Monday, May 1, 2017

ઉત્ક્રાંતીવાદ ભાગ–૨ બીપીન શ્રોફ.


 

ઉત્ક્રાંતીવાદ– વક્તા બીપીન શ્રોફ.

ઉત્ક્રાંતીવાદના આધ્યસ્થાપક ચાર્લસ ડાર્વીનનો જન્મ સને ૧૮૦૯ના ૧૨મી ફેબ્રુઆરી ના રોજ થયેલો હતો. તે  દીવસ આકસ્મીક રીતે અમેરીકામાં ગુલામી નાબુદી કરનાર ક્રાંતીકારી રાષ્ટ્રપ્રમુખ અબ્રહામ લીંકનનો પણ જન્મ દીવસ છે.

ઉત્કાંતીવાદ શું છે? તે સમજાવે છે કે કોઇપણ પ્રાણી વર્ગ, જાતી વીશેષ માનવજાત સમેતનું કોઇ ખાસ સર્જનના ફળસ્વરૂપે અસ્તીત્વમાં આવેલ નથી. કીંતુ તે કોઇને કોઇ પ્રકારના આગોતરા–પ્રાથમીક કે સાદા સ્વરૂપમાં થયેલ ક્રમીક વીકાસને પરીણામે આજની વર્તમાન સ્થીતીએ પહોંચી શક્યો છે– એવો સીધ્ધાંત કે વાદ એટલે ઉત્ક્રાંતીવાદ. ઉપરના વાક્યો એમ સુચવે છે કે  સમગ્ર સજીવ સૃષ્ટીનું સર્જન કોઇ ઇશ્વરી પરીબળની ખાસ ઇચ્છા કે હેતુ નું પરીણામ નથી. દરેક સજીવનું અસ્તીત્વ અને વીકાસ ક્રમશ, તબક્કાવાર થયેલ છે. ડાર્વીન વીશ્વનો એવો પ્રથમ જીવવૈજ્ઞાનીક હતો કે જેણે જૈવીક ઉત્કાંતીના નીયમો શોધી કાઢયા છે. જેને કુદરતી પસંદગીના સીધ્ધાંત તરીકે(Natural Selection) ઓળખવામાં આવે છે.

કુદરતી પસંદગીના નીયમો એટલે શું? ડાર્વીનના મત મુજબ આ નીયમો પાંચ છે.

(૧) સજીવ ઉત્ક્રાંતી એ હકીકત છે. દરેક જૈવીક સજીવોનો જન્મ અને વીકાસ કોઇ ગણીતના ચતુષ્કોણ,વર્તુળ, કાટખુણો કે ત્રીકોણની માફક બીબાઢાળ થયો નથી. પણ તે એક સજીવ જાતીમાંથી બીજી જાતીમાં ફેરફાર થઇને થયેલ છે.

(૨)સજીવ જાતીઓમાં ગણીતક વૃધ્ધી માતૃ સજાતીમાંથી વીભાજન ફુલની કળી કે મા– દીકરીની માફક વારસાગત લક્ષણો ચાલુ રાખીને થાય છે.

(૩) કુદરતી પસંદગી; દરેક માદા જૈવીક અસ્તીત્વના સંઘર્ષમાં ટકી શકે તેના કરતાં ઘણા વધારે પોતાના બચ્ચા પેદા કરે છે. તેથી દરેક પેઢીમાં ખુબજ ઓછા સજીવો,જે વારસાગત આનુવંશીક લક્ષણો સાથે બહારના વાતવરણમાં ટકી શકે તેવા ફેરફારો કરીને બીજી પેઢીને જન્મ આપે છે. નવી પેઢીના વીશીષ્ટ લક્ષણો પોતાની જુની પેઢીના સામાન્ય લક્ષણોથી જુદા હોય છે.

(૪) જૈવીક ઉત્ક્રાંતીમાં સજીવ જાતીઓ– પ્રજાતીઓમાં ફેરફારો ક્રમશ આપણે વીચારી પણ ન શકીએ તેટલા લાંબા સમય બાદ થતા હોય છે. જૈવીક ફેરફારો ક્યારેય એકાએક,આકસ્મીક કે પ્રાસંગીક બનતા નથી.

(૫) સમાન વારસો(Common descent) –તેથી દરેક વર્તમાન સજીવોનો વારસો એક જ છે. તે બધાજ સજીવો એક જ પુર્વજ કે વડવાઓમાંથી ઉતરી આવેલા છે.

   ચાર્લસ ડાર્વીને જૈવીક ઉત્ક્રાંતીના જુદા જુદા ફાંટાઓ– વીભાગો શોધી કાઢયા. એટલું જ નહી પણ દરેક સજીવ જાતીને બીજી સજીવ જાતીની ઉત્ક્રાંતીના સીધ્ધાંત મુજબ શું સંબંધ તે શોધી કાઢયું છે. આ વીભાગીય સજીવ જૈવીક જાતીઓના દરેક ફાંટા એક બીજાની સાથે કેવી રીતે જોડાયેલા છે તે પણ શોધી કાઢયું. છેલ્લે તેણે આ પૃથ્વી પરની દરેક સજીવ જાતીનું મુળ એક કોષી જીવમાં હતું તે શોધી કાઢયું. આમ ડાર્વીને જીવવીજ્ઞાનમાં જૈવીક ઉત્કાંતી નામની નવી જ્ઞાનશાખાની શોધ કરી.આ જ્ઞાનની નવી શાખાની શોધની વ્યાપક અસરો જીવવીજ્ઞાનના ક્ષેત્રની બહાર પણ ઘણીજ અસરકારક પેદા થઇ છે.

ડાર્વીને વીજ્ઞાનમાં એતીહાસીક સંશોધનોને આધારે ભૌતીકશાસ્ર કે રસાયણશાસ્રની પ્રયોગશાળાની બહાર પણ વૈજ્ઞાનીક સત્ય શોધી શકાય છે તેવા નવા જ્ઞાનનો વીષય શોધી કાઢયો છે. ઉત્ક્રાંતીવાદે જે પ્રસંગો, બનાવો, હકીકતો કે પ્રક્રીયાઓ હજારો લાખો વર્ષો પહેલાં બની ગયા છે તે સમજાવવાની કોશીષ વૈજ્ઞાનીક પ્રયોગશાળાની બહાર પણ આધારભુત જૈવીક પણ ભૌતીક નમુના એકત્ર કરીને સાબીત કરી.

     આ કુદરતી પસંદગીના સીધ્ધાંતની ક્ષમતા (પોટેન્સાયાલીટી) એટલી બધી છે કે  જો કુદરતી વાતાવરણમાં  ફેરફારો થાય ( દા;ત ઠંડા પ્રદેશોના સજીવોને ગરમ પ્રદેશોમાં જીવવું પડે તેવા સંજોગો પેદા થાય) તો એક પેઢીની જાત તેની બીજી નવી આવનારી પેઢીથી પણ જુદી પડે અથવા તો તે નવી પેઢી નવા વાતવરણને અનુકુળ આનુવંશીક (જેનેટીકલ)જરૂરી નવા ફેરફારો સાથે જ જન્મે. પૃથ્વી પર જે જૈવીક જાતીઓમાં ફેરફારો થયા છે તે કોઇ પુર્વઆયોજીત નથી. પરંતુ તે બધા ફેરફારો આડાઅવળા(રેન્ડમ), કે જૈવીક જરૂરીયાતમાંથી અથવા બંનેના સંમીશ્રણની સંયુક્ત પેદાશ છે.અ બધી હકીકતો ડાર્વીને સને ૧૮૫૯માં પ્રકાશીત કરેલા પુસ્તક 'ઓરીજનઓફ સ્પીસીસ' માં વીગતે કરી છે.સદર સીધ્ધાંતની સત્યતાને આધારે આશરે ૮૦ વર્ષ પછી સને ૧૯૪૦માં આપણે ડી એન એ શોધી શક્યા છીએ. ઉત્ક્રાંતવાદના નીયમોનું કોઇ હ્રદય હોય તો તે ડી એન એ છે.

    ડાર્વીનના જીવ ઉત્પતીના આ ધર્મનીરપેક્ષ ખ્યાલે (સીક્યુલર વે ઓફ લાઇફ) બધાજ ધર્મોએ પોતાના ધર્મપુસ્તકોમાં લખેલા જીવઉત્પતીના અને માનવીય સર્જનના દાવાઓને બીલકુલ ખોટા, વાહીયાત અને પોકળ એટલે કે વાસ્તવીક પુરાવા વીનાના સાબીત કરી દીધા.તેના ઉત્ક્રાંતીવાદે પૃથ્વી પરની સમગ્ર સજીવ ઉત્પતીને વૈજ્ઞાનીક આધાર આપ્યો. ટુંકમાં એક જૈવીક વંશમાંથી સમગ્ર જગત પેદા થયું છે તેવો ધર્મના આધાર સીવાયનો સીધ્ધાંત શોધનાર ડાર્વીન પ્રથમ વૈજ્ઞાનીક હતો.આ ઉત્ક્રાંતી પ્રક્રીયાનો વીકાસ ક્રમશ; હજારો નહી પણ લાખો વરસથી થતો આવ્યો છે. આ જીવવીકાસની સાંકળ કોઇ જગ્યાએથી તુટેલી કે વેરણછેરણ થયેલી નથી. આ ઉત્ક્રાંતીનું કારણ ઉપર ચર્ચા કર્યા મુજબનો ડાર્વીનનો કુદરતી પસંદગીનો સીધ્ધાંત છે.

વૈજ્ઞાનીક તત્વજ્ઞાનની મુડીમાં ઉત્ક્રાંતીવાદનો ક્રાંતીકારી અપરીવર્તનશીલ પ્રદાન–

ડાર્વીનના આ કુદરતી પસંદગીના સીધ્ધાંતની શોધ પહેલાં આશરે ૨૦૦૦ વર્ષ સુધી ગ્રીક, ભારતીય તત્વજ્ઞાન અને૧૮મી સદીના સ્કોટલેંડના ફીલોસોફર ડેવીડ હ્યુમ(૧૭૧૧–૧૭૭૬) સુધી માનવજાત તમામ જૈવીક સર્જનનોને ઇશ્વરી દેન સમજીને દરેક કુદરતી ઘટનાઓનું મુલ્યાંકન કરતી હતી. આ વીશ્વની માનવ જીવન સાથેની દરેક ઘટનાઓ પુર્વનીર્ણીત છે( Predetermine) તે સત્યને ચાર્લસ ડાર્વીને પોતાના ઉત્ક્રાંતીવાદના નીયમોના આધારે પડકાર્યું. ડાર્વીનના સંશોધનોએ સાબીત કર્યુ કે હવે આ પૃથ્વી પર કોઇ સર્જનહાર કે ઇશ્વરની જરૂર નથી. ખરેખરતો તે પહેલાં પણ ન હતી. સમગ્ર સજીવ સૃષ્ટીનું સર્જન ઇશ્વરી શક્તીનું પરીણામ છે તેવા ખ્યાલની બાદબાકી થતાં જ જ્ઞાન–વીજ્ઞાનના દરેક ક્ષેત્રોમાં હકારાત્મક રીતે કુદરતી પરીબળોને સમજવાનું અને તે જ્ઞાન આધારીત  સંશોધનાત્મક પ્રવૃત્તીઓ દુનીયાના ખુણે ખુણે વીસ્તરતી ગઇ. ડાર્વીનના તત્વજ્ઞાને વીશ્વના સર્જનમાંથી ઇશ્વરની બાદબાકી કરીને માનવીને તેના કેન્દ્રમાં મુકી દીધો.

     આધુનીક સમયકાળ પર ડાર્વીના વીચારોની અસર–

૧૮મી અને ૧૯મી સદીના માનવીની આ વીશ્વને સમજવાની દ્રષ્ટી કરતાં ૨૧મી સદીના માનવીની જગતને સમજવાની દ્રષ્ટી બીલકુલ જુદી છે. સામાન્ય રીતે તેનું કારણ ટેકનોલોજી અને ડીજીટલ શોધોની અસરો જવાબદાર છે. પરંતુ આ ફેરફારો ડાર્વીનના વીચારો અને વૈજ્ઞાનીક તારણોનું પરીણામ છે તેવું બહુ ઓછા માણસોને ખબર છે.ડાર્વીનના ઉત્ક્રાંતીવાદના વીચારોની અસરે માનવીને જ પોતાના ભાગ્યનો વીધાતા બનાવી દીધો છે.માનવ માત્રની જાતી(સ્પીસી) એક જ છે. કોઇ આફ્રીકન, અમેરીકન, યુરોપીયન,એશીયન વંશીય રીતે જુદા જુદા છે તે માન્યાતાને આધાર વીહીન સાબીત કરી દીધી. કાળા, ગોરા, ઉંચાઇમાં લાંબા કે ટુંકા, સ્રી કે પુરુષ બધાજ જૈવીક રીતે બીલકુલ જુદા નથી તેથી એક છે તે સત્યને બહાર લાવવાનું કામ ડાર્વીનના ઉત્ક્રાતીવાદે કર્યું છે. માનવીય વંશીતા તે એક જેવીક ઉત્ક્રાંતીની સામાન્ય વંશીતાનો એક ભાગ છે તેવું સાબીત થતાં જ ધર્મોએ માનવીને બીજા પ્રાણીઓની સરખામણીમાં આપેલા વીશીષ્ટ્ટ સ્થાનની અપ્રસતુતા સાબીત થઇ ગઇ.

ડાર્વીને તેનું બીજુ જગવીખ્યાત પુસ્તક'ડીસેન્ટ ઓફ મેન'સને ૧૮૭૧માં પ્રકાશીત કરેલું. તેમાં ડાર્વીને  માનવ ઉત્ક્રાંતી અન્ય સજીવ પ્રાણીઓની સરખામણીમાં સમાન હોવા છતાં કેવી રીતે વીશીષ્ટ છે તે સમજાયું છે. તેમાં કશું દૈવી કે અલૌકીક નથી.પણ જૈવીક જગતના અન્ય પ્રાણીઓની સરખામણીમાં માનવીની બુધ્ધીમતા ( ઇન્ટેલીજન્સ) સર્વશ્રૈષ્ઠ છે તે સાબીત કર્યુ છે.માનવી ફક્ત એક એવું જૈવીક એકમ છે જે ભાષા,વ્યાકરણ અને વાક્ય રચના બનાવવાની કળા શોધી શક્યું છે. ઉંચી બુધ્ધીશક્તી, ભાષા અને લાંબા સમય સુધી પોતાના બાળકોની મા–બાપ તરીકે સારસંભાળ લેવાના જૈવીક લક્ષણોને કારણે માનવજાતે તેની સમગ્ર સંસ્કૃતી પેદા કરી   છે. તેને કારણે માનવ જાતે સમગ્ર વીશ્વ પર બીજા અન્ય શારીરીક રીતે શક્તીશાળી સજીવો કરતાં પોતાનું  પ્રભુત્વ મેળવેલું છે અને ટકાવી રાખ્યું છે.

ઉપરના કારણોને લીધે ડાર્વીને માનવીય નૈતીકતાના આધારને ધર્મનીરપેક્ષ કે નીરઇશ્વરવાદી બનાવી દીધો. જો માનવ ઉત્ક્રાંતીવાદ પ્રમાણે ઇશ્વરી સર્જન ન હોય તો સમાજમાં એકબીજા સાથે માનવીયસંબંધો વીકસાવવા કે ટકાવવા માટેની નૈતીકતા કેવી રીતે ઇશ્વરી કે ધાર્મીક હોઇ શકે? અન્ય સજીવોની માફક માનવીએ પોતાના માટે સારૂ શું કે ખોટું શું (વીવેકબુધ્ધી) તે અસ્તીત્વ ટકાવી રાખવાના સંઘર્ષમાંથી (સ્ટ્રગલ ફોર એક્સીસ્ટન્સ) શીખ્યો છે. તેના જેવા બીજા અન્ય માનવીઓના સહકારથી તે વીઘાતક કુદરતી પરીબળો તેમજ તેના કરતાં બાહુબળમાં વધુ શક્તીશાળી પ્રાણીઓ સામે કેવી રીતે જીવવું તે પણ શીખી ગયો હતો. કુટુંબ, ટોળી, કબીલો,સમાજ અને રાજ્ય– રાષ્ટ્ર માનવીના અસ્તીત્વ ટકાવી રાખવા માટેના નૈતીક વલણો કે નીર્ણયોનું જ સર્જન છે. અસ્તીત્વ ટકાવી રાખવાની જીજીવીષા (અર્જ ટુ એક્સીસ્ટ) એ તેને પોતાના સ્વાર્થનું ઉર્ધ્વગમન(ઉચ્ચ સામાજીકસ્વાર્થમાં રૂપાંતર) કરી બીજા સાથી માનવો સાથે સહકાર ભર્યુ વર્તન કરવા મજબુર કર્યો. આવા કુટુંબોની રચના અન્ય સજીવો જેવાકે હાથી, સીંહ, કીડી, મધમાખી વગેરે પણ પેઢી દર પેઢી કરતા આવ્યાજ છે. તે ફક્ત ઉત્ક્રાંતીની માનવી માટેની દેન નથી.  ડાર્વીને આવા માનવીના નૈતીક વલણ માટે શબ્દ વાપર્યો છે' પ્રબુધ્ધ સ્વાર્થ' (એનલાઇટેડ સેલ્ફ ઇન્ટરેસ્ટ).

અંતમાં આપણે કહી શકીએ કે ડાર્વીનના ઉત્ક્રાંતીવાદે બધાજ સજીવોનો સામાન્ય જૈવીક વારસો, ક્રમશ: ઉત્ક્રાંતી, કુદરતી પસંદગીનો સીધ્ધાંત જગત સમક્ષ મુકી, નવી રીતે વીચારવા આપણને સક્ષમ કર્યા છે. તેણે ઉત્ક્રાંતીનો સીધ્ધાંત આપી જગતના સર્જનને ઇશ્વરની મદદ વીના આપણને સમજાવ્યું છે. સમગ્ર વીશ્વ અને તેમાં વસતી માનવજાત  કાયમ માટે ચાર્લસ ડાર્વીનનું જ રૂણી રહેશે..

      ઉપરની બે વક્તાઓની ચર્ચાને આધારે સભામાંથી એક સામાન્ય પ્રશ્ન પુછવામાં વ્યો હતો. સામાજીક ડાર્વીનઝમ( social Darwinisim) એટલે શું? તેને ડાર્વીનના ઉત્ક્રાંતીવાદ સાથે શું સંબંધ છે? ડાર્વીને પોતાના સજીવ ઉત્ક્રાતીવાદના સીધ્ધાંતમાં એ સમજાયું હતું કે સજીવોના જૈવીક સંઘર્ષમાં એવી સજીવ જાતીઓ ટકી રહે છે જે કુદરતી વાતાવરણ સાથે અનુકુલન સાધી શકે છે.  તે અનુકુલન સાધવા બાહુબળ કે  બુધ્ધીમાં સર્વોપરીતા જરૂરી નથી.જ્યારે સામાજીક ડાર્વીનઝમમાં સામાજીક કે આર્થીક હરીફાઇમાં 'શામ ,દામ,દંડ કે ભયનો ઉપયોગ કરીને પોતાના હરીફોને પરાસ્ત કરવા. સામાજીક ડાર્વીનવાદમાં કોઇ નૈતીક મુલ્યો હોઇ શકે નહી. સામાજીક ડાર્વીનવાદના વીચારને અમલમાં મુકીને, તમે કોઇ સામાજીક કે આર્થીકરીતે રીતે નબળા વર્ગોને યેન કેન પ્રકારે સંપન્ન વર્ગના હીતો માટે નેસ્તનાબુદ કરી શકો નહી.

સત્ર અધ્યક્ષ શ્રી ઇન્દુકુમાર જાની.

મારા મત મુજબ આ બંને દીવસના પરીસંવાદના વીષયો ખુબજ અગત્યના છે. દેશ અને દુનીયાના આ મોહોલમાં ખુબજ  ઉંડાણથી ચર્ચા થાય તે જરૂરી છે. પહેલાં આપણે જાતીવાદ અને કોમવાદની ચર્ચા કરતા હતા.  આજે ધર્મ ધારીત ફાસીવાદ આપણા બારણે ટકોરા મારી રહ્યો છે. આપણે શું ખાવું– પીવું, દુકાનમાં કયો માલ રાખવો અને કયો માલ ન રાખવો તે ટોળાશાહી નક્કી કરે છે. દેશમાં કાયદાનું શાસન જ પડી ભાંગયું છે. આવા સંજોગોમાં સૌથી વધારે કોઇ વીચારસરણીની હોય તો તે રેશનાલીઝમ કે વીવેકબુધ્ધીવાદની છે. દેશમાં દરેક ક્ષેત્રોમાં નીર્ણય કરવામાં લાગણીઓનો ઉન્માદ જ દેખાય છે. આપણે પ્રજા તરીકે રેશનલ રીતે વર્તીએ તો મારા મત મુજબ દેશના ઘણા પ્રશ્નોનો નીવેડો આવી જાય.

ઉત્કાંતીવાદનો સીધ્ધાંત સતત પરીવર્તનશીલ અને વીકાસીલ છે. તે આપણને શીખ આપે છે કે ગમે તેવુ વર્તમાન જીવન ધુધળું કે નીરાશાજનક હોય તેમ છતાં માનવજાતનું ભવીષ્ય ચોક્ક્સ આશાવાદી છે.નવી શોધખાળો અને સંશોધનનો જેવાકે  ટીસ્યુ કલ્ચર, ક્લોનીંગ અને આર્ટીફીસીલ ઇન્ટલીજન્ટ થી માનવજાતનું ભાવી આશાસ્પદ છે. ડાર્વીનના ઉત્ક્રાંતીવાદે દરેક સજીવ ઇશ્વરી સર્જન છે તેવા જુદા જુદા ધર્મોના દાવાઓને પોકળ સાબીત કરી દીધા. 

--