Tuesday, May 2, 2017

ભૌતીકવાદ રેશનાલીઝમ અને કુદરતનીયમબધ્ધ છે.

ભૌતીકવાદ અને રેશનાલીઝમ– ( વક્તા –મનીષી જાની)

  સમગ્ર માનવજાતને લક્ષમાં લેતાં મનીષીભાઇએ જણાવ્યું હતું કે આપણા દેશની જેમ પશ્ચીમના ગ્રીકસમાજમાં પણ ભૌતીકવાદી વીચારસરણીના પ્રાથમીક પ્રવાહો આશરે ૨૫૦૦ વર્ષ પહેલાં જોવા મળે છે. ભારતમાં ચાર્વાક, ગૌતમબુધ્ધ અને તત્વજ્ઞાનની છ શાખાઓમાંથી મોટા ભાગની શાખાનું વૈચારીક દર્શન ભૌતીકવાદી હતું. શંકરાચાર્યના બ્રાહ્મણવાદી તત્વજ્ઞાન " જગત મીથ્યા અને બ્રહ્મ સત્ય" ની વીચારસરણીને કારણે બૌધ્ધધર્મનો દેશનીકાલ કરવામાં આવ્યો હતો. ચાર્વકના ભૌતીકવાદી સાહીત્યને નામશેષ કરી નાંખવામાં આવ્યું હતું. બૌધ્ધધર્મ અંગીકાર કરનારાઓ માટે બે વીકલ્પો હતા. કાંતો દેશમાંથી ભાગી જવું  અથવા પાછા બ્રાહ્મણધર્મ પ્રેરીત વર્ણવ્યવસ્થામાં ધર્મપરીવર્તન કરીને અછુત તરીકે દરેક ગામની બહાર મીલકત વીહોણા 'બ્રોકન મેન' તરીકે દાસત્વ સ્વીકારીને જીવવું.

 ગ્રીક સમાજમાં ભૌતીકવાદી અને નીરઇશ્વરવાદી વીચારોના પ્રસાર માટે ફક્ત સોક્રેટીસને ઝેર પીવું પડયું ન હતું. સોક્રેટીસ જેવી પરીસ્થીતીમાંથી જાન બચવવવા એરીસ્ટોટલને એથેન્સમાંથી છાનામાના નાસી જવું પડયું હતું. બીજા ગ્રીકચીંતક પ્રોટોગોરસ જેણે ઇશ્વરની જગ્યાએ માનવીને કેન્દ્રમાં મુકીને જાહેર કર્યું કે કોઇપણ પ્રવૃતી માનવીને કેટલું ભૌતીક સુખ આપશે તે જ તેનો માપદંડ હોવો જોઇએ. ( The man is the measure of everything.) પ્રોટાગોરસના બધાજ સાહીત્યને સળગાવી દેવામાં આવ્યું હતું અને તે પણપોતાનો જીવ બચાવવા એથેન્સ છોડીને ભાગી ગયો હતો. ડાયોજીનસ જેવા નીરઇશ્વરવાદી હોવાને કારણે સતત રંજાડી અને પછી ત્રાસ આપીને (PERSECUTED) મારી નાંખવામાં આવ્યો હતો.

વીશ્વમાં બંને સ્થળોએ ભૌતીકવાદી ક્રાંતીનો આધાર મર્યાદીત વૈજ્ઞાનીક જ્ઞાનને કારણે આગળ વધી શકયો નહી. પરંતુ બીજા અનેક કારણોસર આશરે એક હજાર વર્ષના અંધારયુગ પછી પશ્ચીમના દેશોમાં તેનું પુન;ઉત્થાન થઇ  શક્યું. જ્યારે ભારત તે અંધકાર–  અ–જ્ઞાન યુગને જ હજુ ભજતુ ને પુજતું રહ્યું છે.

આધુનીક ભૌતીકવાદનો પાયો લગભગ ૧૫મી સદીથી શરૂ થયો કહેવાય. ન્યુટન, કોપરનીકસ, બ્રુનો, ગેલેલીયો થી શરૂ થયેલી જ્ઞાન–વીજ્ઞાનની અવીરત શોધોએ ૧૯મી સદીમાં ચાર્લસ ડાર્વીન અને કાર્લ માર્કસ સુધીમાં તે ચરમસીમાએ પહોંચી ગઇ. બંને એ સાબીત કરીદીધું કે આ પૃથ્વીનું અંતીમ તત્વ ફક્ત એક જ છે. તે ભૌતીક પદાર્થ (મેટર) છે. બધાજ ધર્મોએ જડ અને ચેતન, આત્મા અને શરીર, માનવ શરીર અને માનવ મગજ કે મન આવા જે બે ભાગો પાડયા હતા તેનો આધાર ડાર્વીનના ઉત્કાંતીવાદ અને માર્કસ ભૌતીકવાદે તોડી નાંખ્યો. આ વીશ્વ, બ્રહ્માંડ, પૃથ્વી અને માનવ શરીર બધું જ ભૌતીક છે. જે સ્પર્શી શકાય છે, અનુભવી શકાય છે. ઇન્દ્રીયજન્ય અનુભવ( એટલે જે આંખ, નાક,કાન ચામડી અને જીભથી અનુભવી શકાય) અને બાહ્ય નીરીક્ષણની મદદથી માનવ મનને સંદેશા પહોંચાડીને સત્ય શોધી શકાય. પુરાવાવીહીન કોઇ સત્ય હોઇ શકે જ નહી. જે જ્ઞાન હોય તે વસ્તુનીષ્ઠ અને પ્રત્યક્ષ જ હોઇ શકે. કોઇપણ જ્ઞાન કાલ્પનીક કે ધારણાઓ પર અવલંબીત ન હોઇ શકે. આ રીતે રેશનાલીઝમનો આધાર ઇન્દ્રીયજન્ય અનુભવ, બાહ્ય જગતનું નીરીક્ષણ અને તે બંનેના સંયોજનથી મને(HUMAN BRAIN) કાઢેલું સત્ય છે. કોઇપણ સજીવને તેની જીજીવીષા ટકાવી રાખવાનું  જ્ઞાન તેની ઇન્દ્રીયો સીવાય મળે નહી. ઇન્દ્રીયો સીવાય જ્ઞાન પ્રાપ્તીના અનુભવો કાંતો છેતરપીંડી જ હોય છે અથવા માનસીક ભ્રમણા સીવાય બીજું કશું હોતું નથી.

કુદરત નીયમબધ્ધ છે. (વક્તા ધવલ મહેતા.)

   ભાઇશ્રી ધવલ મહેતાના આ વીષય પર વીચારો સમજીએ તે પહેલાં આ પરીસંવાદના હાર્દને સમજીએ. તે છે " ઇશ્વરની ઇચ્છા વીના જ પાંદડુ હલે છે." આજના પરીસંવાદનો હેતુ ધર્મ અને ઇશ્વર આધારીત વીચારસરણીનો વીકલ્પ આપણે પુરો પાડવાનો છે. કુદરત નીયમબધ્ધ છે. તેના નીયમો ઇશ્વરથી માંડીને કોઇના પણ બાહ્ય નીયમન( રેગ્યુલેટર)થી પર છે. તે બધા નીયમોને માણસ પોતાના જૈવીક અને સાંસ્કૃતીક સંઘર્ષમાંથી સતત સમજીને પોતાનું અસ્તીત્વ વીકસાવતો આવ્યો છે. માનવી તરીકે આપણે કુદરતી પરીબળો જેવાકે સુર્ય, વરસાદ,નદી, સમુદ્ર, પવન, આકાશ, દીવસ–રાત વગેરેના અસ્તીત્વમાં કોઇ ફેરફાર કરી શકીએ નહી. પણ તેના સંચાલનના નીયમો સમજીને, તે બધાનો ઉપયોગ માનવીય હીત માટે કરી શકીએ. આવા કુદરતી પરીબળોને સમજવાની પ્રક્રીયામાંથીજ માનવી વીવેકબુધ્ધીવાળો કે રેશનલીસ્ટ બનતો ગયો છે. આ રેશનાલીટીએ માનવીને કુદરતી પરીબળોની અત્યંત ક્રુર અને જુલ્મી અસરોમાંથી ઇશ્વર અને તેના પૃથ્વીપરના પ્રતીનીધીઓની મદદ સીવાય મુક્ત બનાવ્યો છે.આ બધા ઇશ્વરના પ્રતીનીધીઓનું મુખ્ય કાર્ય તો માનવીને તેની વીવેકબુધ્ધી વાપર્યા સીવાય કુદરતી પરીબળો ઇશ્વર નીર્મીત છે એમ સમજાવવાનો છે. તેમનો હેતુ જુદા જુદા તરંગો અને તુક્કાઓનો ઉપયોગ કરીને માનવીને તેની કુદરત સામે ની;સહાયતાનો પોતાના આર્થીક હીત માટે ઉપયોગ કરવાનો હતો. અને આજે પણ છે. આ પરીબળો સામે માનવીને નાચીઝ અને બીનઅસરકારક બનાવીને તે બધાની પુજા–અર્ચનાથી જ તે પણ 'ગોડ્સ એજંટસ ' દ્રારા જ તેમનું કલ્યાણ થઇ શકે. આમ વીશ્વના તમામ ધર્મોએ માનવીને પોતાની બધી સમસ્યાઓના ઉકેલ માટે સંપુર્ણ ઇશ્વર પર આધાર રાખતો કરી દીધો. જેને રેશનાલીઝમ, વીજ્ઞાનઅભીગમની મદદથી બહાર કાઢી સ્વતંત્ર બનાવે છે. " પાંદડુ હલવા પાછળ  ઇશ્વરની મરજી સીવાય કયા કયા કારણો જવાબદાર છે તે શોધી બતાવે છે."

ધવલ મહેતા– આમ વૈજ્ઞાનીક રીતે કુદરતના નીયમો શોધી કાઢી તે પ્રમાણે માનવી તરીકે જીવવાનો આનંદ 'રોમાન્સ' ખુબજ અવર્ણીનીય હોય છે. આમ વીજ્ઞાન કે રેશનાલીઝમનું કામ સત્ય શોધવાનું છે. જયારે ધર્મનું કામ માનવીની વીજ્ઞાનના આધાર સીવાયની શ્રધ્ધાઓને ( અંધશ્રધ્ધા) જકડી રાખીને સમાજની સદીઓથી ચાલુ રહેલી સ્થગીતતા ને ટકાવી રાખવાનું છે. જેમાં કશું નવું શોધાય કે વીચારાય જ નહી.  વૈજ્ઞાનીક સત્ય નવી માહીતી અને પુરાવા મળતાં બદલાતુ રહે છે.

સમગ્ર બ્રહ્માંડ ફક્ત ચાર મુળભુત તત્વોનું બનેલું છે, વાયુ, પ્રવાહી, ઘન અને સજીવ જીવન રસ (પ્લાઝમા). કોઇપણ પદાર્થ ( મેટર)ની અવસ્થા ગમેતે ચારમાંથી એક અથવા એકથી વધારે તત્વોના સંયોજનથી બને છે. વીજ્ઞાન તો રેશનાલીઝમની સર્વોત્તમ સ્થીતી છે. સાથે સાથે રેશનાલીઝમએ માનવીય ઉત્ક્રાંતીનું આખરી સ્વરૂપ છે. હવે આપણી માનવીય ભૌતીક ઉત્ક્રાંતી એ સાંસ્કૃતીક ઉત્ક્રાંતી બની ગઇ છે.

પદાર્થનું સૌથી નાનું એકમ અણુ (એટમ) હતું તે નવા સંશોધનો પ્રમાણે પરમાણું ( સબએટોમીક) થઇ ગયું છે. તેના પણ નાના કણો જેવાકે ઇલોકટ્રોન, પ્લુટોન અને ન્યુટ્રોનમાં વીભાજન થઇ ગયું છે તે હકીકત બની ગઇ છે. વીજ્ઞાને સાબીત કરી દીધુ છે કે  દરેક બનાવની પાછળ કારણ જવાબદાર હોય છે. વીજ્ઞાને દરેક બનતી ઘટનાના કારણો શોધીને " કાર્યકારણ" નો સીધ્ધાંત શોધી કાઢયો છે. જે સાર્વત્રીક રીતે  કોઇપણ બનતી ઘટના અથવા પ્રસંગને લાગુ પડે છે. તેને આધારે વૈજ્ઞાનીક પધ્ધતી પ્રમાણે સમજાવી શકાય છે. 


--