Thursday, May 4, 2017

(1) આપણા લોકશાહી મુલ્યો (2)ધર્મનીરપેતા એક બંધારણીય મુલ્ય

આપણા લોકશાહી મુલ્યો – ઉત્તમ પરમાર.

મારા મત મુજબ જે રાજ્ય ધર્મનીરપેક્ષ ન હોય તે રાજ્યવ્યવસ્થા લોકશાહી હોઇ જ ન શકે.માનવ તરીકે મારા વીકાસ માટે રાજ્યનું ધર્મનીરપેક્ષ હોવું અનીવાર્ય છે. આપણા સત્યનો આધાર રેશનલ અભીગમ હોવો જોઇએ. તેમાં નીત નવી માહીતી મળતાં તેમાં પણ ફેરફારો થવા જોઇએ.ધાર્મીક સત્યનો આધાર કાંતો કોઇ દૈવી કે પયગંબરી સંદેશ હોય છે . ઘણીવાર તેનો આધાર જે તે ધર્મના અનુયાઇના ધર્મપુસ્તકનો આધાર હોય છે.ધાર્મીક સત્યમાં ચર્ચા અસ્થાને છે. ધાર્મીક સત્યો નવા જ્ઞાન કે માહીતીને અવગણે છે. મારા મત મુજબ એક પ્રજા તરીકે ભારતીય સંસ્કૃતીના આજે તેના ખરાબમાં ખરાબ કાળમાંથી પસાર થઇ રહી છે. રેશનલ સત્યશોધન પ્રવૃત્તી મારા મત મુજબ એ વ્યક્તીગત પ્રવૃત્તી છે. રેશનાલીઝમ, ધર્મનીરપેક્ષતા અને લોકશાહી મુલ્યો આધારીત માનવીય સંઘર્ષ કરવાનો સમય આવ્યો હોય તો તે વર્તમાન સમય છે. કારણકે વર્તમાન  સત્તાકીય રાજ્યશાસન વ્યવસ્થાએ આપણને સરસ રીતે સમજાવી દીધુ છે કે દેશમાં કાયદાનું શાસન ન હોય તો શું થાય કે ધર્મનીરપેક્ષતા ન હોય તો શું થાય? આજની કટોકટીના સંદર્ભમાં ઉપર જણાવેલા મુલ્યો માટે ઝઝુમવું એજ જીવનની સાર્થકતા છે.

ગુજરાતની મહાજન સંસ્કૃતીના બહુગાન ગવાય છે ત્યારે આપણે સમજવું જોઇએ કે આ આખી કહેવાતી સંસ્કૃતીના બેવડા ધોરણો છે.તેમનું પોતાના કર્મચારી અને અન્ય વર્ગ સાથેનો વ્યવહાર બીલકુલ દંભી ને સંપુર્ણ શોષણખોર જ હોય છે. આ મહાજનો વાતો ઇશ્વરની કરે અને વર્તન બીલકુલ તેની વીરૂધ્ધનું કરે. આ મહાજનો ધર્મગુરૂઓ અને સરકારો સાથે એમ ઓ યુ કરે અને વ્યક્તીગત જીવન સંપુર્ણ શોષણખોર જીવન જીવે. પોતાના નોકરોને લઘુતમ વેતનધારો નહી ચુકવે. તે તો આપણા મહાજનોનું ચારીત્રય છે. આવું તો આ મહાજનોના લક્ષણો છે. ' આ દેશ મહાદંભીઓનો દેશ છે.' આ બધાની કાર્યશૈલી તો જુઓ. સંવેદનાવીહીન માનવીય શોષણ કરીને સંવેદનાવીહીન સંપત્તી ભેગી કરવાની. અને પછી આવી રીતે ભેગી કરેલી સંપત્તીમાંથી કટકો– બટકો દાન કરીને વાહવાહ  કરવી અને કરાવવી. મારી દ્રઢ માન્યતા થઇ ગઇ છે કે માનવ મુલ્યો આ બધા કહેવાતા ધર્મધુરંધરોમાંથી પેદા થતી નથી. પણ રેશનલ અભીગમમાંથી પેદા થયેલી માનવીય અનુકંપામાંથી જ પેદા થાય છે.

આપણા ગુજરાતમાં જ્યારે જ્યારે લોકશાહી મુલ્યો જેવાકે સમાનતા, બંધુતા અને વંચીતોએ પોતાના બંધારણીય અધીકારોને અમલમાં મુકવાના પ્રયત્નો કર્યા છે ત્યારે ત્યારે સ્થાપીત હીતોએ તેને દબાવી દેવા પ્રત્યાઘાતી આંદોલનો ઇરાદપુર્વક ઉભા કરીને વ્યાપક લોકહીતની ચળવળોનો ખાત્મો બોલાવી દીધો છે.

બીનસાંપ્રદાયીકતા– આપણું એક બંધારણીય મુલ્ય– વક્તા અશ્વીન કારીઆ.

બીનસાંપ્રદાયક્તા શબ્દ માટે બંધારણમાં અંગ્રેજીમાં શબ્દ વપરાયો છે ' Secularism'.   જેનું કાયદાકીય ભાષામાં તરજુમો થાય  છે. ' ધર્મનીરપેક્ષતા' આ શબ્દના ત્રણ અર્થ થાય છે. એક અધાર્મીક્તા જેને અંગ્રેજીમાં કહે છે ' Non- religious'. બીજો અર્થ થાય છે રાજ્ય અને ધર્મ વચ્ચે સંપુર્ણ વીયોજન, અંગ્રેજીમાં કહે છે ' Complete separation between the state & religion.  ત્રીજો અર્થ છે આ જગતને લગતું અથવા દુન્યવી અંગ્રેજીમાં કહે છે ' This worldly' ( the state affairs related to people's welfare).

  આધુનીક લોકશાહી રાજ્યની રચના બંધારણના ઉદ્દેશ મુજબ લોકકલ્યાણ માટે કરવામાં આવી છે. રાજ્યનું સંચાલન કાયદાના શાસન( રૂલ ઓફ લો) મુજબ કરવામાં આવે છે. રાજ્યને પોતાનો કોઇ ધર્મ હોતો નથી. વધુમાં રાજ્ય કોઇ ધર્મનું પ્રતીનીધીત્વ કરતું નથી. રાજ્ય પોતાની વસ્તીના દરેક સભ્યને નાગરીક ગણે છે. રાજ્યના મતમુજબ તેના પ્રજાજનની ઓળખ માત્ર ને માત્ર નાગરીક તરીકેની જ છે. તે સીવાયની કોઇ ઓળખ ન હોઇ શકે. રાજ્ય ધર્મનીરપેક્ષ હોવાથી રાજ્યનો કોઇપણ પ્રતીનીધી રાષ્ટ્રપ્રમુખથી માંડીને કોઇપણ ચુંટાયેલો પ્રતીનીધી અને રાજ્યનો કર્મચારી હોદ્દાની રૂએ કોઇ ધાર્મીક પ્રવૃત્તીમાં ભાગ ન લઇ શકે. તેમજ તેવી ધાર્મીક પ્રવૃત્તીઓને ટેકો કે સમર્થન પણ ન આપી શકે.

સામાન્યરીતે બંધારણ મુજબ આવું રાજ્ય જ ધર્મનીરપેક્ષ રાજ્ય હોઇ શકે. આપણા રાજ્યની આ મુલ્યને આધારે મુલવણી કરીએ તો એમ સતત  અનુભવાય છે કે દેશમાં બંધારણના આ બીનસાંપ્રદાયીક મુલ્યનો ઉઘાડો અથવા છડેચોક સતત ભંગ થતો આવ્યો છે. દેશમાં એવું વાતવરણ વ્યવસ્થીત રીતે પેદા કરવામાં આવ્યું છે કે જે લોકો ધાર્મીક હોય તે જ નૈતીક હોય અને જે બીનસાંપ્રદાયીક હોય તે અનૈતીક. આની સામે એક શાયરે પોતાની ગઝલમાં લખ્યું છે કે સરકારી કચેરીમાં 'ટેબલે ટેબલે માતાજી તોય મફતનું ખાતાજી.'

 કારીઆ સાહેબે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય દેશના કોઇપણ નાગરીક્ને પોતાનો ધર્મ કયો છે તે જણાવવાની ફરજ ન પડાવી શકે નહી.તે અંગે તેઓએ દેશની કેટલીક હાઇકોર્ટના ચુકાદાઓ જણાવ્યા હતા.

 

 


--