Tuesday, May 16, 2017

વાણીસ્વાતંત્ર્ય, રાષ્ટ્રવાદ અને રાજ્યદ્રોહ (Sedition)–

વાણીસ્વાતંત્ર્ય, રાષ્ટ્રવાદ અને રાજ્યદ્રોહ (Sedition)–  

વક્તા–નીવૃત્ત માનનીય ચીફ જસ્ટીસ(દીલ્હી હાઇકોર્ટ) એ.પી. શાહ.

મેમોરીઅલ પ્રવચનના સમારંભના પ્રમુખ હતા– સુપ્રીમ કોર્ટના સીટીંગ જસ્ટીસ માનનીય શ્રી જે ચેલામેશ્વ્રર.

તા. ૧૯મી એપ્રીલે જસ્ટીસ શાહ સાહેબે દીલ્હી મુકામે સને ૨૦૧૭નું એમ. એન. રોય મેમોરીઅલ પ્રવચન આપ્યું. પ્રવચનનો વીષય હતો " વાણીસ્વાતંત્ર્ય, રાષ્ટ્રવાદ અને રાજ્યદ્રોહ." શ્રી શાહ સાહેબે પોતાના પ્રવચનની શરૂઆત ક્રાંતીકારી ચીંતક એમ. એન.રોયના રાષ્ટ્રવાદ ઉપરના વીચારને રજુ કરીને કરી. રોય ના મત મુજબ રાષ્ટ્રવાદ એક સંકીર્ણ કે મર્યાદીત, સ્વાર્થી અને મતલબી વીચારસરણી છે. આ વીચારસરણીએ વીશ્વમાં અમાપ કંગાલીયત પેદા કરીને અને કરોડો નો માનવસંહાર કર્યો છે. હાલને તબક્કે તે એક ગાંડી, ઉન્માદી ,ભયાવહ અને નીંરકુંશ વીચારસરણી બની ગઇ છે." આ વાક્ય રોયે સને ૧૯૪૨માં લખ્યું હતું. આપણા દેશની વર્તમાન સ્થીતી જેમાં આપણે સૌ જીવી રહ્યા છે તેને બરાબર લાગુ પડે છે.

એમ એન રોય ( ૧૮૮૭– ૧૯૫૪) નો ટુંકમાં પરીચય–

 રોય એક બૌધ્ધીક પણ માર્ગદર્શક અને કર્મનીષ્ઠ વીચારક હતા. તે માનવવાદી ચળવળના વીકાસમાં ખુબજ સક્રીય હતા. તે ભારતનો રાષ્ટ્રવાદ જે પાયા ઉપર વીકસી રહ્યો હતો તેના આકરા ટીકાકાર હતા. જે રીતે અને ઝડપથી બીજા વીશ્વયુધ્ધના સમયગાળામાં જર્મનીના હીટલરનો નાઝીવાદ અને ઇટાલીના મુસોલીનીનો ફાસીવાદ રાષ્ટ્રવાદના નામે વીશ્વભરના દેશોપર છવાઇ જતો હતો તેના રોય ટીકાકાર હતા.

 રોયે પ્રથમ વીશ્વયુધ્ધના પ્રારંભીક સમયમાં એક ઉગ્ર અને અતી આક્રમક રાષ્ટ્રવાદી તરીકે દેશ છોડી દીધો હતો. પરંતુ ઘણા બધા નવા રાજકીય અનુભવો અને ફેરવીચારોને કારણે તેઓ પોતાના વીચારો બદલતા રહ્યા હતા. રોયે, સને ૧૯૧૭ની રશીયન સામ્યવાદી ક્રાંતી પછી રશીયા બહાર અને રશીયાની સીધી કે આડકતરી મદદ સીવાય સને ૧૯૧૯માં અમેરીકાના પડોશી દેશ મેક્ષીકોમાં પ્રથમ સામ્યવાદી પક્ષની સ્થાપાના કરી હતી. સને ૧૯૨૨માં બીજી વૈશ્વીક કોંગ્રેસ ઓફ કોમ્યુનીસ્ટ ઇન્ટરનેશનલ માટે પ્રખ્યાત 'નેશનલ એન્ડ કોલોનીયલ ક્વેશ્ચેન' પર ડ્રાફ્ટ ઘડવામાં લેનીનને રોયે મદદ કરી હતી. આ વીષયમાં રોયનો મત લેનીનથી જુદો હતો. બ્રીટન અને તેના જેવા શાહીવાદી દેશો દા.ત ફ્રાંસ, પોર્ટુગલ વી.ની હકુમત નીચેના ગુલામ દેશો( સંસ્થાનો–કોલોનીઝ)માં ગાંધીજી જેવા રાષ્ટ્રવાદી નેતા જે આઝાદીની ચળવળ ચલાવતા હતા તેના વર્ગીય સ્વરૂપ (ક્લાસ કંપોજીશન) અંગે લેનીન અને રોયમાં મતભેદ હતો. ક્રમશ; ત્યારબાદ સ્ટાલીન સાથે મતભેદ થતાં તે સને ૧૯૩૦ના ડીસેમ્બરમાં ભારત પાછા આવ્યા હતા.

 તે ભારતમાં આવતાની સાથે જ બ્રીટીશ સરકારે ' કાનપુર બોલશેવીક કમ્યુનીસ્ટ કાવત્રરા કેસ' માં બચાવની તક આપ્યા સીવાય સને ૧૯૩૧માં પકડી લઇને બાર વર્ષની સજા કરી. પછી તે સજા ઘટાડીને છ વર્ષની કરીને સને ૧૯૩૬માં દહેરાદુન જેલમાંથી મુક્ત કર્યા. બીજા વીશ્વયુધ્ધના સમય દરમીયાન રોયના મત પ્રમાણે  હીટલર –મુસોલીનીના નાઝીવાદ–ફાસીવાદનો વૈશ્વીક ભય દેશની આઝાદીની ચળવળ કરતાં વધારે ગંભીર હતો. રોય, હીટલર વી. સામેના બ્રીટન, ફ્રાંસ રશીયા અને અમેરીકા જેવા મીત્ર રાજયો તરીકે ઓળખાતા જુથને મદદ કરવાનું કહેતા હતા. જે તે સમયની ગાંધીજીના નેતૃત્વવાળી કોંગ્રેસને માન્ય ન હતું. તેથી રોય અને તેમના સાથીદારોએ કોંગ્રેસ છોડી દીધી.

આઝાદી પછી રોય 'નવમાનવવાદ'ની વીચારસરણી જેને અંગ્રેજીમાં ' રેડીકલ હ્યુમેનીઝમ' તરીકે ઓળખાય છે તેના આધ્યસ્થાપક અને પ્રચારક બન્યા. જો કે તેઓએ સતત રાષ્ટ્રવાદના રાજકીય અને આર્થીક પાસાઓ પર પોતાના વીચારો રજુ કરવાનું ચાલુ રાખ્યું હતું. સને ૧૯૪૪માં આઝાદ ભારતના બંધારણ ( CONSTITUTION  OF  FREE INDIA) નો મુસદ્દો પ્રકાશીત કર્યો. આ બંધારણીય મુસદ્દામાં રોયે ' નાગરીકોના મુળભુત અધીકારોના પ્રકરણમાં સ્પષ્ટ લખ્યું હતું કે આપખુદશાહી અને જુલ્મી સરકાર સામે બળવો કરવાના અધીકાર( RIGHT TO REVOLT AGAINST TYRANNY AND OPPRESSION  IS  SACRED) ને પવીત્ર ગણ્યો હતો.

 


--