવાનું પણ નહી. ( તો શું અમારે તમારી યુ ટયુબમાંથી કે. એસ. સાયગલનું પેલું ગીત સાંભળવાનું " જબ દીલ હી તુટ ગયા તો..અબ જી કર ક્યા કરેંગે".)  ફોટો, દીવો, અગરબત્તી, ધુપ બુપ જ બધુજ ઘરમાં રાખવાનું જ નહી. શું એ દલીલમાં વજુદ નથી કે જે માણસે ગયા જન્મમાં સૌથી વધારેમાં વધારે પાપ કર્યા હોય તેને જ આ જન્મે ભગવાન, અલ્લાહ કે ગોડ તેને રેશનાલીસ્ટ બનાવે છે?

આ બધુ રેશનાલીઝમનું તુત તમને મુબારક!  હવે આપણો બીજો સવાલ આ લેખની શરૂઆતમાં મુકેલો છે તેની વાત પણ કરી લઇએ. હું કે તમે, પોતાની જાતને રેશનાલીસ્ટ તરીકે જાહેર કરતા હોય અને તેમાં ગૌરવ લેતા હોય તો ઉપર જણાવેલ રેશનાલીસ્ટ વીચારસરણીને આધારે મારુ– તમારુ જીવન જીવી શકીએ ખરા? વધારામાં આપણો સમાજ કેવો ઇરેશનલ, તર્કવીવેકબુધ્ધીને ગીરવે મુકીને મોટાભાગના નીર્ણય કરનારો હોય તો તેવા સમાજકારણ, ધર્મકારણ અને રાજકારણ સાથે તમારા સંબંધો કેવા હોઇ શકે? તે બધા રોજબરોજના જીવનમાં જે ઇરેશનલ નીર્ણયો લેતા હોય તેમાં તમે રેશનાલીસ્ટ તરીકે સહકાર ન આપો તો ને તેથી તેમની લાગણી દુભાય તો તમે કેવું અને કેટલાં સમાધાન કરશો?

ચલો! આપણે આ ઇરેશનલ સમાજની લાગણી દુભાય જ તેવા નીર્ણયોની યાદી બનાવીએ. પછી તે અંગે શું કરવું તે વાંચનાર પર છોડી દઇએ.

(૧) મારા–તમારા લગ્નજીવનના સાથીની પસંદગી કેવી રીતે કરશો? જ્ઞાતી, મા– બાપની ઇચ્છા, જન્માક્ષર મેળવીને, પરજ્ઞાતી, વીધર્મી ( રેશનાલીસ્ટ ને ક્યાં કોઇ માનવવાદ સીવાય બીજો ઇશ્વર સંચાલીત ધર્મ હોઇ શકે).

(૨) નક્કી કરેલા પાત્ર સાથે લગ્ન કઇ વીધી પ્રમાણે રેશનાલીસ્ટ તરીકે કરશો? સપ્તપદી– અને કન્યાદાનવાળી હીંદુ વીધી, આર્યસમાજી, નીકાહ પઢવાની કે પછી કોઇપણ ધાર્મિકવીધી સીવાય ઇન્ડીયન મેરેજ રજીસ્ટ્રેશન એક્ટ પ્રમાણે સીવીલ મેરેજ અથવા બંને પુખ્ત ઉંમરની કોઇપણ જાતી, લીંગ ભેદ સીવાય વ્યક્તીઓને મન ફાવે ત્યાંસુધી સાથે રહીને જીવન જીવવાની સ્વતંત્રતા ભોગવનાર લેસ્બીયન  (બે યુવાન સ્રી મીત્રો), બે યુવાન પુરૂષ મીત્રો( હોમોસેક્સયુઅલ) કે પછી બે યુવાન  સ્રી–પુરૂષો લગ્ન બંધન સીવાય કે કર્યા સીવાય ઇચ્છે ત્યાં સુધી સાથે સહજ રીતે સહજીવન જીવે. વડીલ તરીકે તેમના લગ્નજીવનમાં ઘર કે અન્યબારીએથી 'પીપ' કરવાની મનાઇ હોય છે.

(૩) તમારા દીકરા– દીકરીઓને રેશનાલીસ્ટ તરીકે તેઓએ નક્કી કરેલી લગ્ન પધ્ધતીને તમે ટેકો આપશો? તે બધા તેમના પાત્રો નક્કી કરે તેમાં તમારી કયા પ્રકારની સક્રીયતા કે ભુમીકા !

(૪) રેશનાલીસ્ટ પોતાના દીકરાની ચૌલક્રીયા, સુન્નત કે બેપ્ટીઝમ જેવી ધાર્મીક–સામાજીક રૂઢીમાં શું કરશે?

(૫) આપણા મા– બાપોના કુદરતી મૃત્યુ બાદ તેમની અંતીમવીધી કેવી રીતે કરવામાં સહાયભુત થશો. ચક્ષુદાન, દેહદાન.  બેસણું, શ્રાધ્ધ, વી. રેશનાલીસ્ટનું વલણ અને સહકાર કેવો?

અમે તો અહીંયાં થોડા દાખલા અમારી વાતને સમજાવવા રજુ કર્યા છે. પણ તેની યાદીમાં ઘણા બધા પ્રસંગોનો સમાવેશ થઇ શકે.....


--