ત્રણ તલાકના સંદર્ભમાં આજનો અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો–
(૧) ભારતમાં કોઇપણ ધર્મનો 'પર્સનલ લો' બંધારણથી ઉપર નથી. બંધારણ સર્વોપરી છે. બીજુ મુસ્લીમ પર્સનલ લૉ પ્રમાણે લગ્ન જો બે વ્યક્તી વચ્ચેનો કરાર હોય તો તે કેવી રીતે ફક્ત પુરુષથી એકતરફી રદબાતલ(Rescind) થઇ શકે?
(૨) જે સમાજમાં મહીલાઓનું સન્માન નથી તે સમાજ સભ્ય સમાજ હોઇ શકે જ નહી.
(૩) કોર્ટનું વધુમાં કહેવું છે કે મુસ્લીમ મહીલાઓ સહીત દેશના તમામ નાગરીકોને બંધારણની કલમ ૧૪, ૧૫, અને ૨૧ હેઠળ મળેલા અધીકારોનું પર્સનલ લો ના નામ પર ઉલ્લંઘન કરી ન શકાય. કોઇપણ મુસ્લીમ પતી એ રીતે તલાક આપી શકે નહી, કે જેનાથી સમાનતા અને જીવનના તમામ મુળભુત અધીકારોનું હનન થતું હોય. કોઇપણ પર્સનલ લો બંધારણના દાયરામાં જ લાગુ કરી શકાય.
(૪) વધુમાં કોર્ટે જણાવ્યું કે તેને ન્યાય વ્યવસ્થાની વીરૂધ્ધનો કોઇ ફતવો માન્ય નથી.
આ ચુકાદાની વીરૂધ્ધમાં ઓલ ઇંડીંયા મુસ્લીમ પર્સનલ લૉ બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના વલીમ રહેમાની જણાવે છે કે ' ત્રણ તલાક મુસ્લીમ મહીલાને મુશ્કેલીઓમાંથી બચાવવા માટે છે. અમે જો અન્ય ધર્મમાં દખલ નથી કરતા તો અમારા ધર્મની બાબતોમાં અન્ય ધર્મીઓએ કોઇપણ પ્રકારનો હસ્તક્ષેપ ન કરવો જોઇએ.' હજુ આ ભાઇ એવા દીવા સ્વપ્ન જોઇ રહ્યા છે કે તેમનો મુસ્લીમ પર્સનલ લૉ આ દેશના બંધારણથી પણ સર્વોપરી છે. અને કાયદાની કોર્ટમાં આ બાબતે દાદ માંગવી એ મુસ્લીમ ધર્મની વીરૂધ્ધની બાબત છે.
(૫) આની સામે વડા મુલ્લા મૌલાના સૈયદ શહાબુદ્દીન સલાફી ફીરદૌસીનો મત છે કે' હું ત્રણ તલાક અને હલાલા લગ્ન પધ્ધતીઓની સખ્ત ટીકા કરૂ છું. નીંદા કરૂ છું. તે ગેરમુસ્લીમ( Un- Islamic) સાધનો છે જેનાથી મુસ્લીમ સ્રીઓનું સખત શોષણ (Oppress) થઇ રહ્યુ છે. મારા મત મુજબ એકદમ તાત્કાલીક બોલીને ત્રણ તલાક આપી દેવા એ તો ઇસ્લામની મશ્કરી સમાન જ છે. અને તે ઇસ્લામની દીકરીઓ સામે ક્રુર વ્યવહાર છે. વધુમા તેઓએ જણાવ્યું હતું કે હલાલા લગ્ન પધ્ધતી તો એક પ્રકારની મુસ્લીમ સ્રી સામે બળજબરીભરી લુંટ અને ડેકોઇટી છે. મુસ્લીમ સ્રીઓના ગૌરવ અને આત્મ સન્માનને મુળમાંથી ઘા કરનારો રીવાજ છે. ફીરદૌસી ઇન્ડીયન મુસ્લીમ ફોર સેક્યુલર ડેમોક્રેસીનો એક સક્રીય કર્મનીષ્ઠ છે.તેના શબ્દો અંગ્રેજીમાં આ પ્રમાણે હતા. ( Instant divorce by uttering talaq thrice is a mockery of Islam and act of cruelty against the daughters of Islam. Halala is like a dacoit on the dignity of Muslim women and an assault on their honour and self-esteem.)
જ્યારે ફીરદૌસીને ટાઇમ્સ ઓફ ઇંડીયાના પ્રતીનીધીએ સવાલ કર્યો કે આટલા લાંબા સમય સુધી તમે કેમ મૌન ધારીને બેસી રહ્યા હતા? ' મેં અત્યાર સુધી ઘણાબધા અગ્રેસર મુસ્લીમ મૌલવીઓને પુછયું તો તે બધા જ ખાનગીમાં ત્રણ તલાકની વીરૂધ્ધ હતા. પણ પોતાને મળતી નાણાંકીય સખાવત બંધ થઇ જવાની બીકે તે લોલમાં લોલ પુરાવી રહ્યા હતા.(I have been speaking to leading clerics. Many of them privately agree that triple talaq and halala should be banned but are afraid to say so publicly for fear of losing funds.)
આજ મુદ્દે સક્રીય સંઘર્ષ કરતી ઇસ્લામીક સ્કોલર કુતુબ જહાન કીડવાઇ કહે છે કે ' ત્રણ તલાક અને હલાલા મુસ્લીમ પુરૂષ પ્રધાન સમાજની સદીઓની પરંપરા અને જુનવાણીની દેન છે. તેને રાજકીય પક્ષોએ રાજકીય મુદ્દો બનાવીને હોહા કરવાની જરૂર નથી. અમે આ મુદ્દે છેલ્લા ચાલીસ કરતાં વધુ સમયથી સંઘર્ષ કરતા આવ્યા છીએ. તે રાજકીય મુદ્દા કરતાં સ્રી– પુરૂષ સમાનતા મુદ્દે સમજવાની જરૂરત છે. (સૌ. ટાઇમ્સ ઓફ ઇંડીયા પાન નં ૧, ૧૨ અને ૧૩ તા. ૧૦ મે ૨૦૧૭,
તસલીમા નસરીનના તલાક તલાક તલાક પર વીચારો–
મુસ્લીમ સમાજમાં ત્રણ તલાકના સામાજીક રીવાજને સંપુર્ણ નીંદાને પાત્ર ગણું છું. મુસ્લીમોના હીત માટે ઓલ ઇંડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડને નેસ્ત નાબુદ કરવાની જરૂરત છે. તમે આ સંસ્થાને ઓળખો! જ્યારે ચારેય બાજુથી તેના પર ફીટકાર વરસવા માંડયો ત્યારે તેણે જાહેર કર્યું છે કે " જે પુરૂષો ત્રણ તલાકનો દુરઉપયોગ કરતા હોય તેનો સામાજીક રીતે બહીષ્કાર કરો પણ આ પ્રથા તો ચાલુ રાખો" . યેનકેન પ્રકારે તેને તેની આબરૂ બચાવવી છે. મુસ્લીમ સમાજમાં તેનું સ્થાન કોઇપણ હીસાબે ટકાવી રાખવું છે. આ બની બેઠેલા મુસ્લીમ સમાજના ઠેકેદારે " જણાવ્યું છે કે જે પુરૂષ એક જ બેઠકમાં પોતાની પત્નીને તલાક આપવાનું નક્કી કરે તેનો બહીષ્કાર કરો." ખરેખર તો તે આ તીરસ્કાર યુક્ત પ્રથાને ચાલુ રાખવાની વાત કરે છે તે હકીકત જ અસહ્ય છે. તેમની વૃત્તી તો આ સ્રીદ્રેષપ્રથા (મીસૉજેની) ધર્મના નામે ચાલુ રાખવાની છે.
આ લૉ બોર્ડને ઇસ્લામમાં કોઇ સુધારો તેમના ધર્મના અનુયાઇઓના સામાજીક અને દુન્યવી હીતમાં કરવો જ નથી. અત્યારસુધી જે કોઇ આવા સામાજીક સુધારા કરવાના પ્રયત્નો થયા છે તેનો આ બોર્ડે વીરોધ જ કર્યો છે. ખરેખર તો અમે સુધારાની તરફેણ કરીએ છીએ તેવો આ બધા ડોળ કરે છે. મારા મત મુજબ આ બોર્ડનું આંખે ઉડીને દેખાય તેવું વલણ હોય તો તે એકજ તે સંપુર્ણ મુસ્લીમ સ્રીદ્રેષી સંસ્થા છે. આધુનીક ધર્મનીરપેક્ષ સમાજમાં તે કાળગ્રસ્ત(Anachronism) થઇ ગયેલી સંસ્થા છે. જે ખરેખર મુસ્લીમ સમાજને પછાત રાખવાનું જ કામ કરી રહી છે.
મારા મત મુજબ ત્રણ તલાકમાં સુધારો કરવાની જરૂર એટલા માટે છે કે તે ફક્ત મુસ્લીમ પુરૂષોને તલાકનો અધીકાર આપે છે, મુસ્લીમ સ્રીઓને તેમના પુરૂષ સામે ત્રણ વાર તલાક તલાક તલાક બોલવાનો અધીકાર આપતો નથી. આમ આ કાયદો પુરૂષ તરફી ને સ્રી વીરોધી છે. મારા મત મુજબ ખરો પ્રશ્ન તલાક,તલાક નો નથી પણ મુસ્લીમ સ્રીની તેના પુરૂષ પરની આર્થીક કે નાણાંકીય અવલંબનનો છે. જો સ્રી માત્ર શીક્ષીત અને આર્થીક રીતે સ્વતંત્ર બને તો તેઓને તલાક કે છુટાછેડાનો કોઇ ભય બીલકુલ સતાવશે જ નહી. હાલમાં તો આ પુરૂષ આધારીત આર્થીક નીભાવનો ખ્યાલ જ તેમને રહેવાનું ઘર ને જીવવા માટે કાયમી નાણાંકીય સવલત ક્યાંથી મેળવવી તેનો વીચાર માત્ર જ તે બધાને દરેક પ્રકારના સમાધાન કરવા મજબુર કરે છે.
જો દુનીયાના ઘણા બધા મુસ્લીમ દેશોએ ત્રણ તલાક પ્રથા નાબુદ કરી દીધી હોય તો ભારતમાં તેને કોના કોના હીતોને ટકાવી રાખવા આ પ્રથામાં ચાલુ રાખવામાં આવી છે? બંગલાદેશ,પાકીસ્તાન, તુર્કી, ઇરાક, ટયુનીસીયા, ઇજીપ્ત, ઇન્ડોનેશીયા,વી. દેશોમા ત્રણ તલાક પ્રથા પર નીષેધ છે." બંગ્લાદેશમાંતો આ પ્રથા મારા જન્મ પહેલાંની રદ કરવામાં આવેલી હતી." ભારતમાં મુસ્લીમ રાજકીય તૃષ્ટ્ટીકરણના કારણે ચાલુ રહી છે. આ તૃષ્ટીકરણની નીતી ને કારણે લઘુમતી કોમને સતત ભયના નેજા નીચે રાખવામાં આવી છે. પણ તેમને ધાર્મીક સ્વતંત્રતા બંધારણની કલમ ૨૫મુજબ એક મુળભુત અધીકાર તરીકે આપવામાં આવેલ છે જે કોઇ સરકાર લઇ શકે તેમ નથી. તે રીતે તેમનું સશક્તીકરણ કરવામાં આવેલ જ નથી. મુસ્લીમ સમાજમાં આ મૌલવી અને મુલ્લા સ્વયંભુરીતે ( સેલ્ફ એપોંઇન્ટેડ રીપ્રેઝનટેટીવ) પ્રતીનીધીઓ બનીને આ બધાને સતત ભયમાં જ જીવવા મજબુર કરે છે. આ બધા મુલ્લાઓની માનસીકતા મધ્યયુગની છે.જેનાથી સમગ્ર મુસ્લીમ સમાજનો વીકાસ જ રૂંધાય છે.
શું ત્રણ તલાક ઇસ્લામ ધર્મનો એક ખુબજ અનીવાર્ય ભાગ છે? ઘણા બધા ઇસ્લામી દેશોએ આગળ જણાવ્યું તેમ ત્રણ તલાક પધ્ધતીને સમાજ જીવનમાંથી રૂકસદ આપી દીધી છે. જે કાયદો કે સમાજની રૂઢી માનવીય ગૌરવ (ડીગનીટી ઓફ ધી હ્યુમન બીઇંગ) ને હલકુ પાડે તે કાયદો કે રૂઢી કોઇપણ વ્યક્તી કે સમાજ માટે જરૂરી હોઇ શકે જ નહી. જે ધર્મમાં સ્રીઓને પુરૂષ જેટલા જ તલાક લેવા માટેના અધીકાર ન હોય તે ધર્મમાં ત્રણ તલાક તેના ધર્મનો અનીવાર્ય ભાગ હોય તો પણ તેને દુર કરવો જોઇએ.
જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ કહેતા હોય કે મુસ્લીમ સ્રીઓને ન્યાય મળે તે માટે બધાજ પ્રયત્નો કરવા જોઇએ તે અંગે તમારો કેવો પ્રત્યાઘાત છે? દેશના વડાપ્રધાનના આ સંદેશાને હું આવકારું છું. હું આશા રાખું છું કે આપણા દેશમાં જ નહી, સમગ્ર વીશ્વની મુસ્લીમ સ્રીઓને પણ ન્યાય મળશે. તેઓ સદીઓથી સહન કરતી આવી છે.તે બધી સ્રીઓએ પોતાના બુરખા, હીજાબ ઉતારીને ફેંકી દેવા જોઇએ. તેઓએ સ્કુલ, કોલેજ અને વીશ્વવીધ્યાલયોમાં જઇને સરસ અભ્યાસ કરવો જોઇએ. અને પોતાની મનપસંદ જીંદગી જીવવી જોઇએ. જે લોકો સ્રીઓને સામાજીક, કૌટુમ્બીક કે અન્ય રીતે શોષણ કરતા હોય તે બધાને સખ્તમાં સખ્ત સજા થવી જોઇએ. ખરેખર તો સ્રીઓએ પોતે જ આ બધામાંથી મુકત થવા સંઘર્ષ કરવો પડશે. આ રૂઢીચુસ્ત,પુરાણપંથી,જ્ઞાન,વીજ્ઞાન અને જીજ્ઞાસાનાવીરોધી મુલ્લાઓ મુસ્લીમ બહેનોને મુક્તી આપશે તેવા દીવા સ્વપ્નો જોવાની કોઇએ જરૂર નથી. ઓલ ઇંડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડના વીચારો ખુબજ હદ વીનાના જુનવાણી ( Antediluvian) છે તે તલાક, બાળ લગ્નો અને સજાતીય સંબંધોનો વીરોધ કરે છે. તે કોઇપણ તલાકના કાયદાને જે મુસ્લીમ સ્રીને મુસ્લીમ પુરૂષની સમકક્ષ ગણશે તેનો વીરોધ કરે છે.આ બોર્ડ મુસ્લીમ સમાજમાં કોઇપણ પ્રકારની જાગૃતતા કે સામાજીક ચેતના પેદા થાય તેવા પરીબળોને રોકવા માટે જાત જાતના ફતવા બહાર પાડતી આવી છે. મુસ્લીમમાં કોઇપણ જાતનો આધુનીક સુધારો પેસી ન જાય તેના માટે પોતાની સત્તાનો ઉપયોગ કરતા આવ્યા છે. આ સ્રી દ્રેષી બોર્ડને કાયમ માટે નામશેષ કરી નાંખવાની જરૂરત છે. મુસ્લીમ સમાજને આવા સ્રી અને અંતે માનવવીરોધી કાયદાને બદલે દેશના બધાજ નાગરીકોને સમાન ગણતા આધુનીક નાગરીક હીતોનું રક્ષણ કરે તેવા કાયદાઓની જરૂર છે.( By Coutsey T O I. 5th May 2017) ભાવાનુવાદ કર્યો છે.