Sunday, September 17, 2023

માનવવાદી–સિધ્ધાંત ત્રણ.

          માનવવાદી–સિધ્ધાંત ત્રણ.

વૈયક્તિક તેમજ સામૂહિક, બૌધ્ધીક મનુષ્ય પુરુષાર્થનો હેતુ ઉત્તરોત્તર વધુ ને વધુ સ્વાતંત્ર્ય મેળવવાનો છે.સમાજયંત્રના ચક્કરના દાંતા તરીકે નહીં,પણ મનુષ્યો તરીકે વ્યક્તિઓમાં જે સંભાવ્ય ક્ષમતાઓ રહેલી છે, તેના વિકાસની આડેના તમામ અવરોધો ધીરે ધીરે અદ્રશ્ય થતા જાય તેનું નામ સ્વાતંત્ર્ય. કોઇપણ સામુહિક પુરુષાર્થ અથવા સામાજીક સંગઠન કેટલા પ્રમાણમાં પ્રગતીશીલ છે,અને કેટલા પ્રમાણમાં મુક્તિદાયક છે, તેનું માપ તેમાં વ્યક્તિનું કેવું સ્થાન છે, તેને આધારે કાઢી શકાય. કોઇ પણ સામૂહિક પુરુષાર્થની સફળતાની કસોટી તેના ભાગરૂપ વ્યક્તિને ખરેખર કેટલો લાભ થયો, તેને આધારે નક્કી કરવી જોઇએ.

                            – અર્થઘટન–

 માનવી તરીકે જીવવું એટલે કુદરતી અને માનવ સર્જિત વિઘાતક પરિબળોમાંથી મુક્ત થવા વ્યક્તિગત અને સામુહિક પ્રયત્ન કરવો.તે જ સ્વાતંત્ર્યની સાચી વિભાવના છે. ત્રણ નંબરના સિધ્ધાંતમાં એક ખુબજ મહત્વના વાક્યનો પયોગ કર્યો છે.માનવીનો ઉપયોગ "સમાજયંત્રના ચક્કરના દાંતા તરીકે થવા માટે સર્જન થયેલ  નથી." માનવી કોઇપણ સામુહિક એકમોના હિતો સાધવાનું સાધન બિલકુલ નથી. એટલું જ નહી,પણ માનવીએ કોઇ યાંત્રિક એકમ નથી જે 'હુકમ કરો અને તાબે થાય'." Command & Obey". તમામ સામાજીક પ્રયત્નો અને સંગઠનોની સફળતાનો માપદંડ તે બધા માનવ મુક્તિદાતા છે કે માનવીને તેમના ચરખાના શોષણના સાધન તરીકે ઉપયોગ કરે છે તે નક્કી કરવામાં રહેલો છે.

                                                       સિધ્ધાંત ચાર.

     નિયમ–નિયંત્રિત ભૌતીક પ્રકૃતિની પશ્ચાદભુમિકામાંથી મનુષ્યનો આવિર્ભાવ થયો હોવાથી મનુષ્ય પણ તત્વત: બૌધ્ધીક જ છે. બુધ્ધિ એ જૈવીક ગુણધર્મ હોવાથી તે મનુષ્યની સંકલ્પશક્તિથી વિપરિત હોઇ શકે નહી. બુધ્ધિમતા અને ભાવના એક જ જીવશાસ્રીય ઉદ્ગગમસ્થાન ધરાવે છે,એમ ઘટાવી શકાય. આથી ઐતિહાસીક નિયતિવાદ(નિયમશાસિત) મનુષ્યની મુક્ત સંકલ્પશક્તિને બાકાત કરતો નથી. હકીકતમાં તો, મનુષ્યની સંકલ્પશક્તિ એ (ઇતિહાસનું સર્જન કરવામાં) સૌથી નિર્ણાયક પરિબળ છે. જો એમ ન હોય તો ઇતિહાસની (માનવ) બુધ્ધિનિર્મિત યોજનામાં ક્રાંતિઓ માટે કશો જ અવકાશ ન રહે. નિયતિવાદના બૌધ્ધિક અને વૈજ્ઞાનિક ખ્યાલ સાથે અંતિમ હેતુવાદી અથવા પૂર્વર્નિશ્ચિતવાદી ધાર્મિક સિધ્ધાંતને ન ગુંચવવો જોઇએ.

અર્થઘટન– માનવવાદના ૨૨ સિધ્ધાંતોમાં સિધ્ધાંત નંબર ૨ અને ૪ 'नीव कि इंट है। તે તત્વજ્ઞાનના આધાર પર માનવવાદનો પરિમીડનો પાયો ઉભો છે. માનવી કુદરતનો એક ભાગ છે. પણ કુદરત નિયમબધ્ધ છે. કુદરતી પરિબળો તમામ નિયમબધ્ધ છે. માટે માનવી કુદરતનો એક ભાગ હોવાથી તેની તમામ વૃત્તી–પ્રવૃત્તીઓ પણ નિયમબધ્ધ જ હોવાની!. તેનો સાદો સીધો અર્થ એ થાય છે કે કુદરતી પરિબળોનું સંચાલન– નિયમન ઇશ્વરીકે દૈવી નથી. કુદરતી પરિબળોના નિયમો નિયમબધ્ધ હોવાથી માનવી અન્ય સજીવોની માફક જ પોતાની તર્કબુધ્ધિથી તે નિયમોનો સમજીને પોતાનો જીવવાનો માર્ગ પસંદ કરે છે. આ બધા નિયમોને સમજવામાં ભુલોનું પરિણામ ઘાતક હોય છે. માનવી અને તેના સર્જીત સમાજનો ભૌતીક અને બૌધ્ધીક વિકાસ (રેશનાલીટી) કુદરતી નિયમબધ્ધતાની સમજ પર આધારીત છે.

લાગણી અને વિવેકબુધ્ધી બંને માનવીય જીજીવિષાનો ભાગ છે. જુદા નથી. તેમના બંનેના ઉદ્રગમસ્થાન જુદા નથી.એક જ છે. તેમાંથી વિકસેલી સંકલ્પશક્તિ માનવીને વર્તમાન સ્થિતિમાં ફેરફાર કરવા, પરિવર્તન લાવવાનું ચાલક કે પ્રેરકબળ બની જાય છે. સંકલ્પશક્તિ ઇશ્વરી સર્જન કે પુર્વનિર્ણીત (Predestined) હોઇ શકે નહી.


--