Tuesday, May 19, 2020

-- ભારતના એન આર આઇ( NRI) ઇંડીયાથીકરોડોની સંખ્યામાં ઘરે પાછા આવ્યા.



-- ભારતના એન આર આઇ( NRI)  ઇંડીયાથી કરોડોની સંખ્યામાં ઘરે પાછા આવ્યા.

કોવીડ–૧૯ની સંક્રમણ અસરે સમગ્ર શહેરી–ઓધ્યોગીક– બીઝનેસના પશ્ચીમી ઇંડીયામાંથી હજારો કે લાખો નહી પણ કરોડોની સંખ્યામાં સફેદ કે બ્લૂ કોલર મજુરો નહી પણ કોલરલેસ ભારતીયો પોતાના પુર્વીભારતીય ગૃહરાજ્યોમાં હજુ પણ અવીરત પ્રવાહમાં પરત આવી રહ્યા છે. એવું ન હતું કે તે પોતાના ગામ કે ઘરમાં રોજગાર વીહીન હતા તેથી સ્થળાંતર કર્યું હતું. જેમ પશ્ચીમી જગત, અમેરીકા, કેનેડા, બ્રીટન. જર્મની વી. દેશો આપણા ભારતીયો માટે ' Land of opportunity ' છે તેવીજ રીતે ભારતમાંથી કરોડોની સંખ્યામાં આવતા સ્થળાંતરીત મજુરોને માટે ' ઇંડીયા ' એ તકો પુરી પાડતો દેશ હતો.

શહેરી ઇંડીયાના મા–બાપો પોતાના બાળકોને પ્રથમ વીદેશમાં અભ્યાસ કરવા સ્ટુડન્ટ વીસા મળે, પછી એચ–૧ વીઝા મળે ત્યારબાદ ' P R '  or G C ( પરમેંનન્ટ રેસીડન્સી કે પછી ગ્રીન કાર્ડ) મળે માટે સતત ચીંતાતુર કે આતુર હોય છે. આ બધા જ વીધ્યાર્થીઓ NRI બનતાં પહેલાં સફેદ કોલર કે બ્લૂ કોલર તો ઠીક પણ દરેક પ્રકારની કોલરલેસ ' જોબ' કરતા હોય છે. તેનો અર્થ એવો નથી કે અહીં દેશમાં આ બધા યુવાનો બેકાર, કે અજ્ઞાન કે અભણ અથવા તેમના માબાપો ગરીબ કે વંચીત હતા. પણ તે બધા અતી મહત્વકાંક્ષી ( Aspirant cum extremely Ambitious- Risk taking behavior) અને પરદેશમાં સ્થાઇ થવાની તક માટે ખુબજ ભણેલાગણેલા સાથે ' હોંશીયાર–કમ–ચાલક પણ હતા. ગ્રામીણ ભારતમાંથી શહેરી ઇંડીયા તરફ સ્થળાંતર કરનાર મજુરો પણ નવી આશાસ્પદ જીંદગી અને ખાસ કરીને પોતાની હવે પછીની પેઢીના સુખ માટે શહેરોની બધીજ 'કોલરલેસ જોબ' કરવા મજબુર હતા. આજના શહેરી ઇંડીયાના લાખોની સંખ્યામાં રહેતા નાગરીકો પોતે અથવા તેમના વડીલો એક સમયે 'દેશ' માંથી સ્થળાંતરીત મજુર તરીકે જ 'બમ્બઇ'માં આવેલા હતા!

આપણા દેશના ઔધ્યોગીક વીકાસની ભૌગોલીક સ્થીતી તરફ જરા ઉડતી નજર નાંખી લઇએ. પંજાબ, હરીયાણા, દીલ્હી સમેત સમગ્ર દરીયાકાંઠાવાળુ પશ્ચીમી ઇંડીયા. જેમાં ગુજરાત,મહારાષ્ટ્ર, ગોવા કર્ણાટક, આંધ્ર, તેલંગાણા, તામીલનાડુ રાજ્યો એટલે ઔધ્યોગીક ઇંડીયા. બીજીબાજુએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બીહાર, ઓડીસા, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાંચલ, પ.બંગાળ અને આસામના રાજ્યો. આ બધા રાજ્યોને બીમારૂ રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે. જેમાંથી દેશનો જીડીપી વધારવા  સ્થળાંતરીત મજુરોનું લશ્કર અગણીત સંખ્યામાં પેદા કરવામાં આવે છે.( Perpetual sources of Industrial Reserve Army). ' મેરા ભારત મહાન'. કોલરલેસ મજુરમાંથી સફેદ અને બ્લૂ કોલર મજુર બનવાની આભાસી તકો પુરી પાડતું, લેશ માત્ર માનવીય મુલ્યો નહી ધરાવતું ઇંડીયા. તેમના હીતોનું કાયમી રક્ષણ કરનાર દીલ્હીની કેન્દ્ર સરકારો હોય છે. જે આપણે બધાએ મોદી સરકારે સ્થળાંતરીત મજુરો માટે જે હમદર્દી બતાવી તેન પરથી સમજી શકીએ તેમ છે.

દસહજાર વર્ષ જુની માનવસંસ્કૃતી પછી છેલ્લા પાંચસો વર્ષોમાં અસ્ત્તીત્વમાં આવેલી ઔધ્યોગીક સંસ્કૃતીએ તેનામાં મુળભુત પરીવર્તનો પેદા થાય તેવા ગતીશીલ પરીબળોનું સર્જન કરવા માંડયું છે. આ સંસ્કૃતીએ તેના મુળમાં જ કઠુરાઘાત કરવા ત્રણ પરીબળો પેદા કર્યા છે. એક મુડીવાદ, બે રાષ્ટ્રવાદ અને ત્રણ, સંપત્તી અને રાજકીય સત્તાનું સમાજના ખુબજ ગણ્યાગાંઠયા હાથોમાં એકત્રીકરણ. ભારતની મોદી સરકાર સહીત પશ્ચીમી જગતની તમામ મુડીવાદી સરકારોએ પોતાના રાષ્ટ્રની વેન્ટીલેટર પર ચાલતી અર્થવ્યવસ્થાને બચાવવા માટેના 'બુસ્ટઅપ ડોઝ' જાહેર કરવા માંડયા છે. જુદા જુદા દેશોએ પોતાના દેશની જીડીપીના ૫, ૧૦, ૧૨ ટકા ખર્ચીને પોતાની ઇકોનોમીને પાટે લાવવા પ્રયત્નો કરવા માંડયા છે. મઝાની બીજી એક વાત બની છે. ઔધ્યોગીક સંસ્કૃતીએ જે મુડીવાદી અર્થતંત્રનું સર્જન કર્યું છે તેના રક્ષણ અને વીકાસ માટે બૌધ્ધીક જ્ઞાનનું સર્જ કર્યું છે. તેવા જ્ઞાનના આ બધા તમામ અર્થશાસ્રીઓ દા.ત આદરણીય ભુતપુર્વ વડાપ્રધાન મનમોહન સીંગ, ભુતપુર્વ આર બી આઇ ના ગર્વનર પ્રો રઘુ રાજન, નોબેલ વીજેતા અભીષેક બેનરજી અને વીશ્વના બીજા દેશોના નામંકીત અર્થશાસ્રીઓ તે જ્ઞાનના વાહકો છે. ટેકેદારો છે. મુડીવાદી પ્રથાએ જે આટલા મોટાપાયા પર અમાનવીય અનીષ્ટોનું સર્જન કર્યું છે,( દા.ત આપણો સ્થળાંતરીત મજુરોનો પ્રશ્ન) તથા રાજકીય અને આર્થીક સત્તાનું કેન્દ્રીકરણ જેવા દુષણો પેદા કર્યા છે તેમાં રહીને જ તેમાંથી બહાર નીકળવાના ઉપાયો બતાવે છે! મોદીજીનું આર્થીક તંત્ર તો પેલી વૈશ્વીક મુડીવાદી ગ્રાન્ડ ડીઝાઇન પ્રમાણે કામ કરતું એક પ્યાદાથી વધારે કાંઇ નથી તે આપણે અમેરીકાના રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પે ક્વીનાઇનની ગોળીઓ માટે જે વલણ લીધું અને પછી મોદી સરકારે જે ફેર નીર્ણય કર્યો તેના પરથી સમજ્ શકાય તેમ છે.

તો તેમાંથી બહાર નીકળવાનો ઉપાય શો? હવે પછીના લેખમાં....