Friday, May 5, 2017

ડોનાલ્ડ ટ્રમ્પનો ઉગ્રરાષ્ટ્રવાદ અને તેની વેશ્વીક અસરો–

ડોનાલ્ડ ટ્રમ્પનો ઉગ્રરાષ્ટ્રવાદ અને તેની વેશ્વીક અસરો–

 વક્તા–સ્વાતી જોશી.

મને વીચાર કરતાં તે વ્યાજબી લાગ્યું છે કે કેમ તમારી જેવી રેશનાલીસ્ટ સંસ્થાએ વીશ્વ સમક્ષ વધતા જતા ધર્મ કે જમણેરી રાષ્ટ્રવાદી પરીબળોની અસરો અંગે ચર્ચા કરવાનું પસંદ કર્યુ છે. વીશ્વ અને ખાસ કરીને માનવજાત સમક્ષ સૌથી ભયાનક સ્થીતી પેદા થઇ હોય તો તે જુદા જુદા દેશોમાં સત્તાપર આવતા જમણેરી રાષ્ટ્રવાદી પરીબળોને કારણે છે. જાણે આ જગત તેના નજીકના ભુતકાળમાં ઉગ્રરાષ્ટ્રવાદી પરીબળોએ રાજકીય સત્તા કબજે કરીને જે  બે વીનાશક વીશ્વયુધ્ધોમાં માનવજાતને ગરકી દીધી હતી, તેમાંથી બોધપાઠ લેવાનું જ ભુલી ગઇ છે. ૨૧મી સદીમાં આવા રાષ્ટ્રવાદે જુદા જુદા દેશોમાં રાજકીય સત્તા પ્રાપ્ત કરીને જે પડકારો ઉભા કર્યો છે તેને વીગતે સમજવાની જરૂર છે.તો જ આપણે તેનો પ્રતીકાર કરી શકીશું.

આવા રાષ્ટ્રવાદને લોકશાહી શાસન વ્યવસ્થા, બંધારણીય શીસ્ત અને કાયદાના શાસન પ્રત્યે કોઇ જવાબદારી જ જાણે બીલકુલ નથી. આ બધા પરીબળો ખરેખર તો રાષ્ટ્રવાદના વીસ્તારવાદી કાર્યોની સામે છે તેવું તે જે તે દેશની પ્રજાને સતત અહેસાસ કરાવે છે. ટુંકમાં તે સર્વપ્રકારના માનવવાદી મુલ્યો અને તેના સંવર્ધન માટે વીક્સેલી બધી સંસ્થાની નેસ્તનાબુદીને પોતાનું પવીત્ર કાર્ય ગણે છે.

ખરેખર આ જમણેરી રાષ્ટ્રવાદ એ ધાર્મીક કટ્ટરવાદની પેદાશ છે. તે પ્રજાની લાગણીઓ બહેકાવીને તેમની વીવેકબુધ્ધીને યેનકેન પ્રકારે લકવાગ્રસ્ત બનાવી દેવામાં સફળ થાય છે.આવા રાષ્ટ્રવાદીઓ પોતાના દેશની પ્રજાને સમજાવવામાં સફળ થાય છે કે તેમની બધીજ આર્થીક સામાજીક અને બેકારી જેવી સમસ્યઓ માટે કોણ જવાબદાર છે. તે પ્રજાને તેનો દુશ્મન ઓળખાવામાં સફળ થાય છે. જર્મનીના એડોલ્ફ હીટલર દેશની પ્રજાને યહુદીઓ દુશ્મન છે તે સમજાવવામાં સફળ થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરીકન ગોરી પ્રજાને પડોશી મેક્ષીકન દેશની પ્રજા, બહારથી આવેલા જુદા જુદા દેશોના ઇમીગ્રન્ટસ અને ચીન જેવા દેશમાંથી આવતી ચીજ વસ્તુઓને તેમની પ્રજાના દુશ્મનો છે તેવું સાબીત કરીને અને સત્તા કબજે કરી છે. અત્યારે બ્રીટન, ફ્રાન્સ અને જર્મનીની પ્રજાને જે તે દેશના સત્તાધીશો ' યુરોપીયન કોમન માર્કેટ( યુનીયન)' જ તેમની બેરોજગારી, આર્થીક વીટંબણો અને  ત્રાસવાદ માટે જવાબદાર છે  તેવું સમજાવવામાં સફળ થયા છે. ભારતમાં ભારતીય જનતા પાટી દેશની પ્રજાને  પેલા વીધર્મી  આપણાથી જુદા 'અધર' ને દુશ્મન બતાવી ને હીંદુમતોનું એકત્રીકરણ કરીને સત્તા મેળવવામાં સફળ થયો છે. તાજેતરની ઉત્તરપ્રદેશની ચુંટણીમાં ભાજપે ' કબ્રસ્તાન વીરૂધ્ધ સ્મશાન અને દીવાળી માં વીજળી કટ અને ઇદમાં વીજળી' આવા બધા લાગણીશીલ પ્રતીકોનો ઉપયોગ કર્યો હતો.

   ઉગ્રરાષ્ટ્રવાદી પરીબળો જ્યાં હોય ત્યાં ધીક્કાર અને જુઠ્ઠાણાનું રાજકારણ દેશ વ્યાપી પેદા કરીને સત્તા પ્રાપ્ત કરે છે. તેઓ સૌ પ્રથમ સત્યનો જ ભોગ લે છે. હકીકત અને માહીતીઓને વીકૃત રીતે રજુ કરવામાં તે માહેર હોય છે.માહીતીના બધા જ સાધનોનો બેલગામ ઉપયોગ કરવામાં તેમને સહેજ પણ સંકોચ કે દુ:ખ થતું નથી. ઇતીહાસ ભુલી જાવ . અમે જે રજુ કરીએ છીએ તેને જ સત્ય માનીને સ્વીકારો.

ઉપભોગવાદ, પુંજીવાદ અને જમણેરી (ધાર્મીક)રાષ્ટ્રવાદના હીતો સમાન હોય છે. તે બધા સંસ્કૃતી અને શીક્ષણનું બજારીકરણ કરી નાંખે છે.દેશના બૌધ્ધીકો અને વીચારવંત માણસોને આવા ધાર્મીક ઉન્માદ પર આધારીત રાષ્ટ્રીય પ્રવાહોને અટકાવવાનું અશક્ય બની જાય છે. સમાજમાં અસ્તીત્વ ધરાવતા તમામ પ્રકારના સર્જનાત્મક અને કલ્પનાશક્તી ધરાવતા પરીબળોને નામશેષ કે અપ્રસતુત બનાવી દેવામાં આવ્યા છે. સમાજના કોઇપણ ખુણેથી આવા સત્તાધીશોની નીતીરીતીઓ સામે કોઇ વીરોધનો અવાજ જ ન નીકળવો જોઇએ તેની પુરેપુરી કાળજી લઇ શકાય તેવું તંત્ર વ્યવસ્થીત રીતે કામ કરતું હોય છે. વીરોધી અવાજને કેવીરીતે ચુપ કરી દેવો તેનું વ્યવસ્થીત રીતે આયોજન કરવામાં આવે છે. તેની સામે વીક્લ્પ શોધવો અને તે પ્રમાણે નવી આશા સમાજમાં પેદા કઇ રીતે કરવી તે સરળ નથી.

 

પ્રકાશ શાહ–

ડોનાલ્ડ ટ્રમ્પના ચુટણીના સુત્રો હતા ' બાય ઓનલી અમેરીકન ગુડસ, અમેરીકા ઇઝ ઓનલી ફોર અમેરીકન, અમેરીકન ફર્સ્ટ,મેક્સીકન, મુસ્લીમઅને અન્ય ઇમીગ્રન્ટસ માટે નો પ્લેસ વગેરે' ' હું અમેરીકન રાષ્ટ્રવાદની તરફેણ વૈશ્વીક્રરણના ભોગે પણ કરીશ.'

 ઉપરના વીચારો હીંદુત્વવાદી વીચારધારાના સ્થાપક સાવરકર અને ગોલવેલકરના વીચારોથી બીલકુલ જુદા નથી.તેમના પુસ્તક ' અવર નેશનહુડ ડીફાઇન્ડ'માં આવી વાતો અને દલીલો જ કરવામાં આવી છે. આવા રાષ્ટ્રવાદના ટેકેદારોને સત્તા ન સોંપી દેવાય!

સત્ર અધ્યક્ષ રોહીત શુક્લ–

મારા ચીંતન મુજબ ધાર્મીક ઉગ્રરાષ્ટ્રવાદી પરીબળોનો સામનો આપણે માનવવાદી મુલ્યો, રેશનાલીઝમ અને વૈજ્ઞાનીક અભીગમો સમાજમાં મોટા પાયે વીકસાવી અને વીસ્તારી ને જ કરી શકીએ. જે લોકોને છેલ્લા વીસ પચીસ વર્ષના  ભાજપી ગુજરાતના રાજકારણનો અનુભવ છે તે બધા માટે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રવાદી પરીબળોને સમજવા મુશ્કેલ નથી. અમેરીકાના પ્રમુખ તરીકે ટ્રમ્પે જે સ્રી ઓ વીષે જે ગંદી અને બીભત્સ વાતો કરી છે તે મારા જેવા માટે બોલી કે લખીને તેનું વર્ણન કરવું પણ અયોગ્ય લાગે છે. રાજયને પોતાના વીચારો પ્રમાણે હાઇજેક કરીને તેઓએ એવો બોલકો શક્તીશાળી વર્ગ પેદા કરી દીધો છે કે તેમાં સમાજના વીકાસની દોડમાં પાછળ રહી ગયેલા ગરીબો, આદીવાસી, દલીત અને અસંગઠીત વર્ગોના અસ્તીત્વને જ નામશેષ કરવા રાજય સત્તાનો મોટેપાયે ઉપયોગ કરવા માંડયો છે. રાજય સત્તાની મદદથી તે બધાએ શીક્ષણ અને આરોગ્યની જાહેર સેવોઓને કચડી નાંખી છે.  તેમના વીકાસનું મોડેલ  અંગ્રેજીમાં જેને ' જોબલેસ ગ્રોથ' રોજગારીની તકોનું સર્જન કર્યા સીવાયનો વીકાસ છે.. જેનું પરીણામ દેશ અને દુનીયામાં ભયંકર આર્થીક આવક અને તકોની અસમાનતામાં પેદા થવા માંડયું છે. રાજકીય સત્તાની સાથે સંપત્તી અને આવકનું ખુબજ થોડા લોકોના હાથમાં કેન્દ્રીકરણ થવા દેવું તે તંદુરસ્ત સમાજની નીશાની નથી. તે તો માંદા સમાજ ( સીક સોસાયટી)નું સર્જન કરશે. તે તો લોકશાહી મુલ્યો અને સંસ્થાઓને પોતાના નીજી હીતો સાધવા બલીનો બકરો બનાવશે અને તે પણ પ્રજાના ટેકા સાથે! તે બધાને લોકશાહી વ્યવસ્થા સીવાયનો રાષ્ટ્રવાદ ખપે છે. મારૂ તારણ છે કે કદાચ આવો રાષ્ટ્રવાદ વૈશ્વીકરણના હકારાત્મક પ્રવાહોને પણ રૂધીં નાંખશે.

 


--