(1) દેશની વર્તમાન પરીસ્થીતી– આજે આપણા દેશમાં એમ નક્કી કરવામાં આવ્યું છે કે તમારે સીનેમા થીયેટરમાં રાષ્ટ્રગીત શરૂ થાય એટલે ઉભા થવાનું છે. આપણે શું ખાવું કે શું ન ખાવું તે પણ કહેવામાં આવે છે. આપણે શું જોવું અને શું ન જોવું તે પણ રાષ્ટ્રવાદના નામે નક્કી કરવામાં આવે છે. આપણે શું બોલવું અને શું ન બોલવું તે પણ આપણને કહેવામાં આવે છે. ખાસ કરીને દેશના વીશ્વવીધ્યાલયોમાં વીચારભેદ, મતભેદ કે અન્યના વીચાર સાથે અસંમતી હોઇ શકે તેવા વાણીસ્વાતંત્રયના અધીકાર પર કાપ મુકી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્રના નામના સુત્રો પોકારવા અને ઝંડા ફરકાવવા. આપણા દેશમાં એક ૨૧ વર્ષની વીધ્યાર્થીનીને સોસીયલ મીડીયામાં ઓન લાઇન તેના પર ઘૃણા, ધીક્કાર અને ધમકીઓ આપવામાં આવી છે. કારણકે તેણીએ શાંતીથી સજ્જન ભાષામાં પોતાના વીચારો રજુ કર્યા છે.
કોઇપણ સમાજમાં, કોઇપણ સમયે કેટલાક લોકો તો એવા હશે જ કે સમાજની ચીલાચાલુ માન્યતાઓથી ભીન્ન વીચારો ધરાવતા હશે. આવા વીચારો તો ખરેખર સરળ અને તંદુરસ્ત લોકશાહીના સંચાલન માટે અનીવાર્ય છે. તે તો લોકશાહી સમાજ અને રાજ્યવ્યવસ્થાનો એક અનીવાર્ય ભાગ છે.
" ઇતીહાસનો બોધ પાઠ છે કે સમાજ જીવનના દરેક ક્ષેત્રોમાં વીચાર ભેદ, મતભેદ અને વૈચારીક અસંમતી તો તેના ઉત્ક્રાંતીક વીકાસ માટે પાયાની જરૂરીયાત છે. તેમાંથી જ સમાજ અને તેથી વ્યક્તીનો વીકાસ થાય છે. જે લોકો પ્રશ્નો પુછવામાંથી બાકી રહી ગયેલી ધારણાઓ પર શંકા કરે છે તે જ સમાજના ધારા ધોરણો નવા જ્ઞાનને આધારે બદલી શકે છે. લોકશાહીની સ્થાપના તે હીંમત ને કારણે જ થઇ છે. રાજ્ય તરફથી વાણીસ્વાતંત્રયના અધીકાર પરના નીયંત્રણને કોઇપણ હીસાબે ચલાવી લેવો ન જોઇએ."
દેશના કમનસીબે આજે દેશની શીક્ષણ સંસ્થાઓ પર રાજકીય સત્તાધીશો તરફથી સતત હુમલા કરવામાં આવે છે. દેશમાં આયોજનપુર્વક મુક્તવીચારને દબાવી દેવાની મોટાપાયે પ્રવૃત્તીઓ શરૂ થઇ ગઇ છે. જે દેશને હું પ્રેમપુર્વક ચાહું છું તે અંગે મારે દુ;ખ સાથે કહેવું પડે છે કે ' જે કોઇ નાગરીક સરકારના સ્વીકૃત મતથી જુદો અભીપ્રાય વ્યક્ત કરે છે અને તેનો પ્રચાર કરે છે તેને પર રાષ્ટ્રવીરોધી અને દેશદ્રોહીના લેબલનો સીક્કો મારી દેવામાં આવે છે.તેને યેનકેન પ્રકારે ડરાવી ધમકાવી અને તેની બોલતી બંધ કરી દેવામાં આવે છે. તેના સત્ય આધારીત પણ વીરોધી અવાજને શાંત પાડી દેવામાં આવે છે. વધારે ચીંતાજનક હકીકત તો એ છે કે આ વીરોધી અવાજ રજુ કરનારા પર રાજ્યદ્રોહનો (સેડીશન) આરોપ મુકીને તેના પર ફોજદારી ગુના દાખલ કરવામાં આવે છે.
ઉપર મુજબની દેશની સ્થીતી હોવાને કારણે મેં આ વીષય ' વાણી સ્વાંતંત્રય, રાષ્ટ્રવાદ અને રાજ્યદ્રોહ ' પર મારા વીચારો રજુ કરવાનું પસંદ કર્યુ છે.