Saturday, May 6, 2017

ભારતીય બંધારણનો ખ્યાલ બંધુતા ( Fraternity)

ભારતીય બંધારણનો ખ્યાલ બંધુતા ( Fraternity)

વક્તા– ઘનશ્યામ શાહ.

ભારતીય બંધારણનું હાર્દ તેનું આમુખ છે. પણ આમુખ તેમાં આમેજ કરેલા સીધ્ધાંતોથી જેવા કે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, સામાજીક ન્યાય વી. બંધારણના માર્ગદર્શક સીધ્ધાંતો બની ગયા છે. તે બંધારણનું તત્વજ્ઞાન છે. ખાસ કરીને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા મુલ્યો તે વીશ્વને ફ્રાંસની ક્રાંતી એ આપેલી અમુલ્ય ભેટ છે. આ ત્રણેય મુલ્યો માનવ મુલ્યો એકબીજાના પુરક છે. કોઇપણ એકની ગેરહાજરીમાં બીજા બે મુલ્યો અર્થવીહીન બની જાય છે.સ્વતંત્રતાને સમાનતાથી છુટી પડાય જ નહી. તેવી જ રીતે સમાનતાને સ્વતંત્રતાથી છુટી પડાય જ નહી.  સ્વતંત્રતા અને સમાનતાને બંધુત્વથી અલગ પડાય નહી. સમાનતા સીવાયની કોરી સ્વતંત્રતા આવક અને સંપત્તીની અસહ્ય અસમાનતા પેદા કરશે. તેમાંથી તો થોડા લોકોનું બહુમતી પ્રજાપર સર્વપ્રકારનું વર્ચસ્વ પેદા થશે. જયારે સ્વતંત્રતાની ગેરહાજરીમાં સમાનતાતો વ્યક્તીગત સાહસ કરવાની પહેલને જ મારી નાંખે છે.બંધુત્વ સીવાય સ્વતંત્રતા અને સમાનતાનો મુલ્યો જ બીનઅસરકારક બની જશે. આમ ત્રણેય મુલ્યોના પાલન માટે કાયદાના શાસનની અનીવાર્યતા છે. ગૌતમ બુધ્ધે આ માટે સરસ શબ્દોનો ઉપયોગ કર્યો હતો " કરૂણા, પ્રજ્ઞા અને સમતા."

બંધુતાનું સામાજીક મહત્વ ખાસ કરીને એટલા માટે છે કે જે સમાજમાં કેટલાક લોકો વીકાસની દોડમાં ગમે તેવા ઐતીહાસીક કારણોસર પાછળ રહી ગયા છે તેમને હકારાત્મક મદદ રાજય તરફથી થાય " હેલ્પીંગ હેન્ડસ" મળે તેવી નૈતીક ફરજ આધુનીક રાજયે પુરી પાડવાની છે.  જેમ સ્વતંત્રતા અને સમાનતા માનવીના અંગત અસ્તીત્વ અને વીકાસ માટે જરૂરના છે તેવી જ રીતે સમાજના માળખાને ટકાવી અને સંવર્ધન કરવા માટે રાખવા માટે બંધુતાનું નૈતીક અને સામાજીક મુલ્ય છે. આજનો આધુનીક સમાજ પણ બંધુતાના વાસ્તવીક અમલમાંથી જ વીક્સેલો છે. ભલે તેમાં કેટલાક વીરોધાભાસ પણ હોય! ફાસીવાદ અને નાઝીવાદ પણ આધુનીક સમાજે પેદા કરેલ ઉગ્રરાષ્ટ્રવાદના પરીણામો છે.

બીજી બાજુએ વીસમી સદીના પ્રથમ પાંચ છ દાયકામાં વૈશ્વીક કક્ષાએ જુદા જુદા રાષ્ટ્રો દ્રારા કલ્યાણ રાજ્યના સીધ્ધાંત પ્રમાણે કામ કરતા હતા. તે કારણે ઘણું બધું કાર્ય 'બંધુત્વ'ના ખ્યાલને અમલમાં મુકવામાં થયું છે. આમ રાજકીય લોકશાહીની સાથે સાથે સામાજીક લોકશાહીનો વીચારને પણ અમલમાં મુકવામાં આવ્યો હતો.આપણા દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂનો ખ્યાલ પણ હતો કે દેશમાં જેમ જેમ ઔધ્યોગીકરણ વધશે તેમ તેમ સામાજીક અન્યાય (સોસીઅલ ઇનજસ્ટીસ)  ઘટતો જશે.

આપણા દેશમાં  સત્તાધીન ધાર્મીક ઉગ્રવાદી રાષ્ટ્રવાદીઓનો ' સમરસ' નો ખ્યાલ દેશાના સામાજીક રૂઢીચુસ્ત માળખાને ટકાવી રાખવાનો જ નહી પણ મજબુત કરવાનો છે. તેમાંતો 'સમરસ' ના બહાને સામાજીક રીતે પ્રભુત્વ અને સંપન્ન ધરાવતા ઉપલાવર્ગના વચસ્વ ને  ટકાવી રાખવાનો અને તેનું સંરક્ષણ કરવાનો છુપો એજન્ડા છે. વંચીતોના વર્ગને તે બહાને રાજકીય સત્તા અને સામાજીક સાધનોના ઉપયોગમાંથી સીફતપુર્વક બાકાત રાખવાની જ યોજના છે. તેથી આપણા દેશમાં બંધુતાના માળખામાં મોટી તીરાડ પડેલી છે. કારણકે તેમાં દલીતો, આદીવાસીઓ, સ્રીઓ અને અન્ય લઘુમતીઓના હીતોનું કોઇ રક્ષણ નથી. તેમના પ્રત્યે સંપન્ન વર્ગોની કોઇ નીસ્બત અને અનુકંપા જ નથી.

બીજા વક્તા– ચંદુભાઇ મહેરીઆ.

આજે હું મારા અનુભવને આધારે બંધુત્વના વીચારો આપની સમક્ષ મુકવા માગું છું.સામાન્ય સભાન નાગરીકના મત પ્રમાણે બંધુત્વ એટલે વસંત–રજબ સ્મારક, કોમી એકતા અને કોમી એખલાસ. પરંતુ જરી પુરાણા વર્ણવ્યવસ્થાના માળખાએ જે સામાજીક ઉંચનીચના માળખાગત સ્તરો ઉભા કર્યા છે તેની માનસીકતામાંથી આપણે બહાર નીકળી શકતા નથી. ભલે આપણે ઓફીસમાં સંજોગોવશાત કે મજબુરીથી  જુદી જુદી જ્ઞાતી અને ખાસ કરીને કહેવાતી ઉપલી જ્ઞાતી અને નીચલી જ્ઞાતીના કર્મચારી સાથે  બંધુત્વના ભાવે કામ કરતા હોઇએ છીએ. પણ ઓફીસ બહાર નીક્ળતાજ પેલું ઉચનીચનું કે આભાડછેટનું ભુત વ્યવહાર કરવા આપણા પર સવાર થઇ જાય છે. આવા સામાજીક ઉંચનીચના ભેદભાવ દલીત જાતીઓની અંદર પણ સહજતાથી દેખાતા હોય છે.સ્વતંત્રતા અને સમાનતાનો અમલ કાયદાથી શક્ય છે . પણ બંધુતાનો અમલ કાયદાથી કરવો શક્ય નથી. સરળ પણ નથી.કારણકે તે આપણા સામાજીક જીવનનો એક રોજબરોજનો ભાગ બની ગયો છે.

બીપીન શ્રોફ.–આપણે ડાર્વીનના ઉત્ક્રાંતીવાદમાં જોયું કે માણસ માત્ર સજીવ તરીકે એક જ છે. તે કોઇ ઇશ્વરી સર્જન નથી.આ ઉપરાંત માનવી એક સજીવ સૃષ્ટીના ભાગ તરીકે જ  પોતાનું અસ્તીત્વ ધરાવે છે. તેથી માનવ માત્ર સમાન છે. માનવીય બંધુત્વના ખ્યાલ અને વ્યવહારે તેને અરસપરસમાં એકબીજા સાથે કેવી રીતે જીવવું એ શીખવાડયું છે. બંધુતા એક માનવ મુલ્ય તરીકે નૈતીક મુલ્ય છે. કોઇપણ  આધુનીક રાષ્ટ્રને રાષ્ટ્ર બનાવનાર ( બાઇન્ડીંગ ફોર્સ) કોઇ પરીબળ હોય તો તે બંધુતા છે. જે રાષ્ટ્ર પોતાના આંતરીક સામાજીક અને ધાર્મીક મતભેદોમાં વહેંચાયેલું અને વીખરાયેલું હશે ત્યાં સુધી તે આધુનીક મજબુત રાષ્ટ્ર નહી બને. રાષ્ટ્ર બનવા માટે તેની પ્રજાએ પોતાના સામાજીક સંકુચીત જુથોમાંથી ઉપર ઉઠવું પડે છે. આવા સામાજીક સંકુચીત જુથોની ઓળખમાંથી પોતાની સમાન નાગરીક ઓળખ વીકસાવવી પડે છે. નાગરીક ઓળખ જ્ઞાનઆધારીત ઓળખ છે જે આપણને રૂઢીચુસ્ત ઓળખમાંથી બહાર કાઢે છે.

સમાજમાં નાગરીક ઓળખ અને નાગરીક સમાજ ( સીવીલ્ સોસાયટી) બનાવવા માટે આધુનીક સંસ્થાઓ જેવીકે ફેકટરી, યુનીવર્સીટી, શહેરીકરણ,બેંકીંગ સર્વીસીસ,  ધર્મનીરપેક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર  વી. નો વ્યાપક અમલ અનીવાર્ય છે.

ખેતીક્ષેત્રમાંથી ઔધ્યોગીક અને સર્વીસ ક્ષેત્રો તરફ મોટા પાયે વસ્તીનું સ્થળાંતર અનીવાર્ય છે. આધુનીક રાજ્ય મુલ્લા,મૌલવી, પંડીત પાદરી, જમીનદાર અને રાજાશાહીના પ્રભુત્વવાળી સમાજ વ્યવસ્થામાંથી ક્યારેય પેદા ન થઇ શકે! તે બધાની કબરો પર જ નાગરીક સમાજ અને આધુનીક રાષ્ટ્ર બની શકે.

સત્ર પ્રમુખ– ડૉ એન કે ઇન્દ્રાયન.–

જેમ જેમ આધુનીક પરીબળોની અસરો અને ખાસ કરીને શીક્ષણનો પ્રચાર વધારે થતો જશે તેમ માનવ સમાજ વધુ ને વધુ રેશનલ બનતો જશે. તે અંગે મને શંકા નથી. બંધુતા આપણો બંધારણીય આદર્શ છે, પણ દેશમાં રાજકારણીઓ પોતાના સત્તાકીય હીતો માટે  પ્રજાને પોતાની સંકુચીત ધાર્મીક કે સામાજીક ઓળખને સભાન બનાવીને આપસ આપસમાં લડાવે છે. બંધુતાને ધ્યેયને પ્રાપ્ત કરવા આપણે તે બધી સંકુચીતતો અને સંકીર્ણતાઓમાંથી બહાર નીકળવાનું છે. તેમાંજ આપણા રાષ્ટ્ર અને સમગ્ર નાગરીકોનું હીત સમાયેલું છે.

 


--