સનાતન ધર્મ એટલે શું? તેના કોઇ સ્થાપક ખરા? હિંદુ ધર્મ અને સનાતન ધર્મ એક કે જુદા? સ્વામી દયાનંદ સરસ્વતીના આર્યસમાજના ઉપદેશો અને તેઓના પુસ્તક' સત્યાર્થ પ્રકાશ'માં જણાવેલ મુર્તિપુજા, કર્મકાંડ અને જ્ઞાતિપ્રથા નિષેધને સનાતન ધર્મનો એક ભાગ ગણી શું કે હિંદુધર્મનો એક ભાગ? હિંદુધર્મની ચાર વર્ણવ્યવસ્થા અને તેનું જ્ઞાતિ–પેટા જ્ઞાતીઓમાં વહેંચણી તે શું સનાતન ધર્મની નીપજ છે? સનાતન ધર્મમાં માનવ માનવ વચ્ચે સમાનતા અને સામાજીક ન્યાય જેવા માનવ મુલ્યોનું સ્થાન ખરૂ? હિંદુધર્મના સામાજીક ઉંચનીચના વર્ણો અને જ્ઞાતિ આધારીત વ્યવહારો તે શું સનાતન ધર્મની દેન છે?તે બધા સામાજીક દુષણોના સર્વનાશમાં બની બેઠેલા સનાતનના ઠેકેદારો કે કોઇ પ્રતિબધ્ધતાનો લેશ માત્ર અંશ છે ખરો?
જે રીતે સનાતન ધર્મના નામે હિંદુધર્મમાં છૂઆ–છુત,સામાજીક અસમાન–અન્યાયી વ્યવહારો અને કર્મના સિધ્ધાંતના નામે સામાજીક અન્યાયને સ્વીકૃતિ આપવામાં આવે છે તેની સામે આક્રોશ વ્યક્ત કરતાં તામિલનાડુના મુખ્યપ્રધાન સ્ટાલીનના દિકરા ઉદયનનીધીએ જાહેરમાં 'સનાતન ધર્મ'ને જ ડેન્ગુ, મેલેરીયા અને કોવીડ જેવા ચેપી રોગ ગણીને તેને મુળમાંથી નાશ કરવાની સ્પષ્ટ તરફેણ કરી છે.
સને ૧૯૨૫માં દેશમાં,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના બસો વર્ષ પહેલાં,સમગ્ર દક્ષિણભારતમાં સનાતન ધર્મ હિંદુ વર્ણવ્યવસ્થા અને છૂઆછુત વ્યવસ્થાનો એક ભાગ ગણીને તેની સામે ઘણી સામાજીક વિદ્રોહી ચળવળો અસ્તિત્વમાં હતી. કેરલાના રેશનાલીસ્ટ નારાયણ ગુરૂ, તામિલનાડુના વેલર(Vallalar),વિ. બૌધ્ધીકોએ સનાતન ધર્મના નેજા નીચે બ્રાહ્મણવાદે રાજાઓ અને જમીનદારો પાસેથી દાન, દક્ષીણામાં હજારો એકર જમીનોની ખેરાતમાં મેળવી લીધી હતી.તેમના સંચાલિત મંદિરોમાં 'દેવદાસી પ્રથા–વેશ્યાવૃત્તિ' વિ. સામે ખુલ્લો વિદ્રોહ કર્યો હતો.હિંદુ ધર્મમાં પ્રવર્તમાન બિભત્સતાઓ પર પુસ્તકો લખ્યા હતા. ૧૯મી સદીમાં મદ્રાસમાં ' મદ્રાસ સેકયુલર સોસાયટી' ની સ્થાપના થઇ હતી. સને ૧૮૯૨માં તિરૂવંથાપુર મુકામે જ્યારે તમિલ તત્વજ્ઞાની અને સ્કોલર એમ વી પીલ્લાઇ સાથે સ્વામી વિવેકાનંદને, પંથો અને ટોળીઓના ધર્મ પરિવર્તન પર સંવાદ ચાલતો હતો ત્યારે વિવેકાનંદે શ્રી પીલ્લાઇને પુછયું કે તમારૂ 'ગોત્ર' કયું છે? તરત જ ગૌત્રનું અસ્તીત્વ જ્ઞાતિ આધારીત હોવાથી,અને જ્ઞાતિપ્રથા બ્રાહ્મણવાદનું માનવ સર્જીત સર્જન હોવાથી પિલ્લાઇએ ગુસ્સે થઇને વિવેકાનંદ સામે ખુબજ આક્રોશ વ્યક્ત કર્યો હતો.(Swami Vivekananda was once rebuffed(ધુતકારવુ,કઠોર અસ્વીકાર કરવો) by Tamil scholar-philosopher Manonmaniam Sundaram Pillai over a question on his gotra, linked to caste identity.) પેરીયરે સને ૧૯૨૨માં ઇન્ડીયન રેશનાલીસ્ટ સોસાયટીની સ્થાપના કરી હતી અને તે તેના પહેલા પ્રમુખ હતા.પેરીયરે ગાંધીજી સામે આઝાદીની ચળવળમાં વિદ્રોહ કરીને કોગ્રેંસમાંથી નીકળી જવાના કારણમાં જણાવ્યું હતું કે જ્યાંસુધી તમે સૌ પ્રથમ હિંદુધર્મ અને જ્ઞાતિપ્રથાના સર્વનાશની ચળવળ નહી ચલાવો ત્યાંસુધી તે ધર્મમાંથી દલિતો, સ્રીઓ અને વંચિતોના સામાજીક શોષણના 'ચરખા' બંધ થવાના નથી. તે તમારી આઝાદી પછી પણ ચાલુ રહેવાના છે.
વર્તમાન તામિલનાડુના મુખ્યપ્રધાન સ્ટાલિનને તેઓનું નામ સ્ટાલિન પાડનાર પિતા કરૂણાનીધી, અન્નાદુરાઇ, પેરીયર વિ ના ડીએનએમાંથી ઉદયનનીધી સ્ટાલીનનું સર્જન થયેલું છે જે કદાચ દિલ્હી દરબારને ખબર નહિ હોય!