Wednesday, May 3, 2017

ભૌતીક્વાદની ચર્ચામાં પ્રશ્નોતરી અનેવક્તાઓના જવાબો–

ભૌતીક્વાદની ચર્ચામાં પ્રશ્નોતરી અનેવક્તાઓના જવાબો–

ઉપરની બે વક્તાઓની ચર્ચાને આધારે સભામાંથી કેટલાક મીત્રોએ પ્રશ્નો રજુ કર્યા હતા.

(૧) પ્રો મકરંદ મહેતા (અમદાવાદ)– બંને વક્તઓના મંતવ્ય પ્રમાણે ' પાંદડુ ઇશ્વરની ઇચ્છાથી હલે છે અને પાંદડુ ઇશ્વરની ઇચ્છા વીનાજ હલે છે' તે બે વચ્ચેનો જાણે કોઇ મધ્યમ કે સમન્વયકારી માર્ગ જ નથી. ઇતીહાસની પ્રકીયા તેને સ્વીકારતી નથી. રાજારામ મોહન રાય અને ગાંધીજીની વ્યક્તી અને સમાજ પરીવર્તન પ્રવૃતીઓ તેઓની ધાર્મીક આસ્થીકતા સાથે જ ચાલુ રહી હતી.મારા મત મુજબ બાબાસાહેબ આંબેડકરનો અભીગમ સંઘર્ષ સાથે સમન્વયનો પણ હતો.

(૨)વીજય પુરોહીત( અમદાવાદ)– ભુતપુર્વ રાષ્ટ્રપતી અબ્દુલકલામ જેઓ અંગત રીતે સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામીને દંડવત પ્રણામ કરે અને અલ્લાહ કે ઇશ્વરમાં શ્રધ્ધા રાખે તેને આપણે વૈજ્ઞાનીકોની વ્યાખ્યામાં મુકી શકીએ ખરા?

 

(૩) ડૉ–પ્રો પરેશ પુરોહીત( મહેસાણા) આપના વીચારો અને તારણો સાંભળ્યા ને સમજયા પછી હવે શું?

(૪) પ્રો–હરપાલ રાણા (ભાવનગર) મારા મત મુજબ ગૌતમબુધ્ધની ચળવળ સાર્વત્રીક રીતે ભૌતીકવાદી હતી. ભૌતીકવાદમાં મૃત્યુ પછીના જીવન કે પુર્નજન્મને સ્વીકારવામાં ન જ આવે. બીજુ  તથાગત બુધ્ધનું અગત્યનું વાક્ય હતું કે મારા તારણો કાયમી, શાશ્વત કે અપરીવર્તનશીલ ન હોઇ શકે. તેમાં નવા જ્ઞાન અને નવી માહીતી મળતાં તેમાં ફેરફાર કે સુધારો–વધારો શક્ય છે, અને આવકાર્ય પણ છે.

(૫) એન આર મલીક( અમદાવાદ) ધાર્મકીતા અને રેશનાલીઝમ બંને વચ્ચે વૈચારીક સ્પષ્ટતાની તાતી જરૂરીયાત છે. શું બંને વચ્ચે સમનવ્ય શક્ય છે ખરો?

(૬)મુકેશ એડનવાલા(નીવૃત્ત બેંક અધીકારી, અમદાવાદ.) આ પરીસંવાદે લીધેલા અભીગમ સાથે  સંપુર્ણ સંમત થવાય તેમ છે જ નહી. જીવનની કેટલીક સમસ્યાઓના ઉકેલ(દા;ત સેન્સપરસેપ્શેનને કોગનીઝન્સ સાથે કેવો સંબંધ છે.) રેશનાલીઝમમાં ન પણ મળે.

 ઉપરના સવાલોના જવાબો બંને વક્તાઓએ ક્રમશ આપેલા છે. જે ટુંકમાં રજુ કરીએ છીએ.

મનીષી જાની;(૧) મારૂ સ્પષ્ટ કહેવું હતું કે રેશનાલીઝમ એક દુન્યવી સત્ય શોધવાની પધ્ધતી તરીકે માનવમુલ્ય ધરાવે છે. તે એક સત્ય શોધવાનું સાધન છે પણ તે સ્વંય સીધ્ધી કે ગોલ ન હોઇ શકે. રેશનાલીઝમની મદદથી વીકસેલો વૈજ્ઞાનીક અભીગમ દરેક પ્રશ્નને સત્યની નજીક લઇ જવામાં મદદ કરે છે. (૨) આપણે, રેશનાલીસ્ટ તરીકે સમજી લેવું જોઇએ કે કાંતો પાંદડુ ઇશ્વરની ઇસ્છા થી હલે છે અથવા કે પાંદડુ ઇશ્વરની ઇચ્છાથી હલતું નથી. બે માંથી કોઇ વચ્ચેની સ્થીતી કે સમાધાનકારી કે સમનવ્ય વાળી સ્થીતી ન હોઇ. કાંતો તમે સંપુર્ણ ભૌતીકવાદ સ્વીકારો અથવા સંપુર્ણ આધ્યાત્મીકવાદ સ્વીકારો.તેનો કોઇ ત્રીજો માર્ગ ક્યારે ન હોઇ શકે! (૩)ભુતપુર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ કલામ તે એક ટેકનોક્રેટ હતા જેણે પોતાના વૈજ્ઞાનીકજ્ઞાનનો મીસાઇલ જેવા યુધ્ધમાં ઉપયોગી શસ્રો બનાવવા કરેલો હતો. પણ આપણે તેને વૈજ્ઞાનીક કહી શકીએ નહી કારણકે પોતાના નીજી જીવનમાં વૈજ્ઞાનીક અભીગમને આધારે નીર્ણય કરતા ન હતા.(૪)   કાર્લ માર્કસ મારા મત મુજબતે એક સ્વપ્ન સેવનારો ભૌતીકવાદી ક્રાંતીકારી હતો. જેણે કયા કયા ભૌતીક પરીબળો દ્રારા સમાજ એક સામાજીક સ્થીતીમાંથી બીજી વધારે બહેતર સામાજીક સ્થીતીમાં પ્રવેશ કરે છે તેના ચાલક બળો શોધી કાઢયા હતા.

ધવલ મહેતાના પ્રત્યુત્તરો– (૧) આ બે દીવસનો પરીસંવાદ કોઇ ટ્રેઇનીંગ પ્રોગ્રામ નથી. આ એક પ્રોફેશનલ પરીસંવાદ સંસ્થાના સભ્યો માટે છે. રેશનાલીસ્ટ તરીકે અમારે સમજવું છે  જ્ઞાન–વીજ્ઞાનની દુનીયામાં નવા સંશોધનો કેવા પ્રકારના થઇ રહ્યા છે. (૨) બુધ્ધે પોતાના સમયગાળામાં ખુબજ મોટી ભૌતીકવાદી ચળવળ ઉપાડી હતી. રેશનાલીસ્ટો તરીકે આપણા માટે તે જ મહત્વનું છે. તે પુનર્જન્મમાં માનતા હતા કે નહી તે વીવાદમાં પડવાની જરૂર નથી. (૩) આધ્યાત્મીકતા અને ભૌતીકવાદ વચ્ચે સમનવ્ય બીલકુલ અસ્થાને છે. કોઇને આધ્યાત્મીકતાથી શાંતી મળતી હોય તો તે ભલે કરે. પણ તેની ઉપયોગીતા મુલ્ય હોઇ શકે પણ સત્ય મુલ્ય નથી. ( Instrumental Value  but no truth value).  આધ્યાત્મીકતાથી કોઇ દુન્યવી પ્રશ્નો ઉકેલવાનું શક્ય નથી. આધ્યાત્મનો અર્થ છે આત્માથી પર કે ઉપરની વસ્તુ. હવે જો આત્માનો અસ્તીત્વ માટેનો કોઇ ભૌતીક પુરાવો કે સાબીતી જ ન હોય તો તેને આપણે ફક્ત પુરાવા વીનાનું સત્ય (Unproven Truth) ગણાય. આત્મા અમર, અજરામર,અવીનાશી છે તે બધી દલીલો મનોરંજકથી વધારે કાંઇ નથી. રેશનાલીસ્ટ જીવન જીવવા આધ્યત્મનો સહારો લેવાની કોઇ જરૂર નથી. તે ખ્યાલ જ કાલ્પનીક છે.(૪) મારા મત મુજબ ડૉ કલામ સાહેબને સમજવા આપણે રીચાર્ડ ડોકીન્સના આ તારણને મહત્વ આપવાની જરૂર છે. "  કોઇપણ વૈજ્ઞાનીક જ્યારે વૈજ્ઞાનીક સીધ્ધાંત ને આધારે સંશોધન કરતો હોય ત્યારે તેની ધાર્મીક માન્યતાનું તત્વ વચ્ચે ન આવવું જોઇએ." જો કોઇ વૈજ્ઞાનીક સંશોધનમાં ધર્મ લાવે ત્યારે તે વીજ્ઞાનની બાદબાકી કરે છે તેમજ સમજવું.(૫) સંવેદના કે માનસીક આવેગ( સેન્સેશન) શું છે તે મનોવીજ્ઞાન ખુબજ સરળતાથી સમજાવી છે.એટલું જ નહી તે કેવો જૈવીક–રસાયણીક ફેરફાર ( બાયોકેમીકલ ચેંજ) તેને દર્દીમાં એલએસડી કે મેરેજુઆના જેવી ડ્રગ્સની મદદથી મનોઆવેગોને કૃત્રીમ રીતે પેદા પણ કરી શકાય છે.ટુકમાં મનોઆવેગ (સેન્સેશન)માં કશું દૈવીકે ઇશ્વરી જેવું તત્વ શરીરમાં બહારથી પ્રવેશતું નથી તે જાણી કે સમજાવી(પરસીવ) શકાય છે.

માનવજાતે શરૂ કરેલી વીજ્ઞાન યાત્રા તો હજુ ફક્ત આશરે ૪૫૦ વર્ષ જ પુરાની છે.જ્યારે ધર્મની ઉત્પતી તો માનવજાત જેટલી પુરાણી છે.ક્યાં પેલા લાખો વરસ અને ક્યાં ફક્ત ૪૫૦ વર્ષ. વીજ્ઞાનને હજુ વીકસવાની મોકળાશ તો આપો? હે ધાર્મીકો! તમે વીજ્ઞાનની શોધખોળોથી કેમ આટલા બધા ગભરાઇ ગયા છો?  પ્લીઝ, ગીવ સમ સ્પેસ ટુ સાયન્સ. આપણા બાળપણના ઉછેર સાથે દૈવીશ્રધ્ધાનું અનુકુલન ( કન્ડીશનીંગ) થઇ ગયું છે. જે સહેલાઇથી નીકળી શકે તેમ નથી.

સત્ર અધ્યક્ષ સ્વરૂપ ધ્રુવ–– આજના સેશનમાં મનીષીભાઇ અને ધવલભાઇએ ભૌતીકવાદ અને વૈજ્ઞાનીક નીયમોની વાત વીગતે કરી છે.પરંતુ આપણા દેશમાં તો હજુ ભૌતીક્વાદને એક ગાળ અને સામાજીક રીતે એક હલકુ વલણ ગણવામાં આવે છે. આપણી સમક્ષ સતત દલીલ કરવામાં આવે છે કે કેમ તમે વીજ્ઞાન અને ધર્મના સમનવ્યની વાત કરતા નથી. આપણી સંસ્કૃતીને ઓળખવી સરળ છે. જે રેશનાલીઝમ, ભૌતીકવાદ અને આધુનીકતાનો વીરોધ કરે તે ભારતીય સંસ્કૃતી. આવો વારસો આપણને સૌને ભૌતીકવાદ અને વૈજ્ઞાનીક અભીગમ આધારીત જીવન વીકસાવવાની આડે આવે છે. આ બંને પરીબળોને વ્યક્તી અને સામાજીક પરીવર્તનના મહત્વના એકમો તરીકે સ્વીકારીને આપણે રેશનાલીસ્ટો તરીકે આગળ નહી વધીએ ત્યાંસુધી ઇશ્વરના અસ્તીત્વનો ઇન્કાર કરવાથી કોઇ દરદર ફીટવાનું નથી. આપણા સમાજ અને રાજકારણના પ્રત્યાઘાતી પ્રવાહો સામે વ્યક્તીગત અને સામુહીક રીતે સંગઠીત થઇને  ભૌતીકવાદી અને વૈજ્ઞાનીક અભીગમના ટેકામાં સંઘર્ષાત્મક ચળવળની જરૂર છે તેવું મારૂ નમ્ર તારણ છે.

 

 

 

 

 


--