(5) રાષ્ટ્રવાદ અને રાજ્દ્રોહ-
રાજ્યદ્રોહ એ શબ્દ દીલ્હીની કનૈયાકુમારવાળી જેએનયુની ઘટનાથી વધારે પ્રચલીત થઇ ગયો છે. એક જમાનામાં આપણા દેશમાં બ્રીટીશ સરકારે રાષ્ટ્રીય નેતાઓ તીલક અને ગાંધીજીને પોતાના મુખપત્રો અનુક્રમે 'કેસરી' અને ' યંગ ઇંડીયા'ના લખાણો માટે આ ગુના હેઠળ બંનેને સજા ફટકારી હતી. સને ૧૯૦૮માં તીલકે તેના પ્રત્યાઘાત રૂપે જેલ જતાં પહેલાં એવું કહ્યું હતું કે મારા મત મુજબ આખો દેશ જ તમારા રાજ્યમાં જેલ બની ગયો છે. હું તો મોટી જેલમાંથી નાની જેલમાં જઉ છું. ગાંધીજીએ સને ૧૯૨૨માં આ ગુના હેઠળ જેલમાં જતાં પહેલાં પોતાની પ્રતીક્રીયા આપી હતી કે ' હું આ શેતાની સરકાર સામે વીરોધ કરવામાં ગૌરવ અનુભવુ છું.'
ખુબજ દુ;ખની વાત એ છે કે આ આઝાદ દેશની સરકાર, ૭૦ વર્ષ પછી પોતાના ૧૯–૨૦ વર્ષના જુવાન વીધ્યાર્થીઓને પોતાની યુનીવર્સીટીના કેમ્પસમાં દેશ સમક્ષની સમસ્યાઓ માટે જે બધાનો મત સરકારી મતથી જુદો છે, વીરોધી છે, અસંમતી ધરાવતો છે તે સંદર્ભમાં સુત્રો પોકારવા માટે રાજ્યદ્રોહની કલમ નીચે અટકાયત કરવામાં આવે છે.
આ રાજ્યદ્રોહના કાયદાની ઘણી ચર્ચાઓ ઘણા લાંબા સમયથી ચાલતી આવી છે. દેશના પ્રથમ વડાપ્રધાન નહેરૂજીનો તેની સામે સખત વીરોધ હતો. તેઓના મત મુજબ આ રાજ્યદ્રોહના કાયદાનું આપણા દેશમાં કોઇપણ પ્રકારનું સ્થાન ન હોવું જોઇએ. સને ૧૯૬૨ની બંધારણીય બેન્ચે રાજ્યદ્રોહ કોને કહેવાય તેના મુદ્દાઓ આપ્યા છે. (૧) દેશમાં અંધાધુધી ( ડીસઓડર બેઝડઓન ઇન્ટેનશન ઓર ટેન્ડન્સી) ફેલાવવાનો હેતુ કે વલણ, (૨) કાયદો અને વ્યવસ્થાના સંચાલનમાં ખલેલ પેદા કરવી, (૩) હીંસા કરવા અન્યોને ઉશ્કેરવા. પણ તેમાં ક્યાંય સરકારની ટીકા કરવા જોરદાર,અને શક્તીશાળી શબ્દોનો ઉપયોગ કરી ભાષણ કરવું (વેરી સ્ટ્રોંગ સ્પીચ એન્ડ વીગરસ વર્ડસ') તેવું ક્યાંય સમાવવામાં આવ્યું નથી.
ઉપરની વૈચારીક સ્પષ્ટતા પછી ખબર પડે છે કે કડક શબ્દોમાં સરકારની ટીકા કરવી અને લોકોને અંધાધુધી ફેલાવવા ઉશ્કેરવા વચ્ચે કેટલો મોટો તફાવત છે. ખરેખર આપણે જેએનયુના કનૈયાકુમારના સુત્રો પોકારવાના બનાવને આ દાયરામાંથી મુલ્યાંકન કરવાની જરૂર છે.જેએનયુના વીધ્યાર્થીઓએ ધારોકે રાષ્ટ્રવીરોધી સુત્રો બોલાવ્યા હોય, સરકાર સામે ધીક્કાર, ઘૃણા,અનાદર બતાવવા કડક શબ્દોમાં ટીકા કરી હોય તેથી રાજ્યદ્રોહનો ગુનો બની શકે નહી. ફરી જસ્ટીસ શાહ સાહેબ કાયદાવીદ્ ઉપેન્દ્ર બક્ષીના સરસ અને ખુબજ તાર્કીક વીભાવનાઓનો ઉલ્લેખ કરે છે. તે છે બંધારણીય રાષ્ટ્રપ્રેમ અને સરકારી રાષ્ટ્રપ્રેમ.( CONSTITUTIONAL pATROTISM & STATIST PATROTISM).આ મુદ્દે મને દીલ્હી હાઇકોર્ટ ' જામીન હુકમ' માં જે શબ્દો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદ ખ્યાલના ટેકામાં વાપર્યા છે તે બીનજરૂરી છે.
આ સંદર્ભમાં ગાંધીજીએ કહ્યું છે કે કોઇના પ્રત્યે મમતા, કે પ્રેમ કારખાના ઉત્પાદનના એકમની માફક પેદા કરી શકાતો નથી. અથવા તો કાયદાથી તેનું નીયમન કરી શકાતું નથી. કોઇપણ હીંસા કે અંધાધુધી માટે ઉશ્કેરયા સીવાય વર્તમાન સરકાર સામે ચોક્કસ વીરોધ, અસહકાર,અને રાજકીય અસંતોષ વ્યક્ત કરી જ શકાય છે. જે લોકો જેવા કે જેએનયુના વીધ્યાર્થીઓ, બીનાયક સેન કે હાર્દીક પટેલ, કે પછી અરૂંધતીરોય જેવી લેખીકા કે પછી તામીલનાડુમાં અણુપ્રોજેકટ પોતાના રાજ્યમાં ન નાંખવા ચળવળ ચલાવતા કર્મનીષ્ઠો આ બધા દેશની કાયદાકીય રીતે અસ્તીત્વમાં આવેલ રાજ્યને ઉથલાવી પાડવા માંગતા નથી. પણ તેમનો વીરોધ વર્તમાન સત્તાધીશ સરકારની નીતીઓ સામે છે. જો આ બધી પ્રવૃત્તીઓ કરતા સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરાય તો તે કાયદાનું ખોટું અર્થઘટન અને અયોગ્ય અમલનું વરવું પ્રદર્શન છે. રાજદ્રોહના ગુનામાં ભલે કોઇને નીર્દોષ સાબીત કરવામાં આવે પણ તે ફોજદારી ગુનાની પ્રક્રીયામાંથી પસાર થવું તે જ મોટી શીક્ષા છે. અને આવા રાજદ્રોહના કેસો સત્તાધીશ સરકારની નીતીઓ સામે લોકશાહી ઢબે પણ વીરોધ કરવા ભય, ડરનું વાતવરણ પેદા કરે છે. તે તો આ સત્તાધીશોને જોઇતું હોય છે.
આવો ભય નાગરીકોને પોતાના વાણી સ્વાતંત્રય અને અભીવ્યક્તીના સ્વાતંત્રયના બંધારણીય હક્ક પર દેખીતી તરાપ છે. તે એક અનધીકૃત સેન્સરશીપનું જ કામ કરે છે. તેથીજ આ રાજદ્રોહના કાયદાને સંપુર્ણ નાબુદ કરી દેવાની જરૂર છે.( That is why the law needs to be repealed) જો કે કોઇ સરકારો આ કાયદા દ્રારા મળતી સત્તા છોડવાના નથી. પરંતુ તેથી જ દેશના ન્યાયતંત્રે આ કાયદાની બંધારણીય પ્રસતુતાને ફેર તપાસવાની જરૂર છે. આપણે ચારપાંચ વર્ષ પછી આ કાયદા હેઠળનો આરોપી નીર્દોષ છુટે તે પુરતું નથી. પણ આપણે આ કાયદાના ભય હેઠળ સરકાર પ્રજાને તેની નીતીઓ અને કાર્યક્રમોનો વીરોધ કરતાં ડરાવે છે, કૃત્રીમ નૈતીક નીયંત્રણ પેદા કરે છે, તે સત્તાના આધાર ને જ દુર કરવાની જરૂર છે. બ્રીટને સને ૨૦૦૯માં આ રાજદ્રોહનો કાયદો તથા ધાર્મીક નીંદા અને માનહાનીના કાયદા રદ બાતલ કરી નાંખ્યા છે.
(6) રાષ્ટ્રવાદ અને વીશ્વવીધ્યાલયોમાં મોકળાશનું વાતવરણ–
આ દેશમાં ફેબ્રઆરી માસ જાણે સરકારી વીરોધને દબાવી દેવાની સીઝન હોય તેમ અનુભવાય છે. સને ૨૦૧૬ના ફેબ્ર્આરીમાં જેએનયુ અને આઝાદીના વીરોધને કચડી નાંખવા સરકાર મેદાને પડી હતી. આ વર્ષે ફેબ્રુઆરી ૨૦૧૭માં આપણે રામદાસ–દીલ્હી યુનીવર્સીટીના વીરોધ સામે સત્તાધીશોનું વલણ જોયું. વીશ્વવીધ્યાલયો આપણા બૌધ્ધીક મતભેદો કે મતમતાંતરોને મોકળાશથી ચર્ચા અને ઉકેલવાના સ્થળો છે.તે વૈચારીક વીરોધોને સંવર્ધન કરી સંવાદ અને માહીતીઓને આધારે સત્ય શોધવાનાં એકમો છે. ખરેખર વીશ્વમાં તે યુનીવર્સીટીઓ શ્રૈષ્ઠ કહેવાય જ્યાં મુક્ત વીચાર,વૈચારીક અસંમતી વીધ્યાર્થીઓ, પ્રોફેસરો અને વહીવટી તંત્રમાં હોય. ગમેતે કારણસર આ દેશમાં એવી મોકળાશને સત્તાતંત્રો પડકાર ગણે છે. હૈદ્રાબાદ યુની.ના રોહીત વેમુલા, જેએનયુના કનૈયાકુમાર અને દીલ્હી યુની.રામદાસ કોલેજના બનાવો અંગે સત્તાધીશોના વલણો અને પગલાં આપણને થોડામાં ઘણું બધું કહી જાય છે.
રામદાસ કોલેજની ગુલમેહર કૌર નામની ૨૧ વર્ષની વીધ્યાર્થીનીએ પોતાના એક વીડીયોમાં પ્લેકાર્ડ સાથ જણાવ્યું કે ' હું એબીવીપીથી ગભરાતી નથી. મારા પીતાજીને પાકીસ્તાને મારી નાંખ્યા નથી. પણ તે બે દેશો વચ્ચેના યુધ્ધમાં તે મૃત્યુ પામ્યા છે. યુધ્ધ ન હોત તો મારા પીતાજી આજે જીવતા હોત! તેથી હું યુધ્ધનો વીરોધ કરૂ છું. '
આ વીડીયો દેશ ભરમાં વાયરલ થઇ ગયો. પછી તો દેશના ક્રીકેટરોથી માંડીને સીનેમાના એકટરો,અને રાજકારણીઓ બધાજ તે છોકરીની વીરૂધ્ધમાં ટીકા કરવા મેદાને પડી ગયા. ત્યારબાદ ગુલમહોર કૌરની દશા એવી થઇ કે તેના પર સોસીયલ મીડીયા દ્રારા તેને ધમકી, હીંસા અને ધીક્કાર વરસાવવામાં આવ્યો. તેને પોલીસનું રક્ષણ આપવું પડયું અને આવી મજબુર સ્થીતીમાં દીલ્હી છોડીને પોતાના વતનમાં જતું રહેવું પડયું. શું આપણે એક દેશ તરીકે એવી અસલામત સ્થીતીએ પહોંચી ગયા છે કે ૨૧વર્ષની છોકરીના અભીપ્રાય સામે આવો હીંસક પ્રતીભાવ દેખાડવો પડે? દેશના ગૃહપ્રધાન સોસીલ મીડીઆ પર એવી ટીવ્ટ કરે છે કે આ ૨૧ વર્ષની છોકરીની બુધ્ધીને કોણ ભ્રષ્ટ કરે છે? ( Who is polluting this young girl's mind?) જે રાજ્ય વાણી સ્વાતંત્રયને વ્યક્ત કર્યા પછી બચાવી ન શકે તે વાણી સ્વાતંત્રય નો શું અર્થ?
આવી હીસાં અને કેટલાક નક્કી કરેલા ટોળાની દાદાગીરી સામે પોલીસ અને સરકારી તંત્રની નીષ્ક્રીયતા તે વીધ્યાર્થી જગતમાં માનસીક ભય ( ફીયર સાયકોસીસ) પેદા કરે છે. જો તેનો ઉપાય તાત્કાલીક નહી કરવામાં આવે તો દેશની એક આખી વીધ્યાર્થી પેઢી 'યસ મેન' ની બની જશે. જ્ઞાનના ક્ષેત્રે અસંમતીનો અવાજ ( વોઇસ ઓફ ડીસેન્ટ) રૂંધાઇ જશે. સર્જનાત્મક ચીંતન અને નવી શોધખોળ માટેનું વાતાવરણ જ ઠુંઠવાઇ જશે. ગુગળાઇ જશે. રાષ્ટ્રનો આર્થીક વીકાસ અટકાઇ જશે અને સાથે સાથે દેશનું લોકશાહી નેતૃત્વ પણ ખતમ થઇ જશે.