Sunday, May 3, 2020

સ્થળાંતરીત મજુરોનામુદ્દે સરકારની ફેર વીચારણા–

સ્થળાંતરીત મજુરોના મુદ્દે સરકારની ફેર વીચારણા–

જે દીવસથી મોદી સરકારે લોકડાઉન શરૂ કર્યું કે તરતજ દેશના તમામ ઔધ્યોગીક શહેરોમાં: દા.ત દીલ્હી, મુંબઇ, અમદાવાદ, ચૈન્નઇ, બેંગલોર વગેરે શહેરોમાં સ્થળાંતરીત મજુરોની સ્થીતી ખુબજ દયાનીક બની ગઇ હતી.. તે બધાના રોજગારી અને રહેઠાણના તમામ સ્રોત્રો એકદમ, એકાએક, કેન્દ્ર સરકારના લોકડાઉનના નીર્ણયને કારણે રાતોરાત બંધ થઇ ગયા હતા અને આજે પણ બંધ છે. દેશ સમક્ષ દીલ્હીના આનંદ વીહાર, મુંબઇના બાંદ્રા સ્ટેશન, સુરતના વરછા રોડ અને ઔધ્યોગીક વસાહતોમાં આ મજુરોના અસંખ્ય ટોળાઓનો અવીરત ચાલતો સમુહ આપણને સૌને સતત દેખાતો હતો. ' માથા પર ઘરવખરીનું પોટલું અને બગલમાં તેડેલું બાળક .' બસ કે રેલ્વે બધું લોકડાઉન એટલે આ બધો વંચીતોનો અવીરત સમુહ પોતાના મુળ ગામ– પ્રદેશમાં જવા ચાલતો નીકળી પડયો હતો.

કેન્દ્ર અને રાજ્ય સરકારો આ બધા ને ગઇકાલ સુધી દેશના ઔધ્યોગીક ક્ષેત્ર અને અર્થતંત્રની કરોડરજ્જુ પણ ગણતા ન હતા. તેથી તેમને  નધણીયાતા બનાવીને સડક પર ફગાવી દીધા. આ બધી સરકારોની સ્થળાંતરીત મજુરો માટેની માનસીકતાને પણ સમજવા જેવી છે. આ વર્ગને ક્યારેય સરકારો અને તેથી સમાજે પણ દેશના મુખ્યપ્રવાહનો( Mainstream) ભાગ ગણ્યો જ ન હતો. લોકડાઉનનો નીર્ણય કરતે સમયે દેશના અર્થતંત્રમાં આ વર્ગનો કેટલો ચાવીરૂપઅને ગતીશીલ ફાળો છે તેનો મોદી સરકારે ધરાર, અને ગુનાહીત બેદરકારી દાખવીને નજરઅંદાજ કર્યો હતો. તે બધા તો બીચારા અબોલ છે અને તેમના વતી બોલનારની કીમંત પણ સત્તાના બેલગામ દોરમાં કોને દેખાય! કારણકે મોદીજી, સત્તા અને રાજકારણમાં તે બધા કીસ ગીનતી મેં ! કેમ ખરૂ ને!.

તારીખ ૨૪મી માર્ચથી ૩૦મી એપ્રીલ સુધી લગભગ ૪૦ દીવસ આ વર્ગ ક્યાં છે, કેવી રીતે જીવે છે, તેના બાલબચ્ચાંને બે ટંકનું ભોજન મળે છે કે નહી? તે ક્યાં સુઇ રહે છે તેની ચીંતા સરકારને ક્યાંથી હોય? મોદી સરકારે તો બસ, રેલ્વે, વીમાની સેવા અને તમામ અન્ય વાહનવ્યહારના તમામ સાધનો ઉપર આ લોકડાઉનના સમયગાળા દરમ્યાન પ્રતીબંધ મુકી દીધા હતા. સરકારને જ્યારે આ વર્ગની વાસ્તવીક સ્થીતીમાંથી પેદા થયેલા અજંપા– બળવાને કારણે, તેણે ઠેર ઠેર કાયદો હાથમાં લઇને હીંસક બનવા માંડ્યો છે તે સમાચાર મળતાં જ એકાએક સફાળી બની ગઇ. જે કેન્દ્ર અને રાજ્ય સરકારો આ વર્ગથી કોરોના સંક્રમણ ન ફેલાય માટે જ્યાંહોય ત્યાં રહેવા મજબુર કરવા પોલીસ અને દંડા રાજ્યનો ઉપયોગ કરતી  હતી તે જ સરકારો તા. ૧લી મે થી આ મજુરોને પોતાના માદરે વતનના રાજ્યમાં મુકવા માટે સ્પેશીઅલ નોન–સ્ટોપ પેંસજર ગાડીઓ(મજુરોના ભાડાના પૈસા લઇને જ)દોડાવા માંડી છે.

જુદી જુદી રાજ્ય સરકારો આ તાકીદની સમસ્યા ઉકેલવા શું કરી રહી છે તેના પર આપણે નજર નાંખી લઇએ. તેને માટે આજના તા.૩–૦૫–૨૦ના રોજના ટાઇમ્સ ઓફ ઇંડીયાના સમાચારોનો સાથ લીધો છે.

(૧)  પાન નં એક– ગઇકાલે દાહોદ( મધ્યપ્રદેશ) અને શામળાજી( રાજસ્થાન)ની સરહદ પર ગુજરાતમાંથી કાયદેસર નીકળતા સ્થાળાંતર મજુરોને બંને રાજ્યોની સરકારોએ પ્રવેશ બંધી કરી દીધી. ગુજરાત સરકારના અંદાજ મુજબ આશરે ૨૦લાખ કરતાં પણ વધારે મજુરો પોતાના વતન જવા દ્રઢનીશ્ચય કરીને બેસી ગયા છે. બંને દાહોદ અને શામળાજી(અરવલ્લી જીલ્લા)ની ચેકપોષ્ટ પર આ મજુરોઓ પોલીસો ઉપર પથ્થ્રમારો કર્યો હતો. વડોદરાની બહારના સુરત તરફના રીંગ રોડ પર આ મજુરોના આશરે ૨૦૦૦થી વધુના ટોળાએ પોલીસના હુકમનો બીલકુલ અનાદર કરીને સુરત જવાનું બંધ કરીને ચક્કાજામ અને સ્ફોટક પરીસ્થીતી પેદા કરી દીધી છે. રેલ્વેએ ખાસ 'સ્પેશીયલ શ્રમીક ટ્રેઇન' ૧૨૦૦ ઉ. પ્રદેશના આગ્રા સુધીના મજુરો માટે સાબરમતી રેલ્વે સ્ટેશનેથી રવાના કરી દીધી છે.ગુજરાત સરકારે કેન્દ્રના ગૃહમંત્રાલય સાથે પરામર્શ કરીને આશરે પેલા ૨૦ લાખથી પણ વધારે મજુરોને બે ભાગમાં વહેંચી નાંખીને માદરે વતન મોકલવાનું નક્કી કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મજરોને બસોમાં અને તેથી દુરના રાજ્યો યુપી, બીહાર, બંગાલ ઓડીસા વી. રાજ્યોના મજુરોને લાંબા અંતરોની ટ્રેઇનમાં મોકલવાનો નીર્ણય કર્યો છે. એક પેંસજર ટ્રેઇનમાં ૧૦૦૦, અને એક બસમાં આશરે ૪૦ થી ૫૦ મજુરોને મોકલી શકાશે. પેલા આશરે ૨૦ લાખથી વધારે મજુરો ક્યારે ને કેવી રીતે માદરે વતન પહોંચશે તે આંકડાના ગુણાકાર ભાગકાર કરવાથી સમજવું સરળ નથી જ. ગુજરાત સરકારે આ સમસ્યા સરળતાથી પાર પડે માટે આશરે ૧૬ આઇ એ એસ અને આઇ પી એસ અધીકારીઓને કામ સોંપ્યું છે. ટાઇમ્સ ઓફ ઇંડીયાના રીપોર્ટરે આ રીપોર્ટમાં ગંભીરતાથી લખ્યું છે કે " The desperation among labourers to go back is so strong that by each passing day, it is becoming a challenge to maintain law and order."

 (૨) દીલ્હીમાં સ્થળાંતરીત મજુરોની સંખ્યા ૪૦ લાખથી પણ વધારે છે. એક સ્થળાંતરીત સ્રી મજુર આ પેપરના પ્રતીનીધીને જણાવે છે કે " હું એકવાર બીહારના મારાવતન પુરણીયા ગામમાં પહોંચી જઇશ પછી ક્યારે દીલ્હી આવીશ નહી.( Won't return to Delhi once I reach home in Bihar.)  રાજધાની દીલ્હીના 'લ્યુટેન' વીસ્તાર જ્યાં રાષ્ટ્રની ' થીંક ટેંક' ની ઓફીસો આવેલી છે તે બાબુઓ વીચારે છે કે " આ બધા સ્થળાંતરીત મજુરો સીવાય અમારી દીલ્હીના અને દેશના અર્થતંત્રના પાટાપરથી જે ગાડી ઉતરી ગઇ છે તેને પાટા પર કોણ ચઢાવશે? ( The city experts worries about how an economic revival can be achieved without them.)

(૩) તા. ૧લી મે ના રોજ નાસીક મહારાષ્ટ્રમાં સલવાઇ ગયેલાકે મુશ્કેલીમાં આવી પડેલા ( Stranded Labourers) ૩૫૦ મજુરોને ભોપાલ( મધ્યપ્રદેશ) સ્પેશીઅલ ટ્રેઇનમાં લઇ જવામાં આવ્યા હતા.

(૪) જમ્મુથી સમાચાર છે કે છેલ્લા ૪૨ દીવસોથી હજારો કાશ્મીરી મજુરો અને દર્દીઓ આ શહેરમાં ફસાઇ ગયા છે.પ્રશાસન તેમને લઇ જવાની કોઇ વ્યવસ્થા હજુ સુધી કરી શકી નથી.

(૫) હરીયાણાના મુખ્યમંત્રીશ્રી મોહનલાલ ખટ્ટર પોતાના રાજ્યમાં સલવાઇ પડેલા મજુરોને વીનંતી કરે છે કે મહેરબાની કરીને તમે અમારુ રાજ્ય છોડીને જશો નહી. થોડા સમયમાં બંધ પડી ગયેલા ઉધ્યોગો ચાલુ થઇ જવાના છે. પણ પેલા બધા મજુરોએ પોતાના વતન જવા માટે સ્થાનીક તંત્રો પાસે પોતાના નામો રજીસ્ટર્ડ કરાવી લીધા છે.અને જવાની રાહ જુએ છે.

(૬) કર્ણાટકના પાટનગર બેંગલોરથી સમાચાર છે કે ' દક્ષીણ પશ્ચીમ રેલ્વે' નું તંત્ર કર્ણાટક સરકાર સ્થળાંતરીત મજુરોની યાદી મોકલાવે એટલે તે પ્રમાણે મજુરોને જુદાજુદા રાજ્યોમાં લઇ જવા તૈયાર છે.

(૭) જયપુરથી બીહાર સ્પેશીઅલ ટ્રેઇન આશરે ૧૨૦૦ મજુરોને લઇને પહોંચી ગઇ છે.

લગભગ આ સ્થીતી દેશના તમામ ઔધ્યોગીક –શહેરી વીસ્તારોમાં સલવાઇ ગયેલા મજુરોની સ્થીતી છે.

તમામ સ્થળાંતરીત મજુરોની માનસીક સ્થીતી હાલને તબક્કે એવી સ્પષ્ટ દેખાય છે કે ઓછામાંઓછા બે એક વરસ સુધી આ બધા તેમના ગામોમાંથી ફરી શહેરોમાં નહી જ આવે. તેમજ પરપ્રાંતોમાં ઉધ્યોગ સીવાય ખેતી જેવા કામો કરવા પણ નહી જ આવે. પંજાબ અને હરીયાણાના ખેડુતો ઉ.પ્રદેશ, બીહાર વી. ના ખેતમજુરો પાસે ડાંગર ફેરરોપણીનું કામ કરાવતા હતા. દહેરાદુન બાસમતી ચોખા પકવતા હતા. આ બંને રાજ્યોના ખેડુતોએ ડાંગરને બદલે કપાસની ખેતી શરૂ કરી દીધી છે. તેનાથી આડકતરો ફાયદો દેશના પાટનગર દીલ્હીને થશે. દીવાળી પર ડાંગરનો પાક લીધા પછી તેની પરાર સળગાવી નાંખીને જે પોલ્યુશન પ્રતીવર્ષૅ થતું હતું તે હવે લગભગ નહીવત થશે.

પરંતુ સ્વતંત્રતા પછી જે અર્બન ઇંડીયા શહેરી આધુનીક ભારત બનતું હતું, વીકસતું હતું તેના વીકાસ પર ખુબજ મોટી બ્રેક વાગી ગઇ છે.


--