Wednesday, September 27, 2023

સિધ્ધાંત અઢાર–

સિધ્ધાંત અઢાર–

નવી સમાજ વ્યવસ્થાના અર્થકારણનો પાયો માનવ જરૂરીયાતના સંદર્ભમાં, ઉપયોગ અને વિતરણ માટેનું ઉત્પાદન હશે. તેના રાજકીય સંગઠનમાં સત્તાના પ્રતિનિધાનને(delegation of power)બાકાત રાખવામાં આવશે, કારણકે સત્તાનું પ્રતિનિધાન,(delegation of power)વ્યવહારમાં લોકોને સત્તાધારકો પરના અસરકારક અંકુશથી વંચિત રાખે છે. તેથી, નવી સમાજવ્યવસ્થામાં રાજકીય સંગઠન, લોકસમિતિઓ દ્રારા સમગ્ર પુખ્ત મતદાર સમુહની પ્રત્યક્ષ સામેલગીરી પર પ્રતિષ્ઠિત થયેલું હશે.જ્ઞાનનું સાર્વત્રિક વિતરણ,વૈજ્ઞાનીક તેમજ સર્જનાત્મક પ્રવૃત્તીઓ માટે વધુમાં વધુ મોકળાશ અને પ્રોત્સાહન અને ઓછામાં ઓછા અંકુશ–આ સિધ્ધાંતો નવી વ્યવસ્થાના સંસ્કારના આધાર સ્તંભ બનશે. તર્કવિવેકબુધ્ધી(રેશનાલીટી) અને વિજ્ઞાન પર આધારિત આ નવો સમાજ અવશ્ય આયોજીત સમાજ હશે.પણ વ્યક્તિસ્વાતંત્રયને પોતાના મુખ્ય ઉદ્દેશ તરીકે ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું  આયોજન હશે. નવો સમાજ રાજકીય,આર્થિક અને સાંસ્કૃતિક રીતે લોકશાહી સમાજ હશે.પરિણામે પોતાનું રક્ષણ કરવા શક્તિમાન એવો એ લોકશાહી સમાજ હશે.

                          

   સિધ્ધાંત ઓગણીસ–

સ્વાતંત્ર્યના નવા જગતનું નિર્માણ કરવાના નિર્ણયથી સંગઠિત થયેલા,સાચા અર્થમાં મુક્ત મનુષ્યોના સહિયારા પુરુષાર્થથી 'રેડીકલ ડેમોક્રેસી'નો આદર્શ સિધ્ધ થશે. આવા મુકત પુરૂષો લોકોના થનાર શાસકો કરતાં, વિશેષતો, માર્ગદર્શક, મિત્ર અને ફીલોસોફરો તરીકે વર્તશે. સ્વાતંત્ર્યના ધ્યેય સાથે સુસંગતતા એવો તેમનો રાજકીય વ્યવહાર,તર્કવિવેકબુધ્ધિ( રેશનાલીટી)આધારિત તેમજ નૈતિક હશે. સ્વાતંત્રય માટેના લોકોના સંકલ્પથી તેમના પ્રયાસોને બળ મળશે. છેવટે, પ્રબુધ્ધ,જાગૃત લોકમત અને લોકોના બૌધ્ધિક સમર્થન થકી 'રેડીકલ ડેમોક્રેટીક' રાજ્ય ખડું થશે.સત્તાના કેન્દ્રીકરણ સાથે સ્વાતંત્ર્યનો કદાપી મેળ બેસે તેમ નથી એમ જેમને પ્રતીત થયું છે, તેવા 'રેડીકલ હ્યુમેનીસ્ટો' સત્તા કબજે કરવા પ્રયત્ન નહી કરે.

                                                 

 

સિધ્ધાંત વીસ–

અંતિમ પૃથ્થકરણની દ્રષ્ટીએ જોઇએ તો, વ્યક્તિ સ્વાતંત્ર્યનો લોપ

 કર્યા સિવાય, સૌ ના વિકાસ અને સમૃધ્ધિમાં સૌ સહાયરૂપ થાય એવા સમાજના પુનર્ઘડતર માટે નાગરિકોનું શિક્ષણ એ એક આવશ્યક શરત છે. લોકસમિતિઓ એ નાગરિકોના રાજકીય અને નાગરીક શિક્ષણ માટેની તાલીમશાળા બની રહેશે. 'રેડીકલ ડેમોક્રેટીક' રાજ્યનું માળખું અને કાર્ય નિષ્પક્ષ વ્યક્તિઓને જાહેર જીવનમાં આગળ પડીને કામ કરવા શક્તિમાન બનાવશે. રાજ્યની શાસનધુરા આવી વ્યક્તિઓના હાથમાં આવતાં એક વર્ગ દ્રારા બીજા વર્ગ પર જુલમ કરવાના સાધન તરીકે, રાજ્ય મટી જશે. સત્તાસ્થાનો શોભાવતા, આંતરિક(માનસિક)અને બાહ્ય અવરોધોમાંથી સંપુર્ણ રીતે મુક્ત મનુષ્યો જ ગુલામીની તમામ જંજીરો તોડી શકે, અને સૌ માટે સ્વાતંત્ર્યના યુગનો પ્રકાશ ફેલાવી શકે.

 સિધ્ધાંત એકવીસ–

રેડિકાલિઝમ, વિજ્ઞાનને સામાજિક સંગઠનમાં સમન્વિત કરે છે, અને વ્યક્તિમત્તા તથા સામુહિક જીવન વચ્ચે સુમેળ સાધે છે.તે સ્વાતંત્ર્યમાં નૈતિક–બૌધ્ધિક તેમજ સામાજીક તત્વનું ઉમેરણ કરે છે, અને સામાજીક પ્રગતિનો સર્વગ્રાહી સિધ્ધાંત રજુ કરે છે, જેમાં આર્થિક નિયતિવાદની દ્વંદ્વાત્મકતા અને વિચારોની ગતિશિલતા,બંન્ને ને યોગ્ય સ્વીકૃતિ પ્રાપ્ત થાય છે. ઉપરાંત, રેડિકાલિઝમ, એ બંન્નેમાંથી આપણા યુગને અનુરૂપ સામાજીક ક્રાંતિ માટેનાં કાર્યક્રમ અને પધ્ધતિ તારવી કાઢે છે.

                                                               

  સિધ્ધાંત બાવીસ–

રેડિકાલિઝમ," મનુષ્ય જ બધી જ વસ્તુઓનો માપદંડ છે ", એવા પ્રોટાગોરાસના વિધાન અથવા " મનુષ્ય જ મનુષ્ય જાતિનું મૂળ છે ", એવા કાર્લ માર્કસના વિધાનથી આરંભ કરે છે, અને આંતરિક(માનસિક)અને બાહ્ય અવરોધોમાંથી સંપુર્ણ રીતે મુક્ત એવા નૈતીક મનુષ્યોના સહિયારા પુરૂષાર્થ વડે સ્વતંત્ર મનુષ્યોના રાજ્ય તથા એક બંધુસમાજ તરીકે જગતની પુનર્રચના કરવાની હિમાયત કરે છે.

માનવવાદના ૨૨ સિધ્ધાંતો અત્રે પુર્ણ થાય છે. આભાર.

 

 


--