(7) રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમ–
હું મારૂ પ્રવચન પુરૂ કરૂ તે પહેલાં વાણી સ્વાતંત્રય અને રાષ્ટ્રવાદના સંદર્ભમાં વધુ બે મુદ્દાઓની ચર્ચા કરવી છે. પ્રથમ મુદ્દો છે સર્વૌચ્ચ અદાલતના 'રાષ્ટ્રગીત' ' નેશનલ એથંમ' બાબતે કરેલા ચુકાદા અંગે. આ ચુકાદો એમ જણાવે છે કે દરેક સીનેમા થીયેટરમાં જનારે ચલચીત્ર શરૂ થાય પહેલાં રાષ્ટ્રગીત શરૂ થાય તેના માનમાં પોતાની સીટ પરથી ઉભા થવું ફરજીયાત છે. કેમ? દરેકના મનમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદ માટે પ્રતીબધ્ધ લાગણીનું સીંચન થાય માટે!( Instill a feeling within one a sense of committed patriotism and nationalism.) આવો વચગાળાનો હુકમ, જેનો કોઇ અગાઉના સમયમાં રીવાજ કે નીયમ પ્રસ્થાપીત ન થયો હોય તેવો અને બંધારણના હાર્દથી તદ્દ્ન વીરૂધ્ધનો હુકમ અને આપણી તર્કવીવેકશક્તી (રીઝનનીંગ) સહેલાઇથી સ્વીકારતી ન હોય તેવા હુકમને કેવી રીતે આપવામાં આવ્યો? તમે કોઇને રાષ્ટ્રગીત ગાવાની ફરજ કેવીરીતે પાડી શકો? જેમ દેશા નાગરીકને પોતાની અભીવ્યક્તીનું સ્વાતંત્રય છે, વાણી સ્વાતંત્રય છે તેમ નહી બોલવાનું કે કશું વ્યક્ત નહી કરવાનું પણ સ્વાતંત્રય છે. આતો કોર્ટે કાયદાના ઓથા નીચે પ્રવેશ કરીને આપણા મુળભુત અધીકારો પર નીયંત્રણ લાવી દીધુ છે.
આ મુદ્દે ઇન્ડીયન એક્સપ્રેસના કોલનીસ્ટ ભાનુપ્રતાપે જણાવ્યું છે કે ઉદારમતવાળી લોકશાહીમાં એક પાયાની મુળભુત હકીકત ભુલાઇ ગઇ છે. ' લોકશાહીમાં જે દરેક સારૂ હોય , આવકારવાદાયક હોય તેને કાયદાથી ફરજીયાત બનાવાય નહી.' જ્યારે કોઇ નીયમને ફરજીયાત કરવામાં આવે છે ત્યારે તેનો હેતુ જ મરી પરવારે છે. આવા કોર્ટના નીર્ણયને આપણે 'ફરજીયાત રાષ્ટ્રવાદ' " Conscripted nationalism " તરીકે ઓળખીશું.
મને સારી રીતે સમજાય છે કે જે લોકો રાષ્ટ્રપ્રેમી છે તે બધા જ્યારે સીનેમા હોલમાં રાષ્ટ્રગીત શરૂ થશે ત્યારે ચોક્ક્સ ઉભા થશે. પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતના હુકમે પ્રજાના રાષ્ટ્રગીત સાથેના જે સંબંધો ક્રમશ: વીક્સેલા હતા તેને જ પોતાના હુકમથી બદલી નાંખ્યા છે. ખરેખર સદર હુકમે તેનું મહત્વ જ ઘટાડી દીધુ છે. જ્યારે સીનેમા હોલમાં રાષ્ટ્રગીત ગવાશે ત્યારે આ હુકમ મુજબ બધા ઉભા થશે. પણ નામદાર કોર્ટ એ સમજવામાં ઉણી ઉતરી છે કે લોકોની રાષ્ટ્રગીતના માનમાં ઉભા થવાની ક્રીયા એક યાંત્રીક વર્તન બની ગયું છે. જે રાજ્યદંડના ભયથી અથવા બીજું કોઇ મારશે તેવા ભયથી અમલમાં મુકાય છે. તે વર્તનમાં સીનેમા જનારાના રાષ્ટ્રપ્રેમનું કોઇ પ્રતીબીંબ રજુ થતું નથી.
તેવીજ રીતે લોકોને જે ખાવું છે તેને અટકાવાથી અથવા ન ખાવા દેવાથી, તે બધાને જે રીતે જીવવું છે તેને બદલે બીજી જીવન પધ્ધતી ભય, ધાક ધમકી કે અન્ય કૃત્યોથી થોપી દેવાથી કોઇ રાષ્ટ્રપ્રેમ પેદા થતો નથી. કે આવા કૃત્યોથી રાષ્ટ્રીય એકતાનું સમાજમાં સર્જન થતું નથી. આતો દગાબાજીથી થોપી દેવાતો સાંસ્કૃતીક રાષ્ટ્રવાદ( Insidious form of cultural nationalism) છે. હમણાંજ આર એસ વડા મોહન ભાગવતે ગૌવંશ કતલ પર રાષ્ટ્રીય કાયદા દ્રારા પ્રતીબંધ મુકવાની તરફેણ કરી છે. ભારત જેવા વીવીધ સામાજીક અને અંગત જીવન પધ્ધતી જીવતા દેશમાં એક જ વીચારસરણી કે જીવન પધ્ધતી તે પણ કાયદાના જોરે તથા અને બીન લોકશાહી રીતરસમોથી થોપી દેવામાં આવે તે કેટલું વ્યાજબી છે? આ લોકોને ખબર છે ખરી કેરાલા અને ઉત્તરપુર્વી રાજ્યોની પ્રજાનો ગૌ માંસ (બીફ) મુખ્ય ખોરાક ( સ્ટેપલ ડાયેટ) છે? આપણે ઘણાબધા સમાચારોમાં સાંભળીએ છીએ કે ઉત્ત્રરપ્રદેશમાં ખાસ કરીને મુસ્લીમ કસાઇઓના કતલખાના બંધ કરાવવા તુટી (ક્રેકડાઉન)પડ્યા છે. લાખો લોકોમાં ભયંકર ભયનું વાતાવરણ પેદા થયું છે. તે બધાને પોતાની સ્થીર રોજગારીની તકો જાણે કાયમ માટે છીનવાઇ ગઇ હોય તેમ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આપણી સમક્ષ તાજેતરમાં ગુજરાતના ઉના શહેરમાં સાત દલીત યુવાનોને કહેવાતી ગાયની કતલ કરી છે તેના ઓથા હેઠળ ગૌ રક્ષકો દ્રારા તે બધાને બાંધીને મારવામાં આવ્યા હતા. આપણે દાદરીના અખલખ કે જેને સંગઠીત ટોળાએ ગાયનું માંસ ખાધુ છે તેવો આક્ષેપ કરીને રહેંસી નાંખ્યો હતો તેને કેવી રીતે ભુલી શકીએ! અને અખલખના કેસમાં ફોરેનસીક લેબમાં તપાસ માટે અખલખનું શરીર ન મોકલવામાં આવ્યું કે જેના પર ગૌમાંસ ખાવાનો આક્ષેપ હતો. પણ તેના ફ્રીજમાં મુકેલા ખોરાકને જે તે લેબમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો હતો. ( શાબાશ, દેશના કાયદા રક્ષકોને!– લી.ભાવાનુવાદ કરનાર) શું આ દેશમાં માનવીની જીદંગીનું આટલું જ મુલ્ય છે! કોઇના પર ફરજથી લાદવામાં આવેલો રાષ્ટ્રવાદ શું સાચી જીવન સંસ્કૃતી ફેલાવી શકે? સાચા સાંસ્કૃતીક વારસાના વીકાસ માટે કોઇ ભૌગોલીક કે સામાજીક સીમાઓ બીલકુલ નડતી નથી.
" અન્યાય સામેના સંઘર્ષમાં જો તમે શાંતી રાખી મુગા બેસી રહો તો એમ સાબીત થાય છે કે તમે પેલા જુલ્મીની સાથે જ છો." ( ફાધર દેસમંડ ટુટુ. દક્ષીણ આફ્રીકામાં આઝાદીની ચળવળમાં નેલ્સન મંડેલાનો એક અગત્યનો સાથી. )
કોઇપણ રાષ્ટ્રની તાકાતનો માપદંડ નાગરીકોના એક સરખા સમાન બીબાઢાળ વીચારસરણીમાં સમાયેલો નથી. તેના નાગરીકો તરફથી છાશવારે પ્રદર્શીત થતા રાષ્ટ્રવાદની જુમલાશાહીમાં પણ નથી. રાષ્ટ્રની સાચી તાકાતનું પ્રદર્શન તેમાં છે જ્યારે તેના નાગરીકો તરફથી ક્રાંતીકારી વીચારો વ્યક્ત કરવામાં આવે તેમ છતાં સામાન્ય પ્રજાજન આવા વીચારોથી લેશમાત્ર ગભરાય જ નહી. જ્યારે દેશમાં વૈચારીક સ્વાતંત્રય અને મુક્ત અખબારી સ્વાતંત્રય પ્રવર્તમાન હોય અને સરકારની ટીકા કોઇપણ જાતના ભય વીના કરી શકાતી હોય, જ્યારે નાગરીકો બીજા નાગરીકો સામે પોતાનાથી ભીન્ન મત રજુ કરવા હીંસા નો સહારો ન લેતા હોય તેમાં જ દેશની સાચી તાકાત સમાયેલી હોય છે.
હું મારૂ આ વ્યક્તવ્ય મારા પ્રીય કવી ફૈઝ અહેમદ ફૈઝની નીચે મુજબની પંક્તીઓથી પુરૂ કરીશ.
" બોલ, કારણકે તારા હોઠો હજુ બંધ થયા નથી.
બોલ! કારણકે જીભ હજુ તારી જ છે, કોઇએ સીવી લીધી નથી.
બોલ! હજુ આ ટટ્ટાર શરીર તારૂ જ છે, હજુ આ જીંદગી પણ તારી જ છે.
તારા શરીર અને જીભનું મૃત્યુ થાય પહેલાં ઘણ બધુ બોલવા માટે થોડો સમય છે.
તને જે સત્ય લાગે તે બોલી નાંખ, હજુ તું મૃત્યુ પામ્યો નથી." ફૈજ અહેમદ ફૈજ.