Friday, May 19, 2017

વાણી સ્વાતંત્રય,બંધારણ અને ન્યાયતંત્ર.

(3) વાણી સ્વાતંત્ર્ય,બંધારણ અને ન્યાયતંત્ર

' સને ૧૯૨૫માં ગાંધીજીએ પોતાના મુખપત્ર " યંગ ઇન્ડીયા" માં લખ્યું હતું કે વાણીસ્વાતંત્ર્ય અને મંડળી અથવા સમુહમાં મુક્ત રીતે એકત્ર થવાના પ્રાથમીક અધીકારોને આપણે પ્રથમ ગમે તેટલા બલીદાન આપીને પણ પ્રાપ્ત કરી લેવા જોઇએ." મુક્ત વાણી બોલવાથી કોઇની લાગણી ઘવાતી હોય તેથી તેથી તેના પર હુમલો ન થઇ શકે અથવા તેના પર નીયંત્રણ મુકી શકાય નહી. તેઓના મત પ્રમાણે મંડળી અથવા કોઇ સંસ્થા રચીને તેના સભ્યોને ક્રાંતીકારી યોજના બનાવવાની ચર્ચા કરવાનો અધીકાર પણ હોવો જોઇએ. આપણા દેશની આઝાદીની ચળવળના ગાંધીજીની પહેલાંના રાજારામ મોહન રાય અને બાળગંગાધર તીલક જેવા રાષ્ટ્રીયનેતાઓએ પણ નાગરીક સ્વાતંત્રયને (સીવીલ લીબર્ટીઝ) આઝાદીની ચળવળનો અનીવાર્ય એક ભાગ ગણતા હતા. તેથી જ ભારતના બંધારણના ઘડવૈયાઓએ આ બધા અધીકારોને બંધારણના મુળભુત અધીકારો તરીકે તેમાં આમેજ કરેલા છે. જેમ બંદગી કે પુજા કરવાનો બંધારણીય મુળભુત અધીકાર છે તેવી રીતે જ આધુનીક લોકશાહીની ઇમારત બનાવવા અને તે ઇમારતને ટકાવી રાખવા અભીવ્યક્તીનું સ્વાતંત્રય, વાણી સ્વાતંત્રય અને મંડળી રચી ને  એકત્ર થવાની સ્વાતંત્રતા અનીવાર્ય છે. આપણું બંધારણ ખરેખર દુરંદેશી દ્રષ્ટીવાળું  આધુનીક માનવમુલ્યોથી બનેલું હકારાત્મક બંધારણ છે. જે તેના નાગરીકની અપેક્ષાઓ સંતોષી શકે તેમ છે. માનનીય બંધારણવીદ્ ફલી નરીમાને એક નોંધમાં જણાવ્યું છે કે બંધારણસભાના ૨૯૯ સભ્યોમાંથી ૨૫૫ સભ્યો હીંદુ હોવા છતાં આવું ધર્મનીરપેક્ષ, લોકશાહી બંધારણ ઘડીને લઘુમતીઓ, સામાજીક રીતે સદીઓથી દબાયેલા કચાડાયેલા વર્ગો અને વીરોધી મતો રજુ કરનારાના હીતો જળવાઇ શકે તેવું બંધારણ ઘડી શક્યા છે. આવા ભવ્ય અને સર્વાગ્રહી બંધારણમાં આમેજ કરેલા વાણી સ્વાતંત્રય અને અભીવ્યક્તીના સ્વાતંત્રય ને રક્ષણ કરવાની જવાબદારી દેશની સર્વોચ્ચ અદાલતને સોંપી છે.   

(4) વાણી સ્વાતંત્રય અને ન્યાયતંત્ર–

દેશની સર્વોચ્ચ અદાલતે વારંવાર પોતાના ચુકાદાઓમાં જણાવ્યું છે કે વાણી અને અભીવ્યક્તીના સ્વાતંત્રયના પાયા ઉપર જ બધીજ લોકશાહી સંસ્થાઓની ઇમારત ઉભી છે. મુક્ત રાજકીય ચર્ચા તો સમાજને રાજકીય શીક્ષણ પુરુ પાડે છે. જેનાથી સરકારી સંસ્થામાં નીર્ણય કરવાની પ્રક્રીયા સરળ અને મજબુત બને છે.વાણી સ્વાતંત્રય તો વ્યક્તીઓમાં સ્વંયશીસ્ત અને સ્વયંસીધ્ધ કર્યાનો આત્મસંતોષ વીકસાવે છે. આ મુલ્યથી સત્યનું રક્ષણ થાય છે અને તે સમાજમાં સરકારની નીરંકુશ સત્તા સામે ચોકીદાર (વોચડોગ)નું કામ કરે છે. અમેરીકન જસ્ટીસ હોલ્મસનું પ્રખ્યાત વાક્ય ક્વોટ કરીને જણાવે છે કે વાણી સ્વાતંત્રયનું મુલ્યતો ' વીચારોનું બજાર ( માર્કેટ પ્લેસ ઓફ આઇડીયાસ ) છે.' જ્યારે ઘણી સંઘર્ષમય માન્યતાઓ અને ખાસ કરીને ધાર્મીક માન્યતાઓ મુક્તરીતે સત્યની શોધમાં એકબીજા સામે ટકરાય છે ત્યારે વાણી સ્વાતંત્રયજ મુક્તવીચારોના બજારમાં સત્ય શોધવાનું માધ્યમ બની જાય છે. સત્યનો આધાર તો મુક્ત બજારના વીચારોની તાકાત પર અવલંબીત છે. આવી રીતે સંપન્ન થયેલું સત્ય જ ટકી રહે છે.

વાણી સ્વાતંત્રયનું મુલ્ય લોકશાહી આદર્શોને ચરીતાર્થ કરવા માટે તે સમાજના સર્વપ્રકારના વ્યવહારોનું આંતરીક મુલ્ય અને સંસ્થાકીય વ્યવહાર બનવો જોઇએ. લોકશાહીમાં એ બીલકુલ જરૂરી નથી કે તેનો દરેક નાગરીક એક જ પ્રકારનું વાજુ વગાડે. વાણી સ્વાતંત્ર્ય દ્રારા રજુકરવામાં આવેલા વીચારોનો જવાબ બોલનારનું મોઢું સીવી લઇને ન અપાય! પણ જે તે માણસે રજુ કરેલા વીચારો સાથે સંવાદ અને વધુ નવી માહીતીની આપ લે કરીને જ અપાય. કાયદાવીદ્ ઉપેન્દ્ર બક્ષીના મત  પ્રમાણે તો 'નૈતીક પોલીસ'નું બંધારણીય રાજ્ય વ્યવસ્થા અને લોકશાહીમાં કોઇ સ્થાન જ નથી. વાણી સ્વાંતંત્રયના અધીકારનું રક્ષણ કરવાની જવાબદારી ફકત ન્યાયાલયોની જ નથી. તે જવાબદારી લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં અસ્તીત્વમાં આવેલ સંસ્થાઓ અને  મીડીયા જેવા અભિવ્યક્તીના સાધનોની પણ છે. ઘણીવાર ફીલ્મ સેન્સર બોર્ડ પોતાના અધીકારની રૂએ પોતાની કાતર(વાણીસ્વાતંત્રયના અધીકાર પર બીલકુલ ગેરબંધારણીય અને ગેરકાયદેસર રીતે કોઇ બહારના દબાણોને વશ થઇને કે લોકલાગણીની ટોળાશાહીનો ભોગ બનીને) ફેરવી નાંખે છે.

         અખબારી સ્વાતંત્ર્ય તો બંધારણે બક્ષેલા વાણીસ્વાતંત્ર્યના અધીકારનો એક મહત્વનો અનીવાર્ય ભાગ છે.અખબારી આઝાદીતો સમાજમાં જુદા જુદા વીચારો રજુ કરીને ફેલાવવાનું એક અગત્યનું માધ્યમ છે. તે તો લોકશાહી રાજ્ય અને સમાજવ્યવસ્થાના અંગોને ધબકતી રાખતી ધોરી નસ છે. આધુનીક મીડીયા અને ઇન્ટરનેટ જેવા માધ્યમો તો ખાસ સત્તાધીશોની હકુમતથી તો સંપુર્ણ નીયંત્રણ મુક્ત જ હોવા જોઇએ. તો જ તે બધા સરકારી સત્ય સામે વાસ્તવીક સત્યો મેળવી શકે.

આજના જમાનમાં મોટાપાયે પ્રજામતને શક્તીશાળી રીતે અસર કરી શકે તો તે આધુનીક મીડીયાના સાધનો છે.કમનસીબે છેલ્લા થોડા સમયથી આજ મીડીયાએ એક તરફી પુર્વગ્રહવાળા વીચારો ફેલાવવાનું શરૂ કરીને અખબારી સ્વતંત્રતાને પોતાના બાનમાં લઇ લીધું છે.એક ન્યુઝચેનલ બનાવટી અને ઉપજાવી કાઢેલા સમાચારોની ખાસ નીચેની લાઇનોમાં 'ફુટએજ' મુકે છે.બીજી ચેનલો રાષ્ટ્રવાદ અને દેશપ્રેમને ભડકાવતા અને રાષ્ટ્રવીરોધી ( એન્ટી–નેશનલ) સમાચારો મુક્યા કરે છે. જે મીડીયાએ સને ૧૯૭૫ની કટોકટીના સમયે પ્રજા સમક્ષ અભીવ્યક્તીના આઝાદી માટે લાંબી લડત આપી હતી, તેજ મીડીયા દેશના સ્થાપીત હીતોનું માઉથપીસ બની ગયું છે.

 આજે દેશમાં એવું સોસીઅલ મીડીયા સક્રીય બન્યું છે જે પોતાને ન ગમે તેવા વીચારને રાષ્ટ્ર વીરોધીનું લેબલ મારીને તે વીચારો સોસીઅલ મીડીયાપર મુકનારાઓને ખુન, બળાત્કાર વી. ની ધમકીઓ આપે છે.

ધર્મનીંદા, રાજ્યદ્રોહ અને બદનક્ષી જેવી ગુનાહીત કાયર્વાહીઓ દેશના કર્મનીષ્ઠો, સત્તાપક્ષ વીરોધી મત રજુકરનારા અને રાજકીય કાર્ટુનીસ્ટઓ સામે તે બધાના અવાજને દબાવી દેવા અને હેરાન કરવા માટે ભરપેટ ઉપયોગ કરવા માંડયો છે. આ સત્તાપક્ષની આવી રીતરસમો લાંબાગાળે લોકશાહીને ખુબજ ઘાતક નીવડે છે. આવી ધમકીઓ અને તેની કાતીલ (ચીલીંગ ઇફેક્ટ)અસરો અભીવ્યક્તીની આઝાદીનું ગરદન જ ટુંપાવી નાંખે છે.આવો ઇરાદાપુવક ફેલાવવામાં આવતો રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમનો ડીબેટ, પ્રજાના પાયાના મુદ્દાઓ જેવાકે બેરોજગારી અને અન્ય આથીક પ્રશ્નોની મુંઝવણોને અપ્રસતુત બનાવી દે છે.

 


--