Tuesday, May 26, 2020

યોગી આદીત્યનાથઉવાચ;

યોગી આદીત્યનાથ ઉવાચ;

 યુ પીમાં હું રાજ્ય છું. મારા શબ્દો એજ મારા રાજ્યનો કાયદો. ( I am the state- My words are law.) મારા રાજ્યની પરવાનગી સીવાય બહારની કોઇપણ રાજ્ય સરકારો યુ પી રાજ્યના મજુરોને રાજ્ય બહાર લઇ જઇ શકશે નહી. ભલે દેશનું બંધારણ તેના દરેક નાગરીકને દેશના કોઇપણ ખુણે નોકરી, ધંધો અને રહેવાનો અબાધીત અધીકાર આપતું હોય. યુપી, જેવા દેશમાં સૌથી વધારેમાં વધારે વસ્તી ધરાવતા રાજ્યનો વડો શું પોતાના રાજ્યના નાગરીકોને વેઠીયા કે બંધુઆ મજુરો સમજે છે? શું રાજ્ય પોતાના નાગરીકો પર વ્યક્તીગત ધારણે જાસુસી કરવાશે? કે તે રાજ્યનો નાગરીક કઇ ટ્રેઇન કે બસમાં બેસી ને ક્યાં મુસાફરી કરવા જઇ રહ્યો છે?

' સબકા સાથ સબકા વીકાસની' ગુલબાંગો પોકારનારી રાજ્ય હકુમત છેલ્લે આ છેડે આવીને અટકી ગઇ! યુ પીના આ નવા રાજાને, પેલા સ્થળાંતરીત મજુરો પુછી શકે ખરા કે જહાંપનાહ! અમે આર્થીક કારણોસર રાજ્ય બહાર શહેરોમાં ગયા હતા, અને પાછા આવ્યા. જ્યારે અમે પહેલાં રાજ્ય બહાર ગયા ત્યારે કોઇને પુછયું ન હતું, અને આવ્યા ત્યારે પણ અમારી મજબુરીથી જાનના જોખમે પરત આવ્યા છીએ. તો અમારા માટે સારુ શું કે ખોટું શું તે નક્કી કરવાનો પરવાનો યોગીજી! આપને કોણે આપી દીધો છે?  હજુ અમારા સાથી ભાઇઓ જેને અન્ય લોકોના સહકારથી બસો અને અન્ય વાહનોમાં તેમને આપણા રાજ્યમાં લઇને આવે છે તેને કેમ સરહદો પર જ રોકી રાખ્યા છે? તમે હીંદુ ધર્મના કયા માનવમુલ્યોના બચાવમાં મુખ્યમંત્રી બન્યા છો?  જેણે હજારો મજુરો કોઇપણ આરોગ્યના કારણો સીવાય હજારોની સંખ્યામાં આ કાયદા હેઠળ રોકી રાખવા માંગો છો?

યોગીજી, તમારી સરકાર 'પ્રવાસી આયોગ' કોર્પોરેશન બનાવે છે.જેમાં અમારી શ્રમ કુશળતાને આધારે( કડીયા, મીસ્રી, લુહાર, પ્લમ્બર, ઇલેકટ્રીશન, અને અન્ય) આપણા રાજ્યની અંદર જ નોકરીની વ્યવસ્થા પેદા કરવાનું આયોજન કરો છો. પણ સાહેબ! આખા દેશમાં આપણું રાજ્ય પ્રથમ છે જેણે લગભગ તમામ મજુર કાયદાઓના અમલને વટહુકમ બહાર પાડીને સ્થગીત કરી દીધા છે. કામના કલાકો આઠને બદલે બાર કરી દીધા છે. અને બાર કલાકના કામ પછી પગાર મળવાનો આઠ કલાક પ્રમાણે. તમો! સાહેબ એવી અપેક્ષા રાખો છો કે તમારા નવા બાર કલાકનું કામ અને વળતર પગાર આઠ કલાકનો એ માપદંડ. અમે બધા જેઓ એ શહેરી ભારતમાં નોકરી કરી છે તે બધા તમારી આ સ્કીમમાં સહકાર આપશે! સાહેબ! આશરે બસો કરતાં વધારે વર્ષોના મજુરોના લોહીયાળ સંઘર્ષ પછી જે વીશ્વભરના મજુરોએ હક્કો મેળવ્યા છે તેને આપના જેવા યોગી કોના સ્થાપીત હીતીના ટેકામાં એક જ વટહુકમને ગોદે ફગાવી દો છો!

યોગીજી, આપને માહીતી હશે જ કે મહારાષ્ટ્ર નવનીર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે તમે યુપીના મજુરો રાજ્ય બહાર નોંધણી કરાવ્યા પછી જઇ શકે; તેની સામે ચેસના પ્યાદાની માફક પોતાનો દાવ ફેંક્યો છે. પરપ્રાંતીય મજુરોને પોલીસ નોંધણીથી માંડીને ઘણા બધા નીયમોમાંથી પસાર થવાની માંગણી કરી છે. 'મરાઠી માનુસ' જેવી પ્રાદેશીક લાગણી પેદા કરીને આ પેપરટાયગર મહારાષ્ટ્રના શાંત વાતાવરણને ડહોળવા બેઠો છે. થોડા સમય પહેલાં જ મહારાષ્ટ્રના રાજ ઠાકરે દુકાનો અને ઉધ્યોગોના બોર્ડ મરાઠીમાં જ લખેલા જોઇએ તેવી ચળવળ ચલાવીને હીંદી– અંગ્રેજીમાં લખેલા તમામ દુકાનોના બોર્ડ, જાહેરાતો વી. પોતાના મસલ્સમેન દ્રારા તોડાવી નંખાવ્યા હતા. મહારાષ્ટ્રના સંઘલી શહેરમાંથી રાજ ઠાકરેએ ' લાઠી ચલાવ ભૈયા ભગાવ' ની ચળવળ પણ ચાલુ કરાવી છે. દેશના રાજ્યોમાં પ્રાદેશીકતાની આવી લાગણીઓ આવા કપરાકાળમાં બહેકાવીથી આવા માણસોનો થોડા સમય પુરતો રોટલો શેકાય પણ આખરે તેના પરીણામો દેશની એકતા અને અખંડીતતા માટે કેટલા ભયાનક આવે તે તો આવનારો સમય જ જણાવી શકે!. તમે આ બધું તમારા રાજ્યમાં પરદેશથી ઉધ્યોગોને લચાવવીને નવા ઉધ્યોગો સ્થાપવા માટે આવા પ્રયત્નો કરો છો? પરંતુ તમારા રાજ્યના વહીવટી જન્માક્ષર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાન્ય પ્રજાનું શીક્ષણનું સ્તર, કાયદાઅને વ્યવસ્થાની સ્થીતી, તમારા રાજ્યનો લઘુમતીઓ સાથેનો વ્યવહાર, તેવી અનેક પરીબળોની માહીતી તેમની પાસે છે. તેમની પાસે આપણા જેવા ગરીબ, શૈક્ષણીક રીતે પછાત, પણ સસ્તી મજુરી અને સસ્તો કાચો માલ પેદા કરનારા દેશોને કેવી રીતે લુંટવા અને તે દેશની પ્રજાનું ભરપેટ તમારા જેવા સત્તાધીશોને તેમના દલાલો બનાવીને શોષણ કેવી રીતે કરવું, વેપાર –ઉધ્યોગમાં કરારો કેમ કરવા તે માટે તેમની પાસે છેલ્લા પાંચસો વર્ષોનો વારસો છે. યોગીજી, આતો  તમે કોને આત્મનીર્ભર બનાવો છો? એશીયા, આફ્રીકા, લેટીન અમેરીકા અને આરબ દેશો વી. તમામની સોનાચાંદીની કલ્લીઓ લઇને સામે ચણા–મમરા– મગફળીના ફોંતરા કેમના વહેંચી આપવા તે તો પશ્ચીમી મુડીવાદીઓનો, તે બધાનો ડાબા હાથનો ખેલ છે. માટે યોગીજી, ભલે પરદેશીઓ માટે કદાચ ભોળા બનશો તો ચાલશે પણ ભોટ બનશો તો નવા ગોરાઓને કાઢવા માટે નવો સાવરકર કે ગોલવેલકર નહીં ચાલે. ફરી આપણે ગાંધીને જ જન્માવો પડશે તે યાદ રાખજો. કારણકે મોદીજીના આત્મનીર્ભર કરતાં ગાંધીજીની સ્વદેશી વીચારસરણી વધારે ભારતીય લાગે છે.

વધુ માહીતી માટે–http://bipinshroff.blogspot.com/shroffbipin@gmail.com

 


--