Thursday, May 21, 2020

આ ઔધ્યોગીક સંસ્કૃતીએ તેના મુળમાં જ કઠુરાઘાત કરવા ત્રણ પરીબળો પેદા કર્યા છે. એક મુડીવાદ, બે રાષ્ટ્રવાદ અને ત્રણ, સંપત્તી અને રાજકીય સત્તાનું સમાજના ખુબજ ગણ્યાગાંઠયા હાથોમાં એકત્રીકરણ.

ગયા લેખમાં આપણે ચર્ચા કરી હતી કે કૃષી સંસ્કુતી પછી જે સંસ્કૃતી વીકસી તેને આપણે ઔધ્યોગીક સંસ્કૃતી તરીકે  ઓળખીએ છીએ. વીશ્વમાં આ નવી સંસ્કૃતીની શરૂઆત લગભગ ૧૫મી સદીથી થઇ છે. કૃષી સંસ્કૃતીમાં ઉત્પાદનના સાધનની માલીકી સામંત (Feudalism) કે જમીનદાર પાસે હતી. સામંતશાહીમાં જમીનના માલીકો એટલે કે સામંતો કે જમીનદારોએ પોતાના હીતોના સંરક્ષણ ને વીકાસ માટે ધર્મગુરૂઓ અને રાજાઓનો ઉપયોગ કર્યો હતો. રાજાઓ અને ધર્મગુરૂઓ બંને પરોપજીવીઓ (Parasite)  હતા. ' જેનું ખાય તેનું ગાય!' આ બંને પોતે કોઇ ભૌતીક વસ્તુઓનું ઉત્પાદન કરતા નહતા. (આ બંને વર્ગ આજે પણ પરોપજીવી જ છે.અને પ્રજા પર બોસ બનીને રાજ્ય કરે છે. નાગરીકો તરીકે આપણે તેમને આપણા ઉધ્ધારક સમજીને ખભે બેસાડીને ફરેવવામાં ગૌરવ અનુભવીએ છીએ.)

પણ જે વર્ગ પાસે ઉત્પાદનના સાધનો હતા( જમીનદારો) તેના હીતો જાળવી રાખવામાં રાજ્યના કાયદા અને ધાર્મીક નીતીઓનું સર્જન કરવામાં આવ્યું હતું. સામંતો કે જમીનદારો સામે તેમના ગણોતીયાઓ કે વેઠીયાઓ ( જે બધા હળ ચલાવતા હતા) જે અસહ્ય મજુરી કરીને જે ખેત ઉત્પાદન તૈયાર કરતા હતા તે તેના ઉત્પાદનના માલીક નહતા. તેના પર અસલ હક્ક સામંતોનો છે તેવી સમાજવ્યવસ્થાના વ્યવહારો, કાયદાઓ, રાજ્યનો દંડ અને ધાર્મીક નૈતીકતા ખુબજ ચતુરાઇપુર્વક વીકસાવવામાં આવી હતી. નાગરીકનો મીલકતનો અધીકાર તે જીવન જીવવાના અધીકાર જેવો કુદરતી અધીકાર નથી . {Right to own the private property is not a natural right like a right to life but it is a legal right.} તેમ છતાં કૃષી સંસ્કૃત્તી અને ઔધ્યોગીક સંસ્કૃતીમાં જે લોકો પાસે ઉત્પાદનના સાધનોની માલીકી છે તે મીલકતના માલીકો બની ગયા છે. તે બધાએ ભેગા થઇને મીલકતની માલીકીના હક્કના બચાવ માટે કાયદાઓ ઘડ્યા છે.

 ચાલો! હવે, આપણે ઉપરની ચર્ચાને આધારે દેશની વર્તમાન આર્થીક સ્થીતીને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે કરોડોની સંખ્યામાં શહેરી ઇંડીયામાં ૨૩મી માર્ચ ૨૦૨૦ સુધી ( લોકડાઉનના આગલો દીવસ) ગ્રામ્ય ભારતમાંથી આવેલા સ્થળાંતરીત મજુરોના પ્રશ્ન તથા શક્ય ઉપાયને સમજવા કોશીષ કરીએ.

આપણે સારી રીતે જાણીએ છીએ કે  આટલી મોટી સંખ્યામાં આ બધા ભારતમાંથી ઇંડીયામાં આવેલા શહેરી ઔધ્યોગીક ચરખા ચલાવનારા માલીકો નહતા. તે તો પોતાની ફક્ત અને ફક્ત ભૌતીક મજુરીને વેચવા શહેરી ઇંડીયામાં આવેલા હતા. ઔધ્યોગીક સંસ્કૃતીમાં પેલી કૃષી સંસ્કૃતીની માફક રાજ્ય સત્તા અને ધર્મ સત્તા કોના હીત માટે છે અને વીકસેલી છે તેની શું આ બધા ' ભૌતીક મજુરી ' વેચનારાને ખબર જ નહતી ? બીજો પ્રશ્ન. ભારત છોડીને ઇંડીયામાં આવે કેટલો સમય થયો? કાયમી નોકરી, બેંકમાં ખાતુ, રહેવાની કોટડી આમાંનું કશું પણ તેમની પાસે હતું ખરૂ? ન હતું તો કેમ ન હતું?  તે બધુ ભવીષ્યમાં ક્યારે મળવાની આશા હતી ખરી? વર્તમાન રાજ્યસત્તાની લોકકલ્યાણ યોજનામાં તેમનું કોઇ સ્થાન હતું ખરૂ?

હવે આપણા માટે મુખ્ય પ્રશ્ન છે આનો કોઇ ઉપાય છે? ઉપાય એટલે શું? ઇંડીયામાંથી લોકડાઉનમાં ભારત પહોંચેલા આ બધા એન આર આઇ ક્યારેય પાછા ઇંડીયા ના આવે તેવી વ્યવસ્થા ખુબજ ઝડપથી આપણે ઉભી કરી શકીએ તેમ છીએ? દેશની પુર્વીભારતની રાજ્ય સરકારો તે બધાને સ્થાનીક ગ્રામ્ય કક્ષાએ રોજગારીની તકો પુરી પાડી શકે તેવી નવી અર્થવ્યવસ્થા ઉભી કરી શકે તેમ છે?

આપણે વર્તમાન અર્થવ્યવસ્થાના મોડેલના દેશ અને દુનીયા વ્યાપી પરીણામોની અસરોને સમજી ચુક્યા છે. તો આપણે કરવું શું?

(૧)  ઉત્પાદનના સાધનોની માલીકી હાલને તબક્કે થોડા માણસોના હાથમાં કેન્દ્રીત થઇ ગઇ છે. તેને બદલે તેનું વીકેન્દ્રીકરણ થઇ શકે તેમ છે? તેવું જ રાજકીય સત્તાના કેન્દ્રીકરણ માટે પણ લાગુ પડે છે.  ગુજરાતમાં દુધ, કપાસ ને શેરડી જેવા ખેતઉત્પાદનના પાકોમાં સહકારી પધ્ધતી દ્રારા આર્થીક પ્રવૃત્તીનું આયોજન કરવામાં આવ્યું છે. તેના પરીણામો સારા આવેલા છે. પરંતુ શેરડી જેવા પાકોની ખેતીમાં તો તેમાં ખેતમજુર તરીકે કામ કરનારાઓનું શોષણ ઔધ્યોગીક કામદારો જેટલું જ થાય છે તેવા સંશોધનના રીપોર્ટ છે.

(૨) સહકારી બેંકોનો વહીવટ અને તેની સાથે જોડાયેલાં તે બધાના વહીવટ કર્તાઓના રાજકીય હીતો જુના જમાનાના શાહુકારોને સારા કહેવડાવે તેવા સાબીત થયા છે. રાજકીય સ્થાપીત હીતોનો અડ્ડો ઘણીવાર સહકારી અર્થવ્યવસ્થા બની જાય છે. સહકારી અર્થવ્યવસ્થા માટે એમ કહેવાય છે કે ભલે તે નીષ્ફળ જતી પણ પરંતુ તેને સફળ બનાવ્યા સીવાય મુડીવાદના સકંજામાંથી બચવાનો બીજો ઉપાય નથી.

(૩) ડીજીટલ સંશાધનો, ઇન્ટરનેટ, વર્ક ફ્રોમ હોમ. તમામ પ્રકારની માનવ જીવનની પ્રવૃત્તીઓની જેવીકે શીક્ષણ, વીજ્ઞાન. સ્પેસ ટેકનોલીજી, બેંકીગ, તમામ પ્રકારના સેવા ઉધ્યોગ, આ બધાને  નવી મુડી– સંપત્તીના સર્જકો તરીકે આપણે સ્વીકારવા પડશે. દેશની જીડીપીમાં તેનો ફાળો હવે એક તૃત્તીયાંશથી પણ વધારે થતો જાય છે. ગ્રામીણ ભારતના વીપુલ માનવ શ્રમને તેમાં ઉપયોગમાં લેવાના સઘન પ્રયત્ન કરવા પડશે. કારણકે હવે ખેતીક્ષેત્રની દરેક પ્રવૃત્તીઓમાં ક્રમશ; યાંત્રીકરણ થવાથી માનવ શ્રમ રોજગારી વીહીન બનતો જાય છે.

(૪) ખેતપેદાશોનું આધુનીક ટેકનોલોજીની મદદથી પ્રોસેસીંગ કરી પેલા વધારાના ગ્રામ્યકક્ષાના બચેલા માનવશ્રમને અર્થપુર્ણરીતે રોજગારી આપી શકાય.

(૫) દેશમાં કેન્દ્રની મોદી સરકાર અને બીજેપી સંચાલીત આ ત્રણ રાજ્ય સરકારો દા;ત ઉત્તરપ્રદેશ (યુપી) મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર સ્થળાંતરીત મજુરોના પ્રશ્નોને ગંભીરતાથી ઉકેલવાને બદલે તેમના રાજ્યોમાં પ્રમાણમાં બધા લેબર લોઝ કે મજુર કાયદાઓનો અમલ જ બંધ કરી દીધો છે.

(૬) ભારત જેવા ૧૩૦ કરોડની વસ્તી ધરાવતા દેશમાં જેમાં અડધા ઉપરાંત વસ્તી યુવાનોની હોય ત્યાં મુડીપ્રધાન ઉધ્યોગપ્રથા આધારીત આર્થીક વીકાસનું મોડેલ બીલકુલ ચાલી શકે નહી. કારણકે તે માનવશ્રમને બદલે લેટેસ્ટ માનવશ્રમના વીકલ્પ તરીકે કામમાં ઉપયોગ લેવાય તેવી અધ્યતન ટેકનોલોજીને પ્રાધાન્ય આપે છે. લેબર ઇન્ટેસીવ, માનવશ્રમને પ્રાધાન્ય આપતી ટેકનોલોજી જોઇએ.

 


--