Saturday, September 16, 2023

વિશ્વના કોઇપણ ખુણે નિવાસ કરતા વિશ્વ નાગરિક માટે,

     

વિશ્વના કોઇપણ ખુણે નિવાસ કરતા વિશ્વ નાગરિક માટે, માનવ કેન્દ્રી,સર્વાંગી વિકાસ માટેની વિચારસરણી કેવી હોઇ શકે? જે વિચારસરણીનો આધાર કોઇ ધર્મ ન હોય,કોઇ ઝનુની રાષ્ટ્ર કે તેના નેતા પ્રત્યેની પુજા,ભક્તિ ન હોય;એવી લોકશાહી રાજ્ય,અર્થ, સમાજ અને બંધારણીય પ્રણાલી ન હોય જેને જાતભાતની રેવડીઓ કે પ્રલોભનો આપીને હાઇજેક કરી શકાય!.એવી વિચારસરણી જે ભૌતીકવાદી કે વાસ્તવાદી હોય, પૃથ્વી પર વ્યક્તિગત માનવ કલ્યાણ માટે કુદરતી સંશાધનોના ઉપયોગની તરફેણ કરતી હોય, ન કે મૃત્યુ પછીના કલ્યાણ માટે. માનવ સમસ્યાઓનો ઉકેલ નિરંતર વિકસતા જ્ઞાન–વિજ્ઞાન આધારિત હોય.

 ઉપર પ્રકારના ચિંતનને વિશ્વ માનવવાદી પણ સ્વતંત્ર, રેશનલ અને સેક્યુલર નૈતીકવાદી મુલ્યો આધારીત ચિંતન તરીકે ઓળખે છે,સમજે છે. સને ૧૯૩૩, ૨૦૦૩ વિ. વર્ષોમાં વિશ્વભરના ઉપરની વિચારસરણી અનને ચિંતનને લક્ષમાં રાખીને માનવવાદીઓ, જુદાજુદા ક્ષેત્રોમાં નોબેલ પુરસ્કાર મેળવેલ મહાનુભવો વિ, ભેગા મલીને " માનવવાદી ઢંઢેરા Humanist Manifesto " બહાર પાડયા છે. જે ગુગલ સર્ચમાં સહેલાઇથી અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. મેં તેનો ભાવાનુવાદ કરીને ગુજરાતીના મારા પુસ્તક " ૨૧મી સદી ની વિચારસરણી વૈશ્વીક માનવવાદ" નામના પુસ્તકમાં પ્રકાશિત પણ કરેલ છે.

     પરંતુ તે બધા કરતાં પણ અતિ ઉત્તમ પ્રયત્ન મહાન માનવવાદી ચિંતક એમ. એન. રોયે સને ૧૯૪૮માં તેમના સાથીઓ સાથે બહાર પાડયો છે. જે ૨૨ માનવવાદી સિધ્ધાંતો તરીકે ઓળખાય છે તેના અંગ્રેજીનો ગુજરાતીમાં ભાવાનુવાદ એ સમયના અમારા સાથી દિવંગત પ્રો. દિનેશભાઇ શુક્લે કર્યો છે. મારો પ્રયત્ન એ રહેશે કે હું દરરોજ બે સીધ્ધાંતો પ્રથમ મુળ સ્વરૂપે ગુજરાતીમાં રજુ કરીશ. સાથે સાથે તે બે સિધ્ધાંતોનું બની શકે તેટલું મર્યાદિત શબ્દોમાં સમજાવવાની કોશીષ કરીશ.

ફેસબુક તથા વોટ્ટસઅપ મિત્રો સદર સિધ્ધાંતો ઉપર પોતાના વૈચારીક તારણો રજુ કરશે, તે બધું બૌધ્ધીક સાહિત્ય અમે પ્રકાશન કરવાનું પણ આયોજન કરેલ છે. તે અંગે સાથી મિત્રોની એક પસંદગી સમિતિનું પણ આયોજન કરી, તે બધા સાથે પરામર્શ કરીને પુસ્તક બહાર પાડીશું. આપ સૌના સહકારની અપેક્ષાએ. ગુજરાતી સાથે અંગ્રેજીમાં તમામ ૨૨ સિધ્ધાંતો ઉપલબ્ધ છે.મોટી સંખ્યામાં ફેસબુક મિત્રોને અભ્યાસની દ્રષ્ટીએ અંગ્રેજીમાં પણ તે સિધ્ધાંતોમાં રસ હશે તો હવે પછી બંને ભાષામાં નિયમિત રજુ કરીશું.

 

 

                      સિધ્ધાંત એક

 મનુષ્ય સમાજનો આદર્શ છે, સહકારપુર્ણ સામાજીક સંબંધો વ્યક્તિની સંભાવ્ય ક્ષમતાઓના વિકાસમાં ફાળો આપે છે.પણ વ્યક્તિનો વિકાસ એજ સામાજીક પ્રગતિનું માપ છે. સામુહિકતામાં વ્યક્તિઓનું અસ્તિત્વ અભીપ્રેત છે. વ્યક્તિઓ જેનો ખરેખર અનુભવ કરે છે તે સ્વાતંત્ર્ય અને કલ્યાણના રાશિ સિવાય 'સામાજીક મુક્તિ' અને 'સામાજીક પ્રગતિ' એ એવા કાલ્પનિક આદર્શો બની રહે, જે કદાપી સિધ્ધ થતા નથી. ખરેખરું કલ્યાણ અથવા સુખ તો માત્ર વ્યક્તિ જ ભોગવી શકે. મનુષ્ય સમુદાયના કોઇ પણ સ્વરૂપ (રાષ્ટ્ર, વર્ગ વગેરે)માં સામૂહિક અહંનું આરોપણ કરવું એ સર્વથા અનુચિત છે, કારણકે એનો અર્થ વ્યક્તિનો ભોગ આપવો એવો જ થાય. સામુહિક કલ્યાણ એ વ્યક્તિઓના કલ્યાણનું જ પરિણામ છે.

અર્થઘટન– તમામ સામુહિક એકમો કુટુંબથી શરૂ કરીને રાષ્ટ્ર સુધીના બધાજ વ્યક્તિગત માનવ સુખાકારી માટે જ છે. માનવી તે તમામ સામુહિક એકમોના કલ્યાણનું સાધન બિલકુલ નથી જ. જ્યારે કોઇપણ સામાજીક સમુહ, ધર્મ, રાષ્ટ્ર, વિચારસરણી, રાજકીય પક્ષ, વ્યક્તિના આત્મસમર્પણ, બલિદાન, શહીદ બનવા– બનાવવાના ઉપદેશ આપે ત્યારે તે બધાની ચુંગલમાં ફસાવું ન જોઇએ. માનવી સદીઓથી તે બધા સમુહો સામે મુક્તિ મેળવવા તો સંઘર્ષ કરતો આવ્યો છે. બીજું માનવી એ સામુહિક એકમોની રચના તેના સંરક્ષણ અને વિકાસ માટે કરેલ છે. સુખ વ્યક્તિગત માનવી જ ભોગવી શકે. ટોળું કે સમુહ, બેકાબુ બનીને મારૂ તમારૂ સુખ છીનવી ચોક્કસ શકે! માનવવાદનો પ્રથમ સિધ્ધાંત– હે! માનવી! તારી વફાદારી કોઇપણ સમુહ અને તેના સંચાલકની બુધ્ધિમાં ગીરે મુકતા બે વાર વિચાર કરજે.

                                 સિધ્ધાંત બે.

સ્વાતંત્ર્યની ઝંખના અને સત્ય માટેની ખોજ એ મનુષ્યની–પ્રગતિ પાછળની મુળભુત પ્રેરણાઓ છે.સ્વાતંત્ર્યની ઝંખના એ ઉચ્ચ સ્તરે– બુધ્ધિ અને ભાવના સ્તરે–ખેલાતી અસ્તિત્વ માટેની જૈવીક લડત છે.સત્ય માટેની ખોજ પણ તેની જ આનુષંગિકતા છે.પ્રકૃતિ સંબંધે વધતું જતું જ્ઞાન, મનુષ્યને પ્રાકૃતિક ઘટના તેમજ ભૌતિક અને સામાજીક વાતાવરણના જકડી રાખતા સકંજામાંથી ઉત્તરોત્તર મુક્તિ બક્ષે છે.જ્ઞાનનું વિષયવસ્તુ જ સત્ય છે. 

અર્થઘટન–માનવીય સ્વાતંત્ર્યની ઝંખના કોઇ ઇશ્વરી,ધર્મ,રાજ્ય, કુટુંબના વડીલ કે જ્ઞાતી–વર્ગની મહેરબાનીની ભેટ સોંગાદ નથી. માનવી એક જૈવીક એકમ તરીકે અન્ય સજીવોની માફક ભૌતીક સંઘર્ષ(કુદરતી પરિબળો સામે)માંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરતો આવ્યો છે. કુદરતી પરિબળો સામેના ભૌતીક સંઘર્ષમાંથી મુક્તિ મેળવવા અન્ય માનવીઓનો સહકાર જે અન્યોન્ય હતો તેમાંથી સામુહિક સંસ્થાઓનું સર્જન– વિસર્જન કરતો આવ્યો છે. માનવી જેનો સર્જક છે તેનો ગુલામ કેવી રીતે બની શકે? બીજું માનવી પોતાનું અસ્તિત્વ ટકાવવા તે સત્ય શોધતો આવ્યો છે. જ્ઞાન મેળવતો આવ્યો છે. કુદરતી પરિબળોના નિયમોને સમજવામાં( નહીકે તે પરિબળોની ભક્તિ,પુજાઅર્ચના અને પ્રાર્થના, કાકલુદી કરવાથી) માનવીયે પોતાની વિવેકબુધ્ધીનો ઉપયોગ કરીને જે જ્ઞાન મેળવ્યું, તે જ સત્ય. જેણે પેલા વિનાશકારી પરિબળોમાંથી મુક્ત બનાવ્યો, સ્વતંત્ર બનાવ્યો. દેશ અને દુનિયાની તમામ ધાર્મીક સંસ્થાઓ, તેમાં બિરાજમાન તમામ મુર્તીઓ અને તેના સંચાલન કર્તાઓનો પરોક્ષ અને પ્રત્યક્ષ ધંધો માનવીને ગુલામીમાં પકડી રાખવાની ચકચકિત બેડીઓ–જંજીરો પેદા કરવાનો છે. તેનાથી વિશેષ કાંઇ નથી.                         


--